05 August, 2026 08:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આજે વિશ્વની પ્રસિદ્ધ ભાષાઓમાંની એક આપણી ગૌરવવંતી ગુજરાતી ભાષા ધીમે-ધીમે લુપ્ત થવાની કગાર તરફ આગળ વધી રહી છે. આજે ભલે એવો તાત્કાલિક ભય ન હોય, પરંતુ આ બાબતે સમયસર ઉપાય યોજના બનાવવી જરૂરી છે. ગુજરાતીઓ દૂરદૃષ્ટિ ધરાવતી અને દરેક સમસ્યાનો સમયસર ઉકેલ શોધવામાં કુશળ કોમ તરીકે ઓળખાય છે. છતાં જ્યારે ગુજરાતી ભાષાના જતન, સંવર્ધન અને સંરક્ષણની વાત આવે છે ત્યારે આપણે કેમ ગંભીરતાથી વિચારતા નથી એ ખરેખર ચિંતાનો વિષય છે.
ગુજરાતી ભાષાથી નવી પેઢી ધીમે-ધીમે દૂર થવાનું મુખ્ય કારણ શિક્ષણનું માધ્યમ છે. અગાઉ મોટા ભાગનાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ મળતું હોવાથી ભાષા અને સંસ્કૃતિ સહજ રીતે સચવાતાં હતાં. આજે ગુજરાત રાજ્યની બહાર, ખાસ કરીને મુંબઈ સહિત દેશનાં વિવિધ શહેરોમાં વસતાં મોટા ભાગનાં ગુજરાતી બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે, જ્યાં ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી. પરિણામે તેઓ ગુજરાતી સમજી અને બોલી તો શકે છે, પરંતુ વાંચી-લખી શકતાં નથી અને તેઓ ગુજરાતી સાહિત્યના વિશાળ ખજાનાથી વંચિત રહી જાય છે. ધીમે-ધીમે અનેક ગુજરાતી શબ્દો પણ આજે ભુલાઈ ગયા છે. નિઃસંદેહ, ગુજરાતી વિચાર મંચ અને મુંબઈ ગુજરાતી સંગઠન જેવી સંસ્થાઓ વર્ષોથી ગુજરાતી માધ્યમના શિક્ષણને મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે, પરંતુ સમગ્ર સમાજનો પૂરતો સહકાર ન મળતાં હાલ એની અસર મર્યાદિત દેખાઈ રહી છે.
આ પરિસ્થિતિમાં ગુજરાતી ભાષાના દીર્ઘકાલીન સંરક્ષણ માટે નવા વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવી ગયો છે. એમાંનો એક મહત્ત્વનો વિકલ્પ છે ગુજરાતી ભાષા માટે દેવનાગરી લિપિ અપનાવવાનો. જો ભવિષ્યમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ગૌરવને વ્યાપક રીતે જીવંત રાખવાં હોય તો ભારતની સૌથી વધુ પ્રચલિત અને વ્યાપકપણે વપરાતી દેવનાગરી લિપિ અપનાવવાના વિચાર પર ખુલ્લા મનથી ચર્ચા થવી જોઈએ. હા, કદાચ આ વિચાર શરૂઆતમાં નવાઈ પમાડે, પરંતુ ગુજરાતી ભાષાની દીર્ઘકાલીન જાળવણી માટે હવે આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે.
ભાષાશાસ્ત્રીઓના મત મુજબ ભાષાના બે મુખ્ય આધારસ્તંભ છે બોલી અને લિપિ. હવે દેવનાગરી લિપિ વિશે વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હી સહિત હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડમાં બોલાતી હિન્દી ભાષાની લિપિ દેવનાગરી છે. આ ઉપરાંત ઉત્તરાખંડની ગઢવાલી અને કુમાઉની, હરિયાણાની હરિયાણવી, બિહારની મૈથિલી અને ભોજપુરી, ઝારખંડની ખોરઠા અને સંતાલી, જમ્મુ-કાશ્મીરની ડોગરી, ગોવાની કોકણી, રાજસ્થાનની મારવાડી, મેવાડી, શેખાવાટી જેવી ભાષાઓ આજે મુખ્યત્વે દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી દેવભાષા ગણાતી સંસ્કૃત ભાષા માટે પણ દેવનાગરી લિપિ વપરાય છે એટલે એક રીતે કહી શકાય કે દેશના કરોડો લોકો દેવનાગરી લિપિને વાંચી, લખી અને સમજી શકે છે. તેથી જો ગુજરાતી ભાષા પણ દેવનાગરી લિપિમાં ઉપલબ્ધ થાય તો એ એવા કરોડો ગુજરાતી પરિવારો સુધી ફરીથી પહોંચી જશે જ્યાં એ અલિપ્ત થવાની તૈયારીમાં છે.
ભાષાની જાળવણી માટે લિપિ-પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ મરાઠી ભાષા છે. એક સમયે મરાઠા સામ્રાજ્યમાં મરાઠી માટે મુખ્યત્વે ‘મોડી’ લિપિ વપરાતી હતી. ૧૮૩૨માં મરાઠીના પ્રખર વિદ્વાન અને પત્રકાર બાળશાસ્ત્રી જાંભેકરે ‘દર્પણ’ નામનું પ્રથમ મરાઠી સાપ્તાહિક શરૂ કરીને દેવનાગરી લિપિના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. ત્યાર બાદ ૧૯૧૭માં બ્રિટિશ સરકારે વહીવટી કામકાજમાં ‘મોડી’ લિપિનો સત્તાવાર ઉપયોગ બંધ કર્યો અને સ્વાતંત્ર્ય પછી ૧૯૫૦માં મરાઠી ભાષા માટે દેવનાગરીને એકમાત્ર સત્તાવાર લિપિ તરીકે સ્વીકારવામાં આવી. આજે મરાઠી ભાષાના વ્યાપક
પ્રચાર-પ્રસાર અને વિકાસમાં દેવનાગરી લિપિનું મહત્ત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. દેવનાગરી લિપિ અપનાવવાથી મરાઠી ભાષા વધુ સરળતાથી શિક્ષણ, પ્રકાશન અને જનસંપર્કનું માધ્યમ બની શકી.
હવે મૂળ વાત કરીએ તો આજે ગુજરાતી પરિવારોનાં બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણતાં હોવાથી ગુજરાતી ભાષાથી ભલે અજાણ હોય, પરંતુ તેઓ દેવનાગરી લિપિથી સારી રીતે પરિચિત છે. મારી વાત સમજવા માટે નીચેનો ગુજરાતી ફકરો દેવનાગરી લિપિમાં વાંચો:
आपणी मातृभाषा गुजराती दुनियानी सौथी मीठी अने वहाली भाषा छे. जेम मातानो खोळो आपणने सौथी वधु शांति आपे छे तेम गुजराती भाषामां बोलवाथी आपणा दिलने साचो आनंद मळे छे. आ भाषा आपणने आपणा वडीलो पासेथी वारसामां मळी छे, जे आपणने संस्कार अने प्रेम शिखवे छे. गुजराती साहित्यमां लखायेली अनेक कहेवतो, गरबा, वार्ताओ अने भजनो एटला सुंदर छे के ते नाना बाळकोने पण रमता-रमता घणुं बधु शिखवी दे छे. आपणी मातृभाषा आपणुं गौरव छे अने आपणा गौरवने सदैव जीवंत राखवू ऐ आपणी फरज छे.
હવે આ ફકરો તમારા ઘરનાં બાળકોને વાંચવા આપો. તેઓ આ લખાણ સરળતાથી વાંચી લેશે અને એનો અર્થ પણ સમજી જશે, પરંતુ આ જ લખાણ જો ગુજરાતી લિપિમાં હોત તો કદાચ ઘણાં બાળકો એને વાંચી ન શકત. આ ઉદાહરણ બતાવે છે કે ભાષા સમજતા હોવા છતાં લિપિ અજાણી હોવાથી ભાષા સાથેનું જોડાણ ધીમે-ધીમે નબળું પડતું જાય છે.
આથી સમયની ડિમાન્ડ છે કે ગુજરાતી ભાષાને જો આપણે સાચો પ્રેમ કરતા હોઈએ તો ગુજરાતી ભાષાના દીર્ઘકાલીન સંરક્ષણ માટે, એના જતન અને સંવર્ધન માટે ગુજરાતી ભાષા માટે દેવનાગરી લિપિ અપનાવી લેવા માટે બધા પોતપોતાની શક્તિ અને સામર્થ્ય મુજબ પ્રયાસ કરે.
ગુજરાતી ભાષાના લેખક ગુણવંત શાહે લખ્યું છે, ‘તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી મરવાની નથી તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે? આ પ્રશ્ન પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતની પ્રજાને મારી વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય એની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં આપણી જાતને બચાવવાની છે, ભાષાને નહીં આપણી સંસ્કારિતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ એટલે સંસ્કૃતિનું મૃત્યુ. સંસ્કૃતિનું મૃત્યુ એટલે એવું મૃત્યુ જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી.’
બોલી એ ભાષાનો આત્મા છે, જ્યારે લિપિ એ ભાષાનું વસ્ત્ર છે. જો વસ્ત્ર (લિપિ) બદલવાથી આત્મા (ભાષા) અમર રહેતો હોય તો દેવનાગરી લિપિનો ઉપયોગ કરવો એ ચોક્કસપણે એક દૂરદર્શી અને સંજીવની સમાન પગલું સાબિત થઈ શકે છે.
-રાજેશ ચાવડા