14 September, 2025 05:10 PM IST | Mumbai | Rajani Mehta
સંગીતકાર રામલાલ
ક્રિકેટની સીઝન શરૂ થઈ ગઈ છે. ફરી વાર, વારંવાર, તમારા, મારા, આપણા સૌના મનપસંદ ખેલાડીઓ અને તેમની યાદગાર પારીઓની ચર્ચા થશે, તેમનાં ગુણગાન ગવાશે. પરંતુ ભારતીય ક્રિકેટની વિજયગાથાઓમાં અમુક એવા ખિલાડીઓ છે જે આગિયાની જેમ થોડા સમય માટે ચમક્યા અને ગુમનામીના અંધારામાં ફેંકાઈ ગયા. આજે જસુ પટેલ, રમાકાન્ત દેસાઈ, નરેન્દ્ર હીરવાણી, એલ. શિવરામક્રિષ્ન, વિનોદ કાંબલી અને બીજા ક્રિકેટરોને કોઈ યાદ નથી કરતું કારણ કે ભલે તેમણે પોતાની કાબેલિયતને કારણે ભારતને છૂટાછવાયા વિજય અપાવ્યા; પરંતુ તેઓ લાંબી ઇનિંગ્સ ન રમ્યા.
એવું જ કંઈક સંગીતકાર રામલાલ સાથે થયું. આપણે નૌશાદ, સી. રામચન્દ્ર, શંકર જયકિશન, ઓ. પી. નય્યર, સચિન દેવ બર્મન અને બીજા સંગીતકારોને સતત યાદ કરતા રહીએ છીએ પરંતુ સજ્જાદ હુસેન, ગુલામ અહમદ, જી. એસ. કોહલી, રામલાલ અને બીજા અનેક સંગીતકારોને સૌ ભૂલી ગયા છે કારણ કે સંખ્યાની દૃષ્ટિએ તેમણે નહીંવત ફિલ્મો કરી. જે ફિલ્મથી પોતાની નોંધ લેવાઈ એની વાત કરતાં રામલાલ મને કહે છે, ‘મારા એક મિત્ર દ્વારા મને ખબર પડી કે વી. શાંતારામ ‘સેહરા’ માટે શંકર-જયકિશનને મનાવે છે, પણ વાત બનતી નથી. આ સાંભળી હું શાંતારામ પાસે ગયો અને કહ્યું કે આ પહેલાં પણ મેં તમને કહ્યું હતું કે એક મોકો આપો. ત્યારે તમે કહ્યું હતું કે હજી સમય નથી આવ્યો. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે. શાંતારામે કહ્યું, તારાં ગીતો સંભળાવ. એટલે મેં ‘‘માયા મછિન્દ્ર’’ની રેકૉર્ડ આપી. તેમણે કહ્યું ‘એ તો ઠીક પણ તું કંઈક સંભળાવ. ઇન્ડસ્ટ્રીમાં એવું બને છે કે ફિલ્મમાં સંગીત કોઈ આપે, અસિસ્ટન્ટ ધૂન બનાવે, ક્રેડિટ કોઈ ત્રીજાને મળે. તું મારી સામે બેસ અને તારાં કમ્પોઝિશન સંભળાવ.’ તેમણે મને ફિલ્મની સ્ટોરી કહી. લગભગ એક મહિનો હું રાજકમલ સ્ટુડિયો જતો અને તેમની ફુરસદે સિચુએશન પર અલગ-અલગ ધૂન સંભળાવતો. તેમનો પૂરો સ્ટાફ ત્યાં હાજર રહેતો. તેમને મારી અમુક ધૂનો ગમી. આમ મહિને ૫૦૦ રૂપિયાના પગારે હું રાજકમલમાં જોડાયો અને ‘સેહરા’’ મળી.’
મેં પ્રશ્ન કર્યો, ‘એ સમયે તો ગીત પહેલાં લખાતું હતું. તો પછી તમારી ધૂનોનું શું થયું?’ મને કહે, ‘હા, એ વખતે મોટા ભાગે એવું જ થતું પરંતુ આ ફિલ્મના ‘તકદીર કા ફસાના જા કર કિસે સુનાએ’, ‘પંખ હોતે તો ઉડ જાતી મૈં’ અને ‘જા જા જારે તુઝે હમ જાન ગએ’ની ધૂન પરથી હસરત જયપુરીએ ગીતો લખ્યાં છે.’
‘એ સમયે ‘લીડર’ (નૌશાદ) અને ‘સંગમ’ (શંકર જયકિશન) રિલીઝ થવાની હતી. શાંતારામ કહે, ‘કૉમ્પિટિશન તગડા હૈ. હમ પીછે ના રહ જાએ.’ હું કૉન્ફિડન્ટ હતો. કહ્યું, ‘એક બાર પિક્ચર લગને દો.’ ‘સેહરા’નાં ગીતો લોકપ્રિય થયાં અને લોકો મને જાણતા થયા. હું તો વાંસળીવાદક બનવા માગતો હતો અને શહેનાઈ વગાડતાં-વગાડતાં સંગીતકાર બની ગયો. એક વાતનો અફસોસ રહ્યો કે ઇન્ડસ્ટ્રીમાં સી. રામચન્દ્ર, વસંત દેસાઈ અને મદન મોહન સિવાય કોઈએ મારી તારીફ ન કરી. મને જોઈએ એવી શોહરત ન મળી.’
‘એક કાર્યક્રમમાં મારી મુલાકાત શમ્મી કપૂર સાથે થઈ. તેમને ‘સેહરા’નું સંગીત ખૂબ પસંદ હતું. ખાસ કરીને ‘લાગી મસ્ત નઝર કી કટાર, દિલ કે ઉતર ગઈ પાર’ (મોહમ્મદ રફી) તેમનું ફેવરિટ હતું. મેં કહ્યું ‘જો તમારા પર પિક્ચરાઇઝ થયું હોત તો ગીત હિટ થઈ જાત.’
એક આડવાત. ફિલ્મનો હીરો હતો વલસાડનો ગુજરાતી યુવાન કનુ કૂવાવાળા. શાંતારામે તેનું ફિલ્મી નામ રાખ્યું પ્રશાંત. તેની બીજી ફિલ્મ યાદ આવે છે ‘ઍડ્વેન્ચર્સ ઑફ રોબિનહૂડ’, જેની હિરોઇન હતી પરવીન ચૌધરી.
પોતાની વીતેલી યાદોને તાજા કરતાં રામલાલ કહે છે, ‘‘સેહરા’ બાદ શાંતારામે સામેથી મને ‘ગીત ગાયા પથ્થરોં ને’ માટે પસંદ કર્યો. મારો પગાર વધીને ૮૦૦ રૂપિયા થયો. મેં ફિલ્મમાં નવા પ્રયોગ કર્યા. ટાઇટલ ગીત વિખ્યાત ક્લાસિકલ સિંગર કિશોરી આમોનકરના સ્વરમાં રેકૉર્ડ કર્યું. ‘મંડવે તલે ગરીબ કે, દો ફૂલ ખિલ રહે હૈં’ માટે શાંતારામ મન્ના ડેનો આગ્રહ રાખતા હતા પણ મેં સી. એચ. આત્માના સ્વરમાં ગીત રેકૉર્ડ કર્યું. (યાદ આવે છે ‘રોઉં મૈં સાગર કે કિનારે, સાગર હંસી ઉડાએ’ (નગીના– શંકર-જયકિશન - શૈલેન્દ્ર) આ ગીતને કારણે વિસરાયેલા અભિનેતા સુરેન્દ્ર અને ગાયક સી. એચ. આત્મા સૌને યાદ આવ્યા.) આ ગીતમાં મેં હાર્મોનિયમ વગાડ્યું છે.’
વૃદ્ધાવસ્થાની પીડા અને જીવનભરની અવહેલના ભૂલીને રામલાલ જે રીતે ભૂતકાળને વાગોળી રહ્યા હતા એ ક્ષણો યાદગાર હતી. તેમના ચહેરા પર ભલે ક્ષણિક તો ક્ષણિક, એ સમયની રોનક ચમકતી હતી. ‘તેરે ખયાલોં મેં હમ, તેરી હી બાહોં મેં હમ’ (આશા ભોસલે) માટે પથ્થર ટાંકવાની છીણીનો અવાજ રેકૉર્ડ કરવાનો હતો. રાતભર ઘરનાં વાસણ ખખડાવીને હું ચેક કરતો હતો કે યોગ્ય રણકો શેમાંથી મળશે, પણ મેળ નહોતો ખાતો. રાતના ત્રણ વાગ્યા હતા. ત્યાં અચાનક મારી નજર દીવાલ પર પડી. મારી સાળી રોમથી એક વાસણ લઈ આવી હતી જે શોપીસ તરીકે ટિંગાડ્યું હતું. ચમચીથી એના પર ટકોરો માર્યો અને મને જોઈતો સ્વર મળી ગયો.’
આજના યુગમાં ટેક્નૉલૉજી એટલી આગળ વધી છે કે બેસૂરાને સૂરમાં ગાતા કરી મૂકે છે એટલું જ નહીં, અમુક અળવીતરા ભેજાઓ મોદી સાહેબના અવાજમાં ‘કિસી કી મુસ્કરાહટોં પે હો નિસાર’નું વર્ણસંકર અવતરણ જાહેરમાં સર્ક્યુલેટ કરે છે. એની તુલનામાં વીતેલા યુગના સંગીતકારો ગીતને એક આગવો સ્પર્શ આપવા જે મથામણ કરતા એને સો-સો સલામ કરવી પડે. અનેક ગીતો એવાં છે જેમાં યોગ્ય રણકો મેળવવા માટે સંગીતકારોએ જે નુસખા શોધ્યા છે એના વિશે વિસ્તારથી લખી શકાય.
જીવનની ઢળતી સાંજે રામલાલ ‘વો ભૂલી દાસ્તાં, લો ફિર યાદ આ ગઈ’ની જેમ સમાપન કરતાં કહે છે, ‘જે હોય તે, મને કોઈ માટે ફરિયાદ નથી. સંગીત સાથે જીવન મળ્યું. વિલાયત ખાં, પન્નાલાલ ઘોષ, રામનારાયણ તિવારી, લતા મંગેશકર, મોહમ્મદ રફી, આશા ભોસલે, એસ. જાનકી અને બીજા મોટા કલાકારો સાથે કામ કરવાનો મોકો મળ્યો એટલે જન્મારો સફળ થયો. પહેલાં પૈસા ઓછા મળતા ત્યારે સંતોષ વધુ મળતો. આજે એક રેકૉર્ડિંગના ૧૦૦૦ મળે છે ત્યારે નથી સંતોષ મળતો કે નથી પૈસા બચતા. એક જ ઇચ્છા છે, રહેવાની સારી સગવડ થઈ જાય તો બાકીની જિંદગી આરામથી ગુજરે.’
એક સમયે કોલાબામાં ફ્લૅટમાં રહેતા અને હું મળ્યો ત્યારે ખેતવાડીની ચાલમાં ગૂંગળાતા રામલાલને મહારાષ્ટ્ર સરકારે આર્ટિસ્ટ ક્વોટામાંથી ફ્લૅટ આપ્યો કે નહીં એ વિશે મારી પાસે પાકી માહિતી નથી.
સંગીતકાર બન્યા એ પહેલાં અને પછી રામલાલે જે ગીતોને શહેનાઈના સૂરોથી સજાવ્યા એમાંનાં થોડાં ગીતો યાદ આવે છે. ‘ગોરે ગોરે હાથોં મેં મેહંદી લગાકે’ (પરિણીતા), ‘યે હૈ જનમ જનમ કે ફેરે’ (ટાઇટલ ગીત), ‘આ લૌટ કે આ જા મેરે મીત’ (રાની રૂપમતી), ‘આએ ના બાલમ વાદા કર કે’ (શબાબ), ‘બેકસ પે કરમ કીજિએ સરકારે મદીના’ (મુગલ-એ-આઝમ), ‘ઇન્સાફ કા મંદિર હૈ યે, ભગવાન કા ઘર હૈ’ (અમર), ‘હાય સાવન બન ગયે નૈન’ (કરોડપતિ), ‘સાંવરિયા રે, અપની મીરા કો ભૂલ ના જાના’ અને ‘ગા રહી હૈ ઝિંદગી હર તરફ બહાર મેં’ (આંચલ) લિસ્ટ લાંબું છે.
વર્ષો પહેલાં આપેલા એક ઇન્ટરવ્યુમાં રામલાલ કહે છે, ‘મારા મ્યુઝિશ્યન મિત્ર ચાકો સાથે હોટેલ તાજમહલમાં બર્થ-ડે પાર્ટીમાં એક અંગ્રેજી મહિલાએ મારું શહેનાઈવાદન સાંભળ્યું. રીટા પિયાનો-પ્લેયર હતી. તેની સાથે ઓળખાણ થઈ અને થોડા જ દિવસમાં તેણે કહ્યું, આપણે લગ્ન કરીએ. મને ખબર નથી તેને મારી કઈ વાત પસંદ આવી. મેં હા પાડી અને અમે પરણી ગયાં.’
આ લેખ માટે વધુ માહિતી મેળવવા રામલાલની પુત્રી સંગીતા મેનેઝિસનો સંપર્ક કરવો હતો પરંતુ તે ક્યાં છે એની જાણકારી ન મળી. આશા છે ભવિષ્યમાં તેનો સંપર્ક થાય.
૨૦૦૭ની ૪ જુલાઈના દિવસે અંતિમ શ્વાસ લેતી વખતે નક્કી રામલાલ પ્રાણપ્રિય શહેનાઈને યાદ કરતાં ગણગણતા હશે; તૂ છૂપી હૈ કહાં, મૈં તડપતા યહાં...