ખોલ દે પંખ મેરે કહતા હૈ પરિંદા અભી ઔર ઉડાન બાકી હૈ, ઝમીન નહીં હૈ મંઝિલ મેરી, અભી પૂરા આસમાન બાકી હૈ!

14 April, 2024 01:29 PM IST  |  Mumbai | Pravin Solanki

નાટક અને જીવન વિશે કેટલીક સમાનતા હોઈ શકે, પણ અસમાનતા એટલી બધી છે કે બધી સમાનતાનો છેદ ઉડાડી દે છે.

પ્રવીણ સોલંકી

મોતની ક્ષણ ટળી ગઈ, જીવનને એક્સ્ટેન્શન મળ્યું એ સમાચાર મિત્રો-સંબંધીઓને આપવા માટે લેખ લખી તો નાખ્યો, પણ એનું પરિણામ જે આવ્યું એનાથી અમે બધાં કુટુંબીજનો સ્તબ્ધ થઈ ગયાં. અણધાર્યું અને અકલ્પ્ય. આવા ઘેરા પ્રત્યાઘાત પડશે એની તો કલ્પના જ નહોતી કરી. મુંબઈ, સુરત, વડોદરા, અમદાવાદ, કચ્છ, હૈદરાબાદ, કલકતા અને પરદેશથી પૂછપરછ, ફોન, ફરિયાદ અને ખબર-અંતર પૂછવાનો જે અણધાર્યો દોર શરૂ થયો એનાથી અમે સૌ ડઘાઈ ગયાં. સંબંધો, પ્રેમ-લાગણી, હૂંફનું મહત્ત્વ સમજાયું. કુટુંબ, મિત્રો, સગાંવહાલાં, આડોશી-પાડોશીઓ સાથેના હૂંફાળા સંબંધોનું માહાત્મ્ય સમજાયું.

બધાનો ખૂબ-ખૂબ આભાર. આપ સૌની શુભેચ્છાઓ અને લાગણીઓ મને ફળી છે.  ‘જીવન એક નાટક છે’ એ આપણે કેટલી સહેલાઈથી અને સહજતાથી કહી દઈએ છીએ એનું કારણ એ પણ છે કે શેક્સપિયરે પણ એને અનુમોદન આપ્યું છે, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે શેક્સપિયરે તેના નાટકના સંજોગ અને સમયના આધારે આ વિધાન કહેલું છે. નાટકનું સર્જન માનવ કરે છે, જીવનનું સર્જન કોઈ દૈવી શક્તિ કરે છે. આ બન્ને એક કેમ હોઈ શકે? નાટક અને જીવન વિશે કેટલીક સમાનતા હોઈ શકે, પણ અસમાનતા એટલી બધી છે કે બધી સમાનતાનો છેદ ઉડાડી દે છે.

જીવન વિશે વાત નથી કરવી, નાટક વિશે વાત નથી કરવી, મૃત્યુ વિશે તો બિલકુલ નથી કરવી. વાત મારે મને ઇન્ટે‌ન્સિવ કૅર યુનિટ (ICU)ની ચાર દીવાલો વચ્ચે ૬ દિવસમાં જે અનુભવો અને અનુભૂતિ થઈ એની કરવી છે. એટલા માટે કે મારો વ્યક્તિગત અનુભવ સાર્વજનિક છે કે નહીં એ જાણવા માટે.

મૃત્યુ વિશે અત્યાર સુધી જે-જે બોલાયું, લખાયું છે એ બધું અટકળ છે, કલ્પના છે. ક્યારેક ભ્રમણા પણ. કોઈએ મૃત્યુનો અનુભવ કર્યા પછી જીવંત થઈને લખ્યું હોય એવી ઘટના આજ સુધી સાંભળવા મળી નથી. મને એવી તક મળી, પણ એ સમયના મારા તર્ક સાચા છે કે નહીં એની મારે ચકાસણી કરવી છે. આ લખું છું ત્યારે પણ પૂરેપૂરો સ્વસ્થ નથી. ખૂબ જુદા જ વિચારો-વૃત્તિઓના આક્રમણ વચ્ચે દિવસો પસાર થાય છે. ધ્યેયહીન, દિશાહીન દશા પર પરાણે કાબૂ રાખી રહ્યો છું, જે મેળવ્યું છે એ બધું નિરર્થક લાગે છે, જે નથી મળ્યું એનો કોઈ અફસોસ પણ નથી થતો. આપણામાં કહેવત છેને કે ‘પરણ્યો ભલે નથી, પણ પાટલે તો બેઠો છું’ એ જ રીતે ભલે મૃત્યુનો પ્રત્યક્ષ મને અનુભવ નથી થયો, પણ અત્યારે જે પરિસ્થિતિમાં છું એ એક પ્રકારની મૃત અવસ્થા જ અનુભવી રહ્યો છું.

આપણું મન કેટલી વિચિત્ર રીતે વર્તે છે એનું ભાન મને ICUની રૂમમાં પ્રવેશતાં જ થઈ ગયું હતું. હું હાંફતો હતો, ચીસો પાડતો હતો, ‘એ ભાઈ... એ ભાઈ... મારો શ્વાસ રૂંધાય છે.’ જવાબમાં શબ્દો સંભળાતા હતા, ‘પ્રવીણભાઈ, શાંતિ રાખો. અમે છીએને, તમને કાંઈ નહીં થાય.’ મને આ આશ્વાસન મંજૂર નહોતું. ત્યાં કોણ જાણે કેમ વર્ષો પહેલાં મેં વાંચેલી પંક્તિઓ યાદ આવી ગઈ, ‘ગુમ એની રમત છે, એ રમતમાં ગુમ છે. છે સારમાં અદૃશ્ય એ વિગતમાં ગુમ છે.’ શબ્દશઃ! કાંઈ સમજાયું નહીં. કોણ ગુમ છે? શાની રમત? સારમાં કોણ અદૃશ્ય છે ને વિગતમાં કોણ ગુમ છે?’
મને લાગ્યું કે મારો અંત નજીક છે. નહીં તો આવી હાલતમાં આવી પંક્તિ કેમ યાદ આવે? મેં ચીસ પાડી, ‘બચાવો ભાઈ બચાવો...’ મારા હાથની નસમાં કોઈ સોઈ ભોંકાઈ ને મેં ફરીથી ચીસ પાડી... એ ચીસ મારી આખરી ચીસ હતી... પછી શું થયું એની મને ખબર પછીથી પડી. બીજા દિવસે સવારે ICUની રૂમમાં મારો પરિવાર ચા-નાસ્તો લઈને આવ્યો ત્યારે હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં આવ્યો એવું મને ભાન થયું. અત્યાર સુધી જે ચાલતું હતું એ બધું અર્ધતંદ્રા અવસ્થામાં હતું. હકીકત તો એ હતી કે એ જાગ્રત અવસ્થામાં પણ હું અંદરથી તો બેચેન જ હતો. મને શું થાય છે એ કોઈને કહી શકતો નહોતો. ‘હું મજામાં છું’ એવું નાટક મારા સ્વજનો સામે ફિક્કું હસીને કરવાના પ્રયત્ન કરતો હતો. સચ્ચાઈ છુપાવવા આપણે જીવનમાં કેટકેટલા પ્રસંગોમાં નાટક કરવાં પડતાં હોય છે.

ત્રીજા દિવસે સવારે હું વધારે સ્વસ્થ હતો, પણ મનમાંથી એક વાત હટતી નહોતી, કોઈ પણ કારણ કે સંદર્ભ વગર બેખુદીમાં મને એકાએક ‘ગુમ એની રમત છે’ એ કડીઓ યાદ કેમ આવી? એ શું સૂચવે છે? મને કોઈક ચેતવણી આપે છે કે સંદેશ? બપોર સુધી ચિત્ત ડહોળાયા કર્યું. અંતે આંખ મીંચાઈ. ક્ષણભર પછી ચમત્કાર થયો હોય એમ આખું મુક્તક મને યાદ આવી ગયું... 
‘ગુમ એની રમત છે, 
એ રમતમાં ગુમ છે, 
છે સારમાં અદૃશ્ય, 
વિગતમાં ગુમ છે, 
માનવી શું કરે બિચારો કંઈ થવા માટે સર્વસ્વ પ્રભુ છે ને એ જગતમાંથી ગુમ છે.’
આ પણ એક ચમત્કાર હતો. મેં ક્યાં અને ક્યારે આ પંક્તિઓ વાંચી હતી એ આજે પણ મને સ્મરણમાં નથી. પંક્તિઓનો અર્થ અત્યારે ઉકેલવા બેસીએ તો એટલો જ નીકળે કે ઈશ્વરના અસ્તિત્વનો આપણે ભલે સ્વીકાર કરીએ, પણ એનો સાક્ષાત્કાર હજી સુધી કોઈને નથી થયો. કારણ? આપણે સ્વયં ઈશ્વર છીએ એની હજી સુધી ખબર જ નથી.

columnists gujarati mid-day