જા, નથી જોઈતી તારી ઍલિમની, હું મારું ધ્યાન રાખી લઈશ જાતે

26 October, 2021 05:56 PM IST  |  Mumbai | Ruchita Shah

લગ્નભંગ થાય એ પછી ઍલિમની બહુ જ મોટો ઇશ્યુ બનીને કપલને વર્ષો સુધી એકબીજા સામે કોર્ટમાં લડવા માટે તત્પર બનાવતો હોય છે. ઍટ લીસ્ટ અત્યાર સુધી તો આવું જ બનતું આવ્યું હતું

ઍક્ટ્રેસ સમન્થા અને ઍક્ટર નાગ ચૈતન્ય

તાજેતરમાં સાઉથની ઍક્ટ્રેસ સમન્થા અને ઍક્ટર નાગ ચૈતન્યએ ચાર વર્ષના લગ્નજીવન પર ધી એન્ડ લગાવી દીધું. ડિવૉર્સ પછી બસો કરોડ રૂપિયાની ઍલિમનીની ઑફર સમન્થાએ એ ગ્રાઉન્ડ પર ઠુકરાવી કે તે પોતે પોતાનું ધ્યાન રાખવા સમર્થ છે. શું ખરેખર આ અપ્રોચ આજની સેલ્ફ-મેડ મહિલાઓમાં જોર પકડી રહ્યો છે?

સાઉથની ફિલ્મોને ઉપરછલ્લી પણ જેમણે જોઈ હશે તેમના માટે સમન્થા અને નાગ ચૈતન્યનો ચહેરો અજાણ્યો નહીં હોય. સમન્થાએ તાજેતરમાં ફૅમિલીમૅન સીઝન-ટૂમાં પણ પોતાની અદાકારી દ્વારા જોરદાર લોકચાહના મેળવી છે. ઓવરઑલ જેમને હંમેશાં ક્યુટ કપલ તરીકે જ લોકોએ જોયા છે એ કપલે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર છૂટાછેડાની જાહેરાત કરી.

દેખીતી રીતે જ ફૅન્સમાં હડકંપમચી ગયો. જોકે આ તેમની અંગત લાઇફ છે અને એમાં તેમને ઉચિત લાગતા નિર્ણયો લેવાનો હક છે જ. જોકે આ ડિવૉર્સની જેમ જ બીજા એક ન્યુઝે વધુ ચકચાર મચાવી. સમન્થાએ નાગ ચૈતન્ય અને તેના પરિવારે ડિવૉર્સના સેટલમેન્ટ માટે તેને ઑફર કરેલી ૨૦૦ કરોડ રૂપિયા જેવી મોટી રકમ લેવાનો ઇનકાર કર્યો. યસ, ૨૦૦ કરોડ રૂપિયા! આ યંગ લેડીએ પોતે પોતાનું ધ્યાન રાખવા સમર્થ છે અને તેને આવી કોઈ ઍલિમનીની જરૂર નથી એ વાતનો હવાલો આપીને એને ઠુકરાવ્યા. લગ્નભંગ થાય એ પછી ઍલિમની બહુ જ મોટો ઇશ્યુ બનીને કપલને વર્ષો સુધી એકબીજા સામે કોર્ટમાં લડવા માટે તત્પર બનાવતો હોય છે. ઍટ લીસ્ટ અત્યાર સુધી તો આવું જ બનતું આવ્યું હતું. પણ શું હવે પ્રવાહ બદલાયો છે? શું હવે મહિલાઓ પોતાની આત્મનિર્ભરતાને પ્રામાણિકપણે સ્વીકારીને છૂટાછેડા પછી પતિની સહાય લેવાનું નકારવા માંડી છે? આજનો આ ટ્રેન્ડ છે કે પહેલાં પણ આવું હતું? ફૅમિલી કોર્ટમાં આવી રહેલા બદલાવની આ દિશા છે કે માત્ર એક અપવાદ છે? આવા ઘણા સવાલોના જવાબો આ ક્ષેત્રના નિષ્ણાતો પાસેથી મેળવીએ.

સબ્જેક્ટિવ બાબત

એક સમય હતો જ્યારે ફૅમિલી કાર્ટમાં દર વર્ષે સાત-આઠ હજાર ડિવૉર્સની પિટિશન ફાઇલ થતી હતી. આજે દર મહિને આટલા હજાર કેસ ફાઇલ થાય છે. આ માહિતી આપીને છેલ્લાં ૨૬ વર્ષથી ફૅમિલી કોર્ટમાં પ્રૅક્ટિસ કરતા દેવેન મનુભાઈ ગોપાણી કહે છે, ‘કોર્ટમાં લિટિગેશનનો લોડ સતત ને સતત વધી જ રહ્યો છે એ દર્શાવે છે કે આટલા સ્મૂધલી લોકો છૂટા પડી જાય એવું મૅક્સિમમ કેસમાં નથી જ બનતું. મોટા ભાગના કેસમાં કોર્ટમાં કેસ આગળ જ એટલે વધે છે કે ક્યાંક ઍલિમની, મેઇન્ટેનન્સ અને કસ્ટડીનો મુદ્દો જ્વલંત હોય છે. લોકો ફૅમિલી કોર્ટને બે પાત્રોના આપસના ઈગો ટકરાવાના બૅટલ ગ્રાઉન્ડ તરીકે લઈ લેતા હોય છે. ઘણી વાર પૈસાની જરૂર ન હોય તો સામેવાળાને દેખાડી દેવાના આશયથી પણ ઍલિમનીનો મુદ્દો ઊભો હોય છે. એટલે સામાન્ય લોકોમાં અપ્રોચ બદલાયો છે એવું ન કહી શકાય. હા, એવા કેસ પણ હવે જોવા મળે છે જેમાં મહિલાઓને હસબન્ડ સાથે છૂટા પડ્યા પછી તેની કોઈ જ વસ્તુ ન જોઈએ એવું વિશેષ લાગતું હોય છે. આમાં કમાતી મહિલાઓ અને હાઉસવાઇફ મહિલાઓનો કોઈ ભેદ નથી. હમણાં જ રીસન્ટ્લી એક કેસમાં એક એસ્ટૅબ્લિશ્ડ ડૉક્ટર મહિલાએ છૂટાછેડાના કેસમાં તેના હસબન્ડ પાસેથી પચાસ લાખ રૂપિયાની ઍલિમની લીધી. એ કેસમાં હસબન્ડ એ સ્તર પર હતો કે તેણે પચાસ લાખ રૂપિયા તો આપ્યા જ, સાથે ઉપરથી બીજા પાંચ લાખ રૂપિયા પણ ઉમેરીને આપ્યા કે તારો બીજો જે કોઈ ખર્ચ થયો હોય એ પણ તું રાખ. સાથે તેણે એમ પણ કહ્યું કે ભવિષ્યમાં પણ તારે કોઈ મોટા ખર્ચમાં પૈસાની જરૂર પડે તો હું છું તારા માટે. તો બીજી બાજુ એવો કિસ્સો બન્યો જેમાં હસબન્ડ અમેરિકામાં હતો. અહીં આવીને લગ્ન કર્યાં. તેમને એક બાળક પણ થયું અને પછી તેણે ધ્યાન આપવાનું બંધ કરી દીધું. વાઇફ હાઉસવાઇફ, પણ પિયર પક્ષ મજબૂત. જયપુરના પૅલેસમાં ઠાઠ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. વાઇફે ડિવૉર્સની પિટિશન નાખી. ઍલિમની માગી. હસબન્ડે પહેલાં ના પાડી અને થોડોક સમય કેસ ચાલ્યો. કોર્ટના આદેશ પ્રમાણે તેણે છેલ્લે ઍલિમનીની ખાસ્સી મોટી રકમ કોર્ટમાં ભરવી પડી અને પછી વાઇફે એ લેવાની ના પાડી દીધી. ઍલિમની આપ્યા પછી તેણે રકમ ઠુકરાવી દીધી અને પેલાના ગાલ પર જાણે ઇનડાયરેક્ટ્લી તમાચો માર્યો. ઉપાડ તારા પૈસા અને વધુ જોઈતા હોય તો લઈ જા મારી પાસેથી, તું તો પૈસાનો પૂજારી નીકળ્યો, તેં માણસની કદર ન કરી. આવા કેસ પણ છે. ઘણા કેસમાં લાખો રૂપિયાનો પગાર ધરાવતા પતિદેવો પણ પોતાના બાળક માટે મેઇન્ટેનન્સના આઠ હજાર રૂપિયા નથી આપી શકતા અને બાળકની કસ્ટડી માટે અને તેને મળવા માટે વેવલા થઈને ફરતા હોય છે. ટૂંકમાં, ફૅમિલી કોર્ટમાં અત્યારે બહુ જ વેરિયેશનવાળા કેસ જોવા મળી રહ્યા છે. કોઈ કેસમાં સિમિલરિટીઝ નથી.’

પ્રૅક્ટિકલ વિચારે છે

 

ફૅમિલી કોર્ટમાં કેસ દાખલ કરનારી મહિલાઓ હવે પ્રૅક્ટિકલ બની છે એમ જણાવીને ઍડ્વોકેટ ગઝાલા ખાન કહે છે, ‘પહેલાં મહિલાઓ પાસે લિમિટેડ રિસોર્સિસ હતા એટલે તેમણે અવલંબિત રહેવું પડતું હતું. દસ ટકા કેસ માટે હું એમ કહી શકું કે હવે તેમની માટે પ્રાયોરિટી તેમનો સમય છે. સમયની કિંમત તેઓ કરવા માંડી છે અને તેમને હસબન્ડ સાથેના વહેવારમાં એવી કડવાશ વ્યાપી ગઈ હોય છે કે તેની પાસેથી મળતી વસ્તુ માટે પણ તેમના મનમાં ભારોભાર ધિક્કાર હોય છે. હમણાં જ એક કેસ આવ્યો જેમાં વાઇફે પિટિશન દાખલ કરી ડિવૉર્સ માટે. તેણે હસબન્ડનું ઘર છોડી દીધું. બન્ને મ્યુચ્યુઅલી ડિવૉર્સ લેવા માટે તૈયાર થઈ ગયા. તેમની વચ્ચે હવે ઘર્ષણ એ વાતનું છે કે હસબન્ડ મહિલાને સ્ત્રીધન આપવા તૈયાર છે પરંતુ વાઇફને એ નથી લેવું. વાઇફને તેના ઘરેથી માત્ર તેનું આધાર કાર્ડ અને પાસપોર્ટ જોઈએ છે. એ સિવાય પોતાની બધી વસ્તુ ત્યાં પડી હોવા છતાં તેને એનામાં રસ નથી. તે બધું જ હસબન્ડના મોઢા પર મારવા માંડે છે. તેને અફસોસ એ વાતનો છે કે મારા જીવનનાં કીમતી વર્ષો આ માણસ સાથે જોડાઈને બગડી ગયાં, હવે શું આ દસ-બાર લાખ રૂપિયાના દાગીના એની ભરપાઈ કરી શકવાના છે? મહિલાઓની ખુદ્દારી હવે તેમને હસબન્ડની એકેય વસ્તુ લેવા માટે રોકે છે. જે માણસ જ હવે સાથે નથી અને જે હવે ભૂતકાળ છે તેની વસ્તુઓને શું કરવાનું? એ સેલ્ફ-રિસ્પેક્ટવાળી મહિલાઓની સંખ્યા વધી રહી છે. લોકો હવે પ્રૅક્ટિકલી પોતાના સમયને બચાવીને જીવનમાં મૂવ-ઑન કરીને શાંતિથી જીવવાનું પ્રિફર કરી રહ્યા છે. જોકે આવો અપ્રોચ ધરાવતી મહિલાઓની સંખ્યા દસ ટકા જ છે અને બાકીની નેવું ટકા આજે પણ પોતાના અધિકાર માટે ગમે એટલાં વર્ષો જાય એ કુરબાન કરવા તેઓ તૈયાર છે.’

હિતનો વિચાર

ઓવરઑલ એક તરફ સેલ્ફ-મેડ મહિલાઓ તું નહીં તો તારા પૈસા પણ ન જોઈએ એ વાત નિષ્ફિકર થઈને કહેતી થઈ છે તો બીજી બાજુ એટલી જ હલકી માનસિકતાના પુરુષો પણ છે જેઓ મહિલાઓના સ્ત્રીધનને પચાવી પાડવા માટે હવાતિયાં મારતા હોય છે. ક્યાંક ઈગો-ડ્રાઇવ પર આવીને મહિલાઓ સામેવાળાની પરિસ્થિતિનો વિચાર કર્યા વિના ઘેરી લેતી હોય છે. તેમને પૈસાની જરૂર નથી, પરંતુ પોતાના જીવનને બરબાદ કરનારા માણસને સબક તો શીખવાડશે જ એ વિચારોથી તે વર્ષો કોર્ટમાં લડે છે. એક કેસ આવેલો જેમાં દીકરીએ ઍલિમની માટે પચાસ લાખ રૂપિયા હસબન્ડ પાસે માગ્યા છે. કોર્ટમાં કેસ ચાલે છે. તે છોકરીના પિતા પૈસા લેવાની ના પાડે છે. કહે છે કે કોઈકે કમને આપેલા પૈસા આપણને પણ બરકત નહીં કરે અને મૂક, નથી જોઈતા આપણે એ ખરાબ દાનતવાળાના પૈસા. જોકે આ છોકરી માનતી નથી. મારા પપ્પાના પૈસા લગ્નમાં બરબાદ કર્યા અને મને હેરાન કરી, હવે હું તને છોડીશ નહીં. બધેબધા પૈસા દાનમાં આપી દઈશું પરંતુ પેલાને તો સબક શીખવીશું જ. આ ડ્રાઇવ સાથે કેસનો અંત કેવી રીતે આવે? આટલાં વર્ષોના અનુભવ પરથી કહીશ કે ફૅમિલી કોર્ટમાં જે પણ કેસ આવતા હોય છે એમાં ૫૦ ટકા ડિવૉર્સ મૅચ્યૉરિટી અને સમજણના અભાવને કારણે થતા હોય છે. એક કેસમાં એક જ કપલે ત્રણ વખત સેમ પાત્ર સાથે લગ્ન કરીને ત્રણેય વાર ડિવૉર્સ લીધા અને હવે ચોથી વાર એકબીજા સાથે જ લગ્ન કરીને નિરાંતનું જીવન જીવી રહ્યા છે. મૅચ્યૉરિટી આવવામાં ચાર વખત સેમ પાત્ર સાથે લગ્ન કરવા જેટલો સમય લાગ્યો તેમને.’

ruchita shah