30 July, 2026 06:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જયેશ ચિતલિયા
હાલ દેશમાં જંતરમંતર ઉપરાંત આવનારી ફિલ્મ રામાયણની અને અયોધ્યાના રામ મંદિરમાં થયેલી ચોરીની ચર્ચા ચાલી રહી છે ત્યારે સત્તાની લડાઈનું રાજકારણ પણ જોરમાં આવી ગયું છે અને એક અલગ મહાભારત મંડાયું છે. પ્રજાએ વિવેકબુદ્ધિ સાથે વિષયને સમજવો જોઈશે, ટોળાં કે માત્ર સોશ્યલ મીડિયાના પ્રચારના આધારે નહીં
વાતનો આરંભ રામાયણથી કરીએ. રામાનંદ સાગરે બનાવેલી ‘રામાયણ’ સિરિયલનો એક જમાનો હતો. એ જે સમયે ટીવી પર દર્શાવાતી એ સમયે ઘેર-ઘેર રામાયણ છવાઈ ગયું હતું. રામનું પાત્ર ભજવનાર કલાકાર અરુણ ગોવિલને આજ સુધી લોકો રામ તરીકે જુએ છે અને સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા આજે પણ સીતા તરીકે જાણીતાં રહ્યાં છે. અને હા, રાવણ તરીકે અરવિંદ ત્રિવેદી પણ ભુલાશે નહીં. જોકે એ સમય અથવા એ જમાનો પૂરો થયો. નવી પેઢી અને જેન-ઝી નામની નવી જનરેશન આવી ગઈ છે. ટેક્નૉલૉજીથી લઈને મોબાઇલ, સોશ્યલ મીડિયા, OTT મંચ, રીલ્સ જેવાં અનેકવિધ પરિવર્તનો આકાર પામી ચૂક્યાં છે.
યસ, હવે ‘રામાયણ’ નામની બૉલીવુડની મેગા અને મોંઘી ફિલ્મ આવી રહી છે જેના કલાકારોમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં છે, સાઉથનો સ્ટાર યશ રાવણની, સાઉથની ૨૩ વરસની જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવી સીતાના રોલમાં, સની દેઓલ હનુમાનની ભૂમિકામાં છે. બહુબધું નવું-નવું છે. એની જાહેરાત થઈ ત્યારથી અને હવે જ્યારે એનું ટ્રેલર લૉન્ચ થયું ત્યારથી એ ચર્ચાના ચકડોળે ચડી ગઈ છે. સંખ્યાબંધ ગજબની રીલ્સ ફરતી થઈ ગઈ છે. હવે તો દરેક બાબતની કે ઘટનાની પબ્લિસિટી પરાકાષ્ઠાએ છે. માર્કેટિંગના અને સોશ્યલ મીડિયાના યુગમાં મેદાન વિરાટ છે અને ખુલ્લું પણ છે.
તાજેતરમાં સિનિયર આર્ટિસ્ટ અનુ કપૂરે ‘રામાયણ’ ફિલ્મમાં નવી સીતાની ભૂમિકા કરનાર સાઈ પલ્લવી વિશે સવાલ ઉઠાવ્યો કે તે કઈ રીતે આ રોલ માટે પાત્ર બની શકે? આ તો એક પાત્રની વાત થઈ. આ સવાલ રણબીર કપૂર સામે પણ થઈ રહ્યો છે. ક્યાં ‘ઍનિમલ’ ફિલ્મનો આ કપૂર અને ક્યાં રામનો રોલ? સનીથી લઈ વિવિધ કલાકારોની એક જુદી-જુદી ઇમેજ અને બ્રૅન્ડ છે. આ સ્ટાર્સને લોકો ‘રામાયણ’ની ભૂમિકામાં કઈ રીતે સ્વીકારાશે? મસમોટો સવાલ એ છે કે રામાયણના મૂળને આ ફિલ્મ કેટલી નિષ્ઠાથી રજૂ કરી શકશે? આમ તો આ ફિલ્મ ગ્લોબલ સ્તરે રજૂ થવાની હોવાથી આખું જગત એને જોશે; પરંતુ શું ફિલ્મ રામાયણના સંદેશને, ભાવને, કથાને, મૂલ્યોને, બલિદાનને, એની ગહનતાને ન્યાય આપી શકશે? આજની પેઢી એને કઈ દૃષ્ટિએ જોશે અને સમજશે? કારણ કે વર્તમાન સમય તો રામરાજ્ય કે રામાયણથી બહુ-બહુ દૂર છે. ઉપરથી મહત્તમ મહાભારત ચાલી રહ્યું છે. આજની તારીખમાં ‘રામાયણ’ ફિલ્મ તરીકે જગતને શું પાઠ શીખવી શકશે? સિનેમૅટિક સ્વતંત્રતા લેવામાં એનું હાર્દ ચૂકી જવાય નહીં એની કેટલી કાળજી લેવાશે? જો આમાં નિષ્ફળતા મળી તો રામાયણના સાર અને ભગવાન શ્રીરામ વિશે શું નવી ધારણાઓ બનશે? કહેવું કે ધારવું કઠિન છે. જોકે એની સફળતા સમાજમાં કઈ વિચારધારા લાવી શકશે? આપણે અત્યારથી જજમેન્ટલ ન થઈએ.
હાલ જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં પૈસાની ચોરીના કિસ્સા બહાર આવ્યા ત્યારથી લોકોની દૃષ્ટિ બદલાવાની શરૂઆત થઈ છે. યાત્રાળુઓની સંખ્યા ઘટવા લાગી છે, કારણ કે લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે તો ફિલ્મની શું વિસાત? અલબત્ત, સમાજ પર ફિલ્મોની અસર બહુ વ્યાપક થતી હોય છે. બાય ધ વે, અત્યારે તો ચોરોને બદલે શ્રદ્ધાળુઓ જાણે ભગવાન રામને જવાબદાર ગણતા હોય એમ રામ મંદિરથી દૂર થઈ રહ્યા છે અને બીજી બાજુ અન્ય મંદિરોમાંથી પણ દાનપેટીમાંથી પૈસાની ચોરીના કિસ્સા બહાર આવતા થયા છે. આવી ઘટનાઓને કારણે ‘ઉપકાર’ ફિલ્મનું ગીત યાદ આવ્યા વિના રહી શકે નહીં : દેતે હૈ ભગવાન કો ધોકા, ઇન્સાં કો ક્યા છોડેંગે...
છેલ્લે જંતરમંતરની વાત પર આવીએ, કેમ કે આ જંતરમંતરના આંદોલનને પણ રામાયણ સાથે સંબંધ ગણાય ખરો. આમ તો આપણે રામરાજયની વાતો કરીએ છીએ જેમાં સત્તા છોડવાની-ત્યાગવાની અને વચનો નિભાવવાની કથા આવે છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાએ પર વચન ન જાએ. આપણે એવા કાળમાં જીવી રહ્યા છીએ જ્યાં વચનો માત્ર બોલબચન ગણાય છે. સત્તાનો (ખુરસીનો) ત્યાગ તો છોડો, એ પામવા માટે કેટલાય લોકો દેશને પણ ગિરવી મૂકવા કે વેચી દેવા તૈયાર હોય છે. આ વખતના આંદોલન સામે સરકાર મોડી પડી અને મોળી પણ પડી. વધારે પડતું મૌન મોંઘું પડી શકે છે એ સરકારની નિષ્ક્રિયતાએ સાબિત કર્યું. આખરે સત્તાએ-સરકારે ઝૂકવું પડ્યું. ત્યાં સુધીમાં સરકારની અને વડા પ્રધાનની ઇમેજને ગંભીર દાગ લાગી ગયો હતો. વડા પ્રધાને ખરેખર તો યુવાનોને સમજવાની અને સમજાવવાની તક ગુમાવી. આવી ભૂલ માત્ર સત્તાપક્ષને જ નહીં, રાષ્ટ્રને પણ ભારે પડતી હોય છે. અહંકાર રાવણનો હોય કે કોઈ પણ સત્તાનો હોય, એણે નીચે ઊતરી જવું પડે જ છે. અન્યથા અહંકાર દેશને અંધકાર તરફ લઈ જઈ શકે છે.
રામાયણ અને મહાભારત આ બન્નેમાં પણ રાજકારણ તો છે જ, પરંતુ બન્નેના રાજકારણમાં ફરક મોટો છે. આજના સમયમાં સત્તાનું રાજકારણ જે રીતે ચાલે છે એમાં માત્ર એક દેશ નહીં, વિશ્વના અન્ય દેશો પણ સામેલ થઈ જતા હોય છે. ભારતને દુશ્મનોની જરાય કમી નથી, અંદર અને બહાર પણ. જંતરમંતરની રમતમાં કોણ ક્યાંથી કઈ બાજી રમી જાય છે એ સમજવું કઠિન હોય છે.
હે રામ...
મીડિયા અને સોશ્યલ મીડિયા બાજી ક્યાંથી ક્યાં ફેરવી શકે છે એ જાહેર છે. સરકારી ઉપેક્ષાને કારણે વિપક્ષોને મસ્ત મોકો મળી ગયો. યુવા વર્ગનો સદુપયોગ અને દુરુપયોગ કરવાની પ્રથામાં દુરુપયોગ કાયમ સફળ રહ્યો છે. રાજકારણમાં માસ હિપ્નોટિઝમ સરળતાથી થઈ શકે છે. આંદોલન ગાંધીજી કરતા એ જુદાં અને અત્યારનાં જુદાં છે, કેમ કે ધ્યેય જુદાં છે. કોણ કોના તરફથી કામ કરી રહ્યું છે એ સમજવા જેટલી પરિપક્વતા આજના યુવાનોમાં આવી છે ખરી? કેમ કે તેમને ગેરમાર્ગે દોરવા માટે સ્થાપિત હિતો રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત રહે છે. દુર્યોધન, શકુનિ, મંથરા, કૈકયી સહિતના અનેક લોકો રાજકારણ રમવામાં વ્યસ્ત છે. હવે ગાંધીબાપુ ક્યાં? તેઓ તો છેલ્લે હે રામ... બોલીને ગયા એ ગયા.