માંદગીઓને આપણું જ આમંત્રણ : આવો, આવો મારા શરીરમાં રહો

11 June, 2026 02:17 PM IST  |  Mumbai | Jayesh Chitalia

સતત ફેલાતા જતા મહારોગો અને માંદગીઓ માટે જવાબદાર કોણ? ઠેર-ઠેર ખાઉગલી અને ઘેર-ઘેર માંદગી

ખાઉગલ્લી

આપણી જીભનો ચટાકો આખા શરીરને ભારે પડી રહ્યો છે, ખાદ્ય પદાર્થોમાં કેમિકલ્સ સહિતની સતત ભેળસેળ વધી રહી છે, આપણે જન્ક ફૂડથી માંડી સ્ટ્રીટ ફૂડ ખાવાના, ગમે ત્યારે હોમ ડિલિવરી મગાવીને ખાવાના અને ઠેર-ઠેર ખાઉગલીઓમાં રાચતા રહેવાના એવા રસિયા થતા ગયા છીએ કે આજે ઘેર-ઘેર માંદગીનો વાસ છે, હજી પણ નહીં જાગીએ તો બીમારી આપણને સુવડાવીને જ રહેશે...

આપણા સમાજમાં વર્તમાન સમયમાં અતિથિ દેવો ભવ કેટલું રહ્યું છે એ તો આપણે સૌ જાણીએ, ખાસ કરીને શહેરોમાં. ઘર ભલે મોટાં હોય, મન નાનાં થતાં જાય છે. કોઈને ત્યાં જવું પણ હોય તો માણસે કયા સમયે જવું, ફોન કરીને જ જવું, થોડી વાર માટે જ જવું વગેરે જેવા વિચારો કરવા પડે છે. બોલો હા કે ના? ખેર, નાના મનના લોકોનાં શરીર મોટાં થતાં જાય છે અને આ શરીર અતિથિ દેવો ભવમાં બહુ માને છે. આ અતિથિઓ પાછા કેવા? વરાઇટીવાળા, કોઈ એકાદ આવે, કોઈ બીજાને, બે-ત્રણ જણને પણ સાથે લાવે. અચ્છા, જસ્ટ એક-બે કલાક માટે ન આવે, એ તો થોડા દિવસો રોકાય, થોડા મહિના પણ અને કયાંક વળી વરસો તો કયાંક કાયમી. આવા અતિથિ વળી કોણ છે? યસ, સમજી ગયા, આ અતિથિઓ છે વિવિધ પ્રકારના રોગો અને માંદગીઓ.
મોંઘા રોગો વસતા-વધતા જાય છે

આપણે, એટલે કે આપણું શરીર આ રોગો-બીમારીઓનું યજમાન અને રોકાવાનું ઠેકાણું. આમંત્રણ પણ આપણું. આજે ઘેર-ઘેર એક યા બીજી માંદગી આવીને પરિવારના એક યા બીજા સભ્યોમાં વસી ગઈ છે, જે મોટા ભાગે આખા પરિવારને ઊભા પગે રાખે છે. એક સમયનું અનકૉમન કૅન્સર હવે કૉમન થતું જાય છે, લીવર ગમે ત્યારે લવ પાછો ખેંચી લે છે, શ્વાસ ગમે ત્યારે થાકી જાય છે, એને ઑક્સિજનની જરૂર પડે છે. ફેફસાં બિચારાં કરે શું? ખોરાક પચાવવા માટે કામ કરતી આંતરડાંની ચક્કીની ચિંતા કોણ કરશે? બ્લડપ્રેશર તો શૅરબજારની જેમ આડેધડ વધઘટ કર્યા કરે, ડાયાબિટીઝને વળી માણસના શરીરમાં શું મીઠું લાગતું હશે? ઓબેસિટી ઉછાળા મારીને વધે છે, તેથી લોકો દોડવા જાય છે, જિમમાં જાય છે. કિડની કેટલો ભાર ઊંચકે? દિલ (હાર્ટ) તો પાગલ હૈ, તેથી ગમે ત્યારે અને ગમે ત્યાં બ્રેકઅપ કરી નાખે છે. મગજ સતત તનાવ લઈને કામ કરે છે, તેથી એ બોજરૂપે ક્લૉટ જમા કરતું રહે છે અને કયારેક ફાટે પણ છે, જેને મેડિકલ ભાષામાં બ્રેઇન સ્ટ્રોક કહે છે. ઘૂંટણો હવે દમ વિનાના થતા જાય છે. કાન બે છતાં રોજનો એટલો બધો ઘોંઘાટ ભેગો કરતા રહે છે કે એમને સાંભળવાનો કંટાળો આવી જાય છે, એવી જ દશા આંખોની પણ, બિચારી મોબાઇલ અને ટીવી તેમ જ માણસોનાં ટોળાંનાં ટોળાં જોઈ ધૂંધળી થવા માંડે એમાં વાંક કોનો ? જેટલી દવા શોધાય તેટલા રોગ વધે અને જેટલા રોગ વધે તેટલી દવા વધે. 
 શરીરની દરેક ઇન્દ્રિય એનાં પોતાનાં કર્મ અને ઉંમરનાં ફળોનો સામનો કરતી રહે છે. હવે તો કોઈ પણ માંદગીના મામલે કહેવું પડે કે ના ઉમ્ર કી સીમા હો, ન જનમો કા હો બંધન...  બાળકો ચિત્ર-વિચિત્ર બીમારી લઈને પેદા થાય છે ત્યારે ઈશ્વરને સવાલ કરવાનું મન થાય, આ નિર્દોષ જીવનો વાંક શું ? વૃદ્ધાવસ્થા પાસે પોતાનાં એક્સક્લુઝિવ કારણો હોય છે. 

બાય ધ વે, આપણે વાત કરીએ છીએ આ બીમારીઓને આમંત્રણ આપવાની વાતની. હવે એ સમજીએ કે આપણે આ આમંત્રણ કઈ રીતે આપીએ છીએ. મોટા ભાગે તો આપણને ખુદને એની ખબર જ હોતી નથી. જોખમી કેમિકલ્સ ફૂડમાં અને પછી શરીરમાં ફેલાતાં જાય છે.

આ મહેમાનો આવે છે ક્યાંથી?
અચ્છા, આ કથિત મહેમાનો હોય છે ક્યાં? આપણે તેમને ક્યાંથી આમંત્રણ આપીએ છીએ. ઓહ, આ તો રસપ્રદ ચટાકેદાર સવાલ છે. આમાંના મોટા ભાગના મહેમાનો રસ્તાઓની લારીઓમાં (સ્ટ્રીટ ફૂડ) ફેલાયેલા હોય છે, ઘણા નાની-મોટી હોટેલોમાં, ઘણા મૉલ્સમાં, થિયેટર્સમાં. બસ આપણું યજમાન શરીર તેમને આરોગવા બોલાવે એની રાહ જોતા હોય છે. આપણી ખાવાની અને સતત ખાતા રહેવાની આદત આપણી બીમારીઓનું ઇન્વિટેશન કાર્ડ હોય છે. આપણી જીભનો ચટાકો એટલો વધી ગયો છે કે એને કેવાં પણ પરિણામની ચિંતા જ રહેતી નથી, આમ પણ મોટા ભાગે તો પરિણામ બહુ સમય પછી આવતાં હોય એટલે એને સમજાય નહીં. એમાં વળી હવે હોમ ડિલિવરીએ આપણા જેવા યજમાનોની સુવિધા સરળ કરી નાખી છે, મોબાઇલની સ્ક્રીન પર આંગળીઓ ફેરવો અને પિત્ઝાથી લઈ પાંઉભાજી સહિત કોઈ પણ આઇટમ ઘરે આવી પહોંચે છે અને મુખ વાટે આપણા શરીરમાં પ્રવેશીને માંદગીને ધામા નાખવા માટેની વ્યવસ્થા કરી આપે છે. યાદ રહે, આપણા મોટા ભાગના રોગ પેટને પરિણામે થાય છે, એમાં વાંક પેટનો નહી, આપણો જ વધુ હોય છે. આપણે બીચારાને પૂછ્યા વિના એમાં દુનિયાભરનો કચરો ઠાલવતા રહીએ છીએ. ખાવાનો-સ્વાદનો ચટાકો આપણો, ભોગવે પેટ અને પછી આખું શરીર અને પછી આખો પરિવાર. બાકી દવાખાનાંઓને, હૉસ્પિટલોને અને મેડિકલ સ્ટોર્સને જલસા, અને હા, દવાઉત્પાદક કંપનીઓને લાભાલાભ, લિસ્ટેડ કંપનીઓ હોય તો એમના શૅરોના ભાવ પણ વધે. તેમ છતાં ખાઉગલીઓને મજા-મજા છે. આમાંથી કેટલાક રોગો-બીમારીઓ લાઇફસ્ટાઇલને આભારી છે, આપણા જીવનનું ટાઇમટેબલ ખોરવાય તો શરીર કેટલું સહન કરે? 

અહીં એ કહેવાનો ઉદ્દેશ નથી કે બહારનું ખાવું જ ન જોઈએ, પરંતુ શૅરબજારનું રોકાણ માર્કેટ રિસ્કને આધીન હોય છે એમ યાદ રાખવું જોઈએ કે બહારનું ફૂડ માંદગીના જોખમને આધીન હોય છે, હવે શું ખાવું, કેટલું ખાવું, ક્યાંનું ખાવું એ નિર્ણય અને જવાબદારી આપણાં જ રહે છે. 

કહેવાય છે, ભોજનની બાબતે દુનિયામાં બે પ્રકારના માણસો દુઃખી થાય છે. એક, જેમને ખાવાનું મળતું જ નથી અને બીજા, જેઓ વધુ પડતું ખાઈ લે છે. 

- લેખક આર્થિક ક્ષેત્રના અનુભવી પત્રકાર છે. 

columnists jayesh chitalia food news food and drug administration healthy living health tips