દરદીનો ભરોસો ધરાવતા નિષ્ણાત તબીબો કેટલા?

20 February, 2026 01:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે મેડિકલ ફીલ્ડમાં PGના પ્રવેશનો બીજો રાઉન્ડ પૂરો થયો ત્યારે ઘણીબધી મેડિકલ કૉલેજોમાં, ખાસ કરીને ખાનગી મેડિકલ કૉલેજોમાં, ઢગલાબંધ બેઠકો ભરાઈ નહોતી

પ્રતીકાત્મક તસવીર

આપણે બીમાર પડીએ ત્યારે કોના ભરોસે હોઈએ છીએ? ડૉક્ટર અને તેમણે ચીંધેલી ટ્રીટમેન્ટના જ તો વળી. કારણ? તમને થશે અરે, આ તે વળી કેવો સવાલ? એ ડૉક્ટર છે અને તેણે મેડિકલ સ્ટ્રીમનો અભ્યાસ કર્યો છે. વાત સાચી છે, આપણને સૌને આપણા ડૉક્ટર પર આપણા પોતાના કરતાંય વધારે ભરોસો હોય છે, પરંતુ આ ભરોસાના ભાવિ વિશે સવાલ જાગે એવા એક સમાચાર ગયા અઠવાડિયે વાંચ્યા. એનું શીર્ષક છે : ‘ડૉક્ટર્સ વિથ સિંગલ ડિજિટ સ્કોર્સ?’ પ્રશ્નાર્થ છે પણ આ પ્રશ્નનો જવાબ ખરેખર ‘હા’ છે. મેડિકલ ફીલ્ડમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન (PG) કરવા માટે જે નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) લેવાય છે એ માટેના નિયમોમાં આ વર્ષથી (૨૦૨૫-’૨૬થી) એક મોટું પરિવર્તન કરવામાં આવ્યું છે. એ પરિવર્તન એટલે NEET PGમાં સિંગલ ડિજિટમાં માર્ક્‍સ મેળવનાર ડૉક્ટરોને પણ હવે તબીબી અભ્યાસના વિવિધ પ્રવાહોમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશન એટલે કે સ્પેશ્યલાઇઝેશન કરવા મળશે. આમ ભવિષ્યમાં કોઈને પણ આંખની, કાનની, હાડકાંની કે બીજી કોઈ પણ બીમારી માટે સ્પેશ્યલિસ્ટ પાસે જવાની જરૂર પડે તો કદાચ એ સ્પેશ્યલિસ્ટ ચાર, પાંચ કે ઈવન શૂન્ય માર્ક સાથે PGમાં પ્રવેશ મેળવનાર ડૉક્ટર પણ હોઈ શકે. જે વિષય ભણવાનો છે એના વિશેની સજ્જતા ચકાસવા માટે થતી પરીક્ષામાં આટલો ખરાબ દેખાવ કરનાર વિદ્યાર્થી એ વિષય ત્રણ વર્ષ સુધી કેટલી નિષ્ઠાથી ભણ્યો હશે એની કલ્પના જ કરવી રહી.

ચોંકી ગયાને કલ્પના કરતાં પણ? પરંતુ ખરેખર આ બની રહ્યું છે. આ વર્ષે મેડિકલ ફીલ્ડમાં PGના પ્રવેશનો બીજો રાઉન્ડ પૂરો થયો ત્યારે ઘણીબધી મેડિકલ કૉલેજોમાં, ખાસ કરીને ખાનગી મેડિકલ કૉલેજોમાં, ઢગલાબંધ બેઠકો ભરાઈ નહોતી. એટલે એ મોંઘેરી બેઠકો વેડફાય નહીં એ ગણતરીથી NEET PGમાં ગમે તેટલા ઓછા માર્ક્સ મળ્યા હોય તેને પણ પોસ્ટ-ગ્રૅજ્યુએશનના અભ્યાસક્રમમાં પ્રવેશ આપી દેવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે નક્કી કર્યું. આમ NEET PGમાં કુલ ૮૦૦માંથી માત્ર ચાર, સાત કે ઈવન શૂન્ય માર્ક્‍સ મેળવનારા સ્નાતક ડૉક્ટરોને પણ PGમાં પ્રવેશ મળી ગયો. અગાઉ જનરલ કૅટેગરીમાં ૮૦૦માંથી કમસે કમ ૨૮૦ અને SC, ST કે OBC કૅટેગરીમાં ઓછામાં ઓછા ૨૫૦ માર્ક્સ હોય તેમને જ PGની બેઠક ફાળવાતી. પરંતુ PGમાં પ્રવેશ માટેના ઘટાડેલા કટ-ઑફ મુજબ જનરલ કૅટેગરીમાં ૮૦૦માંથી કમ સે કમ ૧૦૩ માર્ક્‍સ, પર્સન વિથ ડિસેબિલિટી કૅટેગરીમાં ઓછામાં ઓછા ૯૦ માર્ક્સ અને SC, ST, OBC કૅટેગરીમાં તો માઇનસ ૪૦ માર્ક્સ મેળવનારને પણ મેડિકલના કોઈ પણ વિભાગમાં સ્પેશ્યલાઇઝેશન કરવા માટે પ્રવેશ મળી શકશે. આ પરિવર્તનને પગલે ૮૦૦માંથી માત્ર ૪ માર્ક મેળવનારા એક ડૉક્ટરને રોહતકની 
પબ્લિક મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ઑર્થોપેડિક વિભાગમાં  પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરવા માટે પ્રવેશ મળ્યો. દિલ્હીમાં ઑબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેકોલૉજીમાં માત્ર ૪૪ માર્ક્‍સ અને જનરલ સર્જરીમાં 
૪૭ માર્ક્‍સ ધરાવતા ઉમેદવારને PGમાં પ્રવેશ મળ્યા.

આ પરિસ્થિતિમાં મેં જે ભવિષ્યની કલ્પના કરી એ શું અશક્ય લાગે છે? હકીકતમાં એમાં બિલકુલ અતિશયોક્તિ નથી. સરકારના આ પગલાની ચોમેર ટીકા થઈ રહી છે. આપણા જેવા આમ માનવીઓને જે ડર સતાવે છે એ જ ભય તબીબી સંગઠનોએ વ્યક્ત કર્યો છે કે મુખ્ય ક્લિનિકલ વિશેષતાઓમાં આટલા ઓછા સ્કોર ધરાવતા ઉમેદવારોને પ્રવેશ આપવાથી દરદીની સલામતીને જોખમ રહેલું છે. તેમણે ચેતવણી પણ ઉચ્ચારી છે કે આનાથી ભારતની આરોગ્ય-સંભાળ પ્રણાલીની વિશ્વસનીયતા અને ધોરણોને કાયમી નુકસાન થઈ શકે છે. વૈશ્વિક સ્તરે પણ એને ઘસારો પહોંચી શકે છે. સાચી જ વાત છે. PGના અભ્યાસક્રમમાં ઉપલબ્ધ બેઠકો ન વેડફાય એ માટે સરકારને અને મેડિકલ કૉલેજોને આટલી ખેવના છે, પરંતુ આવા નબળા વિદ્યાર્થીઓ સ્પેશ્યલિસ્ટ તરીકે પોતાના દરદીને કેવી સારવાર આપશે કે કેવો ઉપચાર કરી શકશે એ વિશે કંઈ વિચાર નથી આવતો? આજે શિક્ષણના કોઈ પણ પ્રવાહમાં પાત્રતા કે એલિજિબિલિટીની મહત્તા સર્વોચ્ચ છે. વ્યવસાયમાં પણ આવી પ્રતિભા અને અનુભવની માગ જ સર્વોપરી છે. ત્યારે માણસની જિંદગી સાથે જોડાયેલા તબીબી વિજ્ઞાન જેવા અભ્યાસના ક્ષેત્રમાં નિષ્ણાત બનવા માટેની પાત્રતા સાથે આટલું મોટું સમાધાન? આ નિર્ણય લેનાર સ્વાસ્થ્ય ખાતાની દલીલ છે કે આ કટ-ઑફ ધોરણ નીચું લાવવાથી વધુ તબીબી વિદ્યાર્થીઓ PGમાં  પ્રવેશ લેશે અને તબીબી ક્ષેત્રે ઊભી કરાયેલી ખર્ચાળ તાલીમી માળખાકીય જોગવાઈ વણવપરાયેલી નહીં રહે. એ સાથે જ નિષ્ણાતોની ખેંચ ધરાવતા આપણા દેશમાં વધુ નિષ્ણાતો ઉપલબ્ધ થશે. અરે, જે વિષયમાં નિપુણતા મેળવવી હોય એનું પાયાનું જ્ઞાન પણ નથી કે અધકચરું છે અને એની પૂરતી તાલીમ પણ ન ધરાવતો હોય તેવો નિષ્ણાત શું કામનો? આવા ડૉક્ટર આરોગ્ય-સંભાળ ક્ષેત્ર અને સમાજ માટે ભયંકર જોખમી પુરવાર થઈ શકે. સંખ્યા વધારવા માટે કાબેલિયત કે પાત્રતા સાથે કોઈ સમાધાન થઈ ન શકે, ખાસ કરીને મેડિકલ ફીલ્ડમાં એ વાત કેમ નજરઅંદાજ કરાય છે?

સહજ છે આ વિશે વિરોધ જાગ્યો છે. દિલ્હી હાઈ કોર્ટમાં કટ-ઑફમાં કરાયેલા આ સુધારાને દરદીના આરોગ્ય માટે જોખમી ગણાવી એને રદ કરવાની રજૂ થયેલી માગણીની  અરજીને સરકારના નિર્ણયને યોગ્ય ગણાવીને રદબાતલ કરી દેવાઈ છે. બીજા અનેક ડૉક્ટરોએ નૅશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS જે આ NEET PG પરીક્ષાઓ લે છે) સામે આ સુધારો પાછો ખેંચવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી છે જેની સુનાવણી હાલ ચાલુ છે. પરંતુ NBEMSએ તો આમાં પોતાની પરીક્ષા લેનાર અને પરિણામ જાહેર કરનારની ભૂમિકા સ્પષ્ટ કરી અને આ નિર્ણય સ્વાસ્થ્ય મંત્રાલયનો છે એમ કહી હાથ ઊંચા કરી દીધા છે.

આ સ્થિતિમાં અનુભવી તબીબી નિષ્ણાતોએ વ્યક્ત કરેલો સાવચેતીનો સૂર શાણપણભર્યો લાગે છે. તેઓ કહે છે એમ તાલીમ પામેલા નિષ્ણાતોની અછતને સંબોધતી વખતે શૈક્ષણિક અને ક્લિનિકલ ધોરણોનું રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. આ સંતુલન ખોરવાઈ જાય તો ભારત કાગળ પર વધુ નિષ્ણાતો ધરાવતો દેશ બની જશે પરંતુ દરદી જેમની સારવાર હેઠળ સલામતી અનુભવે અને જેમનામાં ભરોસો ધરાવે એવા ડૉક્ટરો ઓછા હશે. સર્વોચ્ચ અદાલત કયો વિકલ્પ લેશે?

columnists exclusive gujarati mid day