નેચરના કિનારે : કહો જોઈએ, ઈશ્વરની અજાયબીને સાયન્સના હાથમાં સોંપવી કેટલું વાજબી કહેવાય?

30 November, 2021 04:11 PM IST  |  Mumbai | Manoj Joshi

કુદરત જેવો વૈજ્ઞાનિક આ જગતમાં કોઈ હતો નહીં અને છે પણ નહીં. જરા વિચાર તો કરો, એક નાનકડો સ્ટેન્ટ હાર્ટમાં બેસાડવાના ડૉક્ટર પાંચ-પંદર લાખ લઈ લે અને એ જ ઈશ્વરે આખેઆખું હૃદય નિઃશુલ્ક આપી દીધું છે

પ્રતીકાત્મક તસવીર

કુદરત જેવો વૈજ્ઞાનિક આ જગતમાં કોઈ હતો નહીં અને છે પણ નહીં. જરા વિચાર તો કરો, એક નાનકડો સ્ટેન્ટ હાર્ટમાં બેસાડવાના ડૉક્ટર પાંચ-પંદર લાખ લઈ લે અને એ જ ઈશ્વરે આખેઆખું હૃદય નિઃશુલ્ક આપી દીધું છે. કિડનીમાંથી કચરો સાફ કરાવવા જવું પડે તો હજારો અને લાખોનું બિલ આવે, પણ ઈશ્વરે એ કચરો સાફ કરવાની પ્રોસેસ ફ્રીમાં થાય એવી ક‌િડની નિઃશુલ્ક આપી દીધી છે. કહે છેને કે‌ ફ્રીમાં મળે એનું મૂલ્ય હોતું નથી. એવું જ થઈ રહ્યું છે. ઈશ્વરે માણસ બનાવવાનો કોઈ ચાર્જ લીધો નથી એટલે માણસને એ શરીરની પરવા નથી, પણ એ જ શરીર જ્યારે જવાબ આપવાનું શરૂ કરે, શરીરના મિજાગરા જ્યારે કિચૂડ-કિચૂડ અવાજ કરવાનું ચાલુ કરે ત્યારે શરીરનું મૂલ્ય સૌકોઈના ધ્યાનમાં આવે છે અને એ પછી શરૂ થાય છે, પેલી કહેવત જેવું કાર્ય - ‘રાંડ્યા પછીનું ડહાપણ.’

જો કુદરત સાથે ચેડાં નહીં કરવાનું ક્લાઇમેટ માટે પણ કહેવાતું હોય તો એ જ વાત અહીં પણ કરવાની છે. કુદરતે આપેલું શરીર સર્વશ્રેષ્ઠ હતું અને એને એવું જ શ્રેષ્ઠ રાખવાનું કામ આપણે સૌએ કરવાનું છે. જરા વિચાર તો કરો કે કુદરતની આ રચના કેવી અદ્ભુત છે, કેવી અનોખી આ રચના છે. તમે અત્યારે આ વાંચી રહ્યા છો ત્યારે તમારી આંખો એ વાંચવાનું કામ કરે છે અને એ ઉપરાંત શરીરમાં હજાર કામ ચાલુ છે, જે તમને ક્યાંય ડિસ્ટર્બ નથી કરતાં. જગતનું કોઈ સાયન્સ અને કોઈ સાયન્ટ‌િસ્ટ આ સ્તરનું કામ ન કરી શકે અને એવી કલ્પના પણ ન થઈ શકે. ઈશ્વરે આપેલા શરીરનું એટલે જ ધ્યાન રાખવાનું છે અને એટલે જ એને જ્યાં-ત્યાં, જેના-તેના હાથમાં નથી સોંપવાનું. એ સોંપવું પડે એવી અવસ્થા ઊભી ન થાય એ જોવાનું કામ આપણા હાથમાં છે અને હવે આપણે એ કરવાનું છે.

નેચર, જેમ નેચરની સાથે નવેસરથી કનેક્ટ થવાનું કહેવામાં આવે છે એવી જ રીતે શરીરને પણ નેચરની સાથે જોડવા વિશે કહેવું છે. નેચરોપથીને ગુજરાતીઓમાં જાગ્રત કરવાનો જશ જો કોઈને જતો હોય તો એમાં બે વ્યક્તિનાં નામ આપણે લેવાં પડે. એક તો છે ડૉક્ટર ભમગરા. નેચરોપથી ડાયટ અને યોગમાં નિષ્ણાત અને કેઈએમ હૉસ્પિટલ સાથે સંકળાયેલા ડૉક્ટર ભમગરાએ ગુજરાતીઓમાં નેચરોપથીની જાગૃતિ લાવવાનું કામ કર્યું તો બીજા નંબરે આવે છે લેખક-પત્રકાર કાન્ત‌િ ભટ્ટ. બન્ને મહાનુભાવો સ્વર્ગીય છે એ આપણા બદ્નસીબ, પણ એમ છતાં તેમને શત શત વંદન કરવાનું પુણ્ય કમાવાનું જરા પણ ભૂલવું ન જોઈએ. ભમગરાસાહેબે પોતાની રીતે તો ભટ્ટસાહેબે પોતાની રીતે, એમ બન્ને જણે નેચરોપથી બહુ લોકો સુધી પહોંચાડી અને લોકોમાં જાગરૂકતા આવી પણ ખરી, પણ જાગરૂકતા આવી, અમલવારી નહીં. અમલવારીના રસ્તા પર આવવાનો સમય આવી ગયો છે. કેમિકલયુક્ત ટીકડાઓ શરીરમાં ઓરવાને બદલે હવે જો આ માર્ગને કાયમી બનાવવામાં આવે, થોડી સજાગતા સાથે ખાન-પાનની રીતરસમને લાઇફસ્ટાઇલ બનાવવામાં આવે તો હેરાનગતિમાં ભારોભાર ઘટાડો થાય એમ છે અને અલ્ટિમેટલી, મુદ્દો તો એ જ છે ને કે હેરાનગતિ ઘટે. તકલીફ અને પીડા નેસ્તનાબૂદ થાય, પણ એને માટે જાગવું પડશે અને જાગ્યા પછી નેચરોપથીને વાજબી રીતે સ્વીકાર્ય બનાવવી પડશે.

manoj joshi columnists