08 February, 2026 04:50 PM IST | Mumbai | Rajani Mehta
મીનાકુમારી
૧૯૩૮માં કે. એલ. સૈગલની ભલામણથી કમાલ અમરોહી મુંબઈ આવ્યા. સોહરાબ મોદીની ‘પુકાર’માં તેમના સંવાદો વખણાયા. ત્યાર પછીનાં વર્ષોમાં તેમણે નાની-મોટી ફિલ્મોની સ્ટોરી અને ડાયલૉગ્સ લખ્યા પણ તેમનું નામ થયું ૧૯૪૯માં. તેમના ડિરેક્શનમાં ‘મહલ’ હિટ થઈ. જોકે ત્યાર બાદ તેમની કારકિર્દીમાં બીજી સફળતા ન આવી. ૧૯૫૩માં પોતાની કંપની મહલ ફિલ્મ્સની પહેલી ફિલ્મ ‘દાઈરા’ બનાવી (મીનાકુમારી, નાસિરખાન) જે સદંતર નિષ્ફળ નીવડી. ૧૯૬૦માં ‘મુગલ-એ-આઝમ’ માટે તેમને બીજા ત્રણ સંવાદલેખકો સાથે ફિલ્મફેર અવૉર્ડ મળ્યો.
મીનાકુમારીની કમાણી પર જીવતા કમાલ અમરોહીએ ૧૯૫૬માં ‘પાકીઝા’ શરૂ તો કરી પણ મીનાકુમારીએ ઘર છોડ્યા બાદ એ ફિલ્મ બંધ પડી હતી કારણ કે તેની શરત હતી કે મને તલાક આપો તો જ હું ફિલ્મ પૂરી કરીશ. કમાલથી છૂટા પડ્યા બાદ મીનાકુમારી સફળતાનાં નવાં શિખર સર કરી રહી હતી અને કમાલ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ‘પાકીઝા’ને પૂરું કરવાનાં સપનાં જોતા હતા. છેવટે એક દિવસ તેણે મીનાકુમારીને પત્ર લખ્યો.
‘પ્રિય મંજુ, તું ‘પાકીઝા’ ભૂલી ગઈ હશે પણ હું નથી ભૂલ્યો. તેં કહ્યું હતું કે જ્યાં સુધી તને તલાક નહીં આપું ત્યાં સુધી તું ફિલ્મમાં કામ નહીં કરે. હું તને વિવાહના બંધનમાંથી મુક્ત કરું છું. હવે તારી પર નિર્ભર છે કે ‘પાકીઝા’ પૂરી કરવી કે નહીં. આ ફિલ્મ પર મારી અને અનેકની જિંદગી દાવ પર લાગી છે. ‘પાકીઝા’ એક ડૂબતું જહાજ છે. એને કેવળ તું જ બચાવી શકીશ.’
ફિલ્મ પર લાખો રૂપિયા દાવ પર લગાવી દેનાર કમાલ અમરોહી મીનાકુમારીના જવાબની રાહ જોઈ રહ્યા હતા. તેમણે પત્ની ગુમાવી દીધી પણ ‘સ્ટાર હિરોઇન’ને ગુમાવવી પરવડે એમ નહોતું. એટલે બળથી નહીં, કળથી કામ લીધું અને પત્ર લખ્યો. મીનાકુમારી ‘દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીવે’ જેવી મનોદશામાં હતી. તે ફરીથી કમાલ સાથે કામ કરવા રાજી નહોતી. આંગળીઓના નખ વધારી હાથમાં રેશમી મોજાં ચડાવીને કોઈ પંપાળે તો કદાચ નવા જખમ ન થાય પણ જૂના જખમો તાજા થવાની શક્યતા વધી જાય એટલી તેને ખબર હતી.
સંગીતકાર ખય્યામ મારી સાથેની મુલાકાતમાં કહે છે, ‘કમાલ અમરોહી મારી પાસે આવ્યા અને કહે, તમે મીનાકુમારીને સમજાવો. તેમણે નર્ગિસ અને સુનીલ દત્તને પણ વાત કરી હતી. અમારા ઘરે બન્નેની મીટિંગ થઈ. મીનાકુમારીએ તલાકનો આગ્રહ જતો કર્યો પણ ફિલ્મમાં કામ કરવા પોતાની માર્કેટ પ્રાઇસ માગી, જે કમાલે મંજૂર કરી.’
૧૯૬૯માં ‘પાકીઝા’નું શૂટિંગ ફરી વાર શરૂ થયું. બેત્રણ દિવસનું શૂટિંગ થયું ત્યાં જ કમાલ અમરોહીને ખ્યાલ આવી ગયો કે હવે રંગીન ફિલ્મનો જમાનો આવી ગયો છે. એ ઉપરાંત ‘પાકીઝા’ને સિનેમાસ્કોપમાં બનાવવી જોઈએ. એટલે પહેલાંનાં શૂટ થયેલાં દૃશ્યોને રીશૂટ કરવાં પડશે એટલું જ નહીં, હીરો તરીકે અશોકકુમારને બદલે રાજકુમારને સાઇન કરવામાં આવ્યા. મીનાકુમારીના શરીર પર ચરબીના થર જામી ગયા હતા અને તે નૃત્ય કરી શકે એમ નહોતું એટલે પદ્મા ખન્નાને ડુપ્લિકેટ તરીકે લઈને શૂટિંગ કરવું પડ્યું.
કમાલ અમરોહીની પુત્રી રુખસાર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એક દિવસ મીનાજીએ અબ્બાને કહ્યું, ‘ચંદન, અબ મૈં પહલે જૈસી નહીં લગતી હૂં. ક્યા કરોગે?’ અબ્બા કહે, ‘મૈં ડિરેક્ટર હૂં. વો સબ મુઝ પે છોડ દો.’ તે પોતાના હાથે તેને ઘરેણાં પહેરાવતા. મીનાજીના ડ્રેસ માટે સાથે શૉપિંગ પર જતા. શૂટિંગ માટે જયપુર, હૈદરાબાદ લોકેશન પસંદ કરવા જતા.’
પદ્મા ખન્ના એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મીનાજી તબિયત નાદુરસ્ત હોવા છતાં શૂટિંગમાં પૂરો દિવસ સેટ પર હાજર રહેતાં. મને તેમણે નૃત્યની અને અભિનયની બીજી બારીકી સમજાવી. એક દિવસ કહે, ‘હું જે રીતે ચાલું છું એમ તું નથી ચાલતી.’ એમ કહીને પોતાની જે સ્ટાઇલ હતી એ સમજાવી.’
નાદુરસ્ત તબિયત સાથે મીનાકુમારીએ ફિલ્મ પૂરી કરી. ૧૯૭૨ની ત્રીજી ફેબ્રુઆરીએ મરાઠા મંદિરમાં ફિલ્મનું પ્રીમિયર થયું. ખય્યામનાં પત્ની જગજિત કૌર સાથેની મારી વાતચીતમાં તેમણે એ દિવસ યાદ કરતાં કહ્યું, ‘પ્રીમિયરમાં બન્ને અમારી પાછળની સીટમાં બેઠાં હતાં. અમુક દૃશ્યમાં મીનાકુમારી ભાવુક થઈને કહેતી, ‘ચંદન, કમાલ હો ગયા, કિતના અચ્છા સીન હૈ.’ કોઈ સીનમાં મીનાકુમારીનો સુંદર અભિનય જોઈ કમાલ કહેતા, ‘મંજુ, ક્યા બાત હૈ.’ કમાલના ખભા પર માથું ઢાળીને બેઠેલી મીનાકુમારીને જોઈ અમે રાજી થઈ ગયાં. ઇન્ટરવલમાં તે ભાગ્યે જ ચાલી શકતી. મને કહે, ‘અબ તો આપ ખુશ હોંગે. મૈંને ફિલ્મ પૂરી કર દી.’ એ સાંભળી હું રડી પડી.’
એકમેકથી વિખૂટી પડેલી બે વ્યક્તિઓ અલગ-અલગ દિશામાં જઈને પોતપોતાનું સુખ શોધવાનો પ્રયાસ કરતી હોય છે. ઘણી વાર એવું બને કે જે રસ્તો છોડ્યો એ જ રસ્તો સાચી મંજિલ તરફ લઈ જશે એનો અહેસાસ થાય ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે. મીનાકુમારી એવી મનોદશામાં જીવતી હતી. તેની તબિયત ઝડપથી કથળતી જતી હતી. તેને અંદેશો આવી ગયો હતો કે હવે બહુ ઓછો સમય બચ્યો છે.
1969 માં ‘પાકીઝા’નું શૂટિંગ ચાલતું હતું ત્યારે સાવનકુમાર ટાકની ‘ગોમતી કે કિનારે’નું શૂટિંગ પણ ચાલતું હતું. એ દરમ્યાન મીનાકુમારી અને સાવનકુમારની નિકટતા વધતી જતી હતી. એક દિવસ સાવનકુમારે મીનાકુમારીને કહ્યું, ‘ફાઇનૅન્સર પૈસા નથી આપતા. તેમને તમારી તબિયતની ચિંતા છે. શૂટિંગ બંધ કરવું પડશે. હું શું કરું?’ ધ્રૂજતા અવાજે લગભગ ચીસ પાડતાં મીનાકુમારી કહે, ‘ઇન સબકો કહ દો કિ મીનાકુમારી ઇતની જલદી મરનેવાલી નહીં હૈ.’ કહેતી રડવા લાગી. પછી કહે, ‘કેટલા પૈસા જોઈએ છે?’ જવાબ મળ્યો, ‘ઓછામાં ઓછા દોઢથી બે લાખ.’
મીનાકુમારીએ મુમતાઝને ફોન કર્યો, ‘તું ઘરની શોધમાં છેને? મારો બંગલો વેચવાનો છે.’ એ કેટલામાં વેચાયો એ ખબર નથી પણ મીનાકુમારીએ સાવનકુમારને બે લાખ રૂપિયા આપ્યા અને ફિલ્મ પૂરી થઈ. અનેક લોકોને તેણે આર્થિક મદદ કરી હતી. અમુક લોકોએ તેની આ નબળાઈનો ગેરલાભ લીધો હતો. તેમ છતાં તેને કોઈ સામે ફરિયાદ નહોતી.
‘પાકીઝા’ને વિવેચકોએ વખોડી. પ્રેક્ષકોએ પણ મોળો પ્રતિસાદ આપ્યો. બીજા જ અઠવાડિયાથી ફિલ્મ ડચકાં ખાવા લાગી. મીનાકુમારીને ખૂબ આઘાત લાગ્યો. કમાલ અમરોહીને એક આશ્વાસન હતું કે ફિલ્મ વેચાઈ ગઈ હતી એટલે ભલે નફો ન થાય, પણ નુકસાન નહીં થાય.
ફિલ્મની રિલીઝના ત્રીજા અઠવાડિયા બાદ મીનાકુમારી તદ્દન પથારીવશ થઈ ગઈ. તેના હાથ-પગ અને પેટ સૂઝી ગયાં હતાં. તે અનહદ પીડામાં હતી. સારવાર શરૂ થઈ, પણ બીજે દિવસે ડૉક્ટરે કહ્યું હૉસ્પિટલમાં દાખલ થવું પડશે. મીનાકુમારીએ બહેન ખુરશીદને પૂછ્યું, ‘ઘરમાં કેટલા પૈસા છે?’ જવાબ મળ્યો, ‘કેવળ સો રૂપિયા.’ ઘરના નોકરચાકર અને સંભાળ રાખતા લોકોએ તેની બેહોશીની હાલતનો ગેરલાભ લીધો હતો. લાખો રૂપિયા કમાતી અભિનેત્રી પાસે ઇલાજના પૈસા નહોતા.
મીનાકુમારીને યાદ આવ્યું કે ‘દુશ્મન’ના પ્રોડ્યુસર પ્રેમજી પાસેથી થોડા પૈસા લેવાના બાકી છે. ખુરશીદે પ્રેમજીને ફોન કર્યો. તેમણે તરત પૈસા મોકલાવ્યા. મીનાકુમારીને મલબાર હિલ સેન્ટ એલિઝાબેથ નર્સિંગ હોમમાં લઈ ગયા. ૧૯૭૨ની ૩૦ માર્ચે તબિયત એટલી બગડી કે ડૉક્ટરોએ લંડન ફોન કર્યો જ્યાં ચાર વર્ષ પહેલાં સારવાર લીધી હતી. તેમની સલાહ મુજબ ત્યાંથી એક ઇન્જેક્શન લાવવાની સગવડ ઓ. પી. રાલ્હને કરી. અફસોસ, એ ઇન્જેક્શન આવે એ પહેલાં જ મીનાકુમારી કોમામાં સરી પડી અને ૩૧ માર્ચે અંતિમ શ્વાસ લીધા ત્યારે તેની ઉંમર હતી કેવળ ૩૮ વર્ષ.
અફસોસની વાત એ છે કે એ સમયે હાજર રહેલા અમરોહી પરિવાર અને મીનાકુમારીના સ્વજનો હૉસ્પિટલના બાકી રહેલા પૈસા કોણ ચૂકવે એની રાહ જોતા હતા. અંતે મીનાકુમારીને વર્ષોથી ટ્રીટમેન્ટ આપતા ડૉક્ટર શાહે બિલ ચૂકતે કર્યું.
મીનાકુમારીની ઇચ્છા હતી કે બાંદરા કબ્રસ્તાનમાં તેનાં માબાપની કબરની બાજુમાં જ તેને દફનાવવામાં આવે, પણ અમરોહી પરિવારે ચોખ્ખી ના પાડી. મૃતદેહ ભાયખલા કબ્રસ્તાનમાં લઈ જવાયો જ્યાં અમરોહી ખાનદાનના લોકોની કબર હતી.
મીનાકુમારીના દેહાંત બાદ ‘પાકીઝા’ જોવા લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં. ‘પાકીઝા’માં એક સંવાદ છે, ‘તવાયફોં કી કબર ખૂલી રખી જાતી હૈ.’ ફિલ્મ તેની મઝાર ન હોય એમ ‘પાકીઝા’ જોવા લોકોનાં ટોળાં ઊમટી પડ્યાં. સંગીતકાર ગુલામ મોહમ્મદનાં (જેના ગુજરી ગયા બાદ બાકીનું કામ નૌશાદે પૂરું કર્યું) ગીતો અત્યંત લોકપ્રિય થયાં. એક સુપર ફ્લૉપ ફિલ્મ સુપરહિટ બની ગઈ. જતાં-જતાં મીનાકુમારીએ ‘પાકીઝા’ને નવી જિંદગી આપી અને કમાલ અમરોહીને માલામાલ કરી દીધા.
‘આપ કે પાંવ દેખેં. બહુત હસીન હૈ. ઇન્હેં ઝમીં પે મત ઉતારીએગા, મૈલે હો જાએંગે.’ રાજકુમારના ઘેઘૂર અવાજમાં બોલાયેલો આ સંવાદ કમાલ અમરોહીએ લખ્યો હતો. કાશ, અસલી જીવનમાં તેમણે મીનાકુમારીની સંવેદનાની આવી કાળજી રાખી હોત તો તેનો આવો કરુણ અંજામ ન આવ્યો હોત.
જયા ભાદુરી ‘ગુડ્ડી’ના એક દૃશ્યમાં કહે છે, ‘ઐસા નાટક કિયા, ઐસી ઍક્ટિંગ કી કિ મીનાકુમારી કી છુટ્ટી કર દી.’ આ ડાયલૉગ ભલે ફિલ્મનો હોય, હકીકત એ જ છે કે ‘મીનાકુમારી એટલે અભિનયનો તાજમહલ’. મીનાકુમારીની વિદાય બાદ આંખમાં ગ્લિસરીનનું ટીપુંય નાખ્યા વિના ધ્રુસકે-ધ્રુસકે રડતી અને રડાવતી બીજી કોઈ હિરોઇન આજ સુધી પડદા પર આવી નથી.