27 September, 2022 11:05 AM IST | Mumbai | Varsha Chitaliya
કલરફુલ આઉટ, ન્યુડ ઇનથિંગ
નવી સીઝનમાં ગરબે ઘૂમતી ગોરીઓ મિનિમમ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી પોતાની ફેશ્યલ બ્યુટીને એન્હાન્સ કરી રહી છે એવું ચિત્ર નોરતાંના પહેલા જ દિવસે જોવા મળ્યું. હવે પછીના દિવસોમાં તમે પણ ન્યુડ મેકઅપ અને મિનિમલ ટેટૂના ટ્રેન્ડને ફૉલો કરવા માગતા હો તો એક્સપર્ટે શૅર કરેલી ટીપ્સ તમારા કામની છે
ન્યુડ લુકમાં કાજલ અને બિંદી સિવાયની પ્રોડક્ટ્સ વાપરવાની જરૂર નથી પણ રાસગરબા રાતl થતા હોવાથી તમે મેકઅપમાં ગ્લિટર ઍડ કરી શકો છો.
નવલી નવરાત્રિ શરૂ થઈ ગઈ છે. ફેસ્ટિવ સીઝનનો લુક હટકે હોવો જોઈએ. તેથી જ દરેક ઉંમરની મહિલાઓ નવરાત્રિ દરમ્યાન ઘેરદાર ઘાઘરા જેટલું મહત્ત્વ મેકઅપને આપે છે. મેકઅપ એવો હોવો જોઈએ જે તમારી બ્યુટીને એન્હાન્સ કરે અને રાસગરબાની રમઝટ દરમ્યાન પરસેવાથી ઊતરી પણ ન જાય. દરરોજ ડિફરન્ટ લુક મેળવવા મેકઅપ અને ટૅટૂ આર્ટિસ્ટના સ્ટુડિયોનાં બધાં બુકિંગ ફુલ થઈ ગયાં છે ત્યારે આ સીઝનમાં નવું શું ટ્રેન્ડમાં છે એ જાણી લો, જેથી હવે પછીના દિવસોમાં તમારા આઉટફિટ્સની સાથે બ્યુટી પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બને.
સિમ્પલી બ્યુટિફુલ
નવરાત્રિમાં મહિલાઓમાં પોતાના ઓવરઑલ લુક માટે ગજબનું એક્સાઇટમેન્ટ જોવા મળે છે. છેલ્લાં ઘણાં વર્ષથી ફેસ્ટિવ સીઝનમાં કલરફુલ મેકઅપની ડિમાન્ડ હતી. આલિયા ભટ્ટે એને બ્રેક કરી નવો ટ્રેન્ડ સેટ કર્યો છે. ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન બન્ને રૉલમાં આલિયાની સિમ્પલ બ્યુટી મહિલાઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અરપિતા મહેતાના લુકથી પણ અનેક યુવતીઓ ઇન્સ્પાયર્ડ થઈ છે. આ સીઝનમાં ચહેરાના ફીચર્સને એન્હાન્સ કરતો ન્યુડ મેકઅપ મહિલાઓની ફર્સ્ટ ચૉઇસ છે એવી જાણકારી આપતાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ આરાધના સિંહ કહે છે, ‘ટ્રેન્ડી લુક માટે આપણે સ્ટાઇલિંગને અનુસરીએ છીએ એવી જ રીતે બ્યુટીને હાઇલાઇટ કરવા લેટેસ્ટ મેકઅપ ટ્રેન્ડને ફૉલો કરવો પડે. ન્યુડ મેકઅપ એટલે મિનિમમ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી તમારા ચહેરાના કુદરતી સૌંદર્યને નિખારવું. કમ્પીલટલી ન્યુડ લુકમાં કાજલ અને બિંદી સિવાયના પ્રોડક્ટ્સ વાપરવાની જરૂર નથી પણ રાસગરબા રાતના સમયે થતાં હોવાથી ઘણી યુવતીઓ ન્યુડ મેકઅપમાં ગ્લિટર ઍડ કરી રહી છે. ભારતીય મહિલાઓની ત્વચા સાથે પીચ રંગનું બ્લશર મૅચ થઈ જાય છે અને ન્યુડ મેકઅપનો લુક આપે છે. આ પ્રકારના મેકઅપમાં લિપસ્ટિકના કલર્સની ચૉઇસમાં પણ વેરિયેશન આવ્યું છે. ટીનેજ ગર્લથી લઈને ૨૮ વર્ષની યુવતીઓમાં ન્યુડ પિન્ક અને ન્યુડ બ્રાઉન, ૨૮થી ૪૦ની ઉંમરની મહિલાઓમાં પિંક અને રૅડ શેડ્સ અને ૪૦ પ્લસમાં બ્રાઉન શેડ્સ પર્ફેક્ટ ચૉઇસ કહેવાય.’
નયનોનાં બાણ
ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખી નો મેકઅપ અથવા ન્યુડ મેકઅપને એક સ્ટેપ આગળ લઈ જવા આંખોની સુંદરતાને જુદી રીતે હાઇલાઇટ કરવી પડે. આઇ મેકઅપમાં મસ્કરાનો રોલ સૌથી મહત્ત્વનો છો એવું ભારપૂર્વક જણાવતાં આરાધના કહે છે, ‘આંખોની સુંદરતા વધારવા કલરફુલ આઇલાઇનરનું સ્થાન બ્લૅક મસ્કરાએ લઈ લીધું છે. સામાન્ય રીતે ભારતીય મહિલાઓની આઇલૅશેસ પાંખી અને ટૂંકી હોય છે. મસ્કરાનો ઉપયોગ કરી લૅશેસને ગાઢ અને લાંબી બતાવી શકાય છે. એનાથી તમારી આંખો મોટી દેખાય છે. અહીં થોડું ટ્વિસ્ટ ઍડ કરી શકાય. ચાહો તો આંખોની ઉપર બ્રાઉન અથવા સ્મોકી કલરનો આઇશેડો લગાવી શકાય. જો આંખોને હાઇલાઇટ કરવી હોય તો લિપ્સને ન્યુડ રાખવા. બન્નેમાં કલર યુઝ કરશો તો ન્યુડ મેકઅપ નહીં લાગે.’
ક્વિક ટિપ્સ
તમારામાં બેઝિક મેકઅપ સેન્સ હોય અને સેલ્ફ મેકઅપ કરવાનો અનુભવ હોય તો ૨૦ મિનિટમાં જાતે તૈયાર થઈ શકો છો. ન્યુડ મેકઅપ માટેની ટિપ્સ શૅર કરતાં આરાધના કહે છે, ‘સીટીએમપી (ક્લિનઝિંગ, ટોનિંગ, મોશ્ચરાઇઝર, પ્રાઇમર) આ ચાર વસ્તુ તમારી પાસે હોય તો પોતાની જાતે સુંદર મેકઅપ કરી શકો છો. સીટીએમપી અપ્લાય કર્યા બાદ મેકઅપ કરશો તો એ લોંગ લાસ્ટિંગ રહેશે અને સ્કિન પણ ગ્લો કરશે. સૌથી છેલ્લે મેકઅપ ફિક્સર અપ્લાય કરવું. આટલા બ્યુટી પ્રોડક્ટ્સ પણ ન વાપરવા હોય અથવા ટૅક્નિક ન સમજાતી હોય તો ચહેરા પર બીબી ક્રીમ અથવા સીસીક્રીમ લગાવી એના પર લૂઝ પાવડર સેટ કરી દેવાથી પરસેવાથી મેકઅપ ઉતરી નહીં જાય અને ન્યુડ મેકઅપનો લુક આપશે. કામકાજના સ્થળેથી સીધા ગરબાના ગ્રાઉન્ડ પર જવાનું હોય ત્યારે આ ટિપ્સ ખાસ કામ લાગશે.’
મિનિમલ ટૅટૂ
નવરાત્રિમાં મોટા ભાગની યુવતીઓ સ્લીવલેસ અને બૅકલેસ ચોલી પહેરવાનું પસંદ કરતી હોવાથી ટૅટૂનો ક્રેઝ ક્યારેય ઓછો થવાનો નથી. જોકે, દર નવી સીઝનમાં એની ડિઝાઇન બદલાતી રહે છે. ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાથી લઈને અનેક સેલિબ્રિટીઝને ટેટૂ બનાવી આપનારા એલિયન સ્ટુડિયોના ટૅટૂ આર્ટિસ્ટ સની ભાનુશાલી કહે છે, ‘નવરાત્રિ ટૅટૂની ડિઝાઇનની ખાસિયત એ છે કે ખેલૈયાઓ જ સજેસ્ટ કરે છે. આ વખતે મિનિમલ ટેટૂનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મિનિમલ એટલે નાની સાઇઝની પણ વિઝિબલ ડિઝાઇન. જેમાં ડોટ ર્વક, હળવી લાઇન્સ વગેરે ડ્રો કરવામાં આવે છે. થીમ કોઇપણ હોય ડિઝાઇન સ્મોલ અને ડેલિકેટ હોવી જોઈએ. આજે લગભગ દરેક ઉંમરની મહિલાઓ સિમ્પ્લિસિટીને પ્રિફર કરી રહી છે. ઇનશોર્ટ ડ્રેસિંગ, મેકઅપ કે ટેટૂ દરેક વસ્તુમાં સિમ્પલ અને મિનિમલ ઇનથિંગ છે. નવરાત્રિ દરમિયાન ફીમેલમાં અપર બૅક અને ઓફ શોલ્ડર અથવા બૉડીનો જે પાર્ટ ઍક્સપોઝ થતો હોય ત્યાં ટેમ્પરરી ટેટૂ બનાવડાવે છે. ટેમ્પરરી ટેટૂમાં યેલો, ઓરેન્જ જેવા બ્રાઇટ કલર્સ વધુ ડિમાન્ડમાં રહે છે. મોટાભાગના ખેલૈયાઓને શ્રીકૃષ્ણ અથવા દેવી સાથે જોડાયેલી ડિઝાઇન પસંદ છે.’
પર્મનન્ટ ટેટૂનો નિર્ણય લેનારા કમિટેડ હોય છે જ્યારે ટેમ્પરરી ડિઝાઇન કરાવવાળા ટેટૂને લઈને વધુ ગંભીર નથી હોતા. ટેમ્પરરી છે એટલે સ્કિનને નુકસાન નહીં કરે એવી લોકોના મનમાં એક ભ્રમણા છે. વાસ્તવમાં પર્મનન્ટ ટૅટૂની તુલનામાં ટેમ્પરરી ટૅટૂ વધુ રિસ્કી છે એવી વાત કરતાં તેઓ કહે છે, ‘ટેમ્પરરી ટૅટૂ માટે વાપરવામાં આવતી ઇન્કમાં કેમિકલનું પ્રમાણ વધારે હોય છે. શક્ય હોય ત્યાં સુધી બ્લૅક અથવા ગ્રે ઇન્કથી ટૅટૂ કરાવવું, કારણ કે આ કલર્સ સ્કિન-ફ્રેન્ડલી છે. એનાથી ત્વચાને નુકસાન થતું નથી. નવરાત્રિ સુધી એને જાળવી રાખવા સાબુનો ઉપયોગ ટાળવો. આટલા વર્ષોનો મારો અનુભવ કહે છે કે નવરાત્રિ બાદ પર્મનન્ટ ટેટૂની ઓર ડિમાન્ડ નીકળે છે. ટેમ્પરરી ટેટૂને કોમ્પ્લિમેન્ટ્સ મળતાં અનેક મહિલાઓ નવરાત્રિ બાદ સેમ ટેટૂને પર્મનન્ટ કરાવી લેવાનો વિચાર કરે છે. પહેલાં જ દિવસે ઘણી પૂછતાછ આવી છે. નવી સિઝનમાં બન્ને પ્રકારના ટેટૂમાં માયથોલોજિકલ ડિઝાઇન પોપ્યુલર થઈ હોય એવું ચિત્ર સામે આવ્યું છે.’
ભારતીય ત્વચા સાથે પીચ રંગનું બ્લશર ન્યુડ મેકઅપનો લુક આપે છે. ૨૮થી ૪૦ની ઉંમરની મહિલાઓમાં પિન્ક અને રેડ શેડ્સ અને ૪૦ પ્લસમાં બ્રાઉન પર્ફેક્ટ ચૉઇસ કહેવાય.
આરાધના સિંહ