11 January, 2026 02:47 PM IST | Mumbai | Khyati Mashru Vasani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઈસુનું નવું વર્ષ આવે ત્યારે જ કેમ સંકલ્પ લેવા? જો આવો પ્રશ્ન તમને થયો હોય તો એ સાહજિક છે. હજી પણ લોકો નવા વર્ષના સંકલ્પ લેવામાં માને છે. જોકે જાન્યુઆરીની પહેલી તારીખે લીધેલા સંકલ્પો ફેબ્રુઆરી આવતા સુધીમાં જાણે હવામાં ઓગળી જાય છે. ઓછો ખર્ચ કરીશું, વધારે બચત કરીશું અને રોકાણ તો ચોક્કસ વધુમાં વધુ કરીશું એવા ઇરાદાઓ ખરેખર સારા હોય છે, પરંતુ એ બધાનું પાલન થતું નથી એનું શું?
આજે આપણે એક નવો વિચાર કરીએ. સંકલ્પ અનુસાર વર્તન થાય નહીં એમાં શિસ્તનો કે સંકલ્પશક્તિનો અભાવ છે એવું પૂર્ણપણે સાચું કહેવાય નહીં. જો આપણે સમજી-વિચારીને નિર્ણયો લેવા બેસીશું તો નહીં થાય, પણ જો ઊંચું મનોબળ રાખીને મોટું પરિવર્તન લાવીશું તો ચોક્કસપણે આર્થિક પ્રગતિ થશે એવી ભાવના સંકલ્પ લેવા પાછળ રહેલી છે. ખરેખર તો થોડા સમય પૂરતા ઊંચા મનોબળથી સંપત્તિસર્જન થતું નથી. એના માટે તો પૂર્ણ સમજણ સાથે અને યોગ્ય રીતે તથા સાતત્ય રાખીને કાર્ય કરવાનું હોય છે.
મોટા ભાગના આર્થિક સંકલ્પો પાળવામાં નિષ્ફળતા મળે છે, કારણ કે એમ કરવા પાછળ બધું એકસામટું સુધારી લેવાની ભાવના રહેલી છે. આપણે પાઈ-પાઈનો હિસાબ રાખીશું અને રાતોરાત ખર્ચ ઘટાડીને પહેલા જ દિવસથી રોકાણ કરવા લાગીશું એવો વિચાર ઘણો સારો હોય છે, પરંતુ પૈસાને લગતી આદતો રાતોરાત બદલી કાઢવાનું સહેલું નથી હોતું. ઊંચા ઇરાદાઓ રાખીને નહીં પરંતુ પ્રામાણિકપણે વાસ્તવિકતા સ્વીકારીને તથા સમજણપૂર્ણક પગલાં ભરીને નાણાકીય સ્થિતિ સુધારી શકાય છે.
ભવિષ્યનું આયોજન કરતાં પહેલાં બે ઘડી થોભીને ભૂતકાળના વર્તનની સમીક્ષા કરવાની હોય છે. અત્યાર સુધીનાં વર્ષોમાં નાણાકીય દૃષ્ટિએ કઈ આદત સારી નીવડી છે અને કયા નિર્ણયો લેવાથી માનસિક તાણથી બચી જવાયું છે એનો વિચાર કરી લેવાનું અગત્યનું છે.
ફક્ત કાગળ પર સારા લાગે એવા સંકલ્પ કરવાને બદલે નાણાકીય રક્ષણનો માર્ગ તૈયાર કરવાનો ઉપાય વધારે વ્યાવહારિક છે. વધુમાં વધુ વળતર મેળવવાનો વિચાર રાખવાને બદલે પોતે કેટલું જોખમ સહન કરી શકે છે અને જરા પણ અફસોસ કર્યા વગર કેટલો ખર્ચ કરી શકાશે એ બાબતોનો વિચાર સમજદારીપૂર્વક કરી લેવાનું અગત્યનું છે. પરાણે રોકાણ કરી લેવાનો દુરાગ્રહ રાખવાને બદલે તાકીદની સ્થિતિ માટેનું ભંડોળ કેટલું હશે તો પોતાને માનસિક રાહત રહેશે એનો વિચાર પણ કરી લેવો જરૂરી છે. ટૂંકમાં પરાણે કોઈ પણ કામ કરવાને બદલે શાંત ચિત્તે નાણાકીય નિર્ણયો લેવા જોઈએ.
બધાને બધી જ નાણાકીય પ્રૉડક્ટ્સની જરૂર હોતી નથી. પોતાના માટે રોકાણનાં કયાં સાધનો ઉપયુક્ત છે એનો વિચાર કરીને લાંબા ગાળાનું સુવ્યવસ્થિત આયોજન કરી લેવું જોઈએ. બજાર તો ઉપર-નીચે થયે રાખશે, પોતાની માનસિક સમતુલા ટકી રહેવી જોઈએ.
છેલ્લે એટલું કહેવું ઘટે કે જીવનમાં ફક્ત પૈસા જ બધું નથી. પૈસા તો બધું મેળવવા માટેનું એક સાધનમાત્ર છે. મોટા-મોટા સંકલ્પોને બદલે તમને જીવનનો આનંદ માણવામાં મદદરૂપ થાય એવું નાણાકીય આયોજન વધારે સારું.