ઑનલાઇન દુનિયા:કોરોનાને લીધે નવું જ પ્લૅટફૉર્મ દુનિયાને મળ્યું અને સફળ પણ રહ્યું

13 June, 2021 03:16 PM IST  |  Mumbai | Manoj Joshi

ઝૂમ જેવા જ બીજા વિડિયો-કૉન્ફરન્સની ઍપથી બીજું પણ અનેક ચાલી રહ્યું છે. ઑનલાઇન એજ્યુકેશન પણ એક પ્રકારનો એવો આવિષ્કાર છે જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી.

GMD Logo

ઑનલાઇન.
કોરોનાકાળમાં જો સૌથી વધારે સક્સેસ કોઈ પ્લૅટફૉર્મ રહ્યું હોય તો એ આ ઑનલાઇન પ્લૅટફૉર્મ. આપણે અહીં વાત ઓટીટી પ્લૅટફૉર્મની નથી કરતા, પણ ઑનલાઇન ચાલતી દુનિયાની વાત કરીએ છીએ. ઝૂમથી ક્લાસ ચાલે છે અને ઝૂમથી ટ્યુશન પણ ચાલે છે. ઝૂમ જેવા જ બીજા વિડિયો-કૉન્ફરન્સની ઍપથી બીજું પણ અનેક ચાલી રહ્યું છે. ઑનલાઇન એજ્યુકેશન પણ એક પ્રકારનો એવો આવિષ્કાર છે જેની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી. યોગ પણ ઑનલાઇન શીખી શકાય એ પણ કોઈએ વિચાર્યું નહોતું અને કોઈએ એ પણ નહોતું વિચાર્યું કે વિદેશ ગયા વિના, ઘરે બેસીને પણ તમે એ જ કોર્સ કરી શકો છો જેને માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો. ઑનલાઇન પ્લૅટફૉર્મ કોરોનાકાળની દેન છે અને એ દેન સંપૂર્ણપણે સફળ થઈ છે. બધા જાણે જ છે આ વાત અને એટલે આપણે એના વિશે વધારે ચર્ચા કરવાની નથી, પણ આપણે ચર્ચા કરવાની છે આ દુનિયાને આગળ ધપાવવાની. ઑનલાઇન પ્લૅટફૉર્મનો, વિડિયો ક્લાસિ‌સનો અને ઑનલાઇન સ્કૂલ-કૉલેજનો કન્સેપ્ટ હતો દુનિયામાં, પણ એની સફળતા પર બહુ મોટી શંકા કરવામાં આવતી હતી. એ શંકાને ઘોળીને પી જવાનું કામ અત્યારના સમયે કર્યું છે ત્યારે આપણે આ જ પ્રક્રિયાને કાયમ માટે આગળ વધારવા વિશે વિચારવું જોઈએ. સ્કૂલ અને કૉલેજ કે યુનિવર્સ‌િટીને તો આ વાત ખાસ લાગુ પડે છે. આપણે ત્યાં લાખો સ્ટુડન્ટ્સ એવા છે કે જેઓ આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને અમુક યુનિવર્સ‌િટીમાં ભણી નથી શકતા કે પછી માબાપ પોતાનાં બાળકોને અમુક સારી સ્કૂલોમાં ભણાવી નથી શકતાં, પણ જો સ્ટુડન્ટને તમે ઑનલાઇન ભણાવવા માટેનો એક અલગ જ ક્લાસ ચાલુ કરો તો નૅચરલી એનું સ્કૂલ પર ભારણ ઘટવાનું છે અને ભારણ ઘટશે તો નૅચરલી એનો સીધો લાભ ફીના ક્ષેત્રમાં થવાનો છે. સ્કૂલ-કૉલેજ મૅનેજમેન્ટ ફીની બાબતમાં ખાસ્સી એવી રાહત કરી શકે છે. પ્ર‌િમાઇસિસ તમારી વપરાતી નથી, ઑનલાઇન ભણવાનું છે એટલે સ્કૂલમાં પણ એ સ્ટુડન્ટ્સ આવી નથી રહ્યા. તમારું કૅમ્પસ પણ ખર્ચાવાનું નથી અને ઑનલાઇન એજ્યુકેશન છે એટલે તમે વિડિયો-રેકૉર્ડિંગ ફીચર ઍડ કરીને બધાને એક્સ્ટ્રા ખર્ચ વિના ભણાવી પણ શકો છો. તમારે માત્ર ઑનલાઇન ક્લાસ માટે સારા કૅમેરા અને કૅમેરાપર્સનની વ્યવસ્થા કરવાની છે. આ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં કોઈ એવો ખાસ ખર્ચ નથી અને ખાસ ખર્ચ નથી તો પણ બેસ્ટ રીતે કામ થતું રહેવાનું છે. આજે ભલે ઑનલાઇન પ્લૅટફૉર્મને તમે અનિવાર્ય ગણીને ચાલતા હો, ભલે આજે તમે આ આખી સર્વિસને ગેરવાજબી માનસિકતા તરીકે જોતા હો, પણ એક તબક્કો એવો આવવો જોઈએ કે આ જ ઑનલાઇન એજ્યુકેશન તમારે માટે આશીર્વાદરૂપ બની જાય અને તમે એના થકી દુનિયાના શ્રેષ્ઠ એજ્યુકેશનને વાજબીમાં વાજબી રીતે એકેએક વ્યક્તિ સુધી પહોંચાડવાને સક્ષમ હો. જરૂરી છે સરકારે પણ આ દિશામાં નક્કર પગલાં લેવાની. ઑનલાઇન અને ઑફલાઇન એજ્યુકેશનને ઉત્તમ રીતે આકાર આપવાનો છે અને એ આકારમાં જ ભવિષ્યનું ઘડતર કરવાનું છે. 

manoj joshi columnists