ઓરીઅનનો ગોટાળો: નક્ષત્રથી નખરાં સુધીનો

24 February, 2026 11:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલીક વાર્તાઓ એની એ જ રહે છે, ફક્ત પાત્રો બદલાય છે

ડૉગ રોબો ઓરીઅન

ભારતમાં પૌરાણિક કથાઓ બહુ રસભરી હોય છે. એની ખાસિયત એ હોય છે કે એક કથામાંથી બીજી કથા, બીજીમાંથી ત્રીજી કથા... એમ એક પછી એક ઉપકથાઓ નીકળતી જાય અને ભાવક એમાં એવો રસતરબોળ થતો રહે કે મૂળ કથા કઈ છે એ જ ભૂલી જાય. ગુલાબની પાંખડીઓની જેમ એક પછી એક પડળ ખૂલતાં જ જાય. મહાભારતમાં, રામાયણમાં અને બૌદ્ધ કથાઓમાં પણ મૂળ કથાની સાથે કેટલીબધી ઉપકથાઓ જોડાયેલી છે. આ ઉપકથાઓ આગળ જતાં સ્વતંત્ર વાર્તા તરીકે ઉત્તમ બોધ આપતી હોય છે અને સંસ્કૃતિને જાળવવાનું કામ કરે છે. ૧૧મી સદીના કાશ્મીરી કવિ સોમદેવ દ્વારા રચિત ‘કથાસરિત્સાગર’ પણ આનું ઉત્તમ ઉદાહરણ છે. નામ પ્રમાણે જ નાની-નાની કથાઓની નદીઓની સરવાણીઓને સમાવતો સાગર સરીખો આ ગ્રંથ છે. રાજા નરવાહનદત્તનાં પરાક્રમો, પ્રેમકથાઓ, જાદુઈ ઘટનાઓ, વેતાળ કથાઓ અને રાજકીય ષડયંત્રોની વાર્તાઓની એક પછી એક પાંખડીઓ ખૂલતી જાય છે.

ભારતની જેમ જ ગ્રીક ભાષામાં પણ પૌરાણિક કથાસાહિત્ય ઘણું રસપ્રદ છે. ઘણાં દેવદેવીઓ, માનવો, પશુઓ, પંખીઓ, વિવિધ કાલ્પનિક જીવોથી વાર્તાઓ ભરી પડી છે. ગ્રીક પૌરાણિક કથાઓ પ્રમાણે દેવોનો રાજા ઝીયસ છે જે અતિશક્તિશાળી અને સ્વર્ગનો અધિપતિ છે. તેના ભાઈનું નામ પોસાયડન છે જે સમુદ્રો અને મહાસાગરોનો અધિપતિ છે. આ પોસાયડનના પુત્રનું નામ છે ઓરીઅન. એ એક બહાદુર શક્તિશાળી શિકારી હતો. આમ ઓરીઅન સ્વર્ગના રાજાનો પ્રિય ભત્રીજો હતો. તે ‘સ્વર્ગનો પ્રકાશ’ કહેવાતો. એટલે જે ચમકતા તારા જેવા દેદિપ્યમાન હોય એવા પુત્રોનું ગ્રીક સમાજમાં ઓરીઅન નામ રાખવામાં આવતું. બહાદુરીનું, તાકાતનું, શક્તિનું પ્રતીક એટલે ઓરીઅન. પણ જો કોઈનો પુત્ર શ્વાન સરીખો પાલતુ હોય તો તેનું આવું નામ ન રખાય. રાખે તો હાસ્યાસ્પદ જ બની રહે.      

ઓરીઅન ગુજરાતી ભાષામાં મૃગશીર્ષ નક્ષત્રમાં આવેલી એક નિહારિકાનું નામ છે. તો ફાગણ મહિનામાં ફાલ્ગુન નક્ષત્રની વાતને બદલે મૃગશીર્ષ નક્ષત્રની વાત કેમ લઈને બેઠા ભૈ? તો મિત્ર, વાત એમ છે કે તાજેતરમાં AI એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાના શિખર સંમેલનમાં ઓરીઅન નામના એક શ્વાને ઘણા ગલગોટા વાળ્યા. નાચ્યો, કૂદ્યો અને હાસ્યાસ્પદ બની રહ્યો.

ભારતને કુંભમેળાઓ ભરવા બહુ ગમે. અર્ધ કુંભમેળો, કુંભમેળો, મહાકુંભમેળો વગેરે. આ વખતે કૃત્રિમ બુદ્ધિ (AI)ના સંમેલનને પણ મહાકુંભ તરીકે ઓળખાવવામાં આવ્યું હતું. આ મહાકુંભમેળાના વિશ્વગુરુ બનવાનું લક્ષ્ય હતું, પણ AI Ethicsની વાતો વચ્ચે Event Ethicsની જ ગેરહાજરી હતી અને એને કારણે રાષ્ટ્રની છબિ પર છાંટા ઊડ્યા.

પરીક્ષામાં કૉપી કરતાં વિદ્યાર્થી પકડાય, પણ અહીં તો શિક્ષા કરતી યુનિવર્સિટી પોતે જ કૉપી કરતાં પકડાઈ ગઈ. બીજાની લખેલી આખેઆખી ઍન્સરશીટ ઊંચકીને ઉપર પોતાનું નામ લખી દીધું. અને એ પણ વર્લ્ડ-લેવલની કૉન્ફરન્સમાં. કહે છે કે ભારતીયો જુગાડ કરવામાં એક્કા છે. એ બરાબર, પણ અહીં તો ગલગોટિયાએ ગોટો જ વાળી નાખ્યો. દેશી દિમાગ ભૂલી ગયું કે હવે સોશ્યલ મીડિયામાં બધું ‘આંગળીવેગું’ છે. AIનું પ્રદર્શન એક પ્રહસન બની ગયું.

નવી દિલ્હીના અદ્યતન અને વિશાળ ભારત મંડપમમાં AI Impact Summit 2026 ૨૦૨૩થી શરૂ થયેલી શૃંખલાની ચોથી આવૃત્તિ હતી. UK, સાઉથ કોરિયા, ફ્રાન્સ પછી ભારતમાં યોજાયેલું આ ચોથું શિખરસંમેલન હતું. આ ભારતીય કૉન્ફરન્સમાં દેશ-વિદેશના નિષ્ણાતોએ ભવિષ્યની ટેક્નૉલૉજી વિશે ઊંચા વિચારો રજૂ કર્યા. માનવકેન્દ્રિત AI, નૈતિકતા, જવાબદારી આવા શબ્દો હૉલમાં ગુંજી રહ્યા હતા. ભારતને વિશ્વગુરુ તરીકે પ્રોજેક્ટ કરવાની મહેચ્છા પણ મનમાં રમી રહી હતી. પણ અચાનક એક રોબોડૉગે સમગ્ર ચર્ચાને હાસ્યમાં ફેરવી નાખી. એક ખાનગી યુનિવર્સિટીએ રોબોટિક કૂતરાને ઓરીઅન નામથી રજૂ કરીને એને પોતાના AI સેન્ટરની સિદ્ધિ ગણાવી. પણ સોશ્યલ મીડિયાએ તરત જ ફૅક્ટ-ચેક કરી નાખી. AIવાળાને આટલી સાદી વાત ધ્યાનમાં નહીં આવી હોય કે રોજેરોજ રજૂ થતા દાવાઓ તાત્કાલિક ફૅક્ટ-ચેક કરી ઉઘાડા પાડી નાખવામાં આવે છે? હવે તો સ્કૂલના સ્ટુડન્ટને પણ Chat-GPT વાપરતાં આવડે છે. તરત જ જાહેર થઈ ગયું કે આ તો બજારમાંથી મળતું તૈયાર મૉડલ છે. થોડા જ કલાકોમાં રોબો ટ્રેન્ડ થવા લાગ્યો. મીમ્સ બનવા લાગ્યા. કોઈએ લખ્યું ‘ભૂલમાં ઍડ-ટુ-કાર્ટને બદલે ઍડ-ટુ-ઇનોવેશન થઈ ગયું લાગે છે.’ બીજાએ મશ્કરી કરી ‘ડિલિવરી બૉય જ સાચો AI ઇનોવેટર કહેવાય.’ આમાં એ યુનિવર્સિટીની તો મજાક થઈ જ પણ ભારતને પણ નીચાજોણું થયું. આખી કૉન્ફરન્સનું ફોકસ ટેક્નૉલૉજી પરથી ટ્રાન્સપરન્સી તરફ વળી ગયું. નૈતિકતાનો પ્રશ્ન ઊભો થયો. પ્રશ્ન રોબોનો નહીં, પ્રશ્ન પ્રામાણિકતાનો થઈ રહ્યો. ઓરીઅન નક્ષત્રનો સ્વામી મંગળ ગ્રહ કહેવાય છે. અહીં તો સ્વામી જ નડી ગયો અને બધું અમંગળ થઈ ગયું.

ઓરીઅન નેબ્યુલા કે મૃગશીર્ષ નિહારિકા નવા તારાઓના જન્મસ્થાન તરીકે પણ જાણીતી છે. એટલે કે એમાંથી એક પછી એક તારાઓનો જન્મ થતો જાય, પેલી કથાસરિત્સાગરની વાર્તાઓની જેમ. પણ અહીં તો પ્રથમ વાર્તામાં જ ‘સંપૂર્ણ’ આવી ગયું. સ્વપ્ન રોળાઈ ગયું. 

બાય ધ વે, તમને ખબર છે ઓરીઅન નામ સાથે પુરાણકાળથી જ અનૈતિકતા જોડાયેલી છે? એક પૌરાણિક વાર્તા અનુસાર જ્યારે બ્રહ્માજી અનૈતિક રીતે પોતાની જ પુત્રી પ્રત્યે આકર્ષાયા ત્યારે ક્રોધિત શિવે રુદ્રના સ્વરૂપમાં તેમને રોકવા તેમના મસ્તકનો એક ભાગ કાપી નાખ્યો જે આકાશમાં મૃગશીર્ષ (હરણનું મસ્તક) નક્ષત્ર - ઓરીઅન તરીકે સ્થાપિત થયો. બસ, બહુ થયું. હવે કંઈ કહેવું નથી. કેટલીક વાર્તાઓ એની એ જ હોય છે, ફક્ત પાત્રો બદલાય છે.

columnists exclusive gujarati mid day