પુત્રને જિતાડવા માટે પિતા દરરોજ તેની સાથે તેના જેટલું જ દોડ્યા છે

09 June, 2023 03:47 PM IST  |  Mumbai | Rajul Bhanushali

કોવિડના કપરા દિવસોમાં પણ આ બાપદીકરાએ વર્કઆઉટમાં એક્કેય દિવસ ખાડો નહોતો પાડ્યો. જ્યારે  લૉકડાઉનમાં આખી દુનિયા થંભી ગઈ ત્યારે પણ દોડવાનું થંભ્યું નહોતું.

યુગ નંદા

બોરીવલીમાં રહેતો બાર વર્ષનો યુગ નંદા બે વાર રનિંગમાં સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ લઈ આવ્યો છે. પાંચ વર્ષથી શરૂ થયેલી ટ્રેઇનિંગ આજે પણ અસ્ખલિત ચાલુ જ છે. જોકે તેની આ જર્નીમાં તેની સાથે તેના પિતાની મહેનત તમને અચંબામાં મૂકી દે એવી છે, આવા જઝ્બા સાથે બોરીવલીમાં રહેતા બાર વર્ષના યુગ નંદાએ સ્ટેટ લેવલ પરના મેડલ્સ જીત્યા છે

બોરીવલીમાં રહેતા બાર વર્ષના યુગ નંદાનાં લક્ષણ તેની શાળાના ઍથ્લિટ ટીચર સુમિત સિંગસરને એ પાંચ વર્ષનો હતો ત્યારે પીટી પિરિયડમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં દોડતો ત્યારે જ પરખાઈ ગયાં હતાં. આ નાનકડો યુગ અને તેના પપ્પા દીપકભાઈ, બંને બાપદીકરો એકદમ કમાલના છે. યુગે રનિંગમાં સ્ટેટ લેવલ પર બે વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. પોતાના દીકરાની વાત હોંશથી કરતાં આ પ્રાઉડ પિતા કહે છે, ‘આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં પીટીના સર રહેતા અને કસરત વગેરે કરાવતા એવી જ રીતે યુગની સ્કૂલમાં સુમિતસર છે. એ રોજ છોકરાઓને કસરત કરાવે, દોડાવે. નાનકડા યુગને સ્કૂલના ગ્રાઉન્ડમાં દોડતો જોઈ સુમિતસરે દીપકભાઈને સલાહ આપી કે તમારો દીકરો સામાન્ય નથી. તેનામાં જુદા લેવલની ટૅલન્ટ છે. તેને તમે ઍડિશનલ ક્લાસ જૉઇન કરાવો. આગળ જઈને તે પોતાના નામનો ડંકો વગાડશે. તૈયારી કરાવડાવો. અને અમે તેને એક્સ્ટ્રા ટ્રેઇનિંગ માટે મોકલવાનું શરૂ કર્યું.  ટ્રેઇનિંગ સ્ટાર્ટ થઈ ત્યારે તે મારી સાથે બાઇક પર આગળ બેસતો અને હવે પાછળ બેસે છે.’

દીકરાએ તો ચાલો બે ગોલ્ડ મેડલ જીત્યા છે એટલે એ તો કમાલનો છે જ, પણ તેના પિતા પણ જરાય ઓછા નથી. યુગ પાંચ વર્ષનો હતો ત્યારથી લઈને બાર વર્ષનો થયો ત્યાં સુધી જેટલું દોડ્યો છે એટલું જ તેના પપ્પા દીપકભાઈ પણ સાથે દોડ્યા છે. દીપકભાઈ કહે છે, ‘તે પાંચ વર્ષનો હતો ત્યારે અમે તેને એક્સ્ટ્રા ટ્રેઇનિંગ માટે નાખ્યો. આટલા નાના બાળક માટે રોજની દોઢ કલાકની આકરી મહેનત કરવી સહેલી નથી. બાળક થાકે, કંટાળે અને કદાચ ટ્રેઇનિંગ માટે આવવા તૈયાર ન પણ થાય એવું બને. એટલે મેં પણ તેની સાથે દોડવાનું ચાલુ કર્યું. આ સાત વર્ષમાં તે જેટલું દોડ્યો છે એટલું જ હું પણ તેની સાથે દોડ્યો છું. બાળકો નાનાં હોય ત્યારે પિતાને હીરો તરીકે જોતા હોય છે. ફૉલો કરતા હોય છે. હું દોડું તો તેને થાય કે પપ્પા દોડે છે તો મારે પણ દોડવું છે. તેનો એવો માઇન્ડ સેટ થઈ ગયો. તે રોજના ચારસો મીટરના દસ રાઉન્ડ મારે એટલા હું પણ મારું. તે તેની સ્પીડે હોય અને હું મારી સ્પીડે. જેટલી વાર તેના પગ ચાલે, મારા પણ ચાલે જ. રોજ સવારના પાંચ વાગીને વીસ મિનિટે ટ્રેઇનિંગમાં પહોંચવાનું હોય અને સાત વાગ્યે સ્કૂલ હોય. યુગ સવારના જ બૅગ, ટિફિન અને યુનિફૉર્મ લઈને ગ્રાઉન્ડ પર આવે. ટ્રેઇનિંગ પતી જાય એટલે ત્યાંથી જ સીધો સ્કૂલમાં જાય. યુનિફૉર્મ પણ સ્કૂલમાં જ ચેન્જ કરે. તેને સ્કૂલમાં મૂકીને હું ઘરે જાઉં. તેને એવું ન લાગે કે હું એકલો છું. યુગને સ્કૂલ તરફથી પણ ઘણી છૂટ મળી છે. નૉર્મલી બધાં બાળકોને સ્કૂલ યુનિફૉર્મના ભાગરૂપે કાળા કલરના કૅન્વસનાં શૂઝ પહેરવાનાં હોય છે પણ યુગનાં શૂઝ નૉર્મલ નથી, એ જુદાં છે. યુનિફૉર્મ પણ થોડો જુદો છે. સ્કૂલે મારા દીકરા માટે પોતાના બંધારણમાં ફેરફાર કર્યો છે. તેને બધાનો ખૂબ સપોર્ટ મળી રહ્યો છે.’

યુગનાં મમ્મી હેતલબહેન પણ દીકરાનું રૂટીન બરાબર જળવાય એ જુએ છે. દીપકભાઈ વાતનું અનુસંધાન સાધતાં કહે છે, ‘અમે આ કરી શકીએ છીએ એમાં યુગનાં મમ્મીનો પણ બહુ મોટો ફાળો છે. અમે બન્ને વહેલી સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળીએ. તે વહેલી ઊઠીને પહેલાં નાસ્તો, ટિફિન અને બૅગ વગેરે તૈયાર કરી લે. પછી અમને ઉઠાડે અને ચા-નાસ્તો કરાવીને ઘરેથી મોકલે. યુગ રાત્રે દસ વાગ્યે સૂઈ જાય. મમ્મી તો એ સમયે ફ્રી ન હોય એટલે રોજ રાત્રે યુગને સુવડાવવાનું કામ તેની દાદીએ ઉપાડી લીધું છે. યુગને દાદી વગર ઊંઘ નથી આવતી. દસ વાગે એટલે બંને દાદી-પૌત્ર પોતાની રૂમમાં જઈને સૂઈ જાય. યુગનું આ રૂટીન અને ડિસિપ્લિન સચવાય છે એમાં તેની મમ્મી અને દાદીનો બહુ મોટો ફાળો છે. અમે વર્કઆઉટમાં એકે દિવસ રજા નથી પાડતા. તહેવાર હોય કે વેકેશન, અમને કશું જ નથી નડતું. વર્કઆઉટ અમારા બંનેની આદત પડી ગઈ છે. તે બે વખત સ્ટેટ લેવલ પર ગોલ્ડ મેડલ જીત્યો છે. મહારાષ્ટ્રના દરેક જિલ્લામાંથી ટૉપના ત્રણ રનર્સ ફાઇનલ્સમાં ભાગ લેવા આવે. સહેજે ચારસો-પાંચસો જેટલા પાર્ટિસિપન્ટ્સ થઈ જાય. એમાંથી ગોલ્ડ મેડલ જીતવો એ ખરેખર ગર્વની વાત છે.’

કોવિડના કપરા દિવસોમાં પણ આ બાપદીકરાએ વર્કઆઉટમાં એક્કેય દિવસ ખાડો નહોતો પાડ્યો. જ્યારે  લૉકડાઉનને કારણે આખી દુનિયા થંભી ગઈ હતી ત્યારે પણ દોડવાનું થંભ્યું નહોતું. આ કેવી રીતે શક્ય બન્યું એ સવાલના જવાબમાં હસતાં-હસતાં દીપકભાઈ કહે છે, ‘પહેલા લૉકડાઉનમાં શરૂઆતના સાતઆઠ મહિના તો બધું બિલકુલ ઠપ હતું ત્યારે અમે અમારા બિલ્ડિંગની ટેરેસ પર દોડતા. સવારના પાંચથી સાડાછ વાગ્યા સુધી અમે વર્કઆઉટ અને પ્રૅક્ટિસ કરતા. એટલી વહેલી સવારે ટેરેસ પર કોઈ જ આવતું નહીં. પછી જ્યારે લૉકડાઉન થોડું હળવું થયું અને કોવિડનો ડર પણ થોડોક ઓછો થયો ત્યારે અમે સોસાયટી કૉમ્પ્લેક્સના રોડ પર દોડતા. થોડાક મહિના એવું ચાલ્યું. અમારી સોસાયટીની બરાબર સામે એક મોટું ગાર્ડન છે. જોકે જાહેર ગાર્ડનો અને એ બધું તો હજી બંધ હતું. મેં એ ગાર્ડનના વૉચમૅનને રિક્વેસ્ટ કરી કે અમને સવારના પાંચ વાગ્યે વર્કઆઉટ કરવા માટે આવવા દો. વૉચમૅને કહ્યું કે હું ગેટ ન ખોલી શકું. પણ તમે જો આટલા વહેલા આવીને દિવસ ઊગ્યા પહેલાં નીકળી જવાના હો તો દીવાલ કૂદીને અંદર જઈ શકો છો. એ કદાચ મારી વાત સમજ્યો હતો કે જે બાળક રોજ સવારના પાંચ વાગ્યે દોડવા આવે છે તેનું પૅશન કઈ હદનું હશે. અમે મહિનાઓ સુધી આ રીતે ગાર્ડનની દીવાલ કૂદીને પ્રૅક્ટિસ કરી છે. યુગનું જમવામાં-ઊઠવામાં-સૂવામાં-ટ્રેઇનિંગમાં ગજબનું ડિસિપ્લિન છે. તેને ઊઠાડવા માટે ક્યારેય બીજી બૂમ પાડવી પડી નથી. આજ સુધી ક્યારેય એવું નથી કહ્યું કે હું બહુ થાકી ગયો છું કે કંટાળો આવે છે કે હજી બે મિનિટ સૂવા દો. ગયા વર્ષે સ્ટેટ લેવલની કૉમ્પિટિશનથી મહિના પહેલાં યુગને તાવ આવ્યો. એમાંથી વીસેક દિવસે તે સાજો થયો. ખૂબ નબળાઈ આવી ગયેલી. અમને સમજાઈ રહ્યું હતું કે આ વર્ષે ભાગ નહીં લઈ શકાય. પરંતુ યુગ માન્યો નહીં. તેણે કહ્યું, ભલે હારી જાઉં  પણ હું ગ્રાઉન્ડમાં પર જઈશ જ. અને હું તેને લઈ ગયો. એ ફાઇનલ સુધી પહોંચ્યો પણ જીતી શક્યો. પરંતુ એની ટીમ રિલેમાં સિલ્વર મેડલ લઈ આવી.’

યુગની આ સફળતાની ક્રેડિટ દીપકભાઈ પરિવારના સભ્યો અને તેના સરને આપતાં દીપકભાઈ કહે છે, ‘અમે જૉઇન્ટ ફૅમિલીમાં રહીએ છીએ. ઘણી વાર હેતલને રાત્રે સૂવામાં મોડું થાય પણ એ સવારના સમયસર ઊઠી જ જાય. આ સફળતામાં યુગના સર સુમિતભાઈનો પણ ઘણો હાથ છે. ક્યારેય એવું નથી બન્યું કે અમે ગ્રાઉન્ડ પર પહોંચીએ એનાથી પહેલાં તે ન આવ્યા હોય. પાંચેક મિનિટ  મોડું થયું હોય તો ઠપકો ચોક્કસ સાંભળવા મળે.

તેઓ ક્યારેય વારતહેવારની રજા નથી લેતા અને નથી આપતા. સર કાયમ કહેતા હોય છે કે મેરા તહેવાર તભી આતા હૈ જબ મેરે બચ્ચે મેડલ લાતે હૈં. ઉસ દિન મેરે ઘર મેં મીઠાઈ બનતા હૈ ઓર સેલિબ્રેશન ભી હોતા હૈ. યુગ સાથેની આ પ્રવૃત્તિને કારણે મારી હેલ્થ પણ સારી રહે છે. યુગને કારણે હું પણ ફિટ રહું છું. બીજું, તેના કારણે અમે પણ ડિસિપ્લિનથી જીવીએ છીએ, એની પૉઝિટિવ અસર મારા ધંધા પર પણ પડે છે. સવારના બ્રાહ્મમુહૂર્તમાં તમે જે પણ કામ કરો એ સફળ થાય. એ સમયે કુદરત સાથે કનેક્ટ થવાય છે. એ સમયે હવામાં ઑક્સિજનનું લેવલ પણ ઊંચું હોય એટલે ભરપૂર પૉઝિટિવિટી હોય. અગાઉ ઋષિમુનિઓ એટલે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠતા. કચ્છીઓમાં આને અમૃતવેળા કહેવાય છે. યુગ જો દોડતો ન હોત તો અમને રોજ આ અમૃત વેળાનો લાભ ન મળત. ગયા મહિનાની સત્તર તારીખે તેને બાર વર્ષ પૂરાં થયાં. આ વર્ષે તે અન્ડર ફોર્ટીનમાં દોડશે. એની તૈયારી અમે ચાલુ કરી દીધી છે.’

columnists