04 September, 2026 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નેપાળ પૂર બચાવ
નેપાલના સમાચારો ચોફેર છવાયેલા છે. ગ્લેશિયર તૂટવાને કારણે ઉદ્ભવેલી ભયંકર પૂરની અભૂતપૂર્વ દુર્ઘટનાએ હજારો લોકોની હયાતી સામે પ્રશ્નાર્થ મૂકી દીધો છે. આ કુદરતી આફતમાં જીવ ગુમાવનારા લોકોનો અધિકૃત આંકડો ૧૧૫૦ને પાર કરી ગયો છે, પણ આ પ્રચંડ આપત્તિનાં દૃશ્યો જોતાં એ વાસ્તવથી વેગળો ભાસે છે. કૈલાસ-માનસરોવરની યાત્રા પર ગયેલાં દુનિયાના જુદા-જુદા દેશોમાંથી આવેલાં અનેક જૂથો, અન્ય પ્રવાસીઓ, તેમના ટૂર-ઑપરેટર્સ, સ્ટાફ, કાર્યકરો, પૂરગ્રસ્ત વિસ્તારમાં વસતા સેંકડો સ્થાનિકો, હાઇડ્રોપાવર પ્રોજેક્ટનાં જુદાં-જુદાં લોકેશન્સ પર ફસાયેલા સેંકડો કર્મચારીઓ અને બીજા અનેક લોકોને શોધવા નેપાલી સેનાના જવાનો દિવસ-રાત મથી રહ્યા છે. ભારત તથા અન્ય રાજ્યોના નિષ્ણાતો અને પર્વતારોહકો પણ આ બચાવકાર્યમાં લાગી ગયા છે. જોકે આ દુર્ઘટનાએ વેરેલો વિનાશ જે સ્તરનો છે એ જોતાં આ તમામ પ્રયાસો વામણા લાગે એવું છે. ઘરો, દુકાનો, ઑફિસો, સ્કૂલો, હોટેલો કાટમાળના ડુંગરો અને કાદવ-કીચડનાં કળણ બની ગયાં છે. કૈલાસ-માનસરોવરનાં દર્શનની કલ્પનાથી થનગનતા પ્રવાસીઓ જે ઇમિગ્રેશન ઑફિસમાં પરવાનગી લેવા પહોંચ્યા હતા એ પૂરું મકાન પણ રાક્ષસી વેગે આવેલા કાદવિયા જળપ્રવાહમાં તણાઈ ગયું છે અને સાથે જ તૈયાર થઈને આવેલા એ સૌ પ્રવાસીઓનાં સપનાં અને જીવન પણ! જોકે એ કમનસીબ આપત્તિની પળમાં ફસાયેલા કોણ-કોણ હતા અને એમાંથી બચી જનારા કેટલા છે એની કોઈ ભાળ મળી નથી.
એક ગામમાં એક અજાણ્યો માણસ ધસમસતા જળપ્રવાહને જોઈને ડરીને ભાગી રહ્યો હતો અને બૂમો પાડી રહ્યો હતો : ‘ભાગો, ભાગો, પૂર આવ્યું છે...’ એ સાંભળીને ત્યાંની એક સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના લોકો તરત પાસેની ઊંચાણવાળી પહાડી તરફ દોડ્યા અને બીજી પાંચ મિનિટમાં પ્રચંડ વેગે ધસી આવેલી નદીનું પૂર એ સ્કૂલને પોતાની સાથે ખેંચી ગયું. એક અજાણ્યા માનવીના ભય-પોકારના પ્રતાપે ૩૦૦થી વધુ જિંદગીઓ મોતને હવાલે થતાં બચી ગઈ. એ સૌ માટે તો અજાણ્યા માણસની બૂમો ભગવાનનો જ પોકાર બની રહ્યો હશેને.
કશુંક થવાને કારણે કે કશુંક અટકવાને કારણે જે-જે લોકો આ ભયાનક સ્થિતિનો ભોગ બનતાં બચી ગયા એ તમામ પણ પોતે ઊગરી ગયા એની પાછળ ઈશ્વરનો જ હાથ જોતા હશેને. આ બધા સમાચારો વાંચતાં, સાંભળતાં અને જોતાં મનમાં એક વિચાર એ પણ આવે છે કે જે આ હોનારતનો શિકાર બની ગયા એ નિર્દોષોના સ્વજનોએ પણ એ આઘાતજનક ઘટનાને ઈશ્વર-ઇચ્છા કહીને જ સ્વીકારી હશેને?!
ખેર... આવી અકલ્પનીય આફત વચ્ચે એક તરફ દુર્ગમ સંજોગો સામે લડીને, પોતાના જાનના જોખમે નિરપેક્ષભાવે લોકોની જિંદગી બચાવવા મથી રહેલા મનુષ્યો જોવા મળે છે તો બીજી બાજુ માનવમનની નિમ્નતાનો પરિચય કરાવતી લાલચ અને એષણાનાં દર્શન પણ થાય છે. એક સચાચાર મુજબ પૂરગ્રસ્ત વિસ્તારમાં આવેલી વીસેક જેટલી બૅન્કોની કરોડોની રોકડ અને કીમતી ઘરેણાં રાખેલી તિજોરીઓ પણ આ પૂરમાં તણાઈ ગઈ છે. એ થાપણ બચાવવાના કામમાં પણ ઘણા લોકો લાગેલા છે, પરંતુ એવી તિજોરી તોડીને લાખો રૂપિયાની રકમ ચોરી જનારા માણસો પણ છે. આ વાંચીને થાય કે કુદરતની આવી ભયંકર લપડાક પછી પણ માણસ પોતાની લાલચનો શિકાર થઈ શકે છે એ કેટલી આશ્ચર્યની વાત છે.
જોગાનુજોગ આ સમાચાર આવ્યા એ જ દિવસે એક અન્ય સમાચાર પણ જોવા મળ્યા. એક પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહતકામગીરી ચાલી રહી હતી. કાદવ-કીચડના ઢગલાઓ સાફ કરવા અને ઉલેચવા JCB મશીનો અને માણસો કામે લાગ્યાં હતાં. ત્યાં એ કાદવથી લીંપાયેલી એક જગ્યાએ એક શ્વાન બેઠો હતો. એની આંખો એક દિશામાં તાક્યા કરતી હતી. કામ કરનારાઓ એને બચાવવા અને ત્યાંથી સલામત જગ્યાએ લઈ જવા એને બોલાવતા હતા, પુચકારતા હતા; પણ એ ત્યાંથી હટવા તૈયાર નહોતો. આજુબાજુના લોકોએ કહ્યું કે એ જ્યાં તાકી રહ્યો હતો એ જમીનનો ટુકડો એના માલિકનું ઘર હતું. એક મૂંગું પ્રાણી પોતે જ્યાં રહેતું હતું એ ઘર કે બંગલો કંઈ જ ન રહેવા છતાં પોતાના માલિકને શોધી રહ્યું હતું. એના પ્રત્યેની લાગણી એને માટીનો ઢગલો બની ગયેલા એ ઘરથી દૂર કરી શકતી નહોતી. માલિક પ્રત્યેની વફાદારી એ શ્વાનની આંખમાં પ્રતીક્ષા બનીને ઝાળકી રહી હતી. આની સામે માનવી પોતાનાં જ ભાઈભાંડુઓની જીવનમૂડીને લૂંટતાં અચકાતો નહોતો. ખરેખર, ક્યારેક તો થાય કે આપણે માનવીને વિચારવંત પ્રાણી કહીને તેનું બહુમાન કરીએ છીએ અને પ્રાણીને હલકાં માનીએ છીએ, પણ ખરેખર એ યોગ્ય છે?
માત્ર આ જ નહીં, ભૂતકાળમાં પણ અનેક દેશોમાં જ્યારે આવી કોઈ કુદરતી આફત કે દુર્ઘટના ઘટી હોય ત્યારે ઉદાત્ત માનવતાના અનુભવોની સાથે-સાથે અત્યંત નિમ્ન કક્ષાની માનવ-વર્તણૂક્ની ઘટનાઓ પણ બનતી રહી છે. આવા પ્રસંગે કેટલાક માણસોનું આઘાતજનક વલણ અને વર્તન આપણને અચંબિત કરે છે, કેમ કે સામાન્યપણે આપણે જોયું છે કે દુ:ખ કે સામૂહિક આપત્તિ વખતે ભલભલા દુષ્કર્મીઓ પણ માણસાઈ દાખવે છે. જોકે આ લખું છું ત્યારે દુનિયાના દાદા બની બેઠેલા એ સ્વાર્થી નેતાઓની છબિ પણ દિમાગના પડદે ચમકી જ જાય છે. માત્ર ને માત્ર પોતાની સામ્રાજ્યશાહી મહાત્ત્વાકાંક્ષાઓ અને સત્તાની લાલસાથી દોરવાઈને અન્ય દેશો પર આક્રમણ કરતા અને દુનિયાને તેમ જ સમગ્ર માનવજાતને મહાનુકસાનીની ગર્તામાં ધકેલતા નહીં અચકાતા એ બેલગામ સત્તાધીશોના સ્વાર્થની પણ ક્યાં સીમા છે?
-તરુ મેઘાણી કજારિયા