નવી મુંબઈ ઍરપોર્ટ દેશના વિકાસ માટેની મહત્ત્વની સીડી બનશે

08 January, 2026 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોડ, રેલ, મેટ્રો અને વૉટર-ટૅક્સી જેવી સુવિધાઓથી નવી મુંબઈ, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી પહોંચવું સરળ બનશે જે અગાઉ સરળ નહોતું

ભાવિન શાહ ઇન્ડસ્ટ્રિયલ ઑટોમેશન પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર છે અને હર્ષ ઇલેક્ટ્રિક કૉર્પોરેશનના પ્રોપ્રાઇટર છે.

ભારતનું નવું ગ્રીનફીલ્ડ વિમાનમથક નવી મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (NMIA) શરૂ થઈ ગયું છે. એ દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે જ નહીં; રોજગાર, ઇન્ટરનૅશનલ કનેક્ટિવિટી, બિઝનેસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. નવી મુંબઈમાં શરૂ કરવામાં આવેલા ઍરપોર્ટને કારણે હવે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરની ભીડ ઓછી થઈ જશે, અનેક ફ્લાઇટ્સમાં વિલંબ ઘટશે અને મુસાફરોને વધુ સુવિધા મળશે. બસ, લોકોને નવા ઍરપોર્ટનો ફાયદો અહીં સુધી જ દેખાઈ રહ્યો છે. જોકે હકીકતમાં નવા ઍરપોર્ટના શ્રીગણેશ બાદ દેશને અનેક પ્રકારે લાભ થવાના છે.

સૌથી પહેલાં તો ધીરે-ધીરે આ ઍરપોર્ટથી નવા-નવા ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય રૂટ્સ શરૂ થશે જેને કારણે મુસાફરોને વધુ વિકલ્પ મળશે. રોડ, રેલ, મેટ્રો અને વૉટર-ટૅક્સી જેવી સુવિધાઓથી નવી મુંબઈ, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી પહોંચવું સરળ બનશે જે અગાઉ સરળ નહોતું. આ તો થઈ કનેક્ટિવિટીની વાત, પણ રોજગાર અને આર્થિક વિકાસની વાત કરીએ તો જેમ-જેમ અહીં ફ્લાઇટ્સની અવરજવર વધશે તેમ-તેમ આ ઍરપોર્ટ પર નવા રોજગારનું નિર્માણ થશે. અત્યારે ઑલરેડી સેંકડો લોકોને અહીં રોજગાર મળવાનો શરૂ થઈ ગયો છે. ભવિષ્યમાં આ આંકડો હજારો સુધી પહોંચી જશે. પર્યટન, વેપાર, હોટેલ-ઉદ્યોગ અને લૉજિસ્ટિક્સ ક્ષેત્રમાં વિકાસ થશે જેને કારણે રાજ્ય અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનશે તથા કાર્ગો અને વેપારમાં લાભ થશે. જવાહરલાલ નેહરુ પોર્ટ નજીક હોવાથી આયાત-નિકાસ અને કાર્ગો ટ્રાન્સપોર્ટ વધુ ઝડપી અને સસ્તું બનશે. આથી ઉદ્યોગો અને વેપારીઓને મોટો ફાયદો થશે. હજી વાત પૂરી થઈ નથી.

ઍરપોર્ટના આગમન બાદ માત્ર ઉદ્યોગોને જ નહીં, પરિવહન અને માળખાકીય સુવિધાઓમાં પણ સુધારો થશે. ઍરપોર્ટ સાથે નવા રસ્તાઓ, મેટ્રો લાઇન અને રેલ-કનેક્ટિવિટી વિકસશે એનો લાભ સામાન્ય જનતાને મળશે અને તેમનો રોજિંદી મુસાફરીનો સમય ઘટશે. ઍરપોર્ટને કારણે આસપાસના વિસ્તારો જેમ કે રહેઠાણ, બિઝનેસ સેન્ટર, હોટેલ, IT પાર્ક અને બજારોનો વિકાસ થશે જેને કારણે જમીન અને મિલકતની કિંમત વધશે. ટૂંકમાં કહું તો નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ માત્ર મુસાફરી માટે જ નહીં; રોજગાર, વિકાસ, પરિવહન, વેપાર અને સમગ્ર મુંબઈ મહાનગર વિસ્તારના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.

columnists exclusive gujarati mid day navi mumbai airport