11 May, 2025 07:49 AM IST | Mumbai | Rajani Mehta
મમ્મી નીલા દેવી અને શમ્મી કપૂર સાથે યંગ આદિત્યરાજ.
‘I would like to marry you.’ ૧૯૬૯ની ૨૬ જાન્યુઆરીની મોડી રાતે ફોન પર ચાર કલાક વાત કર્યા બાદ શમ્મી કપૂરે નીલાદેવીને પ્રપોઝ કરતાં સાવ સહજ રીતે આમ કહ્યું અને ઉમેર્યું, ‘કાલે આપણે સાદી વિધિથી બાણગંગા મંદિરમાં લગ્ન કરીએ તો કેવું?’
નીલાદેવી માટે આ પ્રસ્તાવ સાવ અચાનક હતો એવું નહોતું. રાજ કપૂર અને કૃષ્ણા કપૂરની પુત્રી રિતુ તેમની ખાસ મિત્ર હતી. મોટાભાઈના મિત્ર અને લોકપ્રિય ફિલ્મસ્ટાર શમ્મી કપૂરનાં નીલાદેવી ફૅન હતાં. કપૂર ખાનદાન સાથે તેમનો ઘરોબો હતો. ગીતા બાલીના અવસાન બાદ ભાંગી પડેલા શમ્મી કપૂરને કૃષ્ણા કપૂરે સલાહ આપી, ‘તારે હવે લગ્ન કરી લેવાં જોઈએ. એ માટે નીલાથી વધુ યોગ્ય બીજી છોકરી તને નહીં મળે.’ પણ શમ્મી કપૂરે એ વાત ઉડાડી દીધી.
એક ઇન્ટરવ્યુમાં નીલાદેવી કહે છે, ‘મુંબઈનું ‘અપ્સરા’ થિયેટર અમારા રાજ પરિવારની માલિકીનું હતું. અહીં રાજ કપૂરની ‘સંગમ’નું પ્રીમિયર થયું. કપૂર પરિવાર સાથે અમારે દોસ્તી હતી એટલે તેમના ઘરે આવવા-જવાનું થાય. કૃષ્ણાભાભી શમ્મીજીનું ખૂબ ધ્યાન રાખે. તે આગ્રહ કરતાં કે બીજાં લગ્ન કરી લે. કૃષ્ણાજી મારો શું મત છે એ પૂછતાં પણ હું ચૂપ રહેતી. મેં એ બાબત કદી વિચાર જ નહોતો કર્યો. હું નાનપણથી શમ્મીજીની ફૅન હતી. સ્કૂલમાં હતી ત્યારે દફતરમાં તેમનો ફોટો રાખ્યો હતો. એક દિવસ મમ્મીએ ફોટો જોયો એટલે મને લાફો માર્યો અને કહે, ‘તને આ શોભતું નથી.’ મને યાદ છે ‘સંગમ’ના પ્રીમિયર વખતે ગીતા બાલી આવ્યાં ત્યારે હું તેમને એસ્કોર્ટ કરીને સીટ સુધી લઈ ગઈ હતી. તેમણે રિતુને કહ્યું, ‘ચંગી કુડી હૈ.’ મને પંજાબી ન આવડે એટલે મેં અર્થ પૂછ્યો. તો કહે, ‘બહુત અચ્છી લડકી હૈ.’ હું આ સાંભળી ખુશ થઈ ગઈ.’
એ રાતે તેમણે દિલ ખોલીને પોતાના જીવનની અતથી ઇતિ દરેક વાત કરી. રોમૅન્સ, અફેર્સ, ગર્લફ્રેન્ડ્સ, ગીતા બાલી, બાળકો, પોતાની આદતો; કશું છુપાવ્યા વિના એકરાર કર્યા. મારા વિશે પણ વિસ્તારથી જાણ્યું. ચાર-પાંચ કલાક વાત કર્યા બાદ તેમણે મને પ્રપોઝ કર્યું. મેં કહ્યું, ‘હું કેવી રીતે મારા ઘરમાં વાત કરું? તમે મારા ભાઈ સાથે વાત કરો.’ તેમણે કહ્યું, ‘વાત સાચી છે. તેને ફોન કરીને આમંત્રણ આપું છું કે કાલે તમે સૌ મારા ઘરે આવો અને બધી વિધિ પતાવીએ.’
બીજા દિવસે પાપાજીએ (પૃથ્વીરાજ કપૂરે) શમ્મીજીને કહ્યું, ‘Are you serious? These are not the type of people with whom you can fool around.’ શમ્મીજીએ કહ્યું, ‘હું સિરિયસ છું. મારે બે બાળકો છે. હવે હું સેટલ થવા માગું છું.’ પાપાજીએ ઝોળી ફેલાવીને મારા પિતા પાસે મારો હાથ માગ્યો. ફ્લૅટમાં જ લગ્નવિધિ સંપન્ન થઈ. પરિવારના સભ્યો અને થોડા પ્રોડ્યુસર મિત્રો જેવા કે એફ. સી. મેહરા, શક્તિ સામંત, પ્રમોદ ચક્રવર્તી ત્યાં હાજર હતા.’
આમ ૧૯૬૯ની ૨૭ જાન્યુઆરીના દિવસે શમ્મી કપૂર અને તેમનાથી ૧૧ વર્ષ નાનાં નીલાદેવીનાં ઘડિયાં લગ્ન થયાં. ભાભીની સલાહ માની શમ્મી કપૂરે લગ્ન કર્યાં ત્યારે તેમને એક વાતની ખબર હોવી જોઈએ. જો તમારે સુખી થવું હોય તો તમે જેને પ્રેમ કરો છો તેને નહીં પણ જે વ્યક્તિ તમને પ્રેમ કરતી હોય તેની સાથે લગ્ન કરવાં જોઈએ. નીલાદેવીને તેમના માટે અવ્યક્ત અહોભાવ હતો જે તેમની આંખોમાં તરવરતો હતો. આ સત્યનો શમ્મી કપૂરને અહેસાસ થયો હશે. એ ઉપરાંત એકલા હાથે પોતાનું અને ખાસ કરીને બાળકોનું જતન કરવું અઘરું છે એ હકીકત જાણતા હતા. પુરુષ શારીરિક રીતે ભલે સ્ત્રીથી ચડિયાતો હોય, માનસિક રીતે સ્ત્રીઓ વધુ સક્ષમ હોય છે. એટલે જ નાની વયે વિધવા થયેલી સ્ત્રી એકલા હાથે બાળકોને ઉછેરી, પરણાવીને ઠરીઠામ કરી શકે છે; જ્યારે મોટા ભાગે વિધુર થયેલો પુરુષ થોડા સમયમાં જ સ્ત્રીનો સહારો શોધતો હોય છે.
દુનિયા કહેતી કે આ લગ્ન ત્રણ મહિનાથી વધુ નહીં ટકે. શમ્મી કપૂરનું રેપ્યુટેશન એવું હતું કે સૌ એમ માનતા કે સતત માથે ઓઢેલી ઘરેલુ પત્ની સાથે શમ્મી કપૂરને કેમ ફાવશે? પરંતુ ૪૨ વર્ષ સુધી બન્નેનું લગ્નજીવન એક આદર્શ યુગલગીત બની રહ્યું. એનું કારણ એટલું જ કે એમાં સહવાસ સાથે સથવારો મહત્ત્વનો હતો.
આદિત્યરાજ કપૂર એ દિવસને યાદ કરતાં કહે છે, ‘અમે બપોરે સ્કૂલ છૂટ્યા બાદ ઘરે આવ્યાં ત્યારે પાપાએ મારી અને કાંચનની ઓળખાણ કરાવી. પાપાએ મમ્મીને પૂછ્યું, ‘બાળકો શું કહીને બોલાવે? મમ્મી કે પછી બીજું કંઈ?’ જવાબ મળ્યો, ‘તેમને જે કમ્ફર્ટેબલ લાગે એ.’ હું તો મમ્મી કહીને વળગી પડ્યો. કાંચન મમ્મી સામે ચૂપચાપ જોયા કરે. ધીમે-ધીમે તે મમ્મી સાથે હળી ગઈ. (કાંચનનાં લગ્ન મનમોહન દેસાઈના પુત્ર કેતન સાથે થયાં છે) અમે ખુશનસીબ છીએ કે તેમણે બન્નેને ભરપૂર પ્રેમ કર્યો છે.’
‘સંકેત’ના કાર્યક્રમના દિવસે મારી મુલાકાત નીલાદેવી સાથે થઈ. મેં તેમને પણ સ્ટેજ પરથી પોતાનાં સ્મરણો શૅર કરવા કહ્યું પણ તેમણે કહ્યું, ‘એ આદિ જ સરસ રીતે કરશે.’ કેવળ તેમનું અભિવાદન કર્યું એટલો સમય જ તેઓ સ્ટેજ પર હાજર રહ્યાં. પૂરા કાર્યક્રમ દરમ્યાન તે ઑડિયન્સમાં માથે ઓઢીને બેઠાં હતાં. ઇન્ટરવલમાં ગ્રીન રૂમમાં અમે નાસ્તો કરતાં તેમની સાથે ગુજરાતીમાં જ વાતો કરતાં હતાં ત્યારે તેમણે પૃથ્વીરાજ કપૂરનો એક સરસ કિસ્સો શૅર કર્યો હતો.
‘કપૂર ખાનદાન ખાવાપીવાનું શોખીન. ખૂબ પાર્ટીઓ થાય. પૂરું ફૅમિલી ટ્રેડિશનલ છે. લગ્ન બાદ હું મારો કુક અને અટેન્ડન્ટ સાથે લઈને ગઈ હતી. અમારા રાજવી પરિવારમાં બધું શિસ્તબદ્ધ અને એટિકેટવાળું. એક દિવસ સૌ જમવા બેઠા હતા. ગરમાગરમ પુલાવ આવ્યો. એની સોડમ એટલી મસ્ત હતી કે પાપાજી ઊભા થયા અને મુઠ્ઠો ભરીને હાથેથી જ સૌને પીરસવા લાગ્યા. આ જોઈ મારો અટેન્ડન્ટ તો ડઘાઈ ગયો. મેં તેને ઇશારો કરી ચૂપ રહેવાનું કહ્યું. પાપાજી એટલા પ્રેમાળ કે તેમને અનેક વાર આવા ઉમળકા આવે.’
નીલાદેવી સાથેના આ ટૂંક પરિચયે તેમના ઉમદા વ્યક્તિત્વની મારા પર ઊંડી છાપ પાડી. કાર્યક્રમના સુંદર આયોજન બદલ તેમણે ખૂબ આભાર વ્યક્ત કરતાં કહ્યું કે સમય કાઢીને સપરિવાર ઘરે આવજો. આપણે જમીશું અને વાતો કરીશું. પોતે એક રાજવી પરિવારના સભ્ય અને નામી ફિલ્મસ્ટારનાં પત્ની છે એવો કોઈ અહેસાસ ન કરાવે. વાણીવ્યવહારમાં તેમનું ગરિમાપૂર્ણ વ્યક્તિત્વ છલકાયા કરે.
લગ્નજીવનને સફળતા માટે દંપતીએ એકમેક સાથે અનેક સમાધાન કરવાં પડે છે. પરંતુ માતૃત્વ માટે સમાધાન કરવું પડે એ મોટી ઘટના છે. નીલાદેવીને બાળકો સાથે ખૂબ લગાવ હતો. એક દિવસ શમ્મી કપૂરે નીલાદેવીના ખોળામાં તેમની બહેનનાં બાળકોને જોયાં. બાળકોને લાડકોડ કરતાં જોઈ શમ્મી કપૂરે કહ્યું, ‘I will be most happy the day I will see Kanchan and Aditya in your lap.’ એ જ દિવસે નીલાદેવીએ નિર્ણય લીધો કે હું આ બન્નેની સાચી મા બનીશ. માતૃત્વ પામવાનો દૈવી અનુભવ લેવાની ઇચ્છાને કાબૂમાં રાખી તેમણે કાંચન અને આદિત્યરાજ કપૂરની સવાઈ મા બનીને પુરવાર કર્યું કે એક અપર મા ધારે તો સાચી માની ખોટ ન સાલવા દે.
આદિત્યરાજ નીલાદેવીને આનું સંપૂર્ણ શ્રેય આપતાં કહે છે, ‘તે મહાન છે. તેમણે અમને ખૂબ પ્રેમ આપ્યો છે. અમારા માટે તેમણે મા ન બનવાનું નક્કી કર્યું એ મોટું સમર્પણ છે. એક ક્રેઝી શમ્મી કપૂર અને તેનાં બે બાળકોને સાચવવાનું કામ સહેલું નથી. She is very compassionate.’
આજે ‘મધર્સ ડે’ છે. આ વર્ષમાં કેવળ એક દિવસ નહીં, રોજબરોજ ઊજવવાની ઘટના છે કારણ કે જ્યારે ઈશ્વર આપણને જીવન બક્ષે છે ત્યારે સાથે ‘મૅન્યુઅલ’ નહીં, મા આપે છે. મા એક એવો સધિયારો છે જે સામે રહીને પાનો ચડાવે છે, પાછળ રહીને હિંમત આપે છે અને આસપાસ રહીને એકલા નથી પડવા દેતી. મા એટલે પોતાના અસ્તિત્વને ઓગાળી બાળકના વ્યક્તિત્વને ઘડનારી અલૌકિક શક્તિ. નીલાદેવી એનું જીવતું જાગતું ઉદાહરણ છે.
આદિત્યરાજ કપૂરે મારી સાથે પોતાના કૉર્પોરેટ જીવન, ફિલ્મી દુનિયાની કારકિર્દી અને જિપ્સી અનુભવો ઉપરાંત શમ્મી કપૂર, ગીતા બાલી અને નીલાદેવી વિશે અનેક પ્રસંગો શૅર કર્યા. એ વાતો ભવિષ્યમાં મોકો મળશે ત્યારે શૅર કરીશું.