કોર્ટના ચુકાદાનો અમલ ન કરું તો છ મહિનાની કેદ, અમલ કરું તો આજીવન કેદની સજા

05 September, 2026 05:51 PM IST  |  Mumbai | Deepak Mehta

ખુલાસો : ૧. અહીં કશું કલ્પનાથી ઉમેર્યું નથી. ટિળક, મલબારી વગેરેનાં અખબારોમાં પ્રગટ થયેલાં લખાણોના આધારે લખ્યું છે. મલબારીનું મૂળ લખાણ ટૂંકાવ્યું છે.

ગોપાળ ગણેશ આગરકર અને બહેરામજી મલબારી

‘બેટા, હવે તારે પાક્કો નિર્ણય લેવાનો વખત આવી ગયો છે. કોર્ટના હુકમને માથે ચડાવીને ઘર માંડવું છે કે પછી ૬ મહિના જેલમાં જવું છે?’

રખમાબાઈ થોડી ક્ષણો માટે ઓરમાન પિતા સખારામ અર્જુન સામે તાકી રહી. આજ સુધી ક્યારેય તેમની આંખ સામે આંખ મેળવીને વાત કરી નહોતી. મોટા ભાગે તો તેઓ જે કંઈ કહે એના હકારમાં માથું નમાવીને ‘જી’ એટલું જ બોલતી. પણ ના, આજે તેમની આંખ સાથે આંખ મેળવવી પડશે. આજે માત્ર ‘જી’થી કામ નહીં ચાલે. માથું સહેજ ઊંચું કરીને તે હળવા પણ મક્કમ અવાજે બોલી, ‘કોર્ટના ચુકાદાનો અમલ ન કરું તો છ મહિના માટે જેલમાં જવું પડશે, પણ જો એ ચુકાદાનો અમલ કરીશ તો-તો મારે આજીવન કેદની સજા ભોગવવી પડશે. હું ૬ મહિનાની કેદ ભોગવવા તૈયાર છું.’ આ સાંભળીને સખારામભાઉની આંખોમાં ચમક આવી. આ છોકરી તો સગ્ગી દીકરી કરતાં પણ... પછી હળવે સાદે એટલું જ બોલ્યા : ‘મને આવા જવાબની જ આશા હતી.’ આ સાંભળીને રખમાબાઈની આંખોના ખૂણા સહેજ ભીના થયા. પછી માથું નમાવી, બે હાથ જોડીને હળવે પગલે તે બીજા ઓરડામાં ગઈ.

સખારામભાઉ આરામખુરસીમાં બેઠા હતા. પાસે એક ગોળ ટિપાઈ હતી. એના પર પાથરેલો હતો એક ભરત ભરેલો ટેબલક્લોથ. રખમા ગયા પછી ટિપાઈ પર પડેલાં છાપાં સખારામભાઉએ ઉપાડ્યાં. પહેલું હાથમાં લીધું ‘મરાઠા.’ બાળ ગંગાધર ટિળક એના તંત્રી. કુલ ૮ પાનાંનો અંક. એમાંનાં ૬ પાનાં ટિળકે રખમાબાઈના કેસને ફાળવ્યાં હતાં! તેમણે આ કેસને હિન્દુ ધર્મની પરંપરાનું ખંડન કરતા કેસ તરીકે ઓળખાવ્યો હતો. હિન્દુ શાસ્ત્રોમાં લગ્ન એ કરાર નથી એક પવિત્ર બંધન છે એ વાત માનનીય જજસાહેબો સમજી શક્યા નથી અને એ બંધનનું પાલન કરવું એ કોઈ પણ હિન્દુ સ્ત્રીની ફરજ છે. હિન્દુ સમાજમાં જો કોઈ સુધારાની જરૂર હશે તો એ એ સમાજના લોકો કરશે, અદાલતે કે સરકારે એમાં દખલ કરવી જોઈએ નહીં. હવે રખમાબાઈ પાસે બે જ રસ્તા છે : કાં હિન્દુ શાસ્ત્રના બંધન પ્રમાણે વરનું ઘર માંડવું અને કાં બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદા પ્રમાણે જેલમાં જવું. જોકે અદાલતે કરેલી સજા તો ઘણી ઓછી છે. ચોરી, છિનાળું, ખૂન કરનારને જેમ આકરી સજા ભોગવવી પડે છે એવી જ રીતે રખમાબાઈને પણ આકરી શિક્ષા થવી જોઈતી હતી એવો મત ટિળકે પ્રગટ કર્યો હતો (મરાઠા, ૧૨ જૂન, ૧૮૮૭). આ કેસમાં રખમાબાઈની તરફેણ કરનારા બહેરામજી મલબારી, આગરકર, ન્યાયમૂર્તિ રાનડે, ગોપાલ કૃષ્ણ ગોખલે વગેરેનો પણ ટિળકે ઊધડો લઈ નાખ્યો હતો.


રખમાબાઈને પૂરેપૂરો ટેકો આપનાર મલબારીનું અઠવાડિક.

પોતાની સહી સાથેના અગ્રલેખમાં ટિળકે લખ્યું હતું : ‘અંગ્રેજ સરકારને હિન્દુ ધર્મ, એની માન્યતાઓ, એના રીતરિવાજો વગેરેમાં દખલ કરવાનો કોઈ હક નથી. આપણા સમાજમાં જો કોઈ બાબતમાં સુધારો લાવવાની જરૂર હશે તો એ માટેનાં પગલાં આપણે ભરીશું, અંગ્રેજો કે તેમની અદાલતો નહીં. હિન્દુ ધર્મ પ્રમાણે લગ્ન એ એક પવિત્ર બંધન છે અને એક વાર લગ્ન થઈ ગયા પછી પતિનું ઘર માંડવાનો ઇનકાર કરવો એ ગુનો નથી પણ પાપ છે.’ એક નિસાસો નાખીને સખારામભાઉએ એ છાપું બાજુએ મૂક્યું.

બીજું છાપું હાથમાં લીધું. એમાં ગોપાળ ગણેશ આગરકરનો લેખ હતો, ‘અત્યારે આપણા દેશમાં સમાજસુધારાની તાતી જરૂર છે. સ્ત્રીઓને લગતી અનેક બાબતોમાં બદલાવ લાવવાની જરૂર છે. એ માટે અંગ્રેજ સરકારની, એણે સ્થાપેલી અદાલતોની મદદ લેવી પડે તો લેવામાં કશું ખોટું નથી. આપણા દેશમાં આપણા લોકોનું રાજ સ્થપાય એ માટે લડવું પડે તો લડીશું; પણ જો સરકાર કે અદાલતની મદદથી સમાજસુધારો થતો હોય, સ્ત્રીઓના જીવનમાં બદલાવ લાવી શકાતો હોય તો એમ કરવામાં કશું ખોટું નથી.’

પછી ઉપાડ્યું બહેરામજી મલબારી જેના તંત્રી હતા એ ‘ધી ઇન્ડિયન સ્પેક્ટેટર’. રખમાબાઈનો કેસ શરૂ થયો ત્યારથી જ મલબારીએ રખમાબાઈને પૂરેપૂરો ટેકો આપ્યો હતો. પંડિતા રમાબાઈ સાથે મળીને તેમણે રખમાબાઈ ડિફેન્સ કમિટીની સ્થાપના કરી હતી, વકીલોની સલાહ લીધી હતી, ફન્ડફાળો ઉઘરાવ્યો હતો. કેસ ચાલતો હતો ત્યારે પણ અવારનવાર મલબારી રખમાબાઈની તરફેણમાં લખતા રહ્યા હતા. આજે મલબારીએ તેમના અખબારમાં રખમાબાઈની તરફેણમાં લાંબો લેખ લખ્યો હતો, ‘આ આખા ખટલા દરમ્યાન કેટલાંક અખબારો વારંવાર દહીંમાંથી દૂધમાં અને દૂધમાંથી દહીંમાં પગ ઝબોળતાં આવ્યાં છે એ ખરેખર શરમજનક છે તો કેટલાંક અખબારો તો એમ જ માનતાં આવ્યાં છે કે સ્ત્રીનું સ્થાન પુરુષ કરતાં નીચું છે અને નીચું રહેવું જ જોઈએ, હંમેશ માટે. પિતા, ભાઈ, પતિ વગેરે પુરુષોની એકેએક ઇચ્છા કે માગણી પૂરી કરવી એ જ સ્ત્રીનો ધર્મ છે. આપણા બાપદાદા કંઈ મૂરખા નહોતા. તેમણે સ્થાપેલી પરંપરામાં મીનમેખ કરવાનો સરકારને કે અદાલતોને અધિકાર નથી. ધર્મની બાબતોમાં સરકારે કે અદાલતોએ માથું ન મારવું જોઈએ એમ કેટલાકનું કહેવું છે તો કેટલાક કહે છે કે હા, બિનજરૂરી દખલ કોઈની ચલાવી ન લેવાય. પણ જે ખોટું કે ખરાબ હોય એને સુધારવાનો હક લોકોને છે એમ સરકારને અને અદાલતને પણ છે.’ મલબારીએ લખ્યું હતું કે ‘અહીં મારે એ ખુલાસો કરવો જોઈએ કે રખમાબાઈ સાથે મારે કોઈ પ્રકારનો અંગત સંબંધ નથી એટલે એવા કોઈ કારણસર હું તેની તરફેણ કરું છું એવું નથી. ન કરે નારાયણ અને આવતી કાલે દાદાજી પણ અન્યાયનો ભોગ બને તો હું તેને પણ ટેકો આપું જ. રખમાબાઈ અત્યારે એકલી પડી ગઈ છે એટલે તેના પડખે ઊભા રહેવું એને હું મારો ધર્મ સમજું છું. તે એટલી તવંગર નથી કે આ કેસ પોતાનાં બાવડાંના બળે લડી શકે. એટલે જ તેને પૈસાની અને બીજી મદદ કરવા માટે પંડિતા રમાબાઈએ અને મેં સાથે મળીને ફન્ડ ઊભું કર્યું હતું. મારી દૃષ્ટિએ જૂના, જર્જરિત કુરિવાજો અને માન્યતાઓએ રખમાબાઈ જેવી એક ગભરુ છોકરીનો ભોગ લીધો છે. દાદાજી તો પુરુષ છે એટલે પરંપરા પ્રમાણે તે ગમે એટલી સ્ત્રી સાથે લગ્ન કરી શકે કે લગ્ન કર્યા વગર પણ સંબંધ બાંધી શકે, તેને કોઈ રોકી કે ટોકી ન શકે; પણ રખમાબાઈ તો છોકરીની જાત! તેણે તો ધર્મ, સમાજ, કુટુંબની વેદી પર હસતે મોઢે પોતાની જાતની આહુતિ જ આપવાની હોય.’ બીજા બધા તો ઠીક, અદાલતે પણ એમ જ કહ્યું છે. ગ્રેટ બ્રિટનમાં ઘડાયેલો કાયદો સ્ત્રી અને પુરુષ બન્નેને લગ્નના ભોગવટાનો કે એની ફરીથી અમલબજાવણી કરવાનો હક આપે છે, પણ એ દેશમાં બાળલગ્નો થતાં નથી; પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષનાં જ લગ્ન થાય છે એટલે restitutionનો હક બન્નેને હોય છે. જોકે રખમાબાઈના કેસમાં તો બાળલગ્ન થયાં છે. બન્ને વચ્ચે જાતીય સંબંધ બંધાયો જ નથી. તો જે સંબંધ બંધાયો જ નથી એના restitutionનો સવાલ જ કઈ રીતે ઊભો થાય? બૉમ્બે હાઈ કોર્ટનું કહેવું છે કે એણે હિન્દુઓનાં લગ્નના કાયદાને ધ્યાનમાં રાખીને ચુકાદો આપ્યો છે, પણ હકીકતમાં એની નજર સામે લગ્ન અંગેનો બ્રિટિશ કાયદો અને પરંપરા રહ્યાં છે. અદાલતનો આ નિર્ણય જાણે આપણા દેશના લોકોને કહી રહ્યો છે કે ‘તમે તમારા રિવાજ અને મરજી મુજબ બાળલગ્નો કરતા રહો. પછી એ વિશે કોઈ વિખવાદ થાય તો અમે મૅરેજ-બ્રોકર તરીકે, પોલીસ તરીકે અને જેલર તરીકે તમને મદદ કરીશું અને જેલર તરીકે ‘ગુનેગાર’ને જેલના સળિયા પાછળ ધક્કેલી દઈશું.’

આ વાંચતી વખતે સખારામભાઉની આંખમાં ઝળઝળિયાં હતાં. તેઓ વિચારતા હતા : આ બહેરામજી મલબારી! જાતે પારસી તોય લગ્નની વેદી પર શહીદ બનતી હિન્દુ છોકરી માટે તેના મનમાં કેવી વેદના! તેને મદદરૂપ થવાની કેટલી ધગશ! પણ પછી સખારામભાઉનું મન ચકડોળે ચડ્યું : રખમા તો તૈયાર છે, પણ એમ કંઈ તેને જેલમાં જવા દેવાય? પણ હવે કાનૂની રીતે તો આગળ વધાય એમ નથી. બૉમ્બે હાઈ કોર્ટના ચુકાદા સામે અપીલ તો છેક ગ્રેટ બ્રિટનની પ્રિવી કાઉન્સિલમાં કરવી પડે. પુષ્કળ પૈસા અને સમય જોઈએ એ માટે. એના કરતાં સાપ મરે નહીં ને લાઠી ભાંગે નહીં એવો કોઈક રસ્તો...

સખારામભાઉ આવું કંઈક વિચારતા હતા ત્યારે રખમાબાઈ તો જાણે સરૂપ ધ્રુવની પંક્તિઓ ગણગણતી હતી:

કુળની મર્યાદા ને ધર્મોની જાળમાં

રૂઢિ-રિવાજ અને ઘરની જંજાળમાં

કેટલા દિવસ હવે રહીશું રે લોલ.

આપણાં દુઃખોને હવે આપણે ફેડવાં

ટક્કર ઝીલવી છે, હવે આંસુ રેડવાં

વજ્જર હૈયાના અમે થઈશું રે લોલ

ખુલાસો : . અહીં કશું કલ્પનાથી ઉમેર્યું નથી. ટિળક, મલબારી વગેરેનાં અખબારોમાં પ્રગટ થયેલાં લખાણોના આધારે લખ્યું છે. મલબારીનું મૂળ લખાણ ટૂંકાવ્યું છે.

. કેટલાક લખનારાઓએ કહ્યું છે કે રખમાબાઈએ પોતાની વાત માંડતો કાગળ ક્વીન વિક્ટોરિયાને લખ્યો હતો અને એને કારણે રાણીએ બૉમ્બે હાઈ કોર્ટનો ચુકાદો રદબાતલ કર્યો હતો, પણ વિશે બૉમ્બે હાઈ કોર્ટના દફતરમાં કે બીજે ક્યાંય કોઈ દસ્તાવેજી પુરાવો મળતો નથી. રખમાબાઈના સમકાલીન લખનારાઓમાંથી કોઈએ આવું કશું લખ્યું નથી.

. કેટલાકને સવાલ થયો છે કે રખામાબાઈ સુપ્રીમ કોર્ટમાં કેમ ગયાં? જવાબ સીધો છે : વખતે સુપ્રીમ કોર્ટ ઑફ ઇન્ડિયાનું અસ્તિત્વ નહોતું. એની સ્થાપના ૧૯૫૦ની ૨૬ જાન્યુઆરીએ થઈ. પહેલાં જો અપીલ કરવી હોય તો લંડનમાં પ્રિવી કાઉન્સિલને કરવી પડતી, પણ એમ કરવામાં ઘણો સમય જતો અને પ્રક્રિયા પુષ્કળ ખર્ચાળ હતી. સંજોગોમાં સખારામભાઉએ કયો માર્ગ અપનાવ્યો એની વાત હવે પછી.

columnists mumbai news whats on mumbai things to do in mumbai gujarati mid day deepak mehta