08 May, 2025 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દરેક સમયે આવતા પરિવર્તન સાથે સમાજમાં પણ અનુરૂપ પગલાં લેવાવાં જોઈએ. છેલ્લા થોડાક સમયથી દેશમાં જે માહોલ છે; પહલગામની ઘટના, પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટના વગેરે જુઓ તો સમજાય છે કે હવે ધર્મરક્ષામાં સામાજિક સ્તરે જાગૃતિ અને એકતનું આહવાન જરૂરી છે. સનાતનીઓએ એક થવું પડશે અને આવી શકનારા સંકટ માટે સજ્જ પણ રહેવું પડશે. આ જ વાતને ધ્યાનમાં રાખીને અમે ખૂબ નિરંતર ધોરણે ધર્મ જાગરણ સભાનું આયોજન કરી રહ્યા છીએ. થોડાક મહિના પહેલાં આ જ વિષયમાં સમાજને રાહ બનાવવા અને એકત્વનો જુસ્સો જગાડવા માટે અમે કાજલ હિન્દુસ્તાનીનું લેક્ચર રાખેલું. ઘાટકોપર, ડોમ્બિવલી અને બોરીવલી એમ મુંબઈમાં અમારાં ત્રણ સ્થાન છે જ્યાં આવી સભાનું આયોજન થાય છે અને તમે માનશો નહીં પણ સાતસોની કૅપેસિટીના હૉલમાં હજાર જેટલા સમાજના લોકો એકઠા થઈ જતા હોઈએ છીએ. એ પહેલાં અમે રાજપૂતોના શૌર્યવંત ઇતિહાસનું વર્ણન કરતા રાજસ્થાનના એક સ્પીકરને બોલાવીને સનાતન ધર્મ માટે આપણા પૂર્વજોએ કેવો-કેવો ભોગ આપ્યો છે એની રસપૂર્વક વાત કરતા અડધા દિવસના શોનું આયોજન કર્યું હતું. એવી જ રીતે ‘હનુમાનજી એક યોદ્ધા’ આ વિષય સાથે બજરંગબલીની વીરતા અને ધર્મ માટેની સમર્પિતતાનું વર્ણન કરતો એક અડધા દિવસનો શો યોજ્યો હતો. અમે સતત અને નિરંતર અમારા સમાજમાં ધર્મ જાગૃતિ માટે, ધર્મ માટે એકત્વ કેળવાય અને આપસી મતભેદોને બાજુ પર રાખીને સનાતની તરીકે સહુ એક થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છીએ.
હું માનું છું કે આ પ્રકારની જનજાગૃતિની દરેક સમાજને અને આપણા દેશને સખત જરૂર છે. સામાજિક સ્તર પર શૈક્ષણિક અને વૈદકીય સહાય તો આપતા રહીએ છીએ પરંતુ ધર્મ જ નહીં બચે, આપણી સંસ્કૃતિ જ નહીં બચે તો સમાજ પણ નહીં બચે એ વાત ભુલાવી ન જોઈએ. વિધર્મીની એકતામાંથી આપણે શીખવા જેવું છે. એક અવાજ પર લાખો લોકો ભેગા થઈ શકે છે. હિન્દુઓમાં પણ આવો જુવાળ જગાવવાની સખત જરૂર છે. અમે અમારા સમાજની દીકરીઓ માટે અને યુવાવર્ગ માટે વર્ષમાં બેથી ત્રણ આત્મરક્ષાના કૅમ્પ યોજીએ છીએ. આપણે કોઈના પર હુમલો નથી કરવો, પરંતુ આપણે આપણા પર થઈ શકનારા હુમલામાં હારવું પણ નથી. આપણે તૈયાર થઈએ. આપણા સમાજની એક-એક વ્યક્તિને તૈયાર કરીએ. ખૂબ વર્ષો સુધી આપણે ‘અહિંસા પરમો ધર્મ’ના સિદ્ધાંતને વળગી રહ્યા પણ હવે સમય છે ‘વીરતા પરમો ધર્મ’ને અપનાવવાનો, આપણી અંદર શૌર્ય અને સામર્થ્યને પ્રગટાવવાનો અને મજબૂતી સાથે સનાતનના રક્ષક બનવા માટે જાતને સજ્જ કરવાનો.
- કાન્તિભાઈ સેંઘાણી