ષડ્‍યંત્ર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ 2)

27 October, 2021 11:52 AM IST  |  Mumbai | Rashmin Shah

‘બાત તો સહી હૈ.’ સંતોષે સુધાકરના કપાળ પર હાથ મૂક્યો, ‘સમંદર જીસ ઉફાન મેં થા, ઉસે દેખતે તો યે બચ ગયે હૈં યે માનના મુશ્કિલ હૈ...’

‘તમે શું માનો છો, શિવાનીએ તમારા પતિને કયા કારણે ફસાવ્યો હશે?’

 ‘બાત તો સહી હૈ.’ સંતોષે સુધાકરના કપાળ પર હાથ મૂક્યો, ‘સમંદર જીસ ઉફાન મેં થા, ઉસે દેખતે તો યે બચ ગયે હૈં યે માનના મુશ્કિલ હૈ...’

‘ફર્સ્ટ ફ્લોર, પ્રભાકર આર્કેડ, દામોદર મેડિકલ સ્ટોર્સની સામે, જવાહરનગર, એસ. વી. રોડ, ગોરેગામ...’

ઍડ્રેસ લખાવતી વખતે શિવાનીનું ધ્યાન ઇન્સ્પેક્ટર સંતોષ પર જ હતું. ઇન્સ્પેક્ટર સંતોષ સ્માર્ટ હતો. દેખાવથી પણ અને દિમાગથી પણ.

‘સ્માર્ટ જો દોસ્ત ન બને તો

વાંધો નહીં, પણ સ્માર્ટની દુશ્મની ક્યારે ન કરવી.’

શિવાનીને સમીરના શબ્દો યાદ આવી ગયા અને તેની આંખના ખૂણા ફરી ભીના થઈ ગયા.

ઇન્સ્પેક્ટર સંતોષ સુધાકરનો મેડિકલ રિપોર્ટ લેતા હતા.

‘બન્ને પગમાં ફ્રૅક્ચર છે...’ ડૉક્ટરે કહ્યું, ‘બટ આ મસ્ટ સે, લક્કી છે. મલ્ટિપલ ફ્રૅક્ચર નથી. ડાબા પગના ઘૂંટણની નીચે ક્રૅક છે અને જમણા પગના પંજા પાસે ક્રૅક છે.’

‘બાત તો સહી હૈ.’ સંતોષે સુધાકરના કપાળ પર હાથ મૂક્યો, ‘સમંદર જીસ ઉફાન મેં થા, ઉસે

દેખતે તો યે બચ ગયે હૈં યે માનના મુશ્કિલ હૈ...’

‘સા’બ, અભી-અભી સોયા...’

ઇન્સ્પેક્ટર સુધાકરને જગાડતા હતા એટલે મન્સૂરે કહ્યું અને તેના બોલવાની સાથે સંતોષની આંખોનો રંગ બદલાયો. સંતોષ સાથે આવેલા કૉન્સ્ટેબલે હાવભાવ પારખી લીધા અને આગળ આવીને તે મન્સૂરને બહાર લઈ ગયો.

‘સુધાકર...’

‘હા...’ સુધાકરે આંખો ખોલી.

‘ચલો, સસુરાલ સે બુલાવા આ ગયા હૈ.’ સંતોષના ચહેરા પર ખંધું સ્મિત હતું.

lll

‘મને નથી ખબર...’ સુધાકર રડવા માંડ્યો, ‘આ લોકો રેગ્યુલર કસ્ટમર એટલે મેં લઈ જવાની હિંમત કરી.’

સુધાકરને પોતાની પૈસાની લાલચ માટે હવે પસ્તાવો થતો હતો.

‘તુમ સબ કુછ બતાઓગે?’ શિવાનીની જેમ સુધાકરને કોઈ સમય આપવાની તૈયારી ઇન્સ્પેક્ટરે નહોતી દેખાડી. સુધાકર જેવો તૈયાર થયો કે તરત તેણે શિવાનીનો બેડ બીજી રૂમમાં શિફ્ટ કરાવી નાખ્યો.

હવે રૂમમાં સુધાકર, સંતોષ અને કૉન્સ્ટેબલ સિવાય કોઈ નહોતું. સંતોષ સાથે આવેલી મહિલા કૉન્સ્ટેબલે શિવાનીના ઘરે જાણ કરી દીધી હતી. શિવાનીના ઘરેથી ફોન પણ આવી ગયો હતો કે એ લોકો હૉસ્પિટલ આવે છે.

‘કિતને ટાઇમ સે આતે થે?’

‘ચારેક મહિનાથી દરરોજ.’ સુધાકરે બે ધાબળા ઓઢ્યા હતા છતાં તેને હજી ઠંડી લાગતી હતી, ‘મૅડમ અને એક સાહેબ આવે. શરૂઆતમાં તો મને એમ કે ટૂરિસ્ટ હશે, મુંબઈ ફરવા આવ્યાં હશે પણ વીક પછી ખાતરી થઈ ગઈ કે મુંબઈનાં જ છે. પહેલાં સાંજે આવતાં, પણ પછી તેઓ સવારે આવવા લાગ્યાં. સાહેબ, તમને ખબર છે ગેટવે ઑફ ઇન્ડિયા લોકો જુએ સવારે, પણ ફેરી માટે રાત પસંદ કરે. રાતની રોશની જોવાની તક દિવસે ક્યાંથી મળવાની. દિવસે તો ફૂંકવા...’

‘વો પતા હૈ, આગે બોલ.’

‘પહેલી વાર તો મેં ના પાડી દીધી. બે પૅસેન્જરમાં ફેરી ન પોસાય, ડીઝલના ભાવ બહુ વધી ગયા છે એટલે... પણ બે-ચાર દિવસ પછી મને સંકોચ થયો કે કાયમી કસ્ટમરને ક્યાં ના પાડવી. મેં તેમને કહ્યું કે થોડો વધુ ખર્ચો તમે કરો, થોડો પ્રૉફિટ હું ઓછો લઉં. બન્ને તરત તૈયાર થયાં અને બેના ૧૦૦૦ રૂપિયા તેમણે આપ્યા...’

‘હંઅઅઅ... પછી?’

‘એ લોકોનું આ રૂટીન થઈ ગયું. પછી તો એવું બને સાહેબ કે તેમના પૈસા મારે ત્યાં જમા પડ્યા હોય. એક વાર તો મને તેમણે ઉધાર પૈસાનું પણ પૂછ્યું હતું. બહુ ભલા માણસ એટલે હું પણ તેમને સગવડ કરી આપતો.’

‘ક્યાં?’

‘સાહેબ...’ સુધાકરને બોલવામાં સંકોચ થતો હતો, ‘સાહેબ, તેમણે મને કહ્યું હતું કે અમે કરોડોપતિ છીએ. તું પૈસાની ચિંતા ન કર. અમે આવીએ ત્યારે બોટમાં અમે જ હોવાં જોઈએ...’

‘કિતની બાર લે ગયા થા અકેલે...’

‘યાદ નહીં હૈ, સા’બ.’ સુધાકરે સુધારો કર્યો. ‘અનગીનત બાર લે

ગયા હૂં...’

‘આજ ક્યા હુઆ થા?’

‘સવારે, સાડાદસ વાગ્યે બન્ને આવ્યાં. બહુ વરસાદ હતો. હું બોટ જોવા ગયો હતો. વરસાદ વચ્ચે તેઓ આવ્યાં અને મૅડમે મને જવાનું કહ્યું એટલે મેં તેમને ના પાડી, પણ મૅડમ માન્યાં નહીં. શરૂઆતમાં રકઝક કરી, પણ હું માન્યો નહીં એટલે તેમણે પૈસા કાઢ્યા. પૈસા જોઈને મન લલચાયું. મેં ૧૦ મિનિટ માટે લઈ જવાની હા પાડી. એ સમયે દરિયો હજી શાંત હતો. વાતાવરણ પરથી નહોતું લાગતું કે ૧૦ મિનિટમાં તોફાન આવશે.’

‘કેટલા પૈસા આપ્યા હતા મૅડમે?’

‘એક લાખ...’

‘લાખ રૂપિયા લેતી વખતે તારી બુદ્ધિ ચાલી નહીં કે કોઈ લફરું હશે?’

ઇન્સ્પેક્યર સંતોષ ઊભા થયા અને રૂમની બહાર નીકળી ગયા.

સુધાકરે આંખ બંધ કરી ત્યાં ફરી અવાજ આવ્યો.

‘અરે, સુધાકર.’ અવાજ સંતોષનો હતો, ‘એ સમયે મૅડમ જ તારી સાથે વાત કરતી હતી કે પછી સાહેબે પણ વાત કરી?’

‘હંઅઅઅ...’ સુધાકરે યાદ કરવા માટે સમય લીધો, ‘ના, મારી સાથે કંઈ બોલ્યાં નહોતાં... એ તો મૅડમના ખભા પર માથું રાખીને પડી રહ્યા. મેં મૅડમને સાહેબની તબિયતનું પૂછ્યું તો તેણે દારૂની વાત કરી. નશે કે કારન સા’બ, વો બોટ પર ભી ચડ નહીં પાતે થે... મારા માણસે સાહેબના પગ અંદર લીધા ત્યારે માંડ-માંડ તે...’

સુધાકર વાત પૂરી કરે એ

પહેલાં ઇન્સ્પેક્ટર સંતોષ બહાર નીકળી ગયા હતા.

lll

‘શિવાની શાહ.’ સંતોષનો અવાજ સંભળાયો એટલે શિવાનીએ આંખો ખોલી, ‘શિવાની, તારી સાથે બોટ પર કોણ હતું?’

શિવાની ચૂપ રહી.

- ‘સમીર, તું તો ગયો, આ બધું હવે મારે ભોગવવાનું છે.’

શિવાનીની નજર સંતોષ સામે હતી, પણ વિચાર સમીરના હતા.

‘શિવાની, આઇ ઍમ આસ્કિંગ યુ સમથિંગ, તારી સાથે કોણ હતું?’

‘સમીર. માય બૉયફ્રેન્ડ...’

‘ઓન્લી, સમીર?’ સંતોષને શિવાની પર ગુસ્સો આવતો હતો, ‘આગળ-પાછળ કંઈ લાગે કે નહીં?’

‘સમીર પટેલ.’

‘શિવાની, કોણ સમીર પટેલ?’ સંતોષે મહામુશ્કેલીએ ગુસ્સો કન્ટ્રોલ કર્યો, ‘મુંબઈમાં ૫૦,૦૦૦ સમીર

પટેલ છે...’

‘પટેલ ઑનબોર્ડ્સ લિમિટેડનો ચૅરમૅન સમીર પટેલ...’

‘વૉટ?!’

ભારતની ટૉપ ટેન કૉર્પોરટ કંપની પૈકીની એક એવી પટેલ ઑનબોર્ડ્સ અને શિવાની કહે છે કે તેની સાથે

એ કંપનીનો ચૅરમૅન સમીર પટેલ

હતો. તો શું બોટમાં જે સળગી

મર્યો એ સમીર હતો?

ઇન્સ્પેક્ટર સંતોષના પગ નીચેથી ધરતી સરકી ગઈ.

સંતોષને ખબર હતી કે તેની પાસે જે માહિતી છે એ માહિતી શૅરબજારને તોડવા માટે સમર્થ હતી.

lll

(ઑન)બોર્ડ્સ લૉસ્ટ ચૅરમૅન.

ન્યુઝપેપરના ફ્રન્ટ પેજ પર સમીર પટેલનો ફોટોગ્રાફ હતો અને બાજુમાં શિવાનીની તસવીર હતી. સ્ટૉક માર્કેટમાં અફરાતફરી મચી ગઈ હતી.

નવ ને પંચાવન વાગ્યે ખૂલતા બજારે ૧૨૦૦ પૉઇન્ટનો ઘટાડો દેખાડ્યો હતો જે ઘટીને ૨૬૦૦

પૉઇન્ટ સુધી પહોંચ્યો એટલે નાણામંત્રાલયે સત્તાવાર જાહેરાત કરવી પડી હતી કે સમીર પટેલનું મૃત્યુ એક અકસ્માત છે. શૅરબજારને આ દુર્ઘટના સાથે નિસબત નથી.

‘બોલ, ક્યા લગતા હૈ?’ ગુજરાતી વાંચતાં ઇન્સ્પેક્ટર સંતોષને આવડતું નહોતું છતાં ૨૦ મિનિટથી પેપર હાથમાં પકડીને બેઠા હતા, ‘સમીર કી મૌત 

હાદસા હૈ યા મર્ડર હૈ?’

‘ક્યા પતા સા’બ, આપ બડે સા’બ હો.’ સંતોષની સામે ઊભેલા કૉન્સ્ટેબલને ત્રીજી વાર સંતોષે પૂછ્યું અને ત્રીજી વાર પણ તેણે એ જ જવાબ આપ્યો હતો. જોકે આ વખતના જવાબથી સંતોષને અકળામણ થઈ અને તે પેપરનો ઘા કરીને ઊભો થઈ ગયો.

સંતોષના દિમાગમાં હજીયે શિવાની જ ચાલતી હતી.

શિવાની શાહ.

ગુજરાતી ફૅમિલીમાંથી આવતી શિવાનીનો રેકૉર્ડ ખાસ લાંબો નહોતો. કૉલેજ પૂરી કરી શિવાની શોખ ખાતર નોકરીએ લાગી, પટેલ ઑનબોર્ડ્સમાં. શિવાનીની પહેલી જ નોકરી હતી આ. શરૂઆતમાં શિવાની પટેલ ઑનબોર્ડ્સમાં રિસેપ્શનિસ્ટ હતી. એક વર્ષ પછી તેને પ્રમોશન આપી સેક્રેટરિયલ ડિવિઝનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ટ્રાન્સફર થઈ એ જ દિવસોમાં કંપનીના ચૅરમૅન તરીકે ૫૦ વર્ષના સમીર પટેલની પસંદગી થઈ હતી. કંપની સમીરના પિતાએ શરૂ કરી હતી. જર્મની ભણતા સમીરે ભણતર પૂરું કરી કંપની જૉઇન કરી અને એ પછી પિતા વેલજી મથુરદાસ પટેલનું અવસાન થયું એટલે સમીર કંપનીનો ચૅરમૅન બન્યો અને સમીરનો કઝિન કંપનીમાં મૅનેજિંગ ડિરેક્ટરની પોસ્ટ પર આવ્યો. શિવાનીએ કહ્યા પ્રમાણે, તેની અને સમીરની ઓળખાણ સમીર ચૅરમૅન બન્યો એ પછી છેક દોઢેક વર્ષે થઈ હતી. સમીરની પર્સનલ સેક્રેટરી ઇમર્જન્સી લીવ પર હતી એટલે એક મીટિંગ માટે સમીરે શિવાનીને પોતાની સાથે હાજર રહેવાનું કહ્યું અને બન્ને પહેલી વાર ચારેક કલાક સાથે રહ્યાં. મૅરિયટથી પાછાં આવતાં રસ્તામાં ઘણી વાતો થઈ અને ઑફિસ આવી બન્ને કામે લાગી ગયાં. છેક એક મહિના પછી શિવાનીના ટેબલ પર પ્રમોશનનો લેટર આવ્યો ત્યારે તેને ખબર પડી કે ચૅરમૅન તેના કામથી ખુશ છે અને એ પ્રમોશન પછી સમીર પટેલે શિવાનીને બીજી પણ અનેક જગ્યાએ પ્રમોશન આપ્યું.

lll

‘તુમ દોનોં હરરોજ ફેરી પે ક્યોં જાતે થે?’

શિવાનીને સંતોષે પૂછ્યું, પણ શિવાનીએ કોઈ જવાબ નહોતો આપ્યો. સંતોષ જાણતો હતો કે જીવનમાં ઉદ્ભવતા દરેક સવાલના જવાબ નથી હોતા છતાં તેણે આ જ સવાલ દોહરાવ્યો.

‘શિવાની, તુમ લોગ હરરોજ ફેરી પે ક્યોં જાતે થે?’

‘ઘૂમને...’

‘ઘૂમને?’ સંતોષના જીભના ટેરવે ગાળ આવી ગઈ, પણ તેણે કન્ટ્રોલ રાખ્યો, ‘૮૦૦૦ કરોડની નેટવર્થવાળી કંપનીનો ચૅરમૅન તારી સાથે ફરવા આવે?!’

‘કિસી સે પ્યાર કર કે દેખો, સમઝ મેં આ જાએગા ઇન્સ્પેક્ટર.’ શિવાનીએ નફ્ફટાઈથી સંતોષ સામે જોયું.

‘બાત પ્યાર કિ હી થી તો ફિર સમીરને અપને આપ કો જલાયા ક્યોં?’ શિવાનીએ આંખો બંધ જ રહેવા દીધી એટલે સમીરે સહાનુભૂતિ દેખાડી, ‘લૂક શિવાની, અત્યારે બધા તને ગુનેગાર તરીકે જુએ છે. બહેતર છે કે તું બધી વાત કરે.’

બધી વાત કરવાનો સમય હજી ક્યાં આવ્યો છ?

lll

‘મમ્મી, ઇન્સ્પેક્ટર આવ્યા છે...’ સમીરનો દીકરો દોડીને રૂમમાં આવ્યો.

‘સૉરી, અત્યારે આવવું યોગ્ય

નથી, પણ તમને અમારી મજબૂરીની ખબર હશે...’

ઘટનાના પંદરમા દિવસે ઇન્સ્પેક્ટર સંતોષ સમીર પટેલની વાઇફનું સ્ટેટમેન્ટ લેવા માટે તેના ઘરે ગયા. શિવાનીની ધરપકડ લગભગ નક્કી હતી, જેને છેલ્લો ખીલો મારવાનું કામ સમીરની વાઇફ જયોતિએ કરવાનું હતું.

જયોતિએ ઇશારાથી બેસવાનું કહ્યું એટલે સંતોષ કુશાંદે સોફા પર બેઠો. કૉન્સ્ટેબલ દેથા અને રાઇટર ગણપત અંતુલે હજીયે ઊભા હતા.

‘તમને ખબર હતી કે તમારા હસબન્ડને તેની સેક્રેટરી સાથે રિલેશનશિપ છે.’ જ્યોતિએ જરા મોટી આંખો સાથે ઇન્સ્પેક્ટર સામે જોયું એટલે સંતોષે વાતને જરા જુદો મોડ આપ્યો, ‘મારો પૂછવાનો અર્થ એ છે કે તમને ક્યારેય શંકા ગઈ હતી...’

‘ના...’ જ્યોતિએ ટૂંકો જવાબ આપ્યો, ‘બન્ને મીટિંગમાં જતાં. ફૉરેન ક્લાયન્ટને મળવા પણ જતાં, પણ હું માનતી કે આ એક કૉર્પોરેટ રિલેશનશિપ હશે. મને ખબર નહોતી કે તે મારા પતિને ફસાવી રહી છે.’

‘તમે શું માનો છો, શિવાનીએ તમારા પતિને કયા કારણે ફસાવ્યો હશે?’

‘પૈસા અને પાવર.’

 

વધુ આવતી કાલે

Rashmin Shah columnists