પ્રાણલાલ વ્યાસને સાંભળીને મડદામાં પ્રાણ આવી જાય ને ચીમનલાલને સાંભળો તો...

01 March, 2026 05:08 PM IST  |  Mumbai | Sairam Dave

ગાયક ચીમનલાલનું પૂર્વઆયોજન બહુ તગડું રહેતું. પોતાના બે મંજીરાવાળાઓને તે સતત ભ્રમણક્ષેત્રમાં ફરતા રાખે જેથી કોના ઘરમાંથી કંકોતરી પ્રિન્ટિંગ પ્રેસમાં ગઈ? કોની બાને હૉસ્પિટલમાં લઈ ગયા? કોના ઘરે ખોળાભરત છે? કોના વડીલની કયા મહિનામાં વાર્ષિક તિથિ છે?

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

દરેક વ્યક્તિમાં એક છૂપો કલાકાર પડ્યો હોય છે જે ઘણી વાર નહાતી વખતે કે પેટ સાફ કરવા જાતી વખતે બહાર નીકળતો હોય છે. એક સમય હતો કે ડાયરાની દુનિયાના સુપરસ્ટાર પ્રાણલાલ વ્યાસની કૉપી કરનાર દરેક ગામમાં મોજૂદ હતા.

લોકગાયક પ્રાણલાલ વ્યાસ ફૅશનના ટ્રેન્ડ-સેટર હતા. એક નાનાઅમથા ગામમાં ગાયક ચીમનલાલ પણ પ્રાણલાલની પાંત્રીસમી નબળી ઝેરોક્સ જેવા હતા. પ્રાણલાલ જ્યારે ગાતા ત્યારે મડદાં બેઠા થઈ જાતાં ને આ ચીમનલાલનું ગળું વકરે તો જીવતા મડદાં થઈ જાતા. સાંભળનારાઓના પ્રાણને લાલ કરી નાખવાનો ઝેરી કસબ ચીમનલાલને સહજ સાધ્ય હતો.

૨૦૦૦ લોકોની વસ્તીવાળા ગામમાં ગાયક ચીમનલાલ એકમાત્ર સમ ખાવાના કલાકાર હતા. ગામમાં પરણ હોય કે મરણ, તેના સંગીતને સહન કરવા સિવાય લોકો પાસે વિકલ્પ નહોતો (ચૂંટણી વખતે આપણી પાસે વિકલ્પ નથી હોતો એમ). ગામમાં ચીમનલાલની સુરીલી ધાક એવી કે બહારગામનો કોઈ કલાકાર પોતાના ગામમાં આવે નહીં તો વળી સામા પક્ષે એ પણ ક્લિયર કે ચીમનલાલ પોતે પણ ક્યાંય બહાર જાય નહીં (સાચું તો એ કે તેને બહાર કોઈ બોલાવે નહીં). ચીમનલાલ સવારમાં અવસાન નોંધ પહેલાં વાંચે. પોતાના ગામનું કોણ ટપકી ગયું? ઓળખાણ હોય કે ન હોય તે સીધો તેની પ્રાર્થનાસભામાં પેટી સહિત પહોંચી જાય.

‘બાપુજીને મારાં ભજન બહુ ગમતાં!’ કહીને ચીમનલાલ એવી નાખણી કરે કે મરનારનાં સંતાનોના મોઢામાંથી ના નીકળે જ નહીં. વળી આમ જુઓ તો ચીમનિયાનાં ભજનોથી કંટાળીને બાપુજી મર્યા હોય તોય હવે તે સ્વર્ગસ્થ બાપુજી થોડા કાંઈ બોલવાના હતા? ટૂંકમાં, અવસાન નોંધ આવે એ ભેગો ચીમનલાલ કાર્યક્રમ ગોઠવી નાખે. ક્યારેક તો યમરાજાના કાર્યક્રમની હારોહાર ચીમનલાલનો કાર્યક્રમ ચાલ્યા કરે.

તમે માર્ક કરજો કે છેલ્લાં ત્રણેક વર્ષથી અમુક અવસાન નોંધ કે શ્રદ્ધાંજલિની જાહેરાતમાં મરનાર વ્યક્તિનો નામમાત્રનો ઉલ્લેખ હોય છે. બાકી તો નીચે બીજા ૨૮ નામોનું લાંબું લિસ્ટ છાપેલું હોય. સ્વર્ગસ્થ રામજીભાઈ જે કરશનભાઈ, કુરજીભાઈ, વિનાયકભાઈ, પરસોતમભાઈના પિતાશ્રી; રમણીકકુમાર, જયદેવકુમાર, અખિલેશકુમારના સસરા; ત્રિકમભાઈ તથા તથા દિવ્ય, અંશ અને પમીના દાદાશ્રીનું અવસાન થયેલ છે...!

હાશ... સાલ્લુ માંડ પત્યું!

સ્વર્ગસ્થના નામ નીચે એટલાં બધાં નામ લખ્યાં હોય કે ઘણી વાર તો કોણ ગુજરી ગયું એ પણ ભુલાઈ જવાની પૂરી સંભાવના રહે. ગુજરી ગયેલી વ્યક્તિના ફોટો ને નામ નીચે જીવતાનાં આટલાં બધાં નામો લખવાનું કારણ મારી દૃષ્ટિએ એ પણ હશે કે મરેલાની વાંહે કોઈ ભજવતા રિસાય ન જાવા જોઈએ. આમ અવસાન નોંધની અકળામણ ક્યારેક મૃતકને પણ મૂંઝવતી હોય છે.

આપણે વાત કરીએ છીએ ગાયક ચીમનલાલની.

ગાયક ચીમનલાલનું પૂર્વઆયોજન બહુ તગડું રહેતું. પોતાના બે મંજીરાવાળાઓને તે સતત ભ્રમણક્ષેત્રમાં ફરતા રાખે જેથી કોના ઘરમાંથી કંકોતરી પ્રિન્ટિંગ પ્રેસમાં ગઈ? કોની બાને હૉસ્પિટલમાં લઈ ગયા? કોના ઘરે ખોળાભરત છે? કોના વડીલની કયા મહિનામાં વાર્ષિક તિથિ છે? રોજેરોજ આવી ડીટેલ લેવાની ને પછી રાતે આવીને એ બધી ડીટેલ ચોપડામાં નોંધવાની. આવી તો કેટલીયે ડીટેલ માહિતીનો ચીમનલાલે ચોપડો બનાવેલો. એ ચોપડો એક-બે વાર ચિત્રગુપ્ત પણ માગવા આવેલા, પરંતુ તેણે દીધો નહીં.

ચીમનલાલનું વિઝિટિંગ કાર્ડ વિશિષ્ટ પ્રતિભાશાળી કલાકાર હોવાની ચાડી ખાતું હતું. એમાં સુવાચ્ય અક્ષરે સ્પષ્ટ લખેલું હતું કે ભજન-લોકગીત-લગ્નગીત–પ્રાર્થનાસભા–બાળમોવારા-રાંદલના લોટા-દાંડિયારાસ–ઢાઢીલીલા-કવ્વાલી–ફિલ્મગીતો-ઑર્કેસ્ટ્રા નાઇટ અને હાસ્યદરબારના એક હજારથી અગિયાર હજાર કાર્યક્રમોના સંતોષપૂર્વકના આયોજન માટે મળો (અગિયાર હજારથી આગળની ગણતરી ચીમનલાલને આવડતી નહોતી) તેમ જ વા-ખસ–ખરજવું-ભગંદર અને જમીન-મકાનના પ્લૉટની લે-વેચ માટે અવશ્ય સંપર્ક સાધવો.

આખા ગામના એકમાત્ર વખાના માર્યા વર્સેટાઇલ સેલિબ્રિટી લોકગાયક ચીમનલાલ જેને કેટલાક ગામના જુવાનિયા ‘લોક-ભગાયક ચીમનલાલ’ પણ કહેતા તેમનું ટાઇમટેબલ ક્યારેક મુખ્ય પ્રધાન કરતાં વધારે કડક રહેતું. સવારે કોઈની પ્રાર્થનાસભામાં નશ્વરતાનાં ભજનો સંભળાવે તો બપોરે કો’કની જાનમાં લગનગીતો લલકારે અને રાત્રે કો’કની પુણ્યતિથિમાં સંતવાણી કરે. પ્રાર્થનાસભાથી પ્રેમગીતોની ભરચક ૨૮ કાર્યક્રમોની સીઝન કર્યા બાદ અચાનક એક રાત્રે તેનું મગજ આ બધાય મલ્ટિ-ટાસ્કિંગથી થાકી ગયું. ગાયકશ્રીને બ્રેઇન-સ્ટ્રોક આવ્યો. તેણે બે મહિનાનો આરામ કર્યો ને પછી એક દિવસ અચાનક જ ગામના એક લગ્નસમારંભમાં સીધાં લગ્નગીતો ગાતા સાજિંદા સાથે દર્શાયા. ‘ગબ્બર ઇઝ બૅક’ કે ‘મમી રિટર્ન્સ’ જેવી ફીલ ગ્રામ્યજનોને આવી, પરંતુ બધા લાચાર હતા. બ્રેઇન-સ્ટ્રોકની અસર હજી સંપૂર્ણપણે નાબૂદ નહોતી થઈ. એવામાં લગ્નસમારંભમાં ચીમનલાલે ઊંચા સ્વરની ટિપ મારી અને તેનું મગજ ફરી શૉર્ટ થઈ ગયું. લગ્નપ્રસંગમાં પ્રાર્થનાસભાનું સ્મરણ થયું અને તેણે ગાયું... પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો!!

પ્રાર્થનાસભાનાં ગીતો અને લગ્નગીતોની જે અંતાક્ષરી ચીમનલાલે ગાઈ એ સાંભળવા જેવી હતી.

નાણાવટી રે સાજન બેઠું માંડવે, દેહના જૂઠા રે દિલાસા આજ મારી મમતા મરે નહીં, ગોખે તે બેઠી રાણી રાજરમણી બોલે શાને કરે છે વિલાપ કાયારાણી, મોર જાજે ઉગમણે દેશ, હંસલા હાલોને હવે મોતીડાં નહીં રે મળે, મન મોર બની થનગાટ કરે, ક્યા ભરોસા હૈ ઇસ ઝિંદગી કા...!

ચીમનલાલનો કરુણ શૃંગાર કાર્યક્રમ સાંભળીને વેવાઈઓ બાખડી પડ્યા. ચીમનલાલને પીળો થઈ જાય ત્યાં સુધી માર પડ્યો. આવતા અઠવાડિયે ચીમનલાલનું બેસણું છે. ગામને એકાદ આવા જ કલાકારની જરૂર છે. કોઈ કલાકારનું નામ યાદ આવે તો પ્લીઝ, સજેસ્ટ કરજો...

columnists gujarati mid day lifestyle news life and style exclusive