27 September, 2026 05:56 PM IST | Mumbai | Priyanka Acharya
પ્રતીકાત્મક તસવીર
નવરાત્રિ એટલે ૯ રંગો, સુંદર વસ્ત્રો, મિત્રો-સગાં સંગાથે ગરબાની ધૂમ અને રોજિંદી ઘટમાળમાંથી થોડો વિરામ લઈને બંધાતી માતાજીની ૯ માળ. આ ૯ દિવસોમાં જીવનમાં એક અલગ જ ઊર્જા આવી જાય છે. તો આ વખતે ‘નાણાંની નવરાત્રિ’નો એક નવો વિચાર અપનાવીએ.
ચિંતા નહીં કરતા. નાણાંની નવરાત્રિમાં ૯ દિવસ સુધી એક્સેલ શીટમાં અઘરી ગણતરીઓ કરવાની નથી. દરરોજ એક-એક કરીને ૯ નાનાં નાણાકીય કામ પતાવવાનાં છે. તો ફોનમાં ૯ રિમાઇન્ડર મૂકી દો અને શરૂઆત કરી દો.
તમારાં રોકાણો અને વીમા પૉલિસીઓ તપાસો. દરેક વસ્તુ શા માટે લીધી હતી એ યાદ છે? જો નહીં તો એની નોંધ કરી લો.
KYC, નૉમિનેશન, બૅન્કની વિગતો અને જરૂરી દસ્તાવેજો તપાસી લો. આજે કરેલો નાનો ફેરફાર આવતી કાલે પરિવારને મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.
ઘર, કાર, પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ એ બધાની ચુકવણી કુલ કેટલી થાય છે એ જુઓ. દેવું તમારા જીવનનો એવો ભાગ તો નથી બની ગયું કે એના પર ધ્યાન જ ન જાય? જરૂર હોય તો ખર્ચમાં ફેરફાર કરો.
નાણાકીય આયોજનનો અર્થ માત્ર બચત નથી. બહાર જમવાનું, શૉપિંગ કે રજાઓ માટે એક નક્કી રકમ અલગ રાખો. નિઃસંકોચ ખર્ચ કરો, પરંતુ રકમ પૂરી થાય એટલે એ મહિનાનો ખર્ચ પણ પૂરો.
પરિવાર સાથે બેસીને સરળતાથી ચર્ચા કરો કે આપણી પાસે શું છે, કેટલું દેવું છે અને આગળનાં મહત્ત્વનાં લક્ષ્યો કયાં છે? આવી મોકળાશભરી વાતચીત ભવિષ્યમાં ઘણી ગેરસમજથી બચાવી શકે છે.
વીમો કેટલું વળતર આપશે એના કરતાં પરિવારને કેટલી સુરક્ષા મળશે એ વધુ મહત્ત્વનું છે. તમારું કવર પૂરતું છે કે પછી એમાં કોઈ ખામી છે એ જુઓ.
પૈસા વિશે કંઈક સરળ અને ઉપયોગી વાંચન કરો. છેતરપિંડીથી બચવાની રીતો કે રોકાણની મૂળભૂત સમજ એવું કંઈ પણ વાંચો. રિઝર્વ બૅન્કે બહાર પાડેલી ‘રાજુ ઍન્ડ ધ ફોર્ટી થીવ્ઝ’ કૉમિક પણ ઉપયોગી માહિતી આપે છે.
માત્ર મિત્રતા કે સંબંધના દબાણને કારણે કોઈને પૈસા ઉધાર નહીં આપીએ જેવા નાના નિયમો મોટા સંબંધોમાં તંગદિલી થતી અટકાવે છે.
ટૂંકા, મધ્યમ અને લાંબા ગાળાનાં નાણાકીય લક્ષ્યો નક્કી કરીને એ મુજબ રોકાણની યોગ્ય વિભાગણી વિચારો.
આ ૯ કામ કદાચ નાનાં લાગે, પરંતુ નાની નાણાકીય આદતો આખા વર્ષને વધુ વ્યવસ્થિત બનાવી શકે છે. નવરાત્રિના ૯ રંગોની જેમ આ ૯ નાણાકીય પગલાંને પણ જીવનમાં સ્થાન આપીએ.
નાણાંની ઉજવણી કરો, સમૃદ્ધિની ઉજવણી કરો.
-પ્રિયંકા આચાર્ય