ક્યારેય ભૂલતા નહીં : કિસ્મત ઇન્સાન કી હથેલી મેં નહીં, ઉનકે બાઝુઓં મેં હોતી હૈ

06 August, 2021 08:56 AM IST  |  Mumbai | Manoj Joshi

જીવનમાં ગમે તે સંજોગો હોય, અટક્યા વિના ચાલતા રહેવાનું છે. ગતિ ક્યારેક ધીમી પડેલી જણાય તો પણ ચાલતા રહેવાનું અને તો જ જીવનના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચતાં તમને અટકાવવાનું કામ સમય પણ નહીં કરી શકે. 

પ્રતીકાત્મક તસવીર

સમય છે અને એનો સ્વભાવ છે પરિવર્તનનો. સમયની આ તાસીર જે લોકો સમજી જાય છે એ લોકો જીવનમાં ક્યારેય પાછા નથી પડતા. ક્યારેય હાર નથી માનતા, ક્યારેય ઘૂંટણિયે નથી બેસતા, ક્યારેય થાકતા નથી. સમય છે એટલે બદલાવાનો છે અને જો હકારાત્મક બદલાવ તમારું ધ્યેય હોય તો દોડતા રહેવું પડશે તમારે. સતત અને અવિરત. કોવિડમાં આપણે સમયને જાણે થોભી ગયો હોય એમ અનુભવ્યો છે, પરંતુ સાચું કહેજો, સમય અટક્યો હતો કે આપણો? અટકવું એનો સ્વભાવ નથી, અટકવું એને પાલવે એમ નથી, અટકવું એની નિયતિ પણ નથી. સમય પાસેથી આપણે શીખવાનું છે કે જીવનમાં ગમે તે સંજોગો હોય, અટક્યા વિના ચાલતા રહેવાનું છે. ગતિ ક્યારેક ધીમી પડેલી જણાય તો પણ ચાલતા રહેવાનું અને તો જ જીવનના નિશ્ચિત ધ્યેય સુધી પહોંચતાં તમને અટકાવવાનું કામ સમય પણ નહીં કરી શકે. 
નસીબ, નિયતિ, લક જેવા શબ્દોમાં હું બહુ બીલિવ નથી કરતો. બેશક, એના અસ્તિત્વને નકારતો પણ નથી. જોકે મારી દૃષ્ટિએ નીતિમત્તા અને પરિશ્રમ એ બે એવાં પૈડાં છે જે ગમે તેવા બેઠેલા નસીબને પણ ચાલતું અને ધીમે-ધીમે દોડતું કરી શકે છે. કર્મવાદમાં માનું છું અને ઈશ્વરની સત્તા પર શ્રદ્ધા પણ ધરાવું છું, એ પછી પણ બેસવું મને મંજૂર નથી અને એ કોઈને મંજૂર ન જ હોવું જોઈએ. પોતપોતાની રીતે પ્રયાસ જો ગમે તેવા કપરા સંજોગોમાં પણ કરતા રહો તો ૧૦૦ ટકા નહીં, ૨૦૦ ટકા પરિણામ મળે છે. મારા પોતાના જીવનમાં આ જોયું છે અને ઘણાના જીવનમાં પણ આ જોયું છે. એકસરખો સમય નથી રહેતો ક્યારેય અને એટલે જ ગમે તેવા સમયમાં સમયની બરબાદી કર્યા વિના પરિશ્રમ સાથેના ધ્યેય તરફ આગળ વધવાની યાત્રા ચાલુ રાખશો તો ઉપરથી ઈશ્વર પણ તમારી મંઝિલને પામવામાં તમને અડચણ કરનારાઓને દૂર કરી શકશે, પરંતુ તમે બેસી રહેશો કે રડ્યા કરશો સંજોગો સામે તો કોણ શું કરી શકશે? હું દરેકને કહેતો હોઉં છું કે છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમવાનું કૌવત દેખાડશો તો તમને જિતાડવાનું કૌવત નિયતિએ દેખાડવું પડશે. નસીબ બેસેલાનું બેસેલું રહે, પણ દોડતાની સાથે તેણે દોડવું જ પડે, કારણ કે એનો મુકાબલો સમય સાથે છે. ૧૯૬૫માં રિલીઝ થયેલી જૂની ‘વક્ત’ ફિલ્મનો ડાયલૉગ યાદ છે, ‘કિસ્મત હથેલી મેં નહીં, ઇન્સાન કી બાઝુઓ મેં હોતી હૈ.’ 
જીવન જ્યારે પણ અડચણ જેવું લાગે, સંજોગો જ્યારે પણ વિપરીત દેખાય ત્યારે આ ડાયલૉગ યાદ કરી લેવો અને સાહેબ, ફરી એ જ વાત રિપીટ કરું છું કે સમયથી ગભરાવું નહીં કે સારા સમયમાં ફાંકો કરવો નહીં. એનો સ્વભાવ બદલાવાનો છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે જે સમય તમને મળ્યો છે એ સમયને વધુમાં વધુ તમારી દૂરંદેશીયુક્ત મહેનતથી સાધવાનો છે અને એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આજે મહેનત કરી અને કાલે ચાલશે એવી વાત નહીં. સતત તમારે સમયને તમારો પોતાનો કરીને રાખવો હોય તો જીવનને પણ ગતિમાન રાખવું પડશે, એ દિશામાં જાતે ચાલતા રહેવું પડશે.

manoj joshi columnists