✕

લોકલ ટ્રેનોમાં શું કામ વધતો જાય છે પ્રવાસીઓનો પારો?

21 November, 2026 01:09 PM IST  |  Mumbai | Ruchita Shah

હેલ્પલાઇન નંબર લાગતો નથી : મુંબઈ લોકલમાં પ્રવાસ કરતા ઘણા પ્રવાસીઓ દ્વારા આ પણ ફરિયાદ થઈ છે કે તાકીદના સમયે 139 હેલ્પલાઇન પર ફોન ઘણી વાર લાગતો જ નથી અને લાગે તો પણ એમાં મદદ મળતી નથી.

પ્રતીકાત્મક તસવીર

ચર્ચગેટ-વિરાર લોકલના હૅન્ડિકૅપ્ડ ડબ્બામાં ભૂલથી ચડી ગયેલી વીસ વર્ષની યુવતીનો ૫૩ વર્ષના જિતેન્દ્ર હિરમુખે સાથે ઝઘડો થયો. યુવતીએ આક્ષેપ લગાવ્યો કે જિતેન્દ્રે ભીડનો લાભ લઈને અણછાજતી રીતે તેને સ્પર્શ કર્યો હતો અને તેમની વચ્ચેની બબાલ વધી અને બન્ને નાયગાવ સ્ટેશન પર ઊતરી ગયાં. જોકે દલીલ વધુ જલદ થતાં યુવતીએ પેલા ભાઈ પર સ્લિપર ફેંક્યું અને આવેશમાં આવીને પેલા ભાઈએ તેને ધક્કો મારીને પાટા પર ફેંકી. આ ઘટનાક્રમમાં ઘાયલ થયેલી યુવતીનો ડાબો હાથ સિવિયર ઇન્જરીને કારણે કાપી નાખવો પડ્યો. ફેસ રેકગ્નિશન કૅમેરાની મદદથી પોલીસે હુમલો કરનારા જિતેન્દ્રને પકડી પાડ્યો.

મહિલા ડબ્બામાં દારૂ પીને ચડી ગયેલા માણસે ૧૯ વર્ષની યુવતી સાથે બળજબરી કરીને તેનું પર્સ આંચકી લેવાની કોશિશ કરી. તેણે વિરોધ કર્યો તો પેલા દારૂ પીધેલા માણસે યુવતીને ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારી દીધો. વિરારમાં પ્લૅટફૉર્મ-નંબર ૮ પર પડેલી પેલી યુવતીના જમણા હાથનો ખભો ડિસલોકેટ થઈ ગયો અને ઘૂંટણમાં સખત ઈજા થઈ, પણ નસીબથી જીવ બચી ગયો. અને હુમલાખોરને પણ પકડી લેવાયો.

દરવાજા પાસે ઊભા રહેવાની બાબતમાં ઝઘડો થયો અને એક પ્રવાસીએ મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટરોડ વચ્ચે બીજા પ્રવાસીને ધક્કો મારી દીધો. નસીબજોગે ટ્રેન ધીમી હોવાથી વ્યક્તિ બચી ગઈ અને ગુનો દાખલ થયો, પણ ગુનેગાર પકડાયો નહીં.

આ ત્રણેય ઘટનાઓ નવેમ્બરની એટલે કે છેલ્લા પંદર દિવસની જ છે. માત્ર નવેમ્બરની જ નહીં, જો છેલ્લા એક વર્ષની જ વાત કરીએ તો સેન્ટ્રલ, વેસ્ટર્ન, અને હાર્બર લાઇનની લોકલ ટ્રેનમાં આવા અઢળક બનાવો બન્યા છે. ટ્રેનના ડબ્બામાં વરસાદનું પાણી આવે છે, દરવાજો બંધ કરો જેવી નજીવી બાબતથી થયેલી તકરાર ૨૩ વર્ષના યુવકના ખોફનાક મર્ડરમાં પરિણમી હતી. આખા મુંબઈને હચમચાવનારી એ ઘટનામાં પણ આરોપી પકડાઈ ગયો, પરંતુ નજીવા કારણથી એકનો જીવ ગયો અને બીજાનું જીવન બરબાદ થયું. આવા તો કંઈકેટલાય દાખલા દરરોજના સામે આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં ઘટેલી આવી જ કેટલીક અન્ય ઘટનાઓ પર ટૂંકમાં નજર ફેરવીએ. 

વિરારથી ઊપડતી ટ્રેનમાં સીટ રોકવા બાબતે થયેલા વિવાદમાં ૩ મુસાફરોના ગ્રુપે એક વ્યક્તિને બેલ્ટ અને મુક્કા વડે માર મારી નાકનું હાડકું તોડી નાખ્યું.

કલ્યાણ-ડોમ્બિવલી વચ્ચે પ્રવાસ કરતા એક પ્રવાસી પર ચોથી સીટ પર બેસવા બાબતે થયેલા ઝઘડામાં આરોપીએ ચાવીના ઝૂડા અને કટર વડે પીડિતના ચહેરા અને હાથ પર હુમલો કર્યો.

હાર્બર લાઇનમાં ડેઇલી ટ્રાવેલ કરતા બે પ્રવાસીઓના ગ્રુપ વચ્ચે લોકલમાં સીટ પકડવાના જૂના વિવાદ બદલ લોખંડના સળિયા અને બૅગ વડે મારામારી થઈ, જેમાં ૩ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા.

ઘાટકોપર-વિદ્યાવિહાર વચ્ચે અજ્ઞાત મુસાફરના પગ પર પગ પડી જવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ આરોપીએ ધારદાર બ્લેડ વડે પીડિતના ગળા અને ખભા પર ઘા ઝીંક્યા અને કુર્લા સ્ટેશને ઊતરી ફરાર થઈ ગયો.

દરવાજા પાસે ઊભા રહેવા બાબતે થયેલી મારામારી અને ધક્કામુક્કીમાં મુસાફર ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો અને ગંભીર ઈજાગ્રસ્ત થયો.

કુર્લા-ચૂનાભટ્ટી વચ્ચે પ્રવાસીનો પ્રવાસી પર હુમલો. ૩ યુવકો ટ્રેનમાં જોરથી મોબાઇલ પર ગીતો વગાડવાની ના પાડતાં ૩ યુવકોએ ભેગા મળીને આધેડ વયના મુસાફરને બેરહેમીથી માર માર્યો.

માત્ર પ્રવાસીઓનો એકબીજા પર જ નહીં, ટિકિટચેકર પર થયેલા હુમલાઓનો હિસાબ માંડીએ તો પણ કંઈક કિસ્સાઓ મળે. લેટેસ્ટ બનાવો કંઈક આવા હતા.

ફર્સ્ટ ક્લાસના પાસ પર AC લોકલમાં મુસાફરી કરી રહેલા મુસાફર પાસે દંડ માગતાં તેણે TCનો કૉલર પકડી મારપીટ કરી અને યુનિફૉર્મ ફાડી નાખ્યો.

ટિકિટ વગર મુસાફરી કરતા યુવકોના ગ્રુપને અટકાવતાં તેમણે ટિકિટ-ચેકિંગ સ્ટાફ પર પથ્થર અને પાણીની બૉટલો વડે હુમલો કર્યો.

AC કોચમાં વિના ટિકિટ મુસાફરી કરતી મહિલા પાસે દંડ માગતાં તેણે મહિલા TCના વાળ ખેંચી નખ માર્યા અને મોબાઇલ તોડી નાખ્યો.

આ બધું વાંચ્યા પછી મુંબઈની લાઇફલાઇન એટલે કે મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવામાં ફફડાટ થવો સ્વાભાવિક છે. મુંબઈ લોકલમાં વધેલા હિંસાના આવા બનાવો પાછળનાં કારણો શું છે? શું ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવતા લોકો વધતા જાય છે લોકલમાં? ટિકિટના પૈસા ખરચીને લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ બેઝિક સુરક્ષાના હકદાર નથી? ચાકુ, બ્લેડ જેવી વસ્તુઓ લોકલમાં લઈ શું કામ દેવાય છે જેવા વિવિધ પ્રશ્નોના જવાબ મેળવીએ.

GRP અને RPF વચ્ચે શું ફરક?

GRP એટલે કે ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને RPF એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ વચ્ચેનો મુખ્ય તફાવત તેમના કન્ટ્રોલ અને ઑથોરિટીનો છે. GRP એ રાજ્ય સરકારની પોલીસનો હિસ્સો છે, જેનું મુખ્ય કામ રેલવે-પરિસરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનું તથા ચોરી, લૂંટ કે મારામારી જેવા ગુનાઓની ફરિયાદ નોંધીને તપાસ કરવાનું છે; જ્યારે RPF એ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલય હેઠળનું સુરક્ષાદળ છે જેનું મુખ્ય કામ રેલવેની મિલકત, પાટા અને સ્ટેશનની સુરક્ષા કરવાનું, ક્રાઉડ-મૅનેજેમેન્ટનું અને મુસાફરોને સુરક્ષા પૂરી પાડવાનું છે. જોકે ગંભીર ગુનાઓમાં ફરિયાદ નોંધવાની સત્તા RPF પાસે હોતી નથી. તેઓ આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે GRPને સોંપે છે. તેમની સ્ટ્રેન્ગ્થ વધારવા માટે મહારાષ્ટ્ર સિક્યૉરિટી ફોર્સ દ્વારા RPFને અને GRPને મહારાષ્ટ્ર હોમગાર્ડ દ્વારા વધુ મેનપાવર અલૉટ કરવામાં આવ્યો છે. રેલવે અને રેલવેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓના પ્રોટેક્શનની અને ક્રાઇમ ન થાય એ માટે પ્રિવેન્શનની જવાબદારી આ સુરક્ષાબળોની ગણાય છે. 

હાઈ કોર્ટે માગ્યો છે હિસાબ

મુંબઈની લોકલ ટ્રેનોમાં અસહ્ય ભીડ, ખુલ્લા દરવાજા, અને મુસાફરોની વધતી જતી દુર્ઘટનાઓ તથા હિંસાના બનાવો વિશે બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા સમયાંતરે રેલવે-પ્રશાસન તેમ જ રાજ્ય સરકારને અત્યંત કડક અને મહત્ત્વપૂર્ણ આદેશો આપવામાં આવ્યા છે. હાઈ કોર્ટે રેલવેની ઍક્શન પ્રત્યેની ઉદાસીનતા સામે ઝાટકણી કાઢીને આદેશો અને નિર્દેશો આપ્યા છે. હાઈ કોર્ટે વારંવાર ભારપૂર્વક જણાવ્યું છે કે જેમ મુંબઈ મેટ્રોમાં ઑટોમૅટિક દરવાજા હોય છે, જેનાથી કોઈ મુસાફર ચાલુ ટ્રેને નીચે પડી શકતો નથી, એવી જ રીતે લોકલ ટ્રેનોમાં પણ ઑટોમૅટિક દરવાજાની સિસ્ટમ વહેલી તકે લાગુ કરવામાં આવે, જેના ઉપક્રમે ગયા અઠવાડિયે રેલવેની પહેલી નૉન-AC ક્લોઝ્ડ ડોર ચેન્નઈથી તૈયાર થઈને આવી ગઈ છે અને ટૂંક સમયમાં સેન્ટ્રલ રેલવેમાં એની ટ્રાયલ શરૂ થશે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પીક અવર્સ દરમ્યાન પ્લૅટફૉર્મ પર અને ટ્રેનના દરવાજા પર લટકીને મુસાફરી કરતા લોકોને રોકવા માટે સુરક્ષાદળો સખત પગલાં લે. રેલવે-સ્ટેશનો અને ટ્રેનોમાં સુરક્ષા-કર્મચારીઓની ભારે અછત વિશે કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને પૂરતી માત્રામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) જવાનોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. ચાલુ ટ્રેને પડી જવાથી કે ધક્કો વાગવાથી મૃત્યુ પામનારા અથવા કાયમ માટે અપંગ બનનારા મુસાફરોના પરિવારોને રેલવે ક્લેઇમ ટ્રિબ્યુનલ (RCT) તરફથી વળતર મેળવવામાં વર્ષો વીતી જાય છે એને લઈને કોર્ટે પ્રક્રિયા ઝડપી અને સરળ બનાવવા આદેશ આપ્યો છે. રેલવેતંત્ર ઘણી વાર ‘પીડિતની પોતાની બેદરકારી હતી’ અથવા ‘તે ટિકિટ વગરનો હતો’ એવી ટેક્નિકલ દલીલો કરીને વળતર અટકાવતું હોય છે, જેને હાઈ કોર્ટે અમાનવીય ગણાવીને મુસાફરોની સુરક્ષાની પ્રાથમિક જવાબદારી રેલવેની હોવાનું કહ્યું છે. કોર્ટે રેલવેને નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી નવી ટ્રેનો અને પૂરતા ફેરા વધારવામાં ન આવે ત્યાં સુધી મુસાફરોનો આ જીવલેણ પ્રવાસ અટકશે નહીં. તેથી, સિગ્નલિંગ સિસ્ટમ આધુનિક બનાવીને ટ્રેનોની આવન-જાવન વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે. ૧૨ ડબ્બાની ટ્રેનોને ઝડપથી ૧૫ ડબ્બામાં રૂપાંતરિત કરવા અને સ્ટેશનનાં પ્લૅટફૉર્મ લંબાવવાની કામગીરી ઝડપી કરવા આદેશ અપાયો છે. મહિલાઓની સુરક્ષા અને ટ્રેનની અંદર થતી મારામારી કે છેડતીના બનાવોને રોકવા માટે તમામ લોકલ ટ્રેનોના પ્રત્યેક ડબ્બામાં હાઇ-ડેફિનેશન CCTV કૅમેરા અને મોટરમૅન અથવા ગાર્ડ સાથે વાતચીત માટેની ‘ટૉક-બૅક’ સિસ્ટમ તાત્કાલિક કાર્યરત કરવા હાઈ કોર્ટે તાકીદ કરી છે.

ડર જ નથી રહ્યો

તમને દેખીતી રીતે પ્રશ્ન થાય કે શું કામ પ્રવાસીઓમાં આક્રમકતા વધી છે. રેલવે આમાં શું કરી શકે એના જવાબમાં ઘણાં વર્ષોથી રેલવે-પ્રવાસીઓના હિતમાં લડી રહેલા ઍક્ટિવિસ્ટ ભાવેશ પટેલ કહે છે, ‘હું સાવ તો એવું નહીં કહું કે પહેલાં આવી ઘટનાઓ નહોતી બનતી. પહેલાં પણ પ્રવાસીઓમાં આક્રમકતા હતી જ. ગ્રુપીઝમ ચાલતું અને ગુસ્સામાં ધક્કો મારવો, લાફો મારવો, ગાળંગાળ કરવી વગેરે સામાન્ય હતું. વિરારથી આવતી લોકલ ટ્રેનમાં બોરીવલીથી કોઈને ન ચડવા દેવાની માનસિકતા પહેલાં પણ હતી અને આજે પણ છે. ધારો કે કોઈ બળજબરીપૂર્વક ચડે તો તેને શાંતિથી જીવવા ન દેવાની માનસિકતા આજે પણ છે. ટોળું બનાવીને એકને એકલો પાડી તેને હૅરૅસ કરવાનું વલણ ત્યારે પણ હતું અને આજે પણ છે. એક વર્ષ પહેલાં એક કપલ દાદરથી ચડ્યું એટલે જે મહિલા ચડી તેને એક ગ્રુપ છેડી રહ્યું હતું. એ લોકો એટલા બેકાર હતા કે હસબન્ડ સાથે હતો છતાં તેણે એ છેડતીને અણદેખી કરીને આગળના સ્ટેશન પર ઊતરવાનું નક્કી કર્યું. એ વખતે હું ટ્રેનમાં હતો અને મારાથી આ જોવાયું નહીં એટલે મેં વિરોધ કર્યો તો મારી સાથે પણ ધક્કામુક્કી કરીને મારાં ચશ્માં તોડી નાખવાની ઘટના ઘટી હતી. અમુક હૉટ સ્પૉટમાં રેલવે સ્ટાફ પોતે જ જતો નથી, કારણ કે તેમને પણ પોતાનો જીવ વહાલો છે. હવે પ્રશ્ન છે કે આ રીતે ખુલ્લેઆમ દાદાગીરી થઈ ત્યારે શકે જ્યારે કોઈ ડર ન રહ્યો હોય. જ્યારે તેમને ખબર છે કે તેમનું કોઈ કંઈ જ બગાડી નથી લેવાનું એવી ખાતરી થાય ત્યારે જ આ રીતે બેખોફ છેડતી અને દાદાગીરીનું પ્રમાણ વધતું હોય છે. તમે વિચાર કરોને કે એક માણસ ભીડની વચ્ચે ચાલુ ટ્રેને પ્રવાસીઓની સામે એક યંગ છોકરાને ચાકુ મારીને જાય છે અને બેધડક ચાકુ બૅગમાં મૂકીને આગલા સ્ટેશન પર ઊતરી જાય છે. આ દૃશ્ય કેટલું ફિલ્મી લાગે છે, પણ આવું આપણે ત્યાં થયું છે. માત્ર ગુસ્સો વધ્યો છે એવી દલીલ સાથે આ મુદ્દાને દબાવી ન શકાય. આજે હૅન્ડિકૅપ્ડ ડબ્બામાં સવારના સમયે મોટા ભાગના સરકારી વિભાગોમાં કામ કરતા અધિકારીઓ ચડે છે. તેમની વિરુદ્ધ કોઈ ઍક્શન નથી લેવાતી. પોલીસ દ્વારા જે પણ ઍક્શન લેવાય છે એ ટાર્ગેટ-ઓરિયેન્ટેડ છે. જ્યારે પ્રૉબ્લેમ થવાનો પીક ટાઇમ હોય છે ત્યારે નહીં પણ સવારના સમયે જ્યારે પોલીસ પાસે સમય હોય ત્યારે એકાદ બે કલાકમાં જેઓ પ્રતિકાર ન કરી શકવાના હોય એવા ભોળાભલા લોકોને નાનાઅમથા વાંકમાં પકડીને ચોકી પર લઈ જવાય, ફાઇન ભરાવીને છોડી દેવાય. આજે પોતાની સાથે ઝઘડો થયો કે પજવણી થઈ, પણ તમે તમારી જૉબના અવર્સમાં પોલીસ-કમ્પ્લેઇન્ટ કરવા જઈને આખો દિવસ બગાડશો કે પછી એ વાતને ઇગ્નૉર કરીને જૉબ પર જશો? સ્વાભાવિક રીતે પોલીસ પાસે જવાનો સમય બહુ જ ઓછા લોકો બગાડશે. આ પણ બહુ જ મોટું કારણ છે કે આતંક મચાવનારા આવા લોકો બચી જાય છે. અત્યારે વધેલા કેસ દેખાવાનું પાછળ સોશ્યલ મિડિયા છે અને રેલવેમાં હંમેશાં ઊંચા સ્થાને રહેલા ક્રાઇમના કેસિસ પાછળ એક જ મહત્ત્વનું કારણ છે કે લોકોમાં પોતાને આનું કોઈ પરિણામ ભોગવવું પડશે એ ડર સાવ નીકળી ગયો છે.’

તમને ખબર છે?

લોકલ ટ્રેનમાં થતા ઝઘડાઓમાં કેટલાક હાઈ રિસ્ક ઝોન છે, જેમ કે વેસ્ટર્ન લાઇન પર બોરીવલી-વિરાર, સેન્ટ્રલ લાઇન પર થાણે-કલ્યાણ-બદલાપુર, અને હાર્બર લાઇન પર કુર્લા-માનખુર્દનો પટ્ટો હિંસક ઘટનાઓ માટે સૌથી વધુ સંવેદનશીલ તરીકે ઊભરી આવ્યો છે.

ડેટા દર્શાવે છે કે ટિકિટચેકર્સ પર થતા હુમલાઓમાં ૬૦ ટકાથી વધુ બનાવો AC લોકલ ટ્રેનોમાં બન્યા છે. સામાન્ય લોકલ ટ્રેનોની સંખ્યા ઘટવાને કારણે મુસાફરો મજબૂરીમાં કે ઉતાવળમાં AC લોકલમાં ચડે છે અને ત્યાર બાદ દંડ ભરવાના મુદ્દે હિંસક ઘર્ષણ થાય છે.

રાઇટ ટુ ઇન્ફર્મેશનલ (RTI) ઍક્ટ અંતર્ગત બહાર આવેલી વિગતો દર્શાવે છે કે ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) સ્ટાફની ભારે અછત વચ્ચે કામ કરી રહી છે, જેમાં દર ૨૦૦૦ મુસાફરો દીઠ આશરે એક GRP અધિકારી ઉપલબ્ધ છે.

સત્તાવાર આંકડા દર્શાવે છે કે વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેના આશરે ૮૯.૭૪ ટકા જનરલ કોચમાં CCTV કૅમેરા નથી અને ૯૩.૩૪ ટકા કોચ ઇમર્જન્સી ટૉક-બૅક સિસ્ટમ વિના જ દોડી રહ્યા છે.

ક્યાં કરશો ફરિયાદ?

રેલ મદદ : 139 (કોઈ પણ પ્રકારની ફરિયાદ, સિક્યૉરિટી, મેડિકલ હેલ્પ કે ટ્રેન સંબંધિત પૂછપરછ માટે ચોલીસ કલાક સક્રિય હેલ્પલાઇન.)

ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) : 1512 (ટ્રેન કે સ્ટેશન પર મારામારી, છેડતી, ચોરી કે ગુનાહિત ઘટના બને ત્યારે તાત્કાલિક પોલીસ મદદ માટે.)

રેલવે પોલીસ ફોર્સ (RPF) : 182 (મુસાફરોની સુરક્ષા અને મહિલા/દિવ્યાંગ ડબ્બામાં ગેરકાયદે પ્રવેશ રોકવા માટે.)

X હૅન્ડલ્સ : @RailMinIndia, @Central_Railway, @WesternRly. (તમારો PNR/ટ્રેન નંબર અને સ્ટેશન લખવાથી રેલવે ઑથોરિટી અને RPF દ્વારા ગણતરીની મિનિટોમાં કાર્યવાહી થાય છે.)

સુરક્ષાનો અધિકાર

ટિકિટ લઈને ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીને સુરક્ષા માગવી પડે એ જ કેટલી દુખની વાત છે. મુંબઈ રેલ પ્રવાસી સંઘના વાઇસ પ્રેસિડન્ટ સિદ્ધેશ દેસાઈ કહે છે, ‘યોગ્ય સુરક્ષા-વ્યવસ્થા, મુસાફરોની અવરજવરનું ઉચિત વ્યવસ્થાપન અને કોઈ પણ જાતની અકાઉન્ટેબિલિટીનો અભાવ વગેરેને કારણે મુંબઈની સબર્બન રેલવે જીવલેણ નેટવર્ક બની રહી છે. મુસાફરોની સુરક્ષા મજબૂત કરવા માટે અમે સતત મેટ્રો જેવી એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમ, બૅગેજ-સ્ક્રીનિંગ અને સુરક્ષા-તપાસની માગણી કરી રહ્યા છીએ. આ ઉપરાંત મહિલા મુસાફરો માટે અલગ કોચ, ચડવા અને ઊતરવા માટે નિર્ધારિત જગ્યાઓ અને પ્લૅટફૉર્મ પર જવા-આવવા માટે અલગ વ્યવસ્થાની પણ અમે માગણી કરી છે. આ કોઈ લક્ઝરી સુવિધાઓ નથી, પાયાની સુરક્ષા-જરૂરિયાતો છે. કમનસીબે, રેલવે-પ્રશાસન દિલ્હીમાં બેસીને અંગ્રેજોના સમયની માનસિકતા સાથે કામ કરતું હોય એવું લાગે છે અને મુંબઈના કરદાતાઓ તથા દૈનિક મુસાફરોની વાસ્તવિક પરિસ્થિતિથી સાવ અજાણ છે. મુંબઈગરાઓ વિશ્વસ્તરીય રેલવે-સિસ્ટમના હકદાર છે, જીવ બચાવવા માટેના રોજિંદા સંઘર્ષના નહીં.’ 

રેલવેના ઍક્ટિવિસ્ટ ભાવેશ પટેલ આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે કેટલાક સુઝાવ આપતાં કહે છે, ‘ઘણા સમયથી અમે કહીએ છીએ કે તમે લેડીઝના ત્રણ ડબ્બા એકસાથે રાખો, જેથી મહિલાઓની સુરક્ષા-વ્યવસ્થા સઘન કરી શકાય. મહિલા પ્રવાસીઓની વધતી સંખ્યા વચ્ચે એકસાથે રહેલા ત્રણ ડબ્બામાં તેમની પાસે અંદર જવાના પર્યાયો વધી જાય. સો મીટરની અંદર એક પોલીસ-અધિકારી હોય. અમુક પીક અવર્સમાં અને જે હૉટ સ્પૉટ છે ત્યાં સિક્યૉરિટી ફોર્સ વધારો. ફરિયાદીને બહુ હેરાનગતિ ન થાય એવી સિસ્ટમ બનાવો.’

ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ નથી

રેલવેના ક્રાઇમને નજીકથી જોનારા અને એનું ઇન્વેસ્ટિગેશન કરનારા GRPમાં કામ કરી ચૂકેલા સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પોતાના અનુભવને આધારે કહે છે કે ‘રેલવેમાં ક્રાઇમ-રેટ વધ્યો છે, કારણ કે ઍન્ગર લેવલ ઓવરઑલ વધ્યું છે. મેં એટલા બધા કેસિસ જોયા એમાં એક વાત મને કૉમન મળી કે ક્રાઇમમાં ગુનેગારનું એ પહેલાંનું કોઈ ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ નહોતું, એ પહેલાં ક્યારેય તેણે કોઈ ગુનો કર્યો નહોતો. એનો અર્થ એવો કે પ્રવાસ કરતી વખતે ફ્રસ્ટ્રેશન અને આવેશમાં તે આવું પગલું ભરી બેસે છે. પગ પર પગ લાગવો, દરવાજે ઊભા રહેવાની બાબતમાં થતી ચડસાચડસી આ બધામાં ઝઘડાની શરૂઆત થાય ત્યારે કોઈ કોઈને નુકસાન પહોંચાડવાના ધ્યેય સાથે ઝઘડો નથી કરતું, પણ પછી વાત વણસે અને આગળ વધે ત્યારે એટલી બગડે કે મર્ડર સુધી વાત પહોંચી જાય. આમાં ઍક્શનમાં અમારે ગુનો નોંધીને આરોપીને અટકમાં લેવો પડે છે, પણ જ્યારે તેની હિસ્ટરી કાઢીએ ત્યારે ખબર પડે કે આમાં તેની ભૂલ એટલી જ કે એ સમયે તે પોતાના પર કન્ટ્રોલ ન કરી શક્યો. પાછળથી તેને અફસોસ પણ હોય, પરંતુ ત્યાં સુધી બન્ને પક્ષનું ઘણું બગડી ગયું હોય છે. સમાજનો આ બહુ જ પેચીદો પ્રશ્ન બનતો જાય છે.’

નિષ્ણાતોના મતે ટ્રેનમાં વધી રહેલા હિંસાના બનાવો પાછળ જવાબદાર છે આ કારણો

અસહ્ય ભીડ : મુંબઈ લોકલ ટ્રેનની ૧૨ ડબ્બાની રેકની સામાન્ય ક્ષમતા આશરે ૧૭૦૦થી ૧૮૦૦ મુસાફરોની હોય છે, પરંતુ પીક અવર્સમાં એમાં ૪૫૦૦થી ૫૦૦૦ લોકો મુસાફરી કરે છે. પ્રતિ ચોરસમીટરમાં ૧૪થી ૧૬ લોકો ઊભા હોય ત્યારે શ્વાસ લેવો પણ મુશ્કેલ બને છે, જે શારીરિક અકળામણને સીધી આક્રમકતામાં ફેરવાય છે.

શહેરનું એકતરફી વિસ્તરણ : મુંબઈની ભૌગોલિક રચના એવી છે કે ઉત્તર તરફ વિરાર, કલ્યાણ, બદલાપુર, પનવેલમાં રહેણાક વિસ્તારો સતત વધી રહ્યાં છે, જ્યારે મોટા ભાગની ઑફિસો અને રોજગારનાં કેન્દ્રો હજુ પણ દક્ષિણ મુંબઈ અથવા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ, લોઅર પરેલ, અંધેરીમાં કેન્દ્રિત છે. પરિણામે લાખો લોકો એક જ દિશામાં અને એક જ સમયે મુસાફરી કરવા મજબૂર બને છે.

ખુલ્લા દરવાજા અને ફુટબોર્ડ મુસાફરીની મજબૂરી : ડબ્બાની અંદર પગ મૂકવાની જગ્યા ન હોવાથી મુસાફરો દરવાજા પર લટકીને ઊભા રહે છે. જે લોકો અંદર ઊભા છે તેમને ઊતરવું હોય અને દરવાજા પર ઊભેલા લોકોને હટવાની જગ્યા ન હોય ત્યારે દર મિનિટે ઘર્ષણ અને ધક્કામુક્કી થાય છે.

ટ્રેનોની ફ્રીક્વન્સી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મર્યાદા : રેલવે-ટ્રૅક પર ટ્રેનો દોડાવવાની એક મહત્તમ મર્યાદા છે. મેટ્રો પ્રોજેક્ટ્સ હજુ સંપૂર્ણ રીતે લોકલ ટ્રેનનો ભાર ઓછો કરી શક્યા નથી, અને ટ્રેનો મોડી પડે ત્યારે પ્લૅટફૉર્મ પર જમા થતી ભીડ મુસાફરોની ધીરજ ખુટાડી દે છે.

પર્સનલ ‘સ્પેસ’નો સંપૂર્ણ અભાવ : હ્યુમન સાઇકોલૉજી મુજબ દરેક વ્યક્તિને પોતાની આસપાસ એક મિનિમમ પર્સનલ સ્પેસ જોઈતી હોય છે. જ્યારે સતત કલાકો સુધી અજાણ્યા લોકોના શરીર એકબીજા સાથે ઘસાય, પરસેવો અને ગરમી હોય ત્યારે મગજ સતત ‘ફાઇટ ઑર ફ્લાઇટ મોડ’માં રહે છે. આ સ્થિતિમાં નાનો ધક્કો કે પગ પર પગ પડવો પણ મોટા ઝઘડાનું કારણ બને છે.

લાંબી મુસાફરીનો થાક અને સમયનું દબાણ : વિરાર, કર્જત કે કસારાથી આવતા મુસાફરો રોજના ૩થી ૪ કલાક માત્ર મુસાફરીમાં વિતાવે છે. ઑફિસમાં મોડા પડવાનો ડર, બૉસનો ઠપકો અને ઘરે પહોંચવાની ઉતાવળ મુસાફરોને સતત તનાવમાં રાખે છે. આ દબાયેલો તનાવ ટ્રેનમાં કોઈ નબળી વ્યક્તિ કે સાથી મુસાફર પર ગુસ્સા સ્વરૂપે ફૂટી નીકળે છે.

અલિખિત નિયમો અને ટ્રેન-ગૅન્ગ્સ : રોજ એક જ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોનાં ચોક્કસ ગ્રુપ બની જાય છે. તેઓ સીટ કે દરવાજા પર પોતાનો અઘોષિત હક જમાવે છે. જ્યારે કોઈ નવો કે અજાણ્યો મુસાફર તેમના ‘નિયમ’ તોડે અથવા સીટ પર બેસવાનો પ્રયાસ કરે ત્યારે આખું ગ્રુપ મળીને તેને ધમકાવે છે કે મારપીટ કરે છે.

‘મુંબઈ સ્પિરિટ’ની આડમાં અસંવેદનશીલતા : વર્ષોથી મુંબઈની ભીડ અને હાલાકીને ‘મુંબઈ સ્પિરિટ’ કહીને બિરદાવવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં સતત સંઘર્ષે લોકોમાં સહનશીલતા ઘટાડી છે. આજે લોકોમાં બીજા પ્રત્યેની સહાનુભૂતિ ઓછી થઈ રહી છે અને સર્વાઇવલ ઑફ ફિટેસ્ટની માનસિકતા પ્રબળ બની છે.

રેલવે-પ્રશાસન શું કહે છે?

TC પર થતા હુમલા રોકવા માટે હવે પીક અવર્સની AC લોકલ ટ્રેનોમાં ટિકિટચેકરની સાથે ઓછામાં ઓછા બે સશસ્ત્ર RPF જવાનો ફરજિયાત સાથે મુસાફરી કરે છે. ટિકિટ-ચેકિંગ સ્ટાફને બૉડી-વૉર્ન કૅમેરા આપવામાં આવ્યા છે, જેથી મુસાફર દ્વારા કરાતી ગેરવર્તણૂક કે મારામારીના સીધા વીડિયો પુરાવા કોર્ટમાં રજૂ કરી શકાય. મુંબઈનાં મુખ્ય સ્ટેશનો પર AI-આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી ટ્રેનમાં હુમલો કરીને ભાગી જનારા આરોપીઓને સ્ટેશન બહાર નીકળતાં જ ઓળખી શકાય. આ સંદર્ભે વેસ્ટર્ન રેલવેના ભૂતપૂર્વ ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેક કહે છે, ‘અત્યારે પોલીસ-ફોર્સ તૈનાત કરવાથી લઈને CCTV કૅમેરા અને ઍડ્‍વાન્સ્ડ ફેસ રેકગ્નિશન સિસ્ટમ વગેરે ઉપાયો અમે કર્યા છે. એનું જ પરિણામ છે કે ૨૪થી ૪૮ કલાકની અંદર આરોપી પકડાઈ ગયા છે. બેશક, આ પ્રકારના બનાવો ન બનવા જોઈએ. પ્રિવેન્શન માટે AC લોકલની સંખ્યા વધારવાની જાહેરાત ઑલરેડી રેલવે-મિનિસ્ટરે કરી છે. અમે અમારા પક્ષે પ્રૅક્ટિકલી જેટલું પૉસિબલ હોય એટલું દરરોજના પાંત્રીસ લાખ પ્રવાસીઓને સુરક્ષા આપવા માટે પ્રયાસ કરીએ છીએ. મુખ્ય સ્ટેશન પર લગેજ-સ્કૅનર છે. શંકાસ્પદ લાગતા લોકોનું સરપ્રાઇઝ ચેકિંગ થાય છે. ઇન્સ્ટન્ટ આરોપીને પકડવાની દિશામાં રેલવે દ્વારા જે કામ થઈ રહ્યું છે એનાથી ગુનો કરનારાના મનમાં ડર પણ બેઠો છે.’

હુમલાખોરો સામે કેવી કાર્યવાહી થઈ શકે?

લોકલ ટ્રેનમાં સહ-મુસાફર કે ટિકિટચેકર પર હુમલો કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), ૨૦૨૩ અને ધ રેલવે ઍક્ટ, ૧૯૮૯ એમ બન્ને કાયદાઓની કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે.

ટિકિટચેકર કે રેલવે-સ્ટાફ પર હુમલો કરનારને BNS કલમ 121(1)/121(2) (સરકારી કર્મચારીને ફરજ બજાવતાં અટકાવવા ઈજા પહોંચાડવી) અને BNS કલમ 132 (સરકારી કામમાં અવરોધ) હેઠળ પાંચથી ૧૦ વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે જે બિન-જામીનપાત્ર ગુનો ગણાય છે.

ચાલુ ટ્રેનમાંથી ધક્કો મારનારને BNS કલમ 109 (હત્યાનો પ્રયાસ) અંતર્ગત ૧૦ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે.

ધારદાર હથિયાર (કટર/બ્લેડ/સળિયા) વડે હુમલો કરનારને BNS કલમ 118(1)/ 118(2) (ખતરનાક હથિયારો વડે ગંભીર ઈજા પહોંચાડવી) કલમો હેઠળ ૩થી ૧૦ વર્ષ સુધીની જેલ અને ભારે દંડ થઈ શકે છે.

સામાન્ય મારામારી કે ધક્કામુક્કી કરનારને BNS કલમ 115(2) (સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી) કલમ અંતર્ગત ૧ વર્ષ સુધીની જેલ અથવા `૧૦,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે.

ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા જોખમાવવી ઃ રેલવે ઍક્ટ કલમ 145 (નશામાં ધમાલ કે ગેરવર્તણૂક) અને કલમ 153 (મુસાફરોના જીવ જોખમમાં મૂકવા) અંતર્ગત ૬ મહિનાથી ૫ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે

રેલવે-અકસ્માતો અને મુસાફરોની સુરક્ષા સંબંધિત અરજીઓની સુનાવણી દરમ્યાન બૉમ્બે હાઈ કોર્ટે રેલવેને મેટ્રોની જેમ બંધ દરવાજાવાળી ટ્રેનો લાવવા પર ગંભીરતાથી વિચાર કરવા નિર્દેશ આપ્યો હતો, જેના ઉપક્રમે તાજેતરમાં ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (ICF)માં તૈયાર થયેલી ૧૨ ડબ્બાની પહેલી નૉન-AC ઑટોમૅટિક દરવાજાવાળી લોકલ ટ્રેન સુરક્ષા-ટ્રાયલ માટે મુંબઈ આવી પહોંચી છે. નૉન-AC કોચમાં દરવાજા બંધ રહેવાથી ગૂંગળામણ ન થાય એ માટે દરવાજામાં ખાસ જાળી જેવી ડિઝાઇન અને છત પર વેન્ટિલેટર્સ લગાવવામાં આવ્યાં છે જેથી કુદરતી હવા અવરજવર કરી શકે. આ સંદર્ભે સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર ડૉ. સ્વ‌પ્નિલ ધનરાજ નીલા કહે છે, ‘આવનારાં બેથી ત્રણ અઠવાડિયાંમાં આ ક્લોઝ્ડ ડોર નોન-AC ટ્રેનનું ટ્રાવેલ શરૂ થશે. અત્યાર સુધીના મોટા ભાગના જે બનાવો બન્યા છે એ વ્યક્તિગત હતા, જેમાં તેમનું પોતાનાં માનસિકતા અને ફ્રસ્ટ્રેશન મુખ્ય હતાં. લોકોની બદલાઈ રહેલી માનસિકતાને ઓવરઑલ સામાજિક લેવલ પર બદલવાની દિશામાં કામ કરવું પડશે. બધે જ સમાજમાં ઍગ્રેશન વધી રહ્યું છે. હું તો એમ કહીશ કે રેલવેમાં થતા ક્રાઇમમાં વધુ એવિડન્સ અને વિટનેસ હોવાથી પ્રવાસીના પકડાઈ જવાની સંભાવના સર્વાધિક હોય છે એટલે ડર પણ તેમને જ વધુ હોય, કારણ કે ૮૫ ટકા રેલવે-પ્રૉપર્ટી CCTV કૅમેરાની નિગરાનીમાં છે. જોકે એ પછીયે આવા બનાવો બને છે. આજે ચાલીસ લાખ પ્રવાસીઓ સામે અમારી પાસે સાડાચાર હજાર RPF અને GRPના જવાનો છે જે સિક્યૉરિટીમાં તૈનાત છે. એ સિવાય લોકોમાં જાગૃતિ લાવવા અનાઉન્સમેન્ટ, સોશ્યલ મીડિયા અને મિડિયા થ્રૂ અમે પણ પ્રયાસો કરી રહ્યા છીએ.’

columnists gujarati mid day mumbai local train mumbai trains government railway police railway protection force western railway indian railways central railway ruchita shah