જીવનમાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો સમન્વય થાય એ જ સાચી સંપત્તિ

29 May, 2026 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘણી વાર એવું બને છે કે પુરુષોત્તમ માસ કે એવા કોઈ ખાસ દિવસે જ લોકોમાં અચાનક ભગવાન પ્રત્યેનો પ્રેમ ઊભરાય છે

રસિક શુકલ વી. એસ. ગુરુકુળ ટેક્નિકલ જુનિયર કૉલેજમાં પ્રોફેસર રહી ચૂક્યા છે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજ દ્વારા સંચાલિત સિનિયર મંડળમાં ચૅરમૅન તરીકે પણ સેવા આપી છે. છેલ્લાં પચીસ વર્ષથી તેઓ ‘યુવાન વડીલ’ નામના ગુજરાતી માસિક મૅગેઝિનનું પ્રકાશન કરે છે

પુરુષોત્તમ માસ આવે એટલે ચારેય તરફ દાન, જપ-તપ અને ભક્તિનો માહોલ જામી જાય છે. ગરીબોને અન્નદાન કરવું કે જરૂરિયાતમંદોને આર્થિક મદદ કરવી નિશ્ચિતરૂપે ખૂબ પ્રશંસનીય અને સુંદર બાબત છે, પરંતુ આ બધાની વચ્ચે જ્ઞાનયજ્ઞના મહિમાને પણ એટલો જ ઊંડાણપૂર્વક સમજવો જરૂરી છે. એનું કારણ એ કે અન્ન માત્ર એક સમયની ભૂખ શાંત કરી શકે છે, પૈસા થોડા સમય માટે સહારો આપી શકે છે; પરંતુ સાચું જ્ઞાન વ્યક્તિની આખી જિંદગીનો માર્ગ બદલી નાખવાની તાકાત ધરાવે છે. વાલિયા લૂંટારાની કથા આપણે સૌ જાણીએ છીએ. એક લૂંટારો માત્ર સાચા જ્ઞાન અને સત્સંગના પ્રભાવથી મહર્ષિ વાલ્મીકિ બની ગયો.

આજે બર્થ-ડે અને વેડિંગ ઍનિવર્સરી જેવાં સેલિબ્રેશન્સમાં લોકો હજારો રૂપિયાનો ધુમાડો કરે છે. એને બદલે જો સદવિચારોવાળાં પુસ્તકો ભેટમાં આપવાની પરંપરા શરૂ થાય તો એનાથી કોઈના જીવનનો આખો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. જ્ઞાન એક એવી અખૂટ સંપત્તિ છે જે માત્ર એક વ્યક્તિને જ નહીં, તેની આવનારી ૭ પેઢી સુધી સુખ અને શાંતિનો વારસો આપી જાય છે.

ભક્તિના વિષયમાં પણ આપણે ગંભીરતાથી આત્મમંથન કરવાની જરૂર છે. ઘણી વાર એવું બને છે કે પુરુષોત્તમ માસ કે એવા કોઈ ખાસ દિવસે જ લોકોમાં અચાનક ભગવાન પ્રત્યેનો પ્રેમ ઊભરાય છે. સાચી ભક્તિ તો એક નિયમિત જીવનશૈલી હોવી જોઈએ. જેમ શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખવા આપણે રોજ ભોજન કરીએ છીએ અને રોજ સ્નાન કરીએ છીએ એમ મનની પવિત્રતા માટે રોજ થોડી ક્ષણ પ્રાર્થના, ધ્યાન કે ભગવાનના સ્મરણ માટે ફાળવવી જોઈએ. ભક્તિ માત્ર મંદિરમાં જઈને દીવો કે આરતી કરવાનું નામ નથી; પરંતુ આપણા રોજિંદા જીવનમાં સકારાત્મકતા, વિનમ્રતા અને સંયમ લાવવાનો માર્ગ છે. માનવજીવનને સાર્થક કરવા માટે કર્મ, જ્ઞાન અને ભક્તિ આ ત્રણેયનો સમન્વય અનિવાર્ય છે.

એક ગોદામમાં અચાનક ભયાનક આગ લાગી. એ ગોદામમાં એક આંધળો અને એક લંગડો માણસ ફસાયા હતા. આંધળો ચાલી અને દોડી શકતો હતો પરંતુ તેને બહાર નીકળવાનો રસ્તો દેખાતો નહોતો, જ્યારે લંગડો રસ્તો સ્પષ્ટ જોઈ શકતો હતો પણ તે પોતાના પગે ચાલી શકે એમ નહોતો. બન્નેનું મૃત્યુ નિશ્ચિત જણાતું હતું. ત્યારે બન્નેએ એક અદ્ભુત યુક્તિ અજમાવી. આંધળાએ લંગડાને પોતાના ખભા પર બેસાડી દીધો. હવે લંગડો ઉપર બેસીને દિશા બતાવતો ગયો અને આંધળો શક્તિશાળી પગલાં ભરીને આગળ વધતો ગયો. જોતજોતામાં બન્ને ભીષણ આગમાંથી હેમખેમ બહાર નીકળી ગયા. અહીં લંગડા માણસની આંખો એ ‘જ્ઞાન’ છે જેની પાસે સાચી દૃષ્ટિ છે, આંધળા માણસના પગ એ ‘કર્મ’ છે જેની પાસે ક્રિયા કરવાની શક્તિ છે અને આ બન્નેને જોડી રાખતો પરસ્પરનો વિશ્વાસ એ ‘ભક્તિ’ છે. માત્ર વાતોનું જ્ઞાન લંગડું છે અને દિશા વગરની દોડધામ (કર્મ) આંધળી છે. જ્યારે સાચું જ્ઞાન હોય એની સાથે સત્કર્મ જોડાય અને આ બન્નેમાં નિયમિત ભક્તિનો ભાવ ભળે ત્યારે જ માનવજીવન સાચા અર્થમાં સફળ, સાર્થક અને વંદનીય બને છે.

culture news columnists exclusive gujarati mid day