28 December, 2025 05:11 PM IST | Mumbai | Foram Shah
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઢીલ એ એક એવી વૃત્તિ છે જે મોટા ભાગના લોકોના જીવનમાં વણાયેલી છે. હાથમાં રહેલું કાર્ય મુલતવી રાખવું અથવા પાછળ ઠેલવું લોકો માટે સહજ વાત બની ગઈ છે. હું કાલથી કસરત કરીશ, આજથી જન્ક-ફૂડ નહીં ખાઉં અથવા આવતા મહિનાથી રોકાણ કરીશ - આ બધા વાસ્તવમાં કાર્ય કરવાથી બચવાનાં બહાનાં છે.
તાત્કાલિક ઇચ્છાપૂર્તિ અને એનાં પરિણામો
આપણે અત્યારે તાત્કાલિક ઇચ્છાપૂર્તિના યુગમાં જીવી રહ્યા છીએ. જે વસ્તુઓ આપણને તરત જ આનંદ આપે છે એને જ આપણે શોધતા હોઈએ છીએ અને જેના લાભ મળવામાં વાર લાગતી હોય એને આપણે હંમેશાં પાછળ ઠેલતા હોઈએ છીએ. દા.ત. આપણે પાર્ટી, વેકેશન કે મૂવી પાછળ તરત પૈસા ખર્ચી કાઢીએ છીએ, પણ જ્યારે રોકાણની વાત આવે છે ત્યારે આપણે બજારના સારા સમયની અથવા મોટી રકમ મળ્યા પછી રોકાણ શરૂ કરવાની રાહ જોતા બેસી રહીએ છીએ.
એક સંતે કહ્યું છે, ‘ખરાબ કાર્યો કરવા માટે પ્રયત્ન નથી કરવા પડતા, એ આપોઆપ થઈ જાય છે; પરંતુ સારાં કાર્યો કરવા માટે સમય કાઢવાનું અને પ્રયત્ન કરવાનું જરૂરી હોય છે.’ એ જ રીતે સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત કરવી પડે છે, જ્યારે અસ્વસ્થ થવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. ઉપરાંત પૈસા ખર્ચવા માટે કોઈ મહેનત નથી લાગતી, પણ બચત અને રોકાણ કરવા માટે સભાનતાપૂર્વક પ્રયત્ન કરવા જરૂરી હોય છે.
|
વિગત |
સ્થિતિ 1 |
સ્થિતિ 2 |
સ્થિતિ 3 |
સ્થિતિ 4 |
સ્થિતિ 5 |
|
માસિક રોકાણ |
૫૦૦૦ રૂપિયા |
૫૦૦૦ રૂપિયા |
૫૦૦૦ રૂપિયા |
૫૦૦૦ રૂપિયા |
૫૦૦૦ રૂપિયા |
|
રોકાણની શરૂઆત વખતની ઉંમર |
૨૫ વર્ષ |
૨૬ વર્ષ |
૨૮ વર્ષ |
૩૦ વર્ષ |
૩૫ વર્ષ |
|
નિવૃત્તિની ઉંમર |
૬૦ વર્ષ |
૬૦ વર્ષ |
૬૦ વર્ષ |
૬૦ વર્ષ |
૬૦ વર્ષ |
|
રોકાણનો સમયગાળો (વર્ષ) |
૩૫ |
૩૪ |
૩૨ |
૩૦ |
૨૫ |
|
અપેક્ષિત વળતર દર |
૧૦ ટકા |
૧૦ ટકા |
૧૦ ટકા |
૧૦ ટકા |
૧૦ ટકા |
|
જમા થયેલું ભંડોળ |
૧.૮૯ કરોડ રૂ. |
૧.૭૧ કરોડ રૂ. |
૧.૩૯ કરોડ રૂ. |
૧.૧૩ કરોડ રૂ. |
૬૬.૩૪ લાખ રૂ. |
ઢીલની કિંમત : આર્થિક વિશ્લેષણ
શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી ઢીલ આપણને જ કેટલી મોંઘી પડે છે? ચાલો, આ સાથે ઉપર આપેલા કોષ્ટક દ્વારા વાતને સમજીએ :
જો રોકાણમાં માત્ર ૧ વર્ષની ઢીલ થાય તો નિવૃત્તિ સમયે ૧૮ લાખ રૂપિયાનું નુકસાન થાય છે. જો ૩ વર્ષની ઢીલ થાય તો સંપત્તિમાં ૫૦ લાખ રૂપિયાનો ઘટાડો જોવા મળે છે. કોષ્ટક દર્શાવે છે કે જેમ-જેમ ઢીલનો સમયગાળો વધારે એટલું નુકસાન વધારે.
નિષ્કર્ષ : આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે કે ઢીલ અને ચક્રવૃદ્ધિને એકબીજા સાથે ‘બાપે માર્યાનું વેર’ છે. તમે તમારા રોકાણમાં જેટલી વધુ ઢીલ કરશો, ચક્રવૃદ્ધિના ફાયદા એટલા જ ઓછા મળશે.