મ્યુચ્યુઅલ ફન્ડ : રોકાણ ન્યુ ફન્ડ અૉફરમાં કે પહેલેથી ચાલતી સ્કીમમાં?

01 February, 2026 01:24 PM IST  |  Mumbai | Rajendra Bhatia

આજે એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે : ન્યુ ફન્ડ ઑફર (NFO)માં રોકાણ કરવું કે પહેલેથી ચાલી રહેલી મ્યુચ્યુઅલ ફન્ડ યોજના પસંદ કરવી?

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

મ્યુચ્યુઅલ ફન્ડ મારફત રોકાણ કરનારા રોકાણકારો સામે આજે એક સામાન્ય પ્રશ્ન ઊભો થાય છે : ન્યુ ફન્ડ ઑફર (NFO)માં રોકાણ કરવું કે પહેલેથી ચાલી રહેલી મ્યુચ્યુઅલ ફન્ડ યોજના પસંદ કરવી? ઘણી વાર NFOનો આકર્ષક પ્રચાર રોકાણકારોને એની પસંદગી કરવા પ્રેરે છે. જોકે સંબંધિત પ્રોડક્ટને સમજીને, પોતાના માટે એ યોગ્ય છે કે નહીં એનો વિચાર કરીને તથા લાંબા ગાળે એમાં કેટલું વળતર મળી શકે છે એ જોઈને જ રોકાણનો નિર્ણય લેવાનો હોય છે.

NFO એટલે ઍસેટ મૅનેજમેન્ટ કંપની દ્વારા શરૂ કરવામાં આવતી નવી મ્યુચ્યુઅલ ફન્ડ સ્કીમ. NFO દરમ્યાન યુનિટ સામાન્ય રીતે ૧૦ રૂપિયાના મૂલ્યે આપવામાં આવે છે, જેને કારણે ઘણા રોકાણકારોને લાગે છે કે ફન્ડ સસ્તું છે. હકીકતમાં યુનિટની કિંમત અથવા નેટ ઍસેટ વૅલ્યુ (NAV)નો ભવિષ્યના વળતર સાથે કોઈ સીધો સંબંધ નથી. સ્કીમમાં બનાવાયેલા પોર્ટફોલિયોની કામગીરી પર NAVમાં વધ-ઘટ થતી હોય છે. કોઈ ફન્ડની NAV ૫૦૦ રૂપિયા હોય તો એનો અર્થ એવો નથી કે એ ૧૦ રૂપિયાની NAV ધરાવતા ફન્ડ કરતાં મોંઘું છે. પોતપોતાના પોર્ટફોલિયો અને એની કામગીરીના આધારે દરેકનું મૂલ્ય નક્કી થતું હોય છે. NFOમાં એ ફાયદો જરૂર છે કે અત્યાર સુધીનાં ફન્ડ્સમાં ઉપલબ્ધ ન હોય એવી થીમ કે સ્ટ્રૅટેજી એમાં મળી શકે છે. જેમને જોખમ વિશે સમજ હોય એવા અનુભવી રોકાણકારો માટે NFO ઉપયોગી બની શકે છે. જોકે પહેલેથી કોઈ એક થીમ લોકપ્રિય બની ગયેલી હોય એવી થીમ કે સેક્ટર પર આધારિત NFO આવે ત્યારે એમાં વધારે વૉલેટિલિટી અને ટાઇમિંગ-રિસ્ક રહે છે. એની તુલનાએ પહેલેથી ચાલતી આવતી સ્કીમમાં ભૂતકાળની કામગીરી જોઈ શકાતી હોય છે. એના આધારે રોકાણકારો એ જોઈ શકે છે કે બજારની અલગ-અલગ પરિસ્થિતિઓમાં એ ફન્ડની કામગીરી કેવી રહી છે અને ફન્ડ-મૅનેજરે વૉલેટિલિટીની સ્થિતિને કઈ રીતે સંભાળી લીધી છે. વળી ફન્ડની સ્ટ્રૅટેજીમાં સ્થિરતા રહી છે કે નહીં એ પણ જોઈ શકાય છે. આપણે જાણીએ છીએ કે ભૂતકાળની કામગીરીને ભવિષ્યની ગૅરન્ટી માની શકાય નહીં, પરંતુ ફન્ડે જોખમ-વ્યવસ્થાપન, સ્થિરતા વગેરે માપદંડના આધારે કરેલી કામગીરી પરથી અમુક અંદાજ જરૂર કાઢી શકાય છે.

અહીં જણાવવું રહ્યું કે લાર્જ-કૅપ અથવા ફ્લેક્સિ-કૅપ જેવી વિસ્તૃત શ્રેણીની ઘણી NFO છેવટે પોતાની જ શ્રેણીનાં અન્ય ફન્ડ જેવો જ પોર્ટફોલિયો તૈયાર કરતી હોય છે, જેને કારણે રોકાણકારોને કોઈ ફાયદો થતો નથી. આવી NFOમાં રોકાણ કરવા કરતાં તો પહેલેથી પ્રમાણમાં સારું અને સ્થિર વળતર આપનારી સ્કીમ પસંદ કરવી જોઈએ.

NFOના એક્સપેન્સ-રેશિયો બાબતે પણ સાવચેતી જરૂરી છે. નવી સ્કીમોમાં શરૂઆતમાં એક્સપેન્સ-રેશિયો ઊંચો હોય છે, જે ફન્ડનું કદ વધતું જાય ત્યારે ઘટતો જાય છે. એની સામે વર્તમાન ફન્ડમાં એક્સ્પેન્સ-રેશિયો બાબતે પણ સ્પષ્ટતા હોય છે. 

business news mutual fund investment finance news columnists exclusive gujarati mid day