પોતાની હિરોઇનના પ્રેમમાં પડવાની રાજ કપૂરની આદત ફિલ્મોની સફળતા માટે ફાયદાકારક હતી

26 June, 2022 01:21 PM IST  |  Mumbai | Rajani Mehta

બૅન્ગલોરના ‘સંગમ’ના પ્રીમિયર સમયે કૃષ્ણા કપૂર હાજર હતાં. પડદા પર જે પ્રણયત્રિકોણ ભજવાતો હતો એ પ્રેક્ષકો માટે મનોરંજન હતું. અહીં અસલી જીવનનાં ત્રણ પાત્રો એકમેકની સામસામે હતાં.

‘સંગમ’ના પ્રીમિયર શો દરમ્યાન વૈજયંતીમાલા, રાજ કપૂર અને રાજેન્દ્ર કુમાર

અત્યાર સુધી દબાવી રાખેલી લાગણીઓ, ઇચ્છાઓ અને પીડા એકસાથે જ્વાળામુખી બનીને બહાર આવી અને એ રાતે બૅન્ગલોરની વેસ્ટ એન્ડ હોટેલમાં રાજ કપૂર અને કૃષ્ણા કપૂર વચ્ચે જે ઝઘડો થયો એમાં સઘળી મર્યાદા ચૂર-ચૂર થઈ ગઈ.

ગુજરાતી માધ્યમની સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યું, ‘આજે આપણે એક નવો શબ્દ શીખીએ. જ્યારે કોઈ અસાધારણ ઘટના બને ત્યારે એમ કહેવાય કે ‘Miracle’ થયો. હું દાખલો આપીને સમજાવું એટલે આ શબ્દનો સાચો અર્થ શું થાય એની તમને બરાબર ખબર પડે.’

‘એક છોકરો ખૂબ તોફાની. સુપરમૅન અને સ્પાઇડરમૅનનાં કાર્ટૂન જોઈને એક દિવસ તેને થયું કે હું પણ આવાં પરાક્રમ કરું. એટલે ઘરની સામે આવેલી એક બહુમાળી ઇમારતની અગાસી પર જઈને તેણે છલાંગ મારી. સ્વાભાવિક છે કે આકાશમાં ઊડવાને બદલે તે ધબ દઈને નીચે પડ્યો છતાં તેને જરા પણ ઈજા ન થઈ. કપડાં પરની ધૂળ ખંખેરી, ઊભો થઈને તે ચાલવા માંડ્યો.’ દાખલો પૂરો કરીને શિક્ષકે બકાને ઊભો કરીને પ્રશ્ન પૂછ્યો, ‘બોલ બકા, આને શું કહેવાય?’

બકો બોલ્યો, ‘સર, આ તો Accident (અકસ્માત) કહેવાય.’

શિક્ષક બોલ્યા, ‘ના, જો ફરી વખત ધ્યાનથી સાંભળ. પેલો તોફાની ફરી પાછો ઉપરથી છલાંગ મારે છે તો પણ તેને ઈજા નથી થતી. બોલ આને શું કહેવાય?’

‘સર, હવે સમજાયું, આ તો Co-incident (સંયોગ) કહેવાય.’

બકાનો જવાબ સાંભળી શિક્ષક અકળાઈને બોલ્યા, ‘ના, ના, જો જરા ધ્યાનથી સાંભળ. પેલો તોફાની પાછો ઉપરથી છલાંગ મારે છે અને છતાં તેને જરાય વાગતું નથી. ધ્યાનથી વિચાર કર, આ અસાધારણ ઘટના છે. આને શું કહેવાય?’

શિક્ષકને પાકી ખાતરી હતી કે હવે બકાનો જવાબ હશે કે ‘આ તો Miracle કહેવાય.’ થોડી ક્ષણો વિચાર્યા બાદ બકાએ લૉજિક સાથે પોતાનો જવાબ આપતાં કહ્યું, ‘સર, પેલો વારંવાર ઉપરથી પડે છે અને ઊભો થઈને પાછો છલાંગ મારે છે એટલે આ તો ચોક્કસ Bad Habit (ખરાબ આદત) કહેવાય.’

આ રમૂજ એટલા માટે યાદ આવી કે રાજ કપૂરને પોતાની હિરોઇનના પ્રેમમાં પડવાની જે (ખરાબ) આદત હતી એ તેની ફિલ્મો માટે ભલે ફાયદાકારક હોય, તેના અંગત જીવન માટે અત્યંત કષ્ટદાયક હતી. એ પ્રેમ હતો કે પ્રેમનું નાટક કે પછી રાજ કપૂરની નબળાઈ એની ચર્ચામાં પડવા જેવું નથી. નર્ગિસ, પદ્‍મિની (થોડા સમય માટે) અને ત્યાર બાદ વૈજયંતીમાલા સાથેની નિકટતાને કારણે કપૂર-પરિવારમાં વાતાવરણ તંગ રહેતું. 

પવઈ લેક પરના રાજ કપૂર અને કૃષ્ણા કપૂરના ઝઘડા બાદ રાજ કપૂરે સુલેહનો વાવટો ફરકાવ્યો. ‘સંગમ’નું શૂટિંગ પૂરું થઈ ગયું હતું. ફિલ્મના પોસ્ટ પ્રોડક્શન વર્ક માટે પ્રિન્ટ્સ લઈને ત્રણ મહિના માટે રાજ કપૂર લંડન ગયા ત્યારે કૃષ્ણા કપૂરને સાથે લઈ ગયા. મુંબઈમાં વૈજયંતીમાલાનું ધ્યાન રાખવાની જવાબદારી તેમણે વિશ્વાસુ ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સી. એલ. બાલીને સોંપી હતી (ડૉ. બાલી યુરોપના શૂટિંગમાં યુનિટના મહત્ત્વના સભ્ય હતા). તેમને લાગ્યું કે થોડા સમયમાં ઘીના ઠામમાં ઘી પડી જશે અને મામલો શાંત પડી જશે. ત્યારે તેમને એ વાતનો જરાય અંદેશો નહોતો કે એક નવી પ્રેમકહાની આકાર લેશે.

ભારતનાં દરેક નાનાં-મોટાં શહેરોમાં ‘સંગમ’ની રિલીઝ ધામધૂમથી થઈ. મોટાં શહેરોમાં પ્રીમિયર વખતે રાજ કપૂર સાથીકલાકારો અને ટેક્નિશ્યન્સ સાથે હાજર રહેતા. આ પહેલાં કોઈ ફિલ્મના પ્રીમિયર શો આ રીતે થયા નહોતા. રાજ કપૂરની ‘શોમૅનશિપ’ની એવી કમાલ હતી જાણે પૂરો દેશ આ ફિલ્મના ઍડ્વાન્સ બુકિંગ માટે અધીરો બન્યો હોય. ફિલ્મના કલાકારોને જોવા માટે હરેક શહેરના દર્શકો અધીરા બન્યા હતા. કોઈ ફિલ્મને રિલીઝ પહેલાં આવો પ્રતિસાદ મળ્યો હોય એવું બન્યું નહોતું.

અંગત જીવનમાં રાજ કપૂર માટે પત્ની અને પ્રિયતમા વચ્ચે બૅલૅન્સ જાળવવું મુશ્કેલ હતું. લંડન હતા ત્યાં સુધી વાત ઠીક હતી, પરંતુ ભારત આવ્યા બાદ દબાવી રાખેલી લાગણીઓ પર કાબૂ રાખવો એ દરેક માટે મુશ્કેલ હતું. ફરી એક વાર કપૂર-પરિવારમાં ટેન્શનનું આગમન થઈ ચૂક્યું હતું. કૃષ્ણા કપૂરના હિતેચ્છુઓ અને વિશ્વાસુ માણસો રાજ કપૂરની ગતિવિધિઓની રજેરજ જાણકારી તેમને પહોંચાડતા હતા. એ સૌ આ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની સાથે હતા અને તેમને ‘મોરલ સપોર્ટ’ કરતા હતા. કૃષ્ણા કપૂર આ વખતે નમતું જોખવાના મૂડમાં નહોતાં. તેમણે નક્કી કર્યું હતું કે કોઈ પણ પરિસ્થિતિમાં હું હાર માનવાની નથી.

અંતે જે થવાનો સૌને ડર હતો એ થઈને રહ્યું. બૅન્ગલોરના ‘સંગમ’ના પ્રીમિયર સમયે કૃષ્ણા કપૂર હાજર હતાં. પડદા પર જે પ્રણયત્રિકોણ ભજવાતો હતો એ પ્રેક્ષકો માટે મનોરંજન હતું. અહીં અસલી જીવનનાં ત્રણ પાત્રો એકમેકની સામસામે હતાં. અત્યાર સુધી દબાવી રાખેલી લાગણીઓ, ઇચ્છાઓ અને પીડા એકસાથે જ્વાળામુખી બનીને બહાર આવી અને એ રાતે બૅન્ગલોરની વેસ્ટ એન્ડ હોટેલમાં રાજ કપૂર અને કૃષ્ણા કપૂર વચ્ચે જે ઝઘડો થયો એમાં સઘળી મર્યાદા ચૂર-ચૂર થઈ ગઈ.

હોટેલ છોડીને કૃષ્ણા કપૂર રાતોરાત મુંબઈ જવા નીકળી ગયાં. ઘરે પહોંચીને બૅગ-બિસ્તર બાંધી, બાળકોને લઈને તેઓ નટરાજ હોટેલ પહોંચી ગયાં. પત્રકાર બની રુબેન એ ઘટનાને યાદ કરતાં લખે છે, ‘મુકેશજીના મારા પર ફોન પર ફોન આવતા હતા. બૅન્ગલોરમાં શું બન્યું એની વાત કરતાં મને કહે, આપણે હમણાં ને હમણાં કૃષ્ણાબહેનજીને મળવા જવું જોઈએ. હું તમને લેવા આવું છું.

અમે ત્રણે જણ નટરાજ હોટેલ પહોંચ્યા. ત્યાં જઈને જોયું તો કૃષ્ણાજીના અનેક હિતેચ્છુઓ હાજર હતા. વાતવરણ તંગ હતું. તેઓ રાજ કપૂરની તરફેણની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતા. તેમણે નક્કી કર્યું હતું કે હવે મારે કપૂર-પરિવાર સાથે છેડો ફાડી નાખવો છે. અમે કલાકો સુધી ત્યાં બેઠા. અમને ખબર હતી કે તેમની દરેક વાત સાચી હતી. અમારી પાસે તેમના સવાલનો કોઈ જવાબ નહોતો.

એ પછીના દિવસોમાં મુંબઈની નટરાજ હોટેલમાં ઇન્ડસ્ટ્રીનાં અનેક મોટાં માથાંઓની આવન-જાવન રહી. પૂરા શહેરમાં આ વાતની ચર્ચા હતી. સૌથી વધુ રાજ કપૂરનાં માતા-પિતા, દિલીપકુમાર અને રાજેન્દ્રકુમાર ત્યાં આવતા-જતા. એમ છતાં કૃષ્ણાજી નમતું જોખવા રાજી નહોતાં. તેમને માટે હવે વધુ અવહેલના સહન કરવી અશક્ય હતી. તેમનો એ વખતનો આક્રોશ જોઈને સૌને લાગવા માંડ્યું કે તેઓ કોઈ પણ હાલતમાં ઘરે પાછાં નહીં આવે, પરંતુ તેમનો ભાંગવા આવેલો સંસાર છેવટે બચી ગયો, પણ એ કોને લીધે?

એક પિતા તરીકે પૃથ્વીરાજ કપૂરને પોતાના પરિવારની પ્રતિષ્ઠાની ખૂબ ચિંતા હતી. તેમણે હાથ જોડીને કૃષ્ણા કપૂરને સમજાવ્યાં અને અંતે કૃષ્ણાજી માન્યાં અને ઘરે પાછાં ફર્યાં. એમ કહેવાય છે કે જ્યારે નર્ગિસને આ વાતની ખબર પડી ત્યારે તેનાથી રહેવાયું નહીં. એક સ્ત્રીનું દર્દ, એમાં પણ એક પરિણીત સ્ત્રીનું દર્દ બીજી પરિણીત સ્ત્રી જ જાણી શકે. નટરાજ હોટેલ જઈને તેણે કૃષ્ણા કપૂરને સમજાવવાની કોશિશ કરી હતી.

‘સંગમ’ના શૂટિંગ દરમ્યાન રાજ કપૂરની અત્યંત નિકટ આવેલી વૈજયંતીમાલાની હાલત એકદમ કફોડી થઈ ગઈ હતી. રાજ કપૂરની નજીક આવતાં પહેલાં તે સંપૂર્ણ શાકાહારી હતી, પરંતુ તેની સાથેની નિકટતા બાદ તે માંસાહારી બની ગઈ હતી. એ મિલન ‘સંગમ’ના ફિલ્માંકન પૂરતું જ જીવિત રહ્યું. સમય જતાં તેને એટલું સમજાઈ ચૂક્યું હતું કે રાજ કપૂર કદી કૃષ્ણા કપૂરને છોડીને તેની સાથે લગ્ન નહીં કરે. મુગ્ધાવસ્થામાં વર્ષો સુધી જે ભૂલ નર્ગિસે કરી એ ભૂલ વેજયંતીમાલા કરવા માગતી નહોતી. રાજ કપૂરના જીવનમાં જે તમાશો ચાલતો હતો એ દરમ્યાન બન્ને વચ્ચે એક અંતર વધતું જતું હતું. છેવટે તેણે એક એવું પગલું ભર્યું કે દુનિયા ચોંકી ઊઠી. તેણે રાજ કપૂરના ફૅમિલી ફિઝિશ્યન ડૉ. બાલી સાથે લગ્ન કરવાનો નિર્ણય લઈ લીધો.

આમ કેમ બન્યું એની વિગતો જાણીએ તો એમ જ લાગે કે આવું તો ફિલ્મોમાં જ બને, જીવનમાં નહીં. ‘સંગમ’ના યુરોપના શૂટિંગમાં ડૉ. બાલી પણ સામેલ હતા. ત્યાં જ બન્નેનો પરિચય થયો હતો. જ્યારે રાજ કપૂર ત્રણ મહિના ‘સંગમ’ની ટેક્નિકલર પ્રિન્ટ્સના પ્રોસેસ અને પોસ્ટ પ્રોડક્શન વર્ક માટે લંડન ગયા ત્યારે તેમણે ડૉ. બાલીને મુંબઈમાં એકલી રહેતી વૈજયંતીમાલાની સારસંભાળ રાખવાની જવાબદારી સોંપી હતી. બન્યું એવું કે ડૉ. બાલીએ પોતાની જવાબદારીઓની જરૂરિયાત કરતાં વધારે સંભાળ રાખી હતી.

મજાની વાત તો એ હતી કે રાજ કપૂર અને નર્ગિસે ડૉ. બાલીનાં પહેલાં લગ્નમાં મદદ કરી હતી. ડૉ. બાલી રાજ કપૂરના મિત્ર હતા. નર્ગિસના કાકાની દીકરી રૂબી અવારનવાર નર્ગિસ સાથે શૂટિંગમાં આર. કે. સ્ટુડિયો આવતી. અહીં તેની મુલાકાત ડૉ. બાલી સાથે થઈ. બન્ને પ્રેમમાં પડ્યાં અને લગ્ન કરવાનું નક્કી કર્યું. બન્નેના પરિવારનો વિરોધ હતો એટલે નર્ગિસ અને રાજ કપૂરે ‘મોરલ સપોર્ટ’ આપીને બન્નેનાં લગ્ન કરવી આપ્યાં. નર્ગિસ રાજ કપૂરના જીવનમાંથી ચાલી ગયા બાદ બન્ને પતિ-પત્નીનો સંસાર સુખરૂપ ચાલતો હતો. ‘સંગમ’ના શૂટિંગ દરમ્યાન થયેલો બન્નેનો પરિચય રાજ કપૂરના ત્રણ મહિનાના લંડન-પ્રવાસ દરમ્યાન નિકટતામાં પરિણમ્યો અને ડૉ. બાલીએ રૂબીને છૂટાછેડા આપીને વૈજયંતીમાલા સાથે પરણવાનું નક્કી કર્યું. એમ કહી શકાય કે રાજ કપૂર સાથેના સંબંધનું ભવિષ્ય અંધકારમય છે એ વાતની પ્રતીતિ થતાં વૈજયંતીમાલાએ ડૉ. બાલીનો હાથ પકડીને પોતાનું સંતુલન જાળવી રાખ્યું.’

જ્યારે રાજ કપૂરને આ વાતની ખબર પડી ત્યારે (નર્ગિસની વિદાય બાદ) ફરી એક વાર તેમણે પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું. પીડાને ભુલાવવા તેમણે શરાબનો સાથ લીધો. દિવસરાત ચાલતું મદ્યપાન જોઈને પૃથ્વીરાજ કપૂર ચિંતામાં પડી ગયા. પત્રકાર ઇસાક મુજાવર એ પરિસ્થિતિની વાત કરતાં લખે છે, ‘રાજ કપૂરની આવી હાલત જોઈને તેઓ તેમના પગે પડ્યા અને છલકાતી આંખે એક જ વિનંતી કરી...

‘બેટા, દરેક બાપની છેવટની એક જ ઇચ્છા હોય છે અને એ પોતાના અંતિમ સંસ્કાર પોતાના દીકરાના હાથે થાય. એના વગર તેના આત્માને શાંતિ નથી મળતી. મૃત્યુ પછી મારા આત્માને પણ આ જ શાંતિ જોઈએ છે. એ મને મળે એ માટે દિવસરાત ચાલતું તારું આ મદ્યપાન બંધ કર. નહીં તો દીકરાના હાથે બાપના અંતિમ સંસ્કાર થાય એ દુનિયાની રીત હોવા છતાં એ બદલાઈને તારા અગ્નિસંસ્કાર કરવાનો વારો મારો આવશે, અને પછી મારા મૃત્યુ બાદ મને મોક્ષ નહીં મળે. મારો આત્મા ક્યાંક ભટકતો રહેશે. મહેરબાની કરીને મારો આવો વખત ન આવે એ જોજે.’
પૃથ્વીરાજ કપૂરની દર્દભરી વિનંતીએ રાજ કપૂરની આંખ ઉઘાડી નાખી. ત્યાર બાદ માંડ-માંડ રાત-દિવસ ચાલતું મદ્યપાન અટકાવ્યું અને તેમના જીવનનું નાયિકાઓ સાથેનું અંતિમ પ્રકરણ પૂરું થયું.

રાજ કપૂરના મૃત્યુ પહેલાં જ ડૉ. બાલીનું મૃત્યુ થયું, પરંતુ વૈજયંતીમાલાએ પછી કદી પાછળ ફરીને રાજ કપૂર સામે જોયું નહીં, પણ રાજ કપૂર તેને કદી ભૂલી ન શક્યા. સમય જતાં તેને યાદ કરીને મિત્રોને કડવા સ્વરે મજાકમાં કહેતા, ‘કહેનારા કહી ગયા છે કે An apple a day keeps a doctor away. પણ એ વાત સાવ ખોટી છે. વૈજુને હું રોજ કેટલાંય ફ્રૂટ્સ ખવડાવતો, તો પણ હું ડૉ. બાલીને તેનાથી દૂર ન રાખી શક્યો.’

છેવટના સમયે તો તેઓ સૌની સામે વૈજયંતીમાલાને યાદ કરીને કૃષ્ણા કપૂરને કહેતા, ‘કાલે રાતે વૈજુ મારા સપનામાં આવી હતી.’ વર્ષો પહેલાં મૂઢ માર ખાઈને જેની ત્વચાએ મરણતોલ ઘા ઝીલ્યા હોય તેને સોયનો ઘા સહન કરતી વખતે લોહીનું ટશિયું ફૂટતું હશે કે નહીં એ પ્રશ્નનો જવાબ મળતો નથી. 

columnists rajani mehta