✕

માંદગીના એક મોજામાં તણાતી જિંદગી

05 October, 2026 02:46 PM IST  |  Mumbai | Hiten Anandpara

એ પાર્સલ ખોલો એટલે એકાદ રોગ તો નાગચૂડ લઈ જ લે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માંદગીનો પ્રાસ જિંદગી સાથે એવો ચપોચપ મળે છે કે તમે કંઈ ન કરી શકો. શહેરી જીવનશૈલી તો માંદગીની અધિકૃત એજન્ટ છે. ખેડૂત ખેતરમાં વાવણી માટે બિયારણ ઉછાળે એમ અનેક બીમારીઓની ટોપી પહેરાવે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, હૃદયરોગ જેવી વૈવિધ્યસભર બીમારીનું પાર્સલ ઘરની બહાર મૂકી જાય. એ પાર્સલ ખોલો એટલે એકાદ રોગ તો નાગચૂડ લઈ જ લે. કોઈ રોગ વકરીને જીવલેણ બને તો જિંદગીનો પ્રવાહ ખોરવાઈ જાય. અંકિતા મારુ ‘જીનલ’ આ ઉતાર-ચડાવની વાત કરે છે...

માંદગીના એક મોજામાં તણાતી જિંદગી
સાવ પરપોટા સમી તેથી ગણાતી જિંદગી
કેટલા યત્નો કરે કુટુંબના લોકો છતાં
કેટલી લાચાર ને દુર્બળ જણાતી જિંદગી

ફૅમિલી ડૉક્ટર પાસે બે-ચાર દિવસ દવા લઈએ એ પ્રમાણમાં સહ્ય છે. ઋતુફેર થાય ત્યારે વાઇરલ વાયરાઓ વરણાગી થઈને કામકાજને વેરવિખેર કરી નાખે. જ્યાં સુધી રોગની જાળમાં આપણે સપડાઈએ નહીં ત્યાં સુધી તકેદારી પ્રત્યે બેદરકારી રાખવાની આપણને ફાવટ છે. મોંઘવારીના મારમાં કેમિસ્ટના બિલનો મારો શરૂ થાય એટલે આંખ ખૂલે. સિલસિલા યે ‘આફત’ કા ના મૈંને બુઝને દિયા. મોટા પ્રસંગ માટે જે બચત રાખી હોય એ સફાચટ થતાં વાર ન લાગે. કૈલાશ પરમાર ‘અજનબી’ આમ આદમીની લાચારી વ્યક્ત કરે છે...

જીવવું કેમ હવે એ જફા મોટી થઈ ગઈ
અન્નનાં ફાંફાં હતાં ને દવા મોંઘી થઈ ગઈ
જે ગણિત એણે લગાવ્યું કરિયાવર માટે
એ દવાખાને બધી ગણતરી ખોટી થઈ ગઈ

સરકારી હૉસ્પિટલના અને ખાનગી હૉસ્પિટલના ખર્ચામાં આસમાન-જમીનનો ફરક હોય છે. સરકારી યંત્રણામાં ખાનગી હૉસ્પિટલ જેવી આધુનિક યંત્રણા અને સારવારપદ્ધતિ ન હોવાની ફરિયાદો સાંભળવા મળે છે. એટલે મોટા ભાગે આપણે ખાનગી સારવાર પસંદ કરીએ છે જે ખર્ચાળ હોય છે. દરેક મોટા શહેરમાં એકાદ-બે ખાનગી હૉસ્પિટલ એવી મળી આવશે જેના બિલનો આંકડો એવરેસ્ટ હિલ કરતાંય મોટો થઈ જાય. એમાં પેશન્ટ એક ગ્રાહક બની જાય છે અને હૉસ્પિટલ એક વેપારી. સામાન્ય નાગરિક તરીકે આપણને કંઈ પલ્લે ન પડે એટલે આપણે ડૉક્ટર જે કહે એ કરીએ. સાજા થવાની મથામણમાં લાંબા થઈ જવાનું ઇનામ પ્રાપ્ત થાય છે. દેવેન્દ્ર જોશી સજાગ થવાનું સમજાવે છે...

દવાદારૂ ખોટા કરાવી શું કરશો
ને મોંઘા મલમને લગાવી શું કરશો
હઠીલું દરદ છે, મચક નહીં જ આપે
તબીબોને નાડી બતાવી શું કરશો

નિર્ણય લેવા માટે સંજોગો, ઉંમર, સ્થિતિ વગેરે અનેક પરિબળો ધ્યાનમાં લેવાં પડે. દરદીની ઉંમર ૮૦ વર્ષ વટાવી ગઈ હોય અને તેને પોતે જવાની ઇચ્છા હોય તો સ્વજનોએ હૃદય પર પથ્થર મૂકીને પણ આ વાત સ્વીકારવી જોઈએ. કેટલીક હઠીલી માંદગીઓમાં તમામ શક્ય પ્રયત્નો પછી પણ ઉકેલ નથી મળતો. આવા કપરા સમયે નિર્ણય કુદરત પર છોડી દેવો પડે. પૈસાનું પાણી કરીને પણ જો દરદીની નૈયા હાલકડોલક રહેવાની સંભાવના હોય તો ઇમોશનલ અને પ્રૅક્ટિકલ પાસાંઓ વચ્ચે સંતુલન રાખવું પડે. અશોક નિર્મલ જે વાત કરે છે એ લાચારી ઘણાએ અનુભવી હશે.

મોંઘવારીમાં બીમારી જીવ લઈને છોડતી
દર્દની સાથે ઉપાધિ પણ હૃદયને કોરતી
કેમ ભરવાં શ્વાસનાં બિલ એ જ મોટો પ્રશ્ન છે?
હૉસ્પિટલને ખાટલે છે જિંદગી દમ તોડતી

ગરીબ વર્ગ માટે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના મોટો ટેકો પુરવાર થઈ છે. એ ઉપરાંત મોટા ભાગનાં રાજ્યોની પોતાની પણ આરોગ્યલક્ષી યોજનાઓ હોય છે જે અતિરિક્ત ટેકો પૂરો પાડે. શ્રીમંત વર્ગ ખર્ચાને પહોંચી વળવા સક્ષમ હોય છે. મરો બિચારા મધ્યમ વર્ગનો થાય છે. સરકારી યોજનાનો લાભ લેવા માટે તે ગરીબ બની શકતો નથી અને એટલું બધું બૅન્ક-બૅલૅન્સ હોતું નથી કે તે અમીર ગણાઈ શકે. આ બધી પળોજણમાં અતુલ દવે કહે છે એ શાશ્વત સત્ય વિસરાઈ જાય છે...

શું સિલક છે શ્વાસની બાકી હજી કોને ખબર?
છે જવાનું કો’ક દી એની નથી કોને ખબર?
છટપટાહટ તે છતાંય આપણી ચાલ્યા કરે
કોણ ક્યારે આવજો કહેશે વળી કોને ખબર?

લાસ્ટ લાઇન

મારે ક્યાં ખેતર વાડી છે
ગૂણ જ માથે ઉપાડી છે
‘
ઓછા લ્યોને પૈસા ડૉક્ટર
એક જ દનની આ દાડી છે!’

- રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

જિંદગીભર કામ કરતી, મા કદી બેઠી નહીં
કોઈ ઝંઝાવાત સામે તે રડી-ઝૂકી નહીં
હૉસ્પિટલના એ બિછાને સૂઈ ગઈ એવી રીતે
કેટલી થાકી હશે કે, તે પછી ઊઠી નહીં

- ડૉ. ભૂમા વશી

hiten anandpara columnists gujarati mid day lifestyle news life and style