યે દિવાલી ઘૂમનેવાલી

23 October, 2021 05:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે તો દિવાળી ઘરમાં ને ઘરમાં જ ઊજવવી પડી, પરંતુ આ વર્ષે લોકો કોરોનાના કેસ ઓછા થવાનો અને બે વૅક્સિન લાગી ગયાનો પૂરો ફાયદો ઉઠાવતા ફરવા જવા નીકળી પડવાના છે.

અતુલ અને ભાવના દોશી સાથે નીતા અને હર્ષદ દોશી.

જેમ એક જીની એના ચિરાગમાંથી બહાર આવવા તલપાપડ થતો હોય એમ લોકો પોતાના ઘરમાંથી બહાર ફરવા જવા ઉત્સુક છે. ગયા વર્ષે તો દિવાળી ઘરમાં ને ઘરમાં જ ઊજવવી પડી, પરંતુ આ વર્ષે લોકો કોરોનાના કેસ ઓછા થવાનો અને બે વૅક્સિન લાગી ગયાનો પૂરો ફાયદો ઉઠાવતા ફરવા જવા નીકળી પડવાના છે. આવો મળીએ એવા લોકોને જેઓ આફ્ટર લૉન્ગ ટાઇમ દિવાળી મનાવવા ફરવા નીકળી જવાના છે

કોરોનામાં એક સમય એવો હતો કે ઘરની ચાર દીવાલમાં જ બધા પુરાઈ રહ્યા હતા. ઘરમાં ને ઘરમાં કરી શકાય એટલી ક્રીએટીવ વસ્તુઓ કરી, પણ એ કરી-કરીને અને ઘરના લોકોનાં મોઢાં જોઈ-જોઈને ધીમે-ધીમે લોકો કંટાળી ગયા. આ પછી થોડો માહોલ ખૂલ્યો, પરંતુ કોરોનાની સેકન્ડ વેવે લોકોને ખાસ્સા ડરાવ્યા. મોટા ભાગના લોકો કોરોનાગ્રસ્ત થયા. ઘણા એની સામે લડ્યા અને ઠીક પણ થયા. થોડું વાતાવરણ ખુલ્લું થયું, પરંતુ કામ પૂરતું જ લોકો ઘરની બહાર નીકળતા. જોકે ટ્રાવેલ-પ્લાન જેવું કંઈ શક્ય બન્યું જ નહીં. વધુમાં વધુ મુંબઈગરાઓ લોનાવલા, ખંડાલા કે ગોવા ફરીને આવી ગયા. એનાથી આગળ કે લાંબો ટ્રાવેલ-પ્લાન બનાવવો તો જાણે શક્ય જ નહોતો. હવે છેલ્લા એક-બે મહિનાથી સતત કેસ ઘટી રહ્યા છે. મૃત્યુઆંક સાવ નહીંવત્ બની ગયો છે ત્યારે આ દિવાળીએ ડબ્બે પુરાયેલા લોકોએ હિંમત કરીને પોતાના ટ્રાવેલ-પ્લાન સેટ કરી દીધા છે.
કાંદિવલીમાં રહેતા ૫૯ વર્ષના અતુલ દોશી આવતા અઠવાડિયે દુબઈ જવાનો પ્લાન બનાવી રહ્યા છે. અતુલભાઈની સાથે પત્ની ભાવનાબહેન તથા તેમના વેવાઈ હર્ષદભાઈ અને નીતાબહેન પણ ફરવા જવાનાં છે. આ પહેલાં તેઓ બધા સાથે સિંગાપોર અને કાશ્મીરની ટૂર કરી આવ્યા છે. પોતાની હાલત વિશે જણાવતાં અતુલભાઈ કહે છે, ‘કોરોનાની શરૂઆતમાં ગયા વર્ષે મને અને મારી પત્નીને કોરોના થઈ ગયેલો. અમે હૉસ્પિટલમાં પણ હતાં. સાચું કહું તો બે-ત્રણ દિવસ હું ખૂબ ગભરાઈ ગયો હતો. જોકે ઈશ્વરકૃપાથી અમે બચી ગયાં જેનો અમે પાડ માનીએ છીએ. એ પછી સાવચેતીરૂપે અમે ક્યાંય ગયા જ નહીં. ખોટું રિસ્ક લેવું નહતું.’
પોતાના પ્રોગ્રામ વિશે ભાવનાબહેન કહે છે, ‘અમારે બે દીકરીઓ છે. એક દિવસ અમે દુબઈની વાત કરતા હતા અને એ વાત મારી દીકરીઓએ સાંભળી. તેમને થયું કે મમ્મી-પપ્પાનું મન છે તો લાવ, તેમને સરપ્રાઇઝ આપીએ. સાચું કહું તો સરપ્રાઇઝ અમને ખૂબ ગમી. ઘરમાં ને ઘરમાં ખૂબ કંટાળી ગયેલા. મોકળાશની જે જરૂર હતી એ પૂરી થઈ. અમે ત્રીજી તારીખે પાછા આવીએ છીએ. દિવાળીની એક રાત પહેલાં. અત્યારે હું દિવાળીની અને ફરવાની બન્ને તૈયારીઓમાં ભયંકર વ્યસ્ત છું. અને ખૂબ ખુશ પણ.’ 
કોરોનાને કારણે જે સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે એ છે ડૉક્ટરો. કલ્યાણના ૩૭ વર્ષના ઑર્થોડોન્ટિસ્ટ ડૉ. નિમિષ લાખાણીએ લૉકડાઉન દરમિયાન જ્યારે લગભગ ૮૦-૯૦ ટકા ડેન્ટિસ્ટે કામ બંધ રાખેલું ત્યારે તેમણે ચાલુ રાખેલું. એટલું જ નહીં, દરરોજ ક્લિનિક પર જવાને કારણે તેમને કોરોના થઈ ગયો હતો. ૧૪ દિવસ પછી ઘરે જ સજા થઈને તેમણે ફરીથી ક્લિનિક શરૂ કરી દીધું હતું. આમ છેલ્લા દોઢ વર્ષમાં તેમણે એક પણ બ્રેક લીધો જ નથી. એ વિશે વાત કરતાં ડૉ. નિમિષ કહે છે, ‘છેલ્લે હું ૨૦૧૯માં કેરલા ફરવા ગયેલો. દર વર્ષે અઠવાડિયા-દસ દિવસનો એક બ્રેક તો હું લેતો જ હોઉં છું, કારણકે એ જરૂરી હોય છે. જોકે છેલ્લા દોઢ વર્ષમાં એવી હાલત થઈ છે કે જેવા કેસ કાબૂમાં આવ્યા કે મેં મારી પત્ની સાથે મળીને ટૂરનો પ્લાન કરી લીધો.’
આ તેમનો મચ નીડેડ બ્રેક છે એ વાત કરતાં તેમનાં પત્ની નેહા લાખાણી કહે છે, ‘આમ પણ ડૉક્ટરોનું શેડ્યુલ બહુ ખતરનાક હોય છે જેમાં છેલ્લા દોઢ વર્ષ તો આ લોકોએ ખૂબ મહેનત કરી છે. હું પણ વર્કિંગ છું. સાચું કહું તો કામમાંથી બ્રેક તો અઠવાડિયાની એક જે રજા મળતી હોય એનાથી મળી જાય, પરંતુ રૂટીનમાંથી બ્રેક નથી મળતો જે ખૂબ જરૂરી છે. ઘરમાં પુરાઈ રહેવાથી શારીરિક સ્વાસ્થ્યને તો આપણે સાચવી શક્યા, પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે ફરવું. હવે જ્યારે કેસ ઘટી રહ્યા છે ત્યારે અમે અઠવાડિયું ફરવાનું અને ખુદને એક સરસ બ્રેક આપવાનું વિચાર્યું છે.’
તાડદેવમાં રહેતી ૨૪ વર્ષની હીર ચંદારાણા તેના મિત્રો અને કઝિન્સ સાથે દાર્જીલિંગ ફરવા જઈ રહી છે. વર્ષમાં બે વાર ફરવા જતી હીર છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં જ છે. ફરવા ક્યાંય ગઈ નથી. તેને પણ એક વાર કોરોના થઈ ગયો અને તે ઘરે જ ૧૪ દિવસ રહીને ઠીક થઈ ગઈ હતી. એ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું ૨૦૧૯માં સાઉથમાં ફરવા ગઈ હતી. એ પછી મોકો જ ન મળ્યો. અમે ફરવા જવાના છીએ એ માટે હું સુપર એક્સાઇટેડ છું. બહાર ફરવા જવાના છીએ એ વિચારમાત્રથી જ મજા પડી ગઈ છે.’
મનના એક ખૂણે ક્યાંય બીક લાગે છે કે ફરવા જવાનું રિસ્ક તો આપણે લઈ રહ્યા છીએ, પરંતુ કોરોના થઈ ગયો તો શું? આ પ્રશ્નનો જવાબ આપતાં હીર કહે છે, ‘ના, મને ડર નથી લાગતો. મને ખબર છે કે મારે મારું ધ્યાન રાખવાનું છે, પરંતુ એ ધ્યાન રાખવા માટે ક્યાં સુધી હું ઘરમાં બેસી રહીશ? મારે ફરવું છે, મજા કરવી છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. મારા પેરન્ટ્સ પણ આ વાત સમજે છે એટલે તેમણે મને જતાં બિલકુલ રોકી નહીં. ઊલટું કહ્યું કે જા બેટા, ફરી આવ.’ 

બસ, અમને ફરવા લઈ જાઓ 

સામાન્ય રીતે લોકો ટ્રાવેલ એજન્ટ પાસે ડિમાન્ડ્સ લઈને આવતા હોય છે કે અમને ફલાણી જગ્યાએ જ જવું છે, આ પ્રકારનું જ ફરવું છે. જોકે આ વખતે એવું નથી એની સ્પષ્ટતા કરતાં ફોરમ વર્લ્ડ વાઇડનાં માલિક ફોરમ શાહ કહે છે, ‘લોકો આજકાલ ખાલી એક ભાવ સાથે અમારી પાસે આવે છે કે બસ, અમને લઈ જાવ. ક્યાંય પણ ટૂર જતી હશે તો ચાલશે. ઘણા લોકો તો એક વાર જઈ આવ્યા હોય એવા સ્થળે પણ પોતાના વીઝા છે ત્યાં સુધી બીજો આંટો મરાય જાય એમ વિચારીને પણ ટૂરમાં જવા તૈયાર થઈ ગયા છે. લોકો ખરેખર ડેસ્પરેટ થઈ ગયા છે.’ લૉકડાઉન થયું અને એ પછી કોરોનાકાળ ચાલ્યો ત્યારે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ હતી. એટલી હદે કે લોકોને લાગ્યું હતું કે હવે એ ફરી બેઠી નહીં થઈ શકે. એ વાત યાદ કરતાં ફોરમ કહે છે, ‘મને ત્યારે પણ વિશ્વાસ હતો કે આ પાનખર ચાલે છે. જ્યારે પરિસ્થિતિ સ્ટેબલ થશે ત્યારે અમારી ઇન્ડસ્ટ્રી વસંતની જેમ ખીલી ઊઠશે. ઊલટું એક મોટું બૂમ આવશે, કારણ કે ઘરમાં રહીને લોકો કંટાળશે અને એવું જ થયું. આ દિવાળીએ લોકોનો બહાર ફરવાનો ઉત્સાહ જૂની દિવાળીઓ કરતાં બમણો છે. પહેલાં લોકો મહિનાઓ પહેલાં બુકિંગ કરાવતા, કારણ કે સસ્તું પડતું. જોકે કોરોના હમણાં સ્ટેબલ થયો એટલે ઍડ્વાન્સ બુકિંગ તો શક્ય નહોતું. મોંઘું તો મોંઘું પણ આ વખતે લોકો જઈ  રહ્યા છે.’

 છેલ્લે હું ૨૦૧૯માં સાઉથમાં ફરવા ગઈ હતી. એ પછી તો મોકો જ ન મળ્યો. આ દિવાળીમાં અમે ફરવા જવા માટે હું સુપર એક્સાઇટેડ છું. ઇન ફૅક્ટ, બહાર ફરવા જવાના છીએ એ વિચારમાત્રથી જ મજા પડી ગઈ છે. - હીર ચંદારાણા

columnists Jigisha Jain