30 November, 2025 02:16 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આ દુનિયા વિશે કહેવાય છે કે એ એક મુસાફરખાનું છે. અહીં લોકો આવે છે, જાય છે. અહીં કોઈને કાયમ રહેવા મળતું નથી. આ અર્થમાં આપણે પણ અહીં મુસાફર જ છીએ. તાજેતરમાં અમારા કાનોમાં અને હૃદયમાં એક શબ્દ મુસાફિર વિવિધ ગીતોના માર્ગે પ્રવેશી ગયો. ખૈર, તો આજે મુસાફિર વિશે સીધી વાત કરીએ.
મુસાફિર હૂં યારોં, ના ઘર હૈ ના ઠિકાના, મુઝે ચલતે જાના હૈ, બસ ચલતે જાના... આ ગીત સાંભળતાં જ માણસ નામના મુસાફિરની યાદ આવી. આપણે માણસો પણ અહીં આ જગતમાં મુસાફિર તરીકે આવ્યા છીએ એટલે મુસાફિરની વાત અને મુસાફરીની મંજિલ પણ સમજવી પડે. જીવનમાં માણસ પોતે ધારે એમ જ જીવી શકતો નથી. જીવનના વિવિધ તબક્કે વળાંકો આવતા જ રહે છે, પરંતુ રસ્તા તો ક્યાંક ને ક્યાંક ભેગા થઈને જોડાઈ જાય છે. તેથી ગીત પણ કહે છે, એક રાહ રુક ગઈ તો ઔર જુડ ગઈ, મૈં મુડા તો સાથ સાથ રાહ મુડ ગઈ. શબ્દોની તાકાતનો મહિમા અહીં જોવા મળે છે, જે ટૂંકમાં કેટલી ગહન ફિલસૂફીની વાત કહી દે છે. આપણી જીવનની મુસાફરીમાં રસ્તામાં વળાંક તો આવવાના જ છે. એ રસ્તો વળાંક લે તો આપણે પણ વળાંક લેવો પડે છે. ઘણી વાર આપણે વળાંક લઈએ કે નવો રસ્તો પણ ખૂલી જતો યા જોડાઈ જતો હોય છે. દરેકે પોતાનો માર્ગ નક્કી કરવાનો હોય છે. જો આપણે ચાલવા માટે કટિબદ્ધ છીએ તો એક નહીં તો બીજો માર્ગ મળી જ જાય છે.
ફિલ્મ-અદાકાર ધર્મેન્દ્રએ તાજેતરમાં વિદાય લીધી ત્યારે ફરી એ જ યાદ આવે કે કોઈ પણ માનવી કેટલો પણ સુવિખ્યાત-લોકપ્રિય હોય, આખરે તો તે પણ મુસાફિર જ છે જે સત્યને આ ગીત સ્પષ્ટ શબ્દોમાં કહે છે, આદમી મુસાફિર હૈ, આતા હૈ જાતા હૈ, આતે-જાતે રસ્તે મેં યાદેં છોડ જાતા હૈ... આ સત્ય આપણા દરેકના જીવનની વાસ્તવિકતા છે.
જીવનમાં માર્ગ દેખાય એ મહત્ત્વનું છે. મંઝિલની ફિકર છોડીને ચાલ્યા કરીએ તો ખરી મજા યાત્રાની જ છે. જો આ સત્યને સ્વીકારી શકીએ તો આ ગીત યાદ આવવું સહજ છે...
વહાં કોન હૈ તેરા મુસાફિર, જાએગા કહાં, દમ લે લે ઘડીભર, યે છૈંયા પાએગા કહાં... જીવનનો માર્ગ પણ એકલા આવવાનો અને એકલા જવાનો હોય છે. માત્ર દોડથી ક્યાંય પહોંચાતું નથી, પણ ઊભા રહેવાથી ઘણી વાર પહોંચી જવાય છે. અર્થાત્ માણસ શેની શોધમાં ભટકે છે એ સત્યની તેને પોતાને પણ ખબર હોતી નથી, પરંતુ જો દોટ બંધ કરીને ઘડીભર બેસે તો કદાચ ખબર પડી શકે કે મારે તો ખુદ સુધી જ પહોંચવાનું હતું યા છે.