01 September, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ કરમણ ગાલા
મારે કોઈ જ્ઞાન નથી આપવું પરંતુ દાખલા સાથે કંઈક કહેવું છે અને એમાંથી વાચકને કંઈક લેવા જેવું લાગે તો એ તેની મરજી. કચ્છના રાપર તાલુકા પાસે આવેલું નૂતન ત્રમ્બૌ અમારું ગામ છે. બન્યું એવું કે દેવલાલીમાં બની રહેલા ઉજ્જવળ આરાધના ભવન અને ભવ્ય સૅનેટોરિયમને લગતા એક પ્રસંગનું આખા ગામને આમંત્રણ આપવા માટે અમે લગભગ ૧૦ જણની એક ટીમ બનાવી અને નક્કી કર્યું કે આપણે ગામના દરેક સભ્યના ઘરે જઈને આમંત્રણ આપીશું. પોસ્ટ દ્વારા કે વૉટ્સઍપ દ્વારા નહીં પણ વ્યક્તિગત રીતે જઈશું. આજે જ્યારે સોશ્યલ મીડિયાના જમાનામાં લોકો ગામ છોડીને પોતાના બીજા સોશ્યલ સર્કલમાં વધુ સક્રિય થવા માંડ્યા છે ત્યારે ગામના લોકો સાથે જોડાવાનો અમારો પર્પઝ થોડોક અટપટો તો હતો જ. એમાં પણ કુલ ૩૮૦ પરિવારોના ૩૮૦ જુદા-જુદા ઠેકાણે રહેતા લોકોને મળવા જવાનું કામ સમય અને એનર્જી બન્ને માગી લે. જોકે સાચું કહીએ તો આમંત્રણ આપવું એ તો માત્ર બહાનું હતું. અમારો મુખ્ય ઉદ્દેશ હતો ગામના લોકો સાથે જોડાવાનો; તેઓ કેમ છે, કેવી રીતે જીવી રહ્યા છે અને તેમના જીવનમાં શું સમસ્યાઓ છે એ જાણવાનો. ૪ પરિવારો વડોદરા રહેતા હતા તો અમે ૮ લોકો વડોદરા પણ ગયા હતા. આપણે કહીએ છીએ કે હવે સમાજમાંથી હૂંફ અને પોતાપણું ઘટી રહ્યાં છે પણ સાવ એવું નથી. તમે જો પહેલ કરો તો આજે પણ લોકોને એ હૂંફની અને એ સપોર્ટની જરૂર છે. આ આખા વન-ટુ-વન ઇન્વિટેશનના એપિસોડમાં અમને કેટલાક પરિવારો એવા પણ મળ્યા જેમના માથે છત નથી, જેઓ ઝૂંપડામાં ભાડાના મકાનમાં બહુ જ દુર્ગમ સ્થિતિમાં રહેતા હોય છે. ઘણાને નોકરીની ટૂંકી આવકમાં ભાડું ભરવું, બાળકને ભણાવવું કે ઘર ચલાવવું એ નથી સમજાતું.
આ બધું જોયા પછી એક વાત અમને સમજાઈ કે દરેક ગામમાં બહુ જ દારુણ સ્થિતિમાં રહેતા પરિવારો પણ છે અને દરેક ગામમાં ખૂબ જ દોમ-દોમ સાહ્યબી વચ્ચે જીવતા લોકો પણ છે. ગામના સધ્ધર પરિવારો જો સંકલ્પ કરે કે પોતાના ગામના નબળા પરિવારોનું જીવનસ્તર ઊંચું લાવવા માટે તેઓ સક્રિય થશે તો બહુ જ સરળતાથી ટૂંકા સમયમાં કોઈ જ પરિવાર રોટી, કપડાં અને મકાનનો મોહતાજ નહીં રહે. આજ સમજણના આધારે અમે એક આવાસયોજના અંતર્ગત લગભગ ૧૬ લોકોને મુંબઈમાં ઓછા ભાવે પોતાનું ઘર મળી શકે એવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું નક્કી કર્યું છે. ધારો કે એક કરોડનું ઘર હોય તો ૩૦ ટકા એ પરિવાર આપે અને બાકીના સમાજના ખમતીધર લોકો સાચવી લે. ગણીને આવા કેટલા પરિવારો હોય છે જેમને તમારે સાચવવાના છે? જો જોવા જાઓ તો ખૂબ ઓછા. બસ, એક નિયમ લો કે જે સધ્ધર છે તેણે પોતાના ગામના અધ્ધર એટલે કે નબળી સ્થિતિમાં જીવતા પરિવારને ઘર, નોકરી, શિક્ષણ કે મેડિકલ જેવી પાયાની જરૂરિયાતમાં સાચવી લેવાના. દરેક ગામમાં જો આ અમલમાં મુકાય તો આખા દેશમાંથી ગરીબી નાબૂદ થયા વિના ન રહે. બહુ જ નાનકડો અને સરળ રસ્તો છે પણ દૂરંદેશી સાથે વિચારો તો કારગત છે. બહુબધાનું નહીં પણ માત્ર પોતાના ગામના જરૂરિયાતમંદ લોકોનું વિચારતા થઈ જાઓ. દેશ, સમાજ અને તમારો પોતાનો એમ સર્વવ્યાપી ઉદ્ધાર થવો શરૂ થઈ જશે.