...પણ એક આશા જરૂર આપે છે એ શ્રદ્ધા પર નર્ગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો

01 March, 2026 04:49 PM IST  |  Mumbai | Rajani Mehta

રાજ કપૂરને હકીકત સ્વીકારતાં ઘણો સમય લાગ્યો. બન્નેએ લાંબા સમય સુધી એકમેકની સામે આવવાનું ટાળ્યું. જ્યારે પૃથ્વીરાજ કપૂરનાં પત્ની રમાનું મૃત્યુ થયું ત્યારે સુનીલ દત્ત સાથે પહેલી વાર નર્ગિસ કપૂર ખાનદાનને સાંત્વન આપવા તેમના ઘરે ગઈ.

સુનિલ દત્ત અને નર્ગિસ

પળ પળનાંય પડે પ્રતિબિંબ

એવાં દર્પણ ક્યાં છે

કહ્યા વિનાય સઘળું સમજે

એવાં સગપણ ક્યાં છે

- કુમુદ પટવા

જે સગપણમાં મૌનની ભાષા સમજવાની તાકાત નથી હોય એ સગપણ કાળની કસોટીએ ઝાઝાં ટકતાં નથી. મૌનની ભાષા સૌથી વધુ બોલકી હોય છે. જે સગપણને સંબંધનું કોઈ લેબલ ન લાગ્યું હોય એમાં ન બોલાયેલા શબ્દોનું જ મહત્ત્વ વધારે હોય છે. ચુપકીદીને સંમતિ માનવાની ભૂલ કરનારે એની કિંમત ચૂકવવી પડે છે.

નર્ગિસની ચુપકીદી હકીકતમાં કેવળ તેની લાચારી નહોતી, તે રાજ કપૂરથી દૂર જઈ પોતાની આઝાદીની તૈયારી કરી રહી હતી. ‘મધર ઇન્ડિયા’ સાઇન કરી ત્યારે તેના જીવનમાં હજી સુનીલ દત્તનો પ્રવેશ નહોતો થયો પરંતુ થોડા દિવસના શૂટિંગ બાદ એક દુર્ઘટના બની જે બન્નેને નજીક લાવવામાં નિમિત્ત બની.

વલસાડ નજીક આવેલા બીલીમોરામાં ફિલ્મનું મોટા ભાગનું આઉટડોર શૂટિંગ થયું હતું.  (નાનપણમાં વેકેશનમાં નિયમિત હું બીલીમોરા ફોઈના ઘરે રહેવા જતો. અમે ‘ઓ ગાડીવાલે ગાડી ધીરે હાંક રે’નું શૂટિંગ જોયું છે.) આગના એક દૃશ્યના શૂટિંગ સમયે નર્ગિસ એવી સપડાઈ ગઈ કે એમાંથી સહીસલામત બહાર આવશે કે નહીં એની ખબર નહોતી. એ સમયે સુનીલ દત્તે જાનના જોખમે સળગતી ઘાસની ગંજીઓમાં કૂદીને નર્ગિસનો જીવ બચાવ્યો. એ દિવસે શૂટિંગની આગ તો બુઝાઈ ગઈ પરંતુ એનો તણખો નર્ગિસના હૃદયમાં જીવંત હતો.

દાઝી ગયેલા સુનીલ દત્તને હૉસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે રોજ તેમની ખબર પૂછવા નર્ગિસ હૉસ્પિટલ આવે. જે વ્યક્તિએ પોતાનો જીવ બચાવ્યો તેની સારવાર વ્યવસ્થિત થાય એની ખાસ કાળજી નર્ગિસ લેતી. સાજા થયા બાદ શૂટિંગ દરમ્યાન રોજના મેળાપથી બન્ને વચ્ચેની નિકટતા વધતી જતી હતી. એ દિવસોમાં અબોલ પ્રેમની ભાષા આંખો અને સ્પર્શ દ્વારા વ્યક્ત થતી હતી એનો બન્નેને ખ્યાલ હતો પણ કોઈ એને સ્પષ્ટપણે વ્યક્ત કરતું નહોતું.

આ સમયે નર્ગિસ રાજ કપૂરના જીવનમાં હતી પરંતુ એમાં કેવળ એક ઔપચારિકતા જ બાકી રહી ગઈ હતી. રાજ કપૂરના કાને ઊડતી-ઊડતી આ વાત આવી ત્યારે તેણે નીલમને પૂછ્યું. તેણે કહ્યું, ‘મેં પણ આ અફવા સાંભળી છે પણ મને એમાં દમ લાગતો નથી.’ એટલે   આઉટડોર શૂટિંગ બાદ લાંબા સમય પછી મુંબઈ આવેલી નર્ગિસને તેણે સીધું પૂછી જ લીધું.

પહેલાં તો નર્ગિસે એટલું જ કહ્યું, ‘આ અફવા હું કઈ રીતે અટકાવી શકું? દરેકના મોઢા પર હાથ મૂકીને બોલતાં ન અટકાવી શકું.’ નીલમે કહ્યું, ‘એ વાત સાચી પણ સૌ કોરસમાં એક જ વાત કરે છે એ ખાલી ગપગોળા છે?’ નર્ગિસે એનો જવાબ ન આપ્યો. નીલમ સમજી ગઈ. તેણે કહ્યું, ‘જો આ વાત સાચી હોય તો હવે પછી તું આર. કે. સ્ટુડિયોમાં ન જાય એમાં જ તારી ભલાઈ છે.’

જિગરજાન સખીના આ જ સુઝાવની રાહ જોતી નર્ગિસે મક્કમતાથી કહ્યું, ‘આજથી હું આર. કે.માં પગ નહીં મૂકું.’

હૉસ્પિટલમાંથી સાજા થયા બાદ સુનીલ દત્ત ઘેર આવ્યા ત્યારે પણ નર્ગિસ તેમની ખબર કાઢવા આવતી. આ કારણે દત્ત પરિવાર સાથે તેમની નિકટતા વધી. આર. કે. છોડ્યા બાદ નર્ગિસ સમાજની પરવા કર્યા વિના સુનીલ દત્ત સાથે જાહેરમાં દેખાવા લાગી. મનની વાત નર્ગિસ સુધી કેમ પહોંચાડવી એની અવઢવમાં રહેતા સુનીલ દત્તે એક દિવસ હિંમત કરી નર્ગિસને સીધેસીધું પૂછી લીધું. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે,

‘મેં નર્ગિસજીને આગમાંથી બચાવ્યાં એટલે અમારો પ્રેમસંબંધ બંધાયો એ વાત બરાબર નથી. તેમના દયાળુ સ્વભાવથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. મારી નાની બહેનને પેટની એક અસાધ્ય બીમારી હતી. તેની સારવાર દરમ્યાન પણ નર્ગિસજીએ તેની ખૂબ સંભાળ રાખી હતી. મારાં માતાજી સાથે તેમનો સારો ઘરોબો હતો. મેં વિચાર્યું કે હું લગ્નની વાત મૂકું. જો ના  પાડશે તો મુંબઈ છોડી દઈશ.

‘એક દિવસ તેમને ગાડીમાં ઘરે મૂકવા જતો હતો. રસ્તામાં મેં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે શાંતિથી વાત સાંભળી પણ કોઈ પ્રતિભાવ ન આપ્યો. મને લાગ્યું કે વાત કરીને મેં કોઈ ભૂલ તો નથી કરીને? ઘર આવ્યું એટલે કાંઈ પણ બોલ્યા વિના તે ચાલ્યાં ગયાં. મને થયું મેં ખોટી ઉતાવળ કરી નાખી.

‘બીજા દિવસે ઘરે આવ્યો તો માતાજીએ કહ્યું, ‘વો આઈ થી. ઉસને કહા, ‘મેરી હાં હૈ.’ મેં કહ્યું, ‘કિસ બાત કી?’ તો કહે, ‘વો સુનીલ કો પતા હૈ.’

રાજ કપૂરની અવહેલનાને કારણે કે પછી સુનીલ દત્ત સાથેના પ્રેમના કારણે નર્ગિસે આ નિર્ણય લીધો હોય એ કહેવું મુશ્કેલ છે. ક્યાંક વાંચ્યું હતું, ‘Turn Your Scars Into Stars.’ સુનીલ દત્તનો પ્રસ્તાવ નર્ગિસ માટે રાજ કપૂરે આપેલા જખ્મો પર મોરપીંછના સ્પર્શ જેવો હતો. એક કમજોર વ્યક્તિ સાથે મજબૂત સંબંધ બાંધવાની ભૂલ કર્યા બાદ હવે કિસ્મતે જે મોકો આપ્યો એની અવગણના કરવાની ન હોય એની નર્ગિસને ખબર હતી. 

જીવન ક્યારેય ખુશી આપવાની ખાતરી નથી આપતું પણ એક આશા જરૂર આપે છે. જ્યારે આપણે કાંઈ પણ ગુમાવવાનું ન હોય ત્યારે એટલો તો સધિયારો હોય છે કે જે કાંઈ મળશે એ મારા માટે નફામાં જ છે. આટલું વિચારી નર્ગિસે પોતાનો નિર્ણય બન્ને ભાઈઓને જણાવ્યો ત્યારે બન્નેએ એક સૂરમાં કહ્યું, ‘નહીં, યે શાદી નહીં હો સકતી.’

‘પેલો હિન્દુ અને તું મુસ્લિમ. આપણા ધર્મનો તો વિચાર કર.’ નર્ગિસ શાંતિથી બોલી, ‘મને ધર્મની પરવા નથી.’ સામે દલીલ આવી, ‘આજે અમ્મા જીવતી હોત તો તારી હિંમત ન ચાલી હોત.’ નર્ગિસે કહ્યું, ‘હવે જમાનો બદલાયો છે.’ નર્ગિસને ઇમોશનલ બ્લૅકમેઇલ કરતાં અખ્તર હુસેને કહ્યું, ‘તારા સ્ટેટસનો તો વિચાર કર. તું ટૉપની હિરોઇન છે. એ નવા છોકરાનું ભવિષ્ય શું છે? તે લુચ્ચો છે. તને ભોળવીને ફસાવીને લગ્ન કરવા માગે છે.’

નર્ગિસની કમાણી પર જીવતા ભાઈઓ કોઈ પણ હિસાબે આ લગ્ન રોકવા માગતા હતા, પણ નર્ગિસ મક્કમ હતી. તેણે સુનીલ દત્તને કહ્યું, ‘મારે સમય ગુમાવ્યા વિના લગ્ન કરવાં છે. આજે ને આજે.’ સુનીલ દત્ત વાતની ગંભીરતા સમજી ગયા. એ દિવસ હતો ૧૯૫૮ની ૧૧ માર્ચનો. ‘સુજાતા’નું શૂટિંગ પતાવીને સાંજે લગ્ન કરવાનાં હતાં. વાત એકદમ ખાનગી રાખવાની હતી કારણ કે મેહબૂબ ખાન આની વિરુદ્ધ હતા. તેમને ડર હતો કે ‘મધર ઇન્ડિયા’માં મા-દીકરાનો રોલ કરતાં આ બન્ને અસલ જીવનમાં પતિ-પત્ની બની જાય તો ફિલ્મ નિષ્ફળ જાય.

શૂટિંગ પૂરું થયું એટલે સુનીલ દત્તે શેરવાની પહેરી. યુનિટના માણસે સવાલ કર્યો તો કહે, ‘એક મિત્રનાં લગ્નમાં જવાનું છે. ઘેરથી લાવવાનું ભૂલી ગયો છું. કાલે શૂટિંગમાં આવીશ ત્યારે પાછી લેતો આવીશ.’ આર્યસમાજ વિધિથી લગ્ન સંપન્ન થયાં ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. બન્નેએ નર્ગિસના ઘેર જઈ ભાઈઓના આશીર્વાદ લીધા. અડધી રાતે અખ્તર હુસેને રાજ કપૂરને ફોન કર્યો. ‘બેબીએ લગ્ન કરી લીધાં.’ સાંભળી ગળામાંથી માંડ-માંડ શબ્દો નીકળ્યા, ‘કોની સાથે?’ જવાબ મળ્યો, ‘સુનીલ દત્ત સાથે.’ અને રાજ કપૂરના હૃદયમાં પ્રેમના પરાજયની ચિતા ભડભડ બળવા લાગી.

રાજ કપૂરને હકીકત સ્વીકારતાં ઘણો સમય લાગ્યો. બન્નેએ લાંબા સમય સુધી એકમેકની સામે આવવાનું ટાળ્યું. જ્યારે પૃથ્વીરાજ કપૂરનાં પત્ની રમાનું મૃત્યુ થયું ત્યારે સુનીલ દત્ત સાથે પહેલી વાર નર્ગિસ કપૂર ખાનદાનને સાંત્વન આપવા તેમના ઘરે ગઈ. ત્યાર બાદ રિશી કપૂરના લગ્નપ્રસંગે કપૂર ખાનદાનના આમંત્રણને માન આપી સહકુટુંબ દત્ત પરિવારે સમારંભમાં હાજરી આપી હતી.

 લગ્ન બાદ નર્ગિસે હાથમાં રહેલી બાકીની ફિલ્મો પૂરી કરી અભિનયને અલવિદા કહી. ‘મધર ઇન્ડિયા’ને અભૂતપૂર્વ સફળતા મળી. શ્રીમતી દત્ત તરીકે તેણે દત્ત પરિવારનો પૂરો કારભાર કુશળતાથી હાથમાં લઈ લીધો. ‘મધર ઇન્ડિયા’ માટે નર્ગિસને ફિલ્મફેરનો અવૉર્ડ મળ્યો. આ ફિલ્મની ગણના વિશ્વની ઉત્તમ ફિલ્મોમાં થાય છે.

નર્ગિસ ફાજલ સમયમાં સમાજસેવાનાં કામ કરતી. ‘અજન્તા આર્ટ્સ ઍન્ડ કલ્ચરલ સેન્ટર’ના નેજા હેઠળ દત્ત પરિવારે લશ્કરના જવાનો માટે અનેક ચૅરિટી શોનું આયોજન કર્યું છે. ૧૯૮૦માં ભારત સરકારે નર્ગિસને રાજ્યસભામાં નિયુક્ત કરી.

રાજ કપૂર અને નર્ગિસની જોડી ફિલ્મ ઇતિહાસની ‘The Most Romantic’ જોડી તરીકે ઓળખાય છે. બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મોમાં રંગોની ઝાકઝમાળ વિના કે ભવ્ય સેટ વગર, ફોટોગ્રાફીનાં આધુનિક સાધનોની મદદ વિના, કેવળ ચહેરા અને ઉત્કૃષ્ટ અભિનય દ્વારા બન્નેએ ઉત્કટ પ્રણયદૃશ્યો આપ્યા જેમાં અશ્લીલતાને કોઈ સ્થાન નહોતું. તેની વિદાય બાદ રાજ કપૂરે પોતાની દરેક ફિલ્મમાં નર્ગિસે સાકાર કરેલી નાયિકાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો.

કૅન્સરની બીમારીને કારણે ૧૯૮૧ની ૩ માર્ચના દિવસે ૫૧ વર્ષે નર્ગિસે અંતિમ વિદાય લીધી. તેની સ્મશાનયાત્રામાં રાજ કપૂર શરૂઆતથી હાજર હતા. ટેલિવિઝન પર સુનીલ દત્તને સાંત્વન આપતાં કાળાં ચશ્માં પહેરીને આવેલા રાજ કપૂરનો ચહેરો અત્યારે યાદ આવે છે.

થોડી મહેનત કરીએ તો જીભને દાંત નામની વાડ પાછળ કેદ કરી શકાય. મનના ભાવ મક્કમ રહીએ તો ચહેરા પર ઊપસે નહીં એની પણ તકેદારી રાખી શકાય. એક આંખ છે જે બેવફા છે. ખરા સમયે એ ચાડી ખાય છે. એટલે જ એને કાળાં ચશ્માંમાં કેદ કરી નાખવી સારી. આ વાત સારી રીતે જાણતા રાજ કપૂરે આખો દિવસ ચહેરા પરથી કાળાં ચશ્માં હટાવ્યાં જ નહીં.

nargis dutt sunil dutt rajani mehta columnists gujarati mid day lifestyle news life and style