એકમાત્ર લાલચના લક્ષ્યથી એક તાંતણે ગૂંથાયેલો અતરંગી કૌભાંડીઓનો સમૂહ

22 May, 2026 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હમણાંના એક સમાચાર જોતાં-સાંભળતાં અને એના વિશે વાંચતાં દેશનાં જુદાં-જુદાં શહેરો ને રાજ્યોમાં વસતા લોકો વચ્ચેની એકતા અને એકલક્ષિતાનાં જે દર્શન થયાં એ અજોડ છે. ખ્યાલ આવ્યો કયા સમાચારની વાત કરું છું?

પ્રતીકાત્મક તસવીર

તમે રાષ્ટ્રગીત ગાઓ છો? અચ્છા, ગાવાનું જવા દ્યો, સાંભળો તો છોને! અરે, થિયેટર કે નાટ્યગૃહોમાં કે પછી ઘરે ટીવી સામે બેસીને મૅચ જોતા હો ત્યારે તો સાંભળતા જ હશોને! રાષ્ટ્રગીતમાં દેશના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમના પ્રાંતોનાં નામ સાંભળતાં તમને ક્યારેય એવો ખ્યાલ આવે છે કે આપણે કેટલા જુદા-જુદા પ્રાંતો, ભાષાઓ, રીતરિવાજો, ધર્મ-પરંપરાઓમાંથી આવતા લોકો છીએ? અને છતાં આપણે સૌ એક જ દેશના નાગરિક છીએ. આપણે બધા ભારતીય છીએ અને આપણાં મૂળ ભારતમાં છે એ એક જ હકીકત આપણને બધાને એક તાંતણે બાંધી રાખે છે. તમારી તો ખબર નથી, પણ મને રાષ્ટ્રગીત ગાતી કે સાંભળતી વખતે આ ખ્યાલ અચૂક આવે છે. અલબત્ત, રોજ અખબારો વાંચતાં કે ટીવી-ચૅનલો અથવા અન્ય માધ્યમો પર દેશના સમાચાર જોતાં-સાંભળતાં એ તાંતણો ક્યાંય નજરે નથી ચડતો એય એટલું જ સાચું.

પણ હા, હમણાંના એક સમાચાર જોતાં-સાંભળતાં અને એના વિશે વાંચતાં દેશનાં જુદાં-જુદાં શહેરો ને રાજ્યોમાં વસતા લોકો વચ્ચેની એકતા અને એકલક્ષિતાનાં જે દર્શન થયાં એ અજોડ છે. ખ્યાલ આવ્યો કયા સમાચારની વાત કરું છું? અરે, દેશના બાવીસ લાખથી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીને ઝપેટમાં લેનાર નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG) 2026ની પરીક્ષાનાં પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા જુદા-જુદા શહેરમાં વસતા લોકોની વાત છે. નાશિક, પુણે, મુંબઈ, લાતુર, ગુરુગ્રામ, સીકર, પટના અને બીજાં કેટકેટલાં શહેરના વતનીઓ આમાં સંડોવાયેલા છે અને તેમના વ્યવસાયમાં પણ ખાસ્સું વૈવિધ્ય છે. કેમિસ્ટ્રી કે બાયોલૉજીના પ્રોફેસર અને કોચિંગ ક્લાસનો ધંધો ચલાવનારાથી માંડીને બ્યુટીપાર્લરનો વ્યવસાય કરતી બ્યુટિશ્યન કે પરિવારનાં ત્રણ-ત્રણ સંતાનોને ડૉક્ટર બનાવવા તત્પર રાજકારણીઓ સુધીની રેન્જ મળે છે. દૂર-દૂર વસતા, તદ્દન જુદા-જુદા વ્યવસાયમાં પડેલા અને કોઈ પણ પ્રકારની સામાજિક સમાનતા ન ધરાવનારો આ અતરંગી સમૂહ એક સમાન તાંતણે બંધાયેલો છે ઃ પરીક્ષાતંત્ર સાથે છેતરપિંડી કરીને પેપરની ચોરી કરવી અને તબીબી કે એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા થનગનતા વિદ્યાર્થીઓને એ પેપર પહોંચાડીને તેમને પાસ થવા માટેનો દરવાજો ખોલી આપવો અને બદલામાં લાખો-કરોડો રૂપિયાની કાળી કમાણી કરી લેવાની તક ઝડપી લેવી.

અગત્યની વાત એ છે કે મેડિકલ કે એન્જિનિયરિંગ ફીલ્ડમાં પ્રવેશ મેળવવા ઉત્સુક આ વિદ્યાર્થીઓની પાત્રતા નક્કી કરવા માટે લેવાતી આ NEETની પરીક્ષાઓનું આયોજન કરવાની અને એનાં પેપર્સ સેટ કરવાની સંપૂર્ણ જવાબદારી જેના શિરે છે એ નૅશનલ ટેસ્ટિંગ ઑથોરિટી (NTA)ના જ કેટલાક લોકો પણ આમાં સંડોવાયેલા છે. માત્ર યોગ્યતા અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ જ તબીબી કે એન્જિનિયરિંગના વ્યવસાયમાં પ્રવેશે એની જવાબદારી જેમના માથે છે એ જ તંત્રના લોકો જ્યારે લાંચની લાલચમાં અયોગ્ય અને અક્ષમ વિદ્યાર્થીઓને માનવજીવનને અત્યંત નજીકથી સ્પર્શતાં આ બન્ને ક્ષેત્રોમાં ધકેલે એ સ્થિતિ કેટલી ભયંકર અને નિમ્ન સ્તરની છે.

અને એ વિદ્યાર્થીઓ માટે પણ શું કહેવું? આકાશ-પાતાળ એક કરીનેય ડૉક્ટર કે એન્જિનિયર બની જવું છે, બસ. શા માટે આટલો બધો આગ્રહ છે આ ક્ષેત્રોમાં જવાનો? તબીબી વ્યવસાય તો મનુષ્યની જિંદગી સાથે જોડાયેલો એક અતિ ઉમદા અને સેવાલક્ષી વ્યવસાય ગણાય છે. એની સેવાલક્ષિતાની વાત ન કરીએ તો પણ બીમાર માનવી પોતાની જિંદગી જેમના હવાલે કરી દે છે અને જેમના જ્ઞાનમાં ભરોસો કરીને જીવનના અત્યંત કઠિનતમ નિર્ણય લે છે તેમનું જ્ઞાન, પ્રતિભા કે સ્કિલ જ અધકચરાં છે, અધૂરા કે અપૂરતાં છે એવા તબીબોનો તમે કે હું શું વિશ્વાસ કરી શકીશું? તબીબી ગફલત, ખોટાં નિદાન કે નિર્ણયોને કારણે થતા દરદીના નુકસાન કે જાનહાનિના કિસ્સા અવાર-નવાર જાણવા મળે છે એનો તાળો કંઈક અંશે આ એકલક્ષી કૌભાંડી બિરાદરીનાં કારનામાં સાથે મળે છે.

એ જ રીતે એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ અચાનક અકાળે ધ્વસ્ત થતા પુલો, ઇમારતો કે અન્ય માળખાં અત્યાર સુધી અનેક નિર્દોષોના જીવ લઈ ચૂક્યાં છે અને આગળ પણ લેશે. આ બાંધકામોની લગામ જેમના હાથમાં છે તેઓ પોતાના મેરિટને બદલે લાંચ આપીને પરીક્ષામાં પાસ થયા છે એવા એન્જિનિયર્સ પાસેથી બીજી વધારે કઈ અપેક્ષા રાખી શકાય? લાંચ આપીને પરીક્ષાનાં પેપર્સ મેળવનાર લાંચ લઈને અયોગ્ય માલ, ડિઝાઇન કે બાંધકામ નહીં કરતા હોય એની શું ખાતરી?

અને સૌથી વધુ દુ:ખની વાત તો એ છે કે આવાં પેપર ખરીદનારા કેટલાક ૧૦૦ કે ૧૦૦૦ કે કદાચ લાખ વિદ્યાર્થીઓને કારણે બાકીના લાખો વિદ્યાર્થીઓએ પણ ફરી પાછી NEET-UG 2026ની પરીક્ષા જૂન મહિનામાં આપવી પડશે. કેટલી દુ:ખની વાત છે કે ખોટાં, ગેરકાનૂની અને નુકસાનકર્તા લક્ષ્યો માટે એક મંચ પર આવી જતા લોકોને સાચાં, કાનૂની અને સ્વ તેમ જ અન્યનાં હિતનાં લક્ષ્યો માટે એક તાંતણે ગૂંથાવાનું સૂઝતું નથી.

ખેર અત્યારે, આ વખતે તો આવાં કૌભાંડોમાં સંડોવાયેલા તમામ ગુનેગારોને પકડવા અને આકરામાં આકરી સજા ફટકારવાની માગણીમાં દેશના તમામ નાગરિકોનો સૂર ભળવો જોઈએ. જેટલી આકરી સજા થશે એટલી જ આવી ઘટનાઓ ફરી ન થાય એની શક્યતા ઓછી થશે. ચાલો આપણે સૌ એ મુદ્દે અને માગણીના લક્ષમાં એક થઈએ.

neet exam Education indian government medical information columnists