માતાના મઢે હિલોળે ચડ્યો આસ્થાનો મહાસાગર

02 October, 2022 11:13 PM IST  |  Mumbai | Shailesh Nayak

છઠ્ઠા નોરતા સુધીમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કચ્છીઓનાં કુળદેવી ગણાતાં આશાપુરા માના મંદિરે શીશ નમાવી આવ્યા છે. કોઈક આંખે પાટા બાંધીને પદયાત્રા કરીને પહોંચ્યું છે તો કોઈક સવાપાંચ કિલોની સાંકળ બાંધીને ઊલટા પગે આવ્યું છે

માતાના મઢે હિલોળે ચડ્યો આસ્થાનો મહાસાગર

છઠ્ઠા નોરતા સુધીમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ કચ્છીઓનાં કુળદેવી ગણાતાં આશાપુરા માના મંદિરે શીશ નમાવી આવ્યા છે. કોઈક આંખે પાટા બાંધીને પદયાત્રા કરીને પહોંચ્યું છે તો કોઈક સવાપાંચ કિલોની સાંકળ બાંધીને ઊલટા પગે આવ્યું છે. મુંબઈથી પણ હજારોની સંખ્યામાં ભક્તો હજારેક કિલોમીટર સાઇક્લિંગ કરીને પહોંચ્યા છે

કચ્છમાં બિરાજમાન હાજરાહજૂર આશાપુરા માતાનો આશરો માગતા લાખો માઈભક્તો આ વર્ષે નવરાત્રિ પર્વમાં માતાના મઢમાં ઊમટ્યા છે. આમ તો દર વર્ષે કચ્છીઓનાં કુળદેવી ગણાતાં દેશદેવી મા આશાપુરા ધામમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવાય છે, પણ આ વર્ષ કંઈક વિશેષ જ છે. ઓણ સાલ નવરાત્રિમાં આસ્થાનો માનવસાગર હિલોળે ચડ્યો છે. મોટા ભાગે માનતા પૂરી કરવા માટે લોકો અહીં આવ્યા છે. આ લખાઈ રહ્યું છે ત્યારે નવરાત્રિના છઠના દિવસ સુધી સવાપાંચ લાખથી વધુ ભક્તો આવી ચૂક્યા છે. જેમ ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં યોજાય છે અને માઈભક્તો પદયાત્રા કરીને અંબાજી આવે છે એમ માતાના મઢે નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને આશાપુરા માતાજીના શરણે આવે છે. મુંબઈથી પણ હજારોની સંખ્યામાં ભક્તો સાઇકલ લઈને કચ્છ જાય છે. સ્વાભાવિક છે કે આટલી મોટી સંખ્યામાં જ્યાં ભક્તો જાય ત્યાં મેળા જેવો માહોલ બને. માતાના મઢે નવરાત્રિ દરમ્યાન મેળો યોજાય છે અને એમાં કચ્છ ઉપરાંત ગુજરાતના ખૂણેખૂણાથી અને દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા માતાના મઢે દર્શન માટે જાય છે. આ પદયાત્રીઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઈને માતાના મઢ જાય  છે. છેલ્લાં બે વર્ષથી માના દરબારમાં પહોંચી ન શકાયું હોવાથી આ વર્ષે કંઈક અલગ જ સ્થિતિ દેખાય છે. દર્શન માટે લાંબી-લાંબી લાઇન છે એ તો ઠીક, પણ અહીં પહોંચવા માટેના રસ્તાઓ પર પણ હકડેઠઠ ટ્રાફિક જૅમ છે.

દર વર્ષ કરતાં આ વર્ષે દર્શનાર્થીઓની સંખ્યા અકલ્પનીય રીતે વધુ છે એનું કારણ જણાવતાં આશાપુરા મંદિરના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા કહે છે, ‘આ વર્ષે નવરાત્રિ શરૂ થાય એ પહેલાં ૨૨ સપ્ટેમ્બરથી જ પદયાત્રીઓનો ધસારો શરૂ થઈ ગયો હતો. અહીં આવતા પદયાત્રીઓ મોટા ભાગે ત્રીજા નોરતા સુધીમાં આવી જતા હોય છે, પરંતુ હજી પણ પદયાત્રીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે. પદયાત્રીઓ દરેક કૅમ્પમાં દેખાયા અને હંમેશ કરતાં વધુ દેખાયા. અમારા અંદાજ મુજબ દર વર્ષ કરતાં આ વર્ષે માતાજીનાં દર્શન માટે આવતા ભાવિકોમાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. કોરોનાની બાધા-માનતા રાખી હોય એવા પદયાત્રીઓ વધુ છે. સાત દિવસ દરમ્યાન અંદાજે પાંચ લાખથી વધુ દર્શનાર્થીઓ માતાજીનાં દર્શન કરવા આવ્યા છે અને હજી પણ આવી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં જબરી કટોકટીમાંથી પસાર થયા હોય ત્યારે માની માનતા રાખી હોય અને બાધા ફળી હોય એવા ઘણા બધા લોકો આ વર્ષે દર્શન કરવા આવ્યા છે.’

અહીં રોજેરોજ આકરી બાધાઓ રાખીને દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ જોવા મળે છે. નર્મદા જિલ્લામાંથી એક બહેન આંખે પાટા બાંધીને ચાલતાં-ચાલતાં માતાજીનાં દર્શન કરવા આવ્યાં હતાં. આ બહેનના પુત્રને કોરોના થયો હતો અને તેમણે માતાજીની બાધા રાખતાં તેમનો પુત્ર સાજો થઈ જતા નર્મદા જિલ્લામાંથી આંખે પાટા બાંધીને પદયાત્રા કરીને બુધવારે માતાના મઢ પહોંચ્યાં હતાં અને માતાજીનાં દર્શન કર્યાં હતાં. આશાપુરા માતાજીમાં અખુટ શ્રદ્ધા ધરાવતાં આ બહેનને રસ્તામાં કયાંય કોઈ અડચણ નડી નહીં અને હેમખેમ માતાજીના દરબારે પહોંચ્યાં હતાં. આવો જ એક બીજો દાખલો છે જામનગરની સ્કૂલમાં કામ કરતા દિગ્વિજયસિંહ નામના યુવાનનો. તે જામનગરથી ઊંધા પગે ચાલીને છેલ્લાં ઘણાં વર્ષથી આશાપુરા દર્શને આવે છે. આ વખતે તેણે એ કસોટીમાં વધુ ઉમેરો કર્યો છે. સવાપાંચ કિલોની સાંકળ શરીર પર ઉઠાવીને અવળા પગે યાત્રા કરીને તે આશાપુરા પહોંચ્યો હતો. માતાના મઢે પગપાળા લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને માથું ટેકવીને માતાજીના આશીર્વાદ મેળવીને એક નવી ઊર્જા, નવી ચેતના સાથે પાછા ફરે છે. 

columnists shailesh nayak