26 March, 2026 12:57 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
આજના ભાગદોડભર્યા જીવનમાં જો આપણને સૌથી વધુ કોઈ વસ્તુ પરેશાન કરતી હોય તો એ પ્રતીક્ષા છે. આપણને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે, પરંતુ જ્યારે આપણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જીવન તરફ નજર કરીએ છીએ ત્યારે સમજાય છે કે તેમનું આખું જીવન એક લાંબી પ્રતીક્ષાનું જ બીજું નામ હતું. સાઇકોલૉજી કહે છે કે પ્રતીક્ષા માત્ર સમય પસાર કરવો નથી પણ એક કળા છે. જો આપણે આ કળા શીખી લઈએ તો જે સમય આપણને ‘વેડફાયેલો’ લાગે છે એ જ સમય આપણને એક પરિપક્વ વ્યક્તિ બનાવી શકે છે. ચાલો ૧૩ વર્ષનો અનુભવ ધરાવતાં સાઇકોથેરપિસ્ટ નમ્રતા જૈન પાસેથી જાણીએ પ્રતીક્ષાના બે પ્રકારો પૅસિવ અને ઍક્ટિવ વેઇટિંગ વિશે જે આપણા માનસિક સ્વાસ્થ્ય અને ભવિષ્યને નક્કી કરે છે.
જ્યારે આપણે પ્રતીક્ષા શબ્દ સાંભળીએ છીએ ત્યારે મનમાં તરત જ એક લાચારીનો ભાવ જાગે છે. આપણને લાગે છે કે કોઈએ આપણી સ્વતંત્રતા છીનવી લીધી છે. જોકે સાઇકોલૉજી કહે છે કે પ્રતીક્ષા એ કોઈ બાહ્ય પરિસ્થિતિ નથી, આપણો એક આંતરિક પ્રતિભાવ છે. આપણે કેવી રીતે રાહ જોઈએ છીએ એના પરથી નક્કી થાય છે કે આપણે સમયના હાથે હારીશું કે સમયને જીતીશું. પૅસિવ વેઇટિંગ એક એવી અવસ્થા છે જ્યાં તમે માનો છો કે તમારો કીમતી સમય કોઈએ ચોરી લીધો છે. માની લો કે તમે ટ્રાફિક જૅમમાં ફસાયા છો, તમે સતત હૉર્ન વગાડો છો, વારંવાર ઘડિયાળ જુઓ છો અને મનમાં ને મનમાં સિસ્ટમ કે નસીબને કોસો છો. આને રીઍક્ટિવ અવસ્થા કહેવાય. અહીં તમે સમયને એક દુશ્મન તરીકે જુઓ છો જે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચતાં રોકી રહ્યો છે. આ પ્રક્રિયામાં તમારી બધી જ માનસિક ઊર્જા માત્ર ફરિયાદ કરવામાં અને ચિંતા કરવામાં ખર્ચાઈ જાય છે, પરિણામે જ્યારે તમે તમારા ગંતવ્યસ્થાને પહોંચો છો ત્યારે તમે માનસિક રીતે સાવ થાકી ગયા હો છો. ઍક્ટિવ વેઇટિંગ એવી અવસ્થા છે જેમાં તમે જાણો છો કે રાહ જોવી અનિવાર્ય છે, તેથી તમે સમયના વિક્ટિમ બનવાને બદલે એના માસ્ટર બનો છો. સક્રિય પ્રતીક્ષા એટલે પરિણામની રાહ જોતી વખતે પોતાની જાતને એ પરિણામ માટે લાયક બનાવવી. એ અત્યંત પર્પઝફુલ એટલે કે હેતુપૂર્ણ છે.
બન્ને પ્રકારની પ્રતીક્ષા વચ્ચેનો મૂળભૂત તફાવત તમારા ઇરાદામાં રહેલો છે. પ્રતીક્ષા માત્ર સમય પસાર કરવાની ક્રિયા નથી, તમારા મનની એક સ્થિતિ છે. પૅસિવ વેઇટિંગમાં તમારું મન સંપૂર્ણપણે ડેસ્ટિનેશન એટલે કે અંતિમ પરિણામ પર કેન્દ્રિત હોય છે. તમારા મનમાં સતત એક જ સવાલ ચાલતો હોય છે, આ ક્યારે થશે? અથવા મારો વારો ક્યારે આવશે? જ્યારે આપણું ધ્યાન માત્ર ‘ક્યારે’ પર હોય છે ત્યારે દરેક સેકન્ડ આપણને સજા જેવી લાગે છે અને આપણે વર્તમાન ક્ષણને વેડફી નાખીએ છીએ. ઍક્ટિવ વેઇટિંગમાં તમારું મન તૈયારીમાં કેન્દ્રિત હોય છે. અહીં સવાલ બદલાઈને ઘણો રચનાત્મક બની જાય છે, જેમ કે હું રાહ જોતી વખતે મારો વિકાસ કેવી રીતે કરી શકું? તમે એ સમજી લો છો કે પરિણામ તમારા હાથમાં નથી, પણ એ સમયનો ઉપયોગ કેવી રીતે કરવો એ ચોક્કસ તમારા હાથમાં છે.
આપણે કઈ રીતે રાહ જોઈ રહ્યા છીએ એની સીધી અસર આપણા શરીર અને મન પર પડે છે. પૅસિવ વેઇટિંગ અવસ્થામાં આપણું શરીર ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં આવી જાય છે. શરીરમાં કૉર્ટિઝોલ નામના સ્ટ્રેસ-હૉર્મોનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે હૃદયના ધબકારા તેજ થાય છે અને સ્વભાવમાં ચીડિયાપણું આવી જાય છે. તમે અંદરથી સાવ થાકી ગયેલા અનુભવો છો કારણ કે તમારી બધી જ ઊર્જા સમય સાથે લડવામાં અને કેમ વાર લાગે છે એવી મથામણમાં ખર્ચાઈ જાય છે. બીજી બાજુ ઍક્ટિવ વેઇટિંગ અવસ્થામાં તમે માનસિક રીતે શાંત અને એકાગ્ર હો છો. તમારું શ્વસનતંત્ર સ્થિર રહે છે. તમે આ સમય દરમિયાન કોઈ નાના કામમાં અથવા આત્મચિંતનમાં વ્યસ્ત હોવાથી એન્ગેજ્ડ અનુભવો છો. તમારી ઊર્જા વેડફાવાને બદલે એક ચોક્કસ દિશામાં વળે છે જે તમને માનસિક શાંતિ આપે છે.
આપણે જે રીતે પ્રતીક્ષા કરીએ છીએ એની અસર આપણા વ્યક્તિત્વ અને માનસિક શાંતિ પર કાયમી છાપ છોડે છે. ક્રૉનિક પૅસિવ વેઇટિંગમાં જ્યારે આપણે લાંબા સમય સુધી માત્ર રાહ જોવાની જ ફરિયાદ કરીએ છીએ ત્યારે એ આપણને બર્નઆઉટ અને કડવાશ તરફ દોરી જાય છે. આપણને એવું લાગવા માંડે છે કે આપણે લાચાર છીએ અને સમય આપણને કચડી રહ્યો છે. જ્યારે પ્રતીક્ષાનો આ ગાળો પૂરો થાય છે ત્યારે આપણે માનસિક રીતે વધુ નબળા અને નકારાત્મક બનીને બહાર આવીએ છીએ. ઍક્ટિવ વેઇટિંગ આપણામાં રેઝિલિયન્સ એટલે કે લડવાની શક્તિ અને અને પરિપક્વતા લાવે છે. તમે સમયને તમારી શક્તિ બનાવતાં શીખો છો. રામે વનવાસનાં ૧૪ વર્ષ માત્ર દિવસો ગણીને કાઢ્યા નહોતા. તેમણે આ સમયનો ઉપયોગ ઋષિ-મુનિઓને મળવામાં, જ્ઞાન મેળવવામાં અને આત્મબળ વધારવામાં કર્યો હતો. એટલે જ્યારે પ્રતીક્ષા પૂરી થઈ ત્યારે તેઓ પોતાની ભાવિ જવાબદારીઓ (રાવણવધ અને રામરાજ્ય) માટે વધુ સજ્જ અને શક્તિશાળી બનીને બહાર આવ્યા હતા.
નિષ્ક્રિયતામાંથી સક્રિયતા તરફ જવા માટે તમારે તમારી માનસિકતા બદલવાની જરૂર છે. પ્રતીક્ષાના સમયને ખાલી સમય માનવાને બદલે એને લર્નિંગ ગૅપ તરીકે જુઓ. જો તમે બસની રાહ જોઈ રહ્યા હો કે કોઈ અપૉઇન્ટમેન્ટની, તો એ નાની ક્ષણોનો ઉપયોગ કંઈક નવું શીખવા માટે કરો. તમે કોઈ પુસ્તકનું એક પાનું વાંચી શકો છો, કોઈ માહિતીપ્રદ પૉડકાસ્ટ સાંભળી શકો છો અથવા કોઈ નવી ભાષાના પાંચ શબ્દો શીખી શકો છો. આ રીતે જ્યારે તમારી પ્રતીક્ષા પૂરી થશે ત્યારે તમે પહેલાં કરતાં વધુ જ્ઞાની હશો. જ્યારે આપણે લાઇનમાં ઊભા હોઈએ છીએ ત્યારે આપણો હાથ તરત જ ખિસ્સામાંથી ફોન કાઢવા માટે ટેવાયેલો છે. આ વખતે કંઈક અલગ કરો. ફોન જોવાને બદલે તમારી આસપાસના વાતાવરણનું નિરીક્ષણ કરો. લોકોના ચહેરા, આકાશનો રંગ અથવા આસપાસના અવાજો પર ધ્યાન આપો. આ પ્રક્રિયા તમારા મગજને શાંત રાખશે અને તમારી એકાગ્રતા વધારશે. આ તમને હાલની ક્ષણમાં જીવતાં શીખવશે. વિલંબ અથવા પ્રતીક્ષાનો ઉપયોગ તમારી યોજનાઓને ફરીથી તપાસવા માટે કરો. જો કોઈ મોટું કામ અટક્યું હોય તો એ સમયમાં તમારી સ્ટ્રૅટેજીને ડબલ ચેક કરો. શું કોઈ એવી ભૂલ છે જે રહી ગઈ છે? શું આનાથી વધુ ઝડપથી કામ થઈ શકે? આ તૈયારીને કારણે જેવી પ્રતીક્ષા પૂરી થશે ત્યારે તમે અન્ય લોકો કરતાં ઘણી વધુ ઝડપથી અને સચોટતાથી આગળ વધી શકશો.
આધુનિક જીવનશૈલીએ આપણા મગજને ઇન્સ્ટન્ટ ગ્રૅટિફિકેશન માટે ટ્રેઇન કરી દીધું છે. ટેક્નૉલૉજીએ આપણી ઇચ્છા અને એની પૂર્તિ વચ્ચેનો જે સમયગાળો હતો એને લગભગ ખતમ કરી નાખ્યો છે. ભૂખ લાગે તો ફૂડ-ડિલિવરી ઍપ મિનિટોમાં ખાવાનું હાજર કરે છે, કંઈક જાણવું હોય તો ગૂગલ એક સેકન્ડમાં જવાબ આપે છે અને મનોરંજન માટે રીલ્સ આંગળીના ટેરવે છે. પરિણામે જ્યારે જીવન આપણને કોઈ એવી સ્થિતિમાં મૂકે છે જ્યાં આપણે ફરજિયાત રાહ જોવી પડે ત્યારે આપણું મગજ એને જીવનના સ્વાભાવિક ભાગ તરીકે સ્વીકારવાને બદલે એક સિસ્ટમ-એરર તરીકે જુએ છે. આપણને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે અને એ જ અકળામણ જન્માવે છે; પરંતુ આપણે સમજવું પડશે કે પ્રતીક્ષા એ સમયનો વેડફાટ નથી, વિકાસનું એક સાધન છે. જો આપણે આ ગાળાને વેઇટિંગ પિરિયડને બદલે ગ્રોથ પિરિયડ માનીએ તો સમય આપણને તોડવાને બદલે ઘડવાનું કામ કરશે. હેતુપૂર્ણ પ્રતીક્ષા આપણને અંદરથી મજબૂત બનાવે છે.