ઘરમાં શું ફાટેલું-તૂટેલું ન હોવું જોઈએ એ નોંધી લેજો

02 October, 2022 12:53 AM IST  |  Mumbai | Aacharya Devvrat Jani

વાસ્તુશાસ્ત્ર માત્ર સાચી દિશામાં થયેલા બાંધકામને જ નહીં, ઘરમાં રહેલી તૂટેલી-ફૂટેલી ચીજવસ્તુઓને પણ નોંધે છે અને એ મુજબનું પરિણામ પણ આપે છે એટલે એ જાણવું બહુ જરૂરી છે કે ઘરમાં શું તૂટેલું ન હોવું જોઈએ

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

સામાન્ય રીતે ધારવામાં આવે છે કે વાસ્તુશાસ્ત્ર માત્ર જમીન સંદર્ભનું જ શાસ્ત્ર છે, પણ એવું નથી. વાસ્તુશાસ્ત્રને પુરાણોમાં કલ્પશાસ્ત્ર કહ્યું છે અને કલ્પશાસ્ત્રનો અર્થ સમજવો બહુ અગત્યનો છે. કલ્પશાસ્ત્રનો અર્થ થાય છે કલ્પનાનો સાક્ષાત્કાર કરવાને સક્ષમ હોય એ કલ્પશાસ્ત્ર. શાસ્ત્રોમાં વાસ્તુશાસ્ત્રને જ્યોતિષશાસ્ત્ર કરતાં પણ ચડિયાતું ગણવામાં આવ્યું છે, કારણ કે જ્યોતિષશાસ્ત્ર માત્ર નિર્દેશન આપે છે; પણ વાસ્તુશાસ્ત્ર તમે જે ઇચ્છતા હો એ દિશામાં તમને મક્કમ ડગલે આગળ લઈ જવાનું કામ કરે છે. આગળ લઈ જવાની આ પ્રક્રિયામાં અડચણ કોણ બની શકે અને કઈ અવસ્થા અવરોધ ઊભો કરી શકે એ જાણવું ખૂબ જરૂરી છે. 
વાસ્તુશાસ્ત્રમાં પહેલી અડચણ છે અયોગ્ય જગ્યા અને બીજી અડચણ છે ઘરમાં તૂટેલી-ફૂટેલી ચીજવસ્તુઓ. ઘરમાં શું તૂટેલું ન હોવું જોઈએ એ જરા જાણીએ.
૧. મિરર. હા, મિરર એટલે કે અરીસો ઘરમાં તૂટેલો ન હોવો જોઈએ. તૂટેલો જ નહીં, ખરાબ થયેલો અરીસો પણ ઘરમાં હશે તો એ અયોગ્ય છે. ખરાબ કે તૂટેલો અરીસો સીધો જ તમારી ઇમેજને નકારાત્મક બનાવે છે એટલે જીવનમાં ક્યારેય, કોઈ ઘરમાં કે પછી ઑફિસના વૉશરૂમમાં પણ તૂટેલો અરીસો ન રાખો. અહીં એક વાત ઉમેરવાની કે અરીસો જ નહીં, ઘરમાં ક્યાંય તૂટેલો કાચ પણ રાખતા નહીં. તૂટેલો અરીસો જેમ તમારી ઇમેજને અસર કરે છે એવી જ રીતે તૂટેલો કાચ તમારી શાખને હાનિ પહોંચાડે છે. એટલે જરાઅમસ્તી, નામપૂરતી પણ કોર તૂટેલી હોય એવી કાચની પ્લેટ, બાઉલ કે પછી ગ્લાસ પણ ઘરમાં રાખવાને બદલે એને તિલાંજલિ આપો.
૨. પગલુછણિયું. હા, એ ક્યારેય ફાટેલું ન હોવું જોઈએ. ઘણાં ઘરો એવાં હોય છે જેમાં પગલુછણિયું જૂનું થઈ ગયું હોય તો પણ ચલાવી લેવાની માનસિકતા સાથે એને સ્વીકારવામાં આવે છે, પણ એવું ન કરો. પગલુછણિયું ભલે બહુ ફાલતુ દેખાય, પણ હકીકતમાં એની માનસિક અસર બહુ મોટી છે. ફાટેલું, તૂટેલું કે પછી ઘસાઈને સાવ જૂનું થઈ ગયેલું પગલુછણિયું પોતાની સાથે નકારાત્મકતા ઘરમાં લાવે છે. સામાન્ય સંજોગોમાં દર ત્રણ મહિને કે પછી ૯૦ દિવસે પગલુછણિયું બદલી નાખવું જોઈએ, પણ ગુજરાતી પરિવાર એ કામ કરતો નથી અને જે જગ્યાએ કરકસરની જરૂર નથી એ જગ્યાએ તે કરકસર કરીને ઘરમાં નકારાત્મકતા વધારે છે.
૩. અન્ડરગાર્મેન્ટ્સ. હા, જે સૌથી અંગત વ્યક્તિ સિવાય કોઈ જોતું નથી હોતું પણ એ સમયાનુસાર ચેન્જ કરતા રહેવું જોઈએ. ચેન્જ પણ ત્યારે જ કરવાનાં છે જ્યારે એ ફાટી જાય. સામાન્ય રીતે વ્યક્તિ એ ચેન્જ કરવાની બાબતમાં નિષ્ફિકર થવું ગેરવાજબી છે. બહેતર છે કે જરૂર પડે ત્યારે નવાં અન્ડરગાર્મેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવે. જો તમને એવું લાગતું હોય કે અન્ડરગાર્મેન્ટ્સ અને વાસ્તુશાસ્ત્રને શો સંબંધ છે તો કહેવાનું કે સ્વચ્છ, સુઘડ અને સુંદર આંતરવસ્ત્ર તમારા મન પર સીધી અસર કરે છે. ફાટેલા કે અસ્વચ્છ આંતરવસ્ત્રથી અસ્પષ્ટ માનસિકતા અને ગેરવાજબી વિચારોનું પ્રમાણ વધે છે.

columnists