ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

15 March, 2021 01:59 PM IST  |  Mumbai | Sanjay Goradia

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

ઓહ, સૉરી... બસ, એમ કહી અમિતાભ બહાર નીકળી જાય

અમે જયા બચ્ચનની ચેમ્બરમાં ‘મા રિટાયર હોતી હૈ’ની સ્ક્રિપ્ટનું રીડિંગ કરતા હોઈએ ત્યારે ભૂલથી અમિતજી અંદર આવી જાય તો અમને જોઈને આવું કહીને નીકળી જાય. હું તો આ બધું જોઈને અહોભાવથી અભિભૂત થઈ જાઉં. લેજન્ડ ઍક્ટ્રેસ અને મહાનાયકને આટલાં નજીકથી હું મળું એવું તો મેં સપનામાંય નહોતું વિચાર્યું

‘મા રિટાયર હોતી હૈ’માં જયા બચ્ચન પછીનું કાસ્ટિંગ જો કોઈ થયું હોય તો એ રમેશ તલવારનું. રમેશજી નાટક ડિરેક્ટ કરવાના હતા એ તો પહેલેથી નક્કી હતું, પણ જયાજીનું કમ્ફર્ટ ઝોન અકબંધ રહે એવા હેતુથી રમેશજીને ‍ઍક્ટર તરીકે પણ બોર્ડ પર લીધા. જયાજીએ પણ હામી ભણી એટલે અમે નવા કાસ્ટિંગ પર આવ્યા અને રમેશજી તેમના નાનપણના મિત્ર બંસી થાપરને સમાજસેવકના રોલ માટે લઈ આવ્યા. મોટી વહુના રોલમાં રમેશજી નેહા શરદને લઈ આવ્યા. આ નેહા શરદ એટલે વિખ્યાત હાસ્યકાર શરદ જોશીની દીકરી. થોડાં રિહર્સલ્સ પછી નેહા શરદની જગ્યાએ રમેશજી અનીતા કુલકર્ણીને લઈ આવ્યા. અનીતા કુલકર્ણીનું નામ આગળ પણ ઘણી વાર આવવાનું છે એ જસ્ટ તમને કહી રાખું. એ પછી નાની વહુના રોલનું કાસ્ટિંગ મને મળી ગયું. નાની વહુના રોલમાં હું આર્યા રાવલને લાવ્યો. તમારી જાણ ખાતર, આર્યા આપણા જાણીતા ઍક્ટર મુકેશ રાવલની દીકરી.
આર્યા પછી મોટા દીકરાના રોલમાં અમે મનીષ વાધવાને કાસ્ટ કર્યો, તો નાના દીકરાના રોલમાં અમે અભય ચંદારાણાને લાવ્યા. અભયે મારા ગુજરાતી નાટક ‘દેરાણી જેઠાણી’માં રોલ કર્યો હતો. દીકરીના રોલમાં મારી સાળી નિમિષા વખારિયાને લાવ્યા, જેણે ઓરિજિનલ ‘બા રિટાયર થાય છે’માં પણ દીકરીનો રોલ કર્યો હતો. કાસ્ટિંગ પૂરું થયું એટલે અમે નાટકનાં રિહર્સલ્સ શરૂ કર્યાં. તમને એક વાત કહું, જયાજી એકદમ કહ્યાગરાં અને આજ્ઞાકારી કહેવાય એવાં ઍક્ટર. તેમને જ્યારે પણ અને જ્યાં પણ રિહર્સલ્સમાં બોલાવવામાં આવે ત્યારે ત્યાં તેઓ આવ્યાં છે.
‘મા રિટાયર હોતી હૈ’નાં રિહર્સલ્સ અમે દીનાનાથ મંગેશકર હૉલમાં પણ કર્યાં છે અને અંધેરીમાં આવેલી હંસરાજ મોરારજી સ્કૂલમાં પણ કર્યાં છે. જયાજી હંમેશાં ૧૫ મિનિટ વહેલાં જ આવે. હું તમને એક વાત કહું. એ સમયે મારી પાસે ગાડી નહોતી. હું કાઇનેટિક હૉન્ડા વાપરતો. દિવસઆખાનાં બધાં કામ પતાવીને કાઇનેટિક હૉન્ડા લઈને હું ભાગતો, રિહર્સલ્સ પર પહોંચતો, પણ જઈને જોઉં તો જયાજીની મર્સિડીઝ કાર ઑલરેડી આવી ગઈ હોય અને તેઓ
રિહર્સલ્સ-રૂમમાં બેસીને એકલાં સ્ક્રિપ્ટનું રીડિંગ કરતાં હોય.
અમારે માટે તો આ ભારોભાર શૉકિંગ હતું.
એક દિવસ મેં અને રમેશજીએ અંદરોઅંદર જ નક્કી કર્યું કે હવેથી જયાજીને અડધો કલાક પછીનો જ રિહર્સલ્સનો ટાઇમ આપવાનો જેથી તેમણે રાહ જોવી ન પડે.
‘મા રિટાયર હોતી હૈ’નાં રિહર્સલ્સ માટે ફ્લોર પર જઈએ એ પહેલાં અમે લોકોએ લગભગ એક મહિના સુધી જયાજીની ઑફિસમાં નાટકનું રીડિંગ કર્યું. નાટકના રીડિંગ કરવા પર જયાજી સતત ભાર આપતાં. તેઓ કહેતાં, ‘સિનેમા મેરા મીડિયમ હૈ, થિયેટર મેરા મીડિયમ નહીં હૈ, ઇસે ઠીક તરહ સે સમઝના બહોત ઝરૂરી હૈ...’
તેમની ઑફિસની ચેમ્બરમાં બેસીને હું, રમેશજી અને જયાજી નાટકનું રીડિંગ કરતાં હોઈએ. કેટલીક વાર તો બચ્ચનસાહેબ ભૂલથી અંદર આવી જાય અને પછી ‘સૉરી’ કહીને બહાર નીકળી જાય.
આ બધી વાતો મારા માટે સાવ નવી હતી. કહો કે હું તો એકદમ ભાવવિભોર હતો અને શું કામ ન હોઉં. એક લેજન્ડ ઍક્ટ્રેસ સાથે હું કામ કરતો હતો, એક લેજન્ડ ઍક્ટ્રેસની ઑફિસમાં બેસીને અમે રીડિંગ કરીએ છીએ અને સદીના મહાનાયક બચ્ચનસાહેબ આવી જતા હોય અને પછી સહજ રીતે ભૂલ થઈ ગઈ હોય એ રીતે બહાર પણ નીકળી જાય. આ બધું મારા માટે નવું હતું.
રમેશજી માટે તમને કહી દઉં, ખૂબ જ સારા ડિરેક્ટર. ૧૯૬૯થી યશ ચોપડાના અસિસ્ટન્ટ. યશજીને તેમણે રાજેશ ખન્ના સ્ટારર ફિલ્મ ‘ઇત્તેફાક’થી જૉઇન કર્યા હતા. આ ફિલ્મ બી. આર. ચોપડા ફિલ્મ્સના બૅનર હેઠળ બની હતી. ‘ઇત્તેફાક’ સુપરહિટ થયા પછી યશજીએ બી. આર. ફિલ્મ્સ છોડ્યું અને પોતાનું બૅનર યશરાજ શરૂ કર્યું. યશરાજ ફિલ્મ્સ આજે ઇન્ડસ્ટ્રીનું સૌથી મોટું પ્રોડક્શન-હાઉસ છે. યશજી પોતાની સાથે રમેશ તલવારને પણ યશરાજ ફિલ્મ્સમાં લઈ ગયા. એમાં પહેલી ફિલ્મ ૧૯૭૩માં બની, ‘દાગ’, જેમાં રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર અને રાખી હતાં. ઇન્ટરકૉલેજિયેટ ડ્રામા કૉમ્પિટિશનના સમયથી રમેશજીને રાજેશ ખન્ના સાથે મિત્રતા. એ પછી તો રાજેશ ખન્નાનો જમાનો આવ્યો અને તેઓ ઇન્ડિયન ફિલ્મના પહેલા સુપરસ્ટાર બન્યા.
રમેશજી યશ ચોપડાની ફિલ્મ ‘દાગ’માં ચીફ અસિસ્ટન્ટ હતા. એ પછી તેમણે સાથે દેવ આનંદ સ્ટારર ‘જોશીલા’ કર્યું, ‘દીવાર’, ‘કભી કભી’, ‘ત્રિશૂલ’ અને ‘કાલા પત્થર’ ફિલ્મમાં પણ ચીફ અસિસ્ટન્ટ રહ્યા અને પછી તેઓ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે ઇન્ટ્રોડ્યુસ થયા. મિત્રો, રમેશજીને પહેલો બ્રેક પણ યશજીએ જ આપ્યો હતો. રમેશજીની પહેલી ફિલ્મ હતી ‘દૂસરા આદમી’. ૧૯૭૭માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં રાખી, રિશી કપૂર, નીતુ સિંહ અને સ્પેશ્યલ અપિયરન્સમાં શશી કપૂર હતા. ‘દૂસરા આદમી’નાં ગીતો મધ જેવાં મીઠાં છે. ‘દૂસરા આદમી’નું સંગીત તો સુમધુર હતું જ, પણ ફિલ્મની વાર્તા પણ નવી તરહની હતી.
રમેશ તલવાર અને ‘મા રિટાયર હોતી હૈ’ની વધુ વાતો કરીશું આપણે આવતા સોમવારે.

columnists Sanjay Goradia