ઓડિશા અકસ્માત : મરણાંકની સાથોસાથ એ પણ જાહેર કરો કે ઘટના માટે જવાબદાર કેટલા

05 June, 2023 02:58 PM IST  |  Mumbai | Manoj Joshi

આ જે ઘટના છે એ ઘટના ઘટવાનું કારણ જાણવું બહુ જરૂરી છે

ફાઇલ તસવીર

જે પ્રકારે ઓડિશામાં ઍક્સિડન્ટ થયો છે એ ખરેખર ભારોભાર ભુતાવળ સર્જનારો છે. હજી ગઈ કાલે જ પેપરમાં વાંચ્યું કે દેશની સૌથી ભયાનક ટ્રેન-દુર્ઘટનામાં આવતી આ ત્રીજા નંબરની દુર્ઘટના છે. મરણાંક ૨૮૮ પર પહોંચી ગયો છે અને એ આંકડો હજી પણ વધે એવી સંભાવના છે. આ જે ઘટના છે એ ઘટના ઘટવાનું કારણ જાણવું બહુ જરૂરી છે. એકસાથે ત્રણ ટ્રેન અથડાઈ અને એમાં આ સ્તરે આતંક ફેલાય ત્યારે માનવું જ રહ્યું કે આ બેદરકારી પણ એક ગુનો છે, પણ અફસોસની વાત એ છે કે બે દિવસથી મરણાંક આવે છે, પણ જવાબદારીનો કોઈ આંકડો આવી નથી રહ્યો. હકીકત એ છે કે મરણાંક પહેલાં પણ જવાબદારોનાં નામ જાહેર થાય એ પ્રકારની તમારી સિસ્ટમ હોવી જોઈએ.

ભારતમાં ટ્રેન-માર્ગ સૌથી વધારે પૉપ્યુલર માર્ગ છે. આવા સમયે સેફ્ટી જેટલી અનિવાર્ય છે એટલી જ અનિવાર્ય એ વાત પણ છે કે એક પણ વ્યક્તિ બેજવાબદારી સાથે વર્તે નહીં, જેથી આવી કોઈ ઘટના ઘટે નહીં, પણ એવું થતું નથી. મોટા ભાગની ટ્રેન-દુર્ઘટના તમે જોશો તો તમને એમાં માનવભૂલ જ દેખાશે. ખોટા સમયે ખોટું સિગ્નલ આપી દેવાથી માંડીને લેટ પડેલી ટ્રેનને સમયસર સ્ટેશન પર લઈ જવાની ઉતાવળ કરવાની ભૂલ કરનાર એન્જિન-ડ્રાઇવરથી માંડીને ક્રૉસિંગ પર ખોટા સિગ્નલ આપી દેવાની ભૂલ. આ જે ભૂલો છે એ ભૂલો નિવારવી અત્યંત અનિવાર્ય છે, કારણ કે ટ્રેન-સફર એ તમારા દેશની સૌથી પૉપ્યુલર સફર છે. તમે જરા વિચાર કરો, આ દેશમાં દરરોજ ઓછામાં ઓછા બાવીસ કરોડ લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરે છે અને આ ટ્રાવેલિંગ દરમ્યાન તે પોતાની મંઝિલ પર પહોંચવાનો ઉત્સાહ મનમાં ભરી રાખે છે.

ઓડિશામાં થયેલી ટ્રેન-દુર્ઘટના માટે તપાસ ચાલુ થઈ ગઈ છે, પણ અફસોસની વાત એ છે કે હજી સુધી એની દિશા સુધ્ધાં નક્કી નથી થઈ. દિશા પણ નક્કી નથી થઈ અને આવું બનવાનું કારણ શું હોઈ શકે એના પર પેપરવર્ક સુધ્ધાં નથી થઈ શક્યું. જવાબદાર કોણ આ આખી ઘટના માટે? એટલું યાદ રાખજો કે આ કોઈ કુદરતી હોનારત નથી અને આવી કોઈ હોનારત હોઈ પણ ન શકે. જે સ્તરે ઍક્સિડન્ટ થયો છે એ વાત જ ધ્રુજારી આપી દેવા માટે કાફી છે. રેલવે મિનિસ્ટ્રીએ તાત્કાલિક આ દિશામાં કામ કરવું જ રહ્યું અને સેન્ટ્રલે આ આખા કેસની તપાસ પોતાના હાથમાં લેવાની જવાબદારી નિભાવવી જ રહી. જો આ કેસમાં ન્યાય નહીં મળે તો એકસાથે સેંકડો પરિવારોની બદદુઆ આ દેશને લાગશે અને એવું બન્યું તો એ બેચેની કોઈ ભોગવી નહીં શકે. આજની વાત કરીએ તો મરણાંક વધતો રહ્યો છે, પણ જવાબદારનો આંકડો હજી પણ ત્યાંનો ત્યાં જ છે. આર્યભટ્ટે શોધ્યું હતું એ શૂન્ય પર. ખરેખર શરમજનક કહેવાય એવી વાત છે અને આવી વાતને કોઈ કાળે સ્વીકારી નહીં શકાય. જે કરવું હોય એ કરો, જેમ કરવું હોય એમ કરો. રાજીનામાની હારમાળા સર્જી દો, પણ બસ, એક વાત પર લક્ષ રાખો. આ આખી ઘટના પાછળ જવાબદાર કોણ છે એ બહાર આવે અને એ બધાને ઝડપથી સજા મળે.

જો વાત સાથે સહમત ન થતા હો તો એક વખત એ ફોટોગ્રાફ જોઈ લેજો, જેમાં લોકો પોતાના સ્વજનોની બૉડી શોધવા માટે અઢળક ડેડ-બૉડી જોઈ રહ્યા છે અને એની આંખોમાં દુષ્કાળ પથરાઈ ગયો છે.

ના, આવું નહીં ચાલે. જવાબદાર સામે આવવા જોઈશે, તેને એવી સજા મળવી જોઈશે કે ભૂલથી પણ આવી ભૂલ પોતાના હાથે ન થાય એની તકેદારી આખો દેશ રાખતો થઈ જાય.

columnists manoj joshi odisha