18 May, 2026 12:38 PM IST | Mumbai | Swami Satchidananda
સ્વામી સચ્ચિદાનંદ
હમણાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિનંતી કરી કે એક વર્ષ સોનું ખરીદવાનું ટાળજો. આ પહેલી વાર બન્યું છે એવું નથી અને નરેન્દ્ર મોદીએ જ આવી સલાહ આપી હોય એવું પણ નથી. અગાઉ મનમોહન સિંહ વડા પ્રધાન હતા ત્યારે ચિદમ્બરમે પણ આ જ વાત કહી હતી અને કહ્યું હતું કે દેશને બચાવવા માટે પ્રજાએ થોડા સમય માટે સોનું ખરીદવાનું છોડી દેવું જોઈએ. આપણી પ્રજાના મનમાં સોનું એટલે બચતનું એક સાધન છે. જો એકેએક દેશવાસીના ઘરમાં રહેલું સોનું કાઢવામાં આવે તો આપણો દેશ શ્રીમંતાઈના લિસ્ટમાં એકસાથે વીસ-પચ્ચીસ ક્રમ ઉપર ચડી જાય એ નક્કી છે.
ભારતીયોના ઘરમાં આવેલું સોનું ભાગ્યે જ વેચાવા માટે બહાર નીકળતું હશે. પશ્ચિમના દેશોમાં સોના માટે આટલો ક્રેઝ નથી. ત્યાંની પ્રજા ગોલ્ડ પાછળ આટલું રોકાણ પણ નથી કરતી. તેમની માનસિકતા છે કે તેઓ ચલણને ફરતું રાખે છે. સોનાના દાગીના ખરીદી એને લૉકરમાં મૂકી દેવા કે પછી વર્ષમાં એકાદ વાર પ્રસંગોપાત્ત પહેરવાની માનસિકતા એ પશ્ચિમી પ્રજાની સંસ્કૃતિમાં નથી. ત્યાંની હવેની જે જનરેશન છે એ ડાયમન્ડ પાછળ વધારે દોડે છે અને ડાયમન્ડને રાષ્ટ્રીય બચત સાથે સીધો સંબંધ નથી એટલે એમ પણ પશ્ચિમના દેશોને કોઈ લાંબો ફરક નથી પડતો.
સોનું ખરીદવું, સોનું ખરીદીને ઘરમાં રાખવું એમાં કોઈ ખરાબી નથી, પણ વાણિજ્યની દૃષ્ટિએ એને ડેડ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. પૈસો ફરતો રહે એ જ દેશ માટે લાભદાયી બને. સોનું ખરીદવાની ના પાડી છે તો એની સામે અનેક નવા રસ્તાઓ પણ છે જેમાં રોકાણ દ્વારા પ્રજા પોતાની સલામતી અકબંધ રાખી શકે છે. આપણા દેશની મહિલાઓએ પણ હવે એ નવા રસ્તાઓને ઓળખતાં શીખવું પડશે. મુંબઈ જેવા મેટ્રો શહેરની નવી જનરેશનને સોના માટે ખાસ કંઈ લગાવ હોય એવું મને નથી લાગતું. એ હોશિયાર છે, બુદ્ધિશાળી છે. રોકાણ કરવાના અનેક રસ્તાઓ વિશે તેઓ જાણે છે અને એનો અમલ પણ કરે છે. અરે, ઘણી છોકરીઓ તો શૅરબજારમાં પણ રોકાણ કરે છે તો વધુ ભણેલી છોકરીઓ સ્ટાર્ટઅપમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતી થઈ છે.
સોનાની ચમક કરતાં દેશના વિકાસની ચમક વધારે હિતાવહ છે. જો સોનાનું વળગણ આપણી પ્રજા નહીં છોડે તો વૈશ્વિક સ્તરે આપણા દેશની હાલત કફોડી થઈ શકે છે અને એવું ન બને એ માટે પ્રજાએ જાગૃત થવું પડશે. સોનાની સીધી ખરીદી કરવાને બદલે અગાઉ ખરીદેલા સોનામાંથી જ નવા દાગીના કરાવીને એ ક્ષેત્રનો રોજગાર પણ આગળ વધારી શકાય છે અને ઘરના પ્રસંગો પણ સાચવી જ શકાય છે. નવી ખરીદીની ક્ષમતા હોય તો એ ક્ષમતાનો ઉપયોગ ભવિષ્યમાં થઈ જ શકે છે, કારણ કે વ્યક્તિગત સમૃદ્ધિ કરતાં દેશની સમૃદ્ધિ વધારે અગત્યની છે.