ગોપાલ શર્માની કઈ વાત પર લતા મંગેશકર નારાજ થયાં?

12 July, 2026 05:04 PM IST  |  Mumbai | Rajani Mehta

ગોપાલ શર્માની એક નબળાઈ કહો તો નબળાઈ અને ખાસિયત કહો તો ખાસિયત એ હતી કે પરિણામની પરવા કર્યા વિના તેમને જે સાચું લાગે એ કહેવામાં ડરતા નહોતા. સામેવાળી વ્યક્તિ ગમે એટલી મોટી હોય, પણ જો તેની વાતો વાજબી ન હોય તો તેની શેહશરમમાં આવ્યા વિના સાચી વાત કહેતા.

ગોપાલ શર્માની સાથે લતા મંગેશકર.

ભારતીય શ્રોતાઓ માટે એક સમયે રેડિયો સિલોન (જે SreeLanka Broadcasting Corporationના નામે આજે પણ રોજ સવારે એક કલાક હિન્દી ફિલ્મસંગીત બ્રૉડકાસ્ટ કરે છે) મનોરંજનનો પર્યાય હતો, કારણ કે ત્યાંથી દિવસના ૭ કલાક અને રવિવારે ૧૦ કલાક ફિલ્મસંગીતનું પ્રસારણ થતું. શિવકુમાર ‘સરોજ’, શીલ વર્મા, મનોહર મહાજન, વિજયા લક્ષ્મી અને બીજા અનેક અનાઉન્સરે રેડિયો સિલોન પર પોતાની સેવા આપી; પરંતુ ગોપાલ શર્મા પોતાના મધુર અવાજ અને અનોખી અદાયગીને કારણે અવ્વલ રહ્યા.

ગોપાલ શર્માની એક નબળાઈ કહો તો નબળાઈ અને ખાસિયત કહો તો ખાસિયત એ હતી કે પરિણામની પરવા કર્યા વિના તેમને જે સાચું લાગે એ કહેવામાં ડરતા નહોતા. સામેવાળી વ્યક્તિ ગમે એટલી મોટી હોય, પણ જો તેની વાતો વાજબી ન હોય તો તેની શેહશરમમાં આવ્યા વિના સાચી વાત કહેતા. લતાજી સાથેના સંબંધની વાત કરતાં તે કહે છે...

રેડિયો સિલોન પર કામ શરૂ કર્યાને લગભગ દોઢ વર્ષ થઈ ગયું હતું. એક મહિનાની રજા લઈને હું મુંબઈ આવ્યો હતો ત્યાં દુબેસાહેબનો ફોન આવ્યો (વિજય કિશોર દુબે, જે ગોપાલ શર્માના આવ્યા પહેલાં રેડિયો સિલોનના અનાઉન્સર હતા). ‘શર્માજી, કલ લતાજી કા ફોન આયા થા. કહ રહી થી ગોપાલ શર્માજી કો રેડિયો સિલોન પર સૂના હૈ. વો બમ્બઈ આ રહે હૈ. ઉનસે મિલના હૈ.’ દુબેસાહેબને મનમાં તો થયું હશે કે ક્યાં લતાજી અને ક્યાં ગોપાલ શર્મા? પણ લતાજીની વાતને કેમ ટાળવી? એટલે મને જણાવ્યું.

હું તો લતાજીનો ભક્ત હતો. નક્કી થયા મુજબ હું ૪ વાગ્યે બૉમ્બે લૅબ પહોંચી ગયો. મેં મેસેજ મોકલાવ્યો એટલે થોડી ક્ષણોમાં એક દૂબળી-પાતળી શ્યામરંગી અને ચહેરા પર ડાઘવાળી યુવતી કૅબિનમાંથી બહાર આવીને કહે, ‘નમસ્તે, આપ ગોપાલ શર્મા છો?’ મેં કહ્યું, ‘જી હાં, અને આપ?’ તો જવાબ મળ્યો, ‘હું લતા મંગેશકર છું.’ હું તો આશ્ચર્યમાં પડી ગયો અને બોલાઈ ગયું, ‘આપ?’ તો કહે, ‘તમને વિશ્વાસ નથી થતો?’ મેં કહ્યું, ‘ના... ના, એવું નથી.’ તે ખડખડાટ હસી પડ્યાં અને કહે, ‘અંદર આવો. મને ગાતાં જોશો એટલે ભરોસો થશે કે હું જ લતા મંગેશકર છું.’

હું કૅબિનમાં ગયો. મને એવી જગ્યાએ બેસાડ્યો જ્યાંથી હું જોઈ શકું કે તેઓ ગાય છે. સાચું કહું, ત્યારે જ મને વિશ્વાસ આવ્યો કે સાવ સીધીસાદી, સામાન્ય દેખાતી વ્યક્તિ જ લતા મંગેશકર છે. એ દિવસે ‘બાઝીગર’ ફિલ્મનું પ્રેમ ધવન લિખિત ગીત ‘પ્યાર કા મૌસમ હમ હૈ અકેલે’ સંગીતકાર ચિત્રગુપ્ત રેકૉર્ડ કરી રહ્યા હતા. એક જ ટેકમાં ગીત રેકૉર્ડ થયું. કૅબિનની બહાર આવીને હસતાં-હસતાં મને કહે, ‘હવે તો પૂરી ખાતરી થઈ ગઈને કે હું જ લતા છું.’

મેં કહ્યું, ‘બેશક, કોયલ જેવા સુમધુર કંઠની ગાયિકા લતાજી આપ જ છો.’ પછી મેં તેમને યાદ દેવડાવ્યું કે આજે તો એક જ ટેકમાં ગીત રેકૉર્ડ થયું, પણ ૧૯૫૪માં હું તાડદેવ સેન્ટ્રલ સ્ટુડિયોમાં ‘ગંગામૈયા’ના સેટ પર કામસર આવ્યો હતો ત્યારે મેહબૂબની ‘અમર’ માટે નૌશાદસાબ એક ગીત ‘ના મિલતા ગમ તો બરબાદી કે અફસાને કહાં જાતે’ રેકૉર્ડ કરી રહ્યા હતા જે અમે બહારથી સાંભળ્યું હતું. એ ગીતમાં એક જગ્યાએ ગરબડ થતી હતી એટલે ૧૦ રીટેક થયા હતા. લતાજી બોલ્યાં, ‘ત્યારે તમે મને જોઈ હતી?’ મેં કહ્યું, ‘ત્યારે મારી કોઈ હસ્તી નહોતી. બસ, કેવળ આપનો સુમધુર અવાજ સાંભળ્યો હતો. આ તો રેડિયો સિલોનની મહેરબાની છે કે આપની સાથે મુલાકાત થઈ.’ છૂટા પડતી વખતે તેમણે કહ્યું કે જ્યારે પણ મુંબઈ આવો ત્યારે જરૂર મળજો.

ત્યાર બાદ જ્યારે-જ્યારે નોકરીમાંથી રજા લઈને હું મુંબઈ આવતો ત્યારે તેમની સાથે મુલાકાત થતી. તે હંમેશાં એક પ્રશ્ન કરતાં કે ગોપાલજી, આજકાલ તમને મારાં કયાં-કયાં ગીતો પસંદ આવે છે અને એ વિશે અમે વાતો કરતાં. એક વાર હું મુંબઈ તેમને મળવા ઘરે પહોંચ્યો તો સૌથી પહેલાં તેમણે કહ્યું, ‘ગોપાલજી, આજકલ આપકો સુમન કલ્યાણપુર બહોત પસંદ આ રહી હૈ.’ એ ફરિયાદ હતી કે નારાજગી કે કદાચ બન્ને, મને ખબર નહોતી; પણ એક બાબતમાં હું સ્પષ્ટ હતો. મને જે ગીત ગમે, કર્ણપ્રિય લાગે, એ પછી કોઈ પણ ગાયકનું કે સંગીતકારનું હોય; એ હું વારંવાર બ્રૉડકાસ્ટ કરતો. મને એમ કરવું ગમતું. એ દિવસોમાં ફિલ્મ ‘તીર્થયાત્રા’માં ગીતકાર અનજાન લિખિત, સંગીતકાર સુરેશ તલવારે સ્વરબદ્ધ કરેલું સુમન કલ્યાણપુરના સ્વરમાં રેકૉર્ડ થયેલું ‘મેરી પ્રીત મેરા પ્યાર, બોલે આજ બાર બાર’ મારું મનપસંદ હતું જે હું વારંવાર બ્રૉડકાસ્ટ કરતો હતો.

મેં કહ્યું, ‘એવું નથી, હું તો તેમને જાણતો પણ નથી.’ લતાજી કહે, ‘પરંતુ તેમનાં ગીત ખૂબ વગાડો છો. લાગે છે તમને સુમન કલ્યાણપુરનાં ગીતો બહુ ગમતાં લાગે છે.’ આ સાંભળીને મેં તેમને એક વાત કરી.

‘લતાજી, આપ સંગીતની ઊંચાઈના હિમાલય પર બેઠાં છો જ્યાં આવતાં સેંકડો વર્ષો સુધી કોઈ ગાયિકા પહોંચી શકે એમ નથી. સુમન કલ્યાણપુરનું એક સારું ગીત આવ્યું છે એનાથી આપને કોઈ ફરક પડવાનો નથી. ગમે એટલી ગાયિકાઓ આવશે અને જશે, પણ લતા મંગેશકર તો સર્વોત્તમ રહેશે.’ અમારી વાતચીત દરમ્યાન મેં કહ્યું, ‘લતાજી, આપ આ પૉલિટિક્સમાં ન પડો કે કોનું ગીત કેટલી વાર વાગે છે, કોનું નથી વાગતું. આપનાં ગીત સૌથી વધુ વાગે છેને? બસ, બીજું શું જોઈએ? કેટલીયે સુમન કલ્યાણપુર આવશે, પણ આપનું સ્થાન કોઈ ન લઈ શકે.’

આટલું કહીને મેં મારા મનની વાત કરી, ‘આપના વિશે મેં ઘણી વાતો સાંભળી છે કે નવી ગાયિકાઓને આપ આગળ નથી આવવા દેતી.’ આ સાંભળીને તેઓ થોડાં નારાજ થઈ ગયાં. કહે, ‘મેં કદી કોઈને રોકવાનો પ્રયત્ન નથી કર્યો.’ મેં કહ્યું, ‘બંગાળની સંધ્યા મુખરજીને ગીતાશ્રી પુરસ્કાર મળ્યો ત્યારે તમે જ તેની ભલામણ એસ. ડી. બર્મનને કરી હતી એમ કહીને કે તે સરસ ગાયિકા છે, તેને કામ આપો. એ પછી તેના સ્વરમાં બર્મનદાએ ‘સઝા’માં ‘યે બાત કોઈ સમજાએ રે’ અને ‘આ ગુપચુપ ગુપચુપ પ્યાર કરે’ (હેમંતકુમાર અને સાથીઓ સાથે) રેકૉર્ડ કર્યાં એટલે તેને ઇન્ડસ્ટ્રીમાં કામ મળવા લાગ્યું, પણ કોણ જાણે તમે તેનાથી નારાજ થઈ ગયાં અને તેણે મજબૂરીથી મુંબઈ છોડીને બંગાળ પાછા જવું પડ્યું.’ આ સાંભળતાં તે મારા પર ગુસ્સે થઈ ગયાં.

એટલે મેં ખૂબ જ વિનમ્રતાપૂર્વક સમજાવીને કહ્યું, ‘લતાજી, હું આપના નાના ભાઈ જેવો છું. આપને ખોટું ન લાગે તો એક વાત કહું? આપ જેટલી મહાન ગાયિકા છો એટલી જ મહાનતા અને ઉદારતા જીવનમાં લાવશો તો દુનિયા આપને સંગીતની દેવીની જેમ પૂજશે.’ આ સાંભળીને તે શાંત થઈ ગયાં. ચૂપચાપ બેઠાં હતાં, પરંતુ તેમનો ચહેરો કહેતો હતો કે મારી આ વાત તેમને જરા પણ ગમી નહોતી.

મને લાગે છે કે એટલે જ તેમણે જે પ્રૉમિસ આપ્યું હતું એ કદી પૂરું ન કર્યું. તે અનેક વાર કહેતાં, ‘ગોપાલજી, આપ જે રીતે સારાં-સારાં વિશેષણો લગાડીને મારાં ગીતો વગાડો છો એ સાંભળીને દિલમાં વાહ-વાહ થઈ જાય છે. જ્યારે તમે ભારત આવી જશો ત્યારે મારા દરેક સ્ટેજ-શો, દેશમાં હોય કે વિદેશમાં, તમારે જ પ્રસ્તુત કરવાના છે.’

રેડિયો સિલોન છોડ્યા બાદ મારી તેમની સાથે ભાગ્યે જ મુલાકાત થઈ. એક મુલાકાતમાં મેં આ વાત યાદ કરાવી તો કહે, ‘ગોપાલજી, ગ્રુપ તો બનતે રહતે હૈં, બિગડતે રહતે હૈં. આપ તો કભી મેરે ગ્રુપ મેં આએ હી નહીં. મિલને કે લિએ ભી નહીં.’

લતાજી કદાચ એમ કહેવા માગતાં હતાં કે મારે તેમના દરબારમાં નિયમિત હાજરી આપવી. એ મારાથી ન થાય. ખુશામત અને ચાપલૂસી કરવી એ મારા સ્વભાવમાં નથી. તેમના કાર્યક્રમ માટે મને ન બોલાવવાનું એક બીજું પણ કારણ હતું એવું મને લાગે છે. એ કારણ હતું મારી આશા ભોસલે સાથેની નિકટતા.

ગોપાલ શર્મા અને આશા ભોસલેના સંબંધના ઉતાર-ચડાવની વાતો આવતા રવિવારે.

sri lanka lata mangeshkar asha bhosle rajani mehta columnists gujarati mid day lifestyle news life and style