રવિવારે તો નાસ્તામાં ખમણ, ફાફડા અને પપૈયાનો સંભારો જ જોઈએ

29 November, 2022 05:03 PM IST  |  Mumbai | Rashmin Shah

‘અફસર બિટિયા’, ‘દિલ કી નઝર સે ખૂબસૂરત’, ‘ફિયર ફાઇલ્સ’, ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘આશિકાના’ અને દૂરદર્શનની ‘દ્રૌપદી’માં લીડ રોલ કરનારી મિતાલી નાગના હાથની લોકીવાલી ખટ્ટી દાલ ચાખશો તો તમે તેના કુકિંગના પણ દીવાના થઈ જશો

મિતાલી નાગ

ટ્રિક-ટાઇમ
કાંદા સમારતાં પહેલાં હું એને થોડી મિનિટ પાણીમાં ડુબાડીને રાખું, જેને લીધે કાંદા સુધારતી વખતે આંખોમાંથી પાણી નથી આવતાં. 

આમ તો હું એવી ખાસ ફૂડી નથી, પણ મારા હસબન્ડને ખાવાનો ખૂબ શોખ એટલે નૅચરલી હું પણ તેમની સાથે જાત-જાતના અને ભાત-ભાતના ફૂડને એક્સપ્લોર કરવા માંડી છું, પણ હા, મને નવી રેસ્ટોરાંની નવી વરાઇટી ટ્રાય કરવી વધુ ગમે એટલે મારો પહેલો પ્રયાસ તો એ જ હોય કે હું નવી રેસ્ટોરાંમાં જાઉં. આજે મેં મુંબઈની ઑલમોસ્ટ બધી રેસ્ટોરાં જોઈ લીધી હશે. 
મને યાદ છે કે મારી પહેલી સિરિયલ ‘અફસર બિટિયા’ના શૂટિંગ માટે અમે લખનઉ ગયાં હતાં અને ત્યાં મેં એક આઇટમ ચાખી હતી. એ નૉન-વેજ આઇટમ છે એટલે એના વિશે વધારે વાત નથી કરતી, પણ મેં એ આઇટમ ખાધી એ પછી તો લખનઉથી પાછાં ફર્યાં ત્યારે મેં પણ મેં આઇટમનું પાર્સલ લઈ લીધું અને એ ઓછું હોય એમ, નિયમ બનાવી લીધો કે લખનઉ જે પણ જાય તેની પાસેથી એ આઇટમ અચૂક મગાવવાની. 

ઇન્ડિયન ફૂડ છે મારું ફેવરિટ |  ઇન્ડિયન ક્વિઝીન મારું ફેવરિટ છે. ભારતીય ખાણાને દુનિયાના કોઈ દેશની વાનગીઓ ટચ સુધ્ધાં ન કરી શકે. મારી દૃષ્ટિએ દુનિયાની શ્રેષ્ઠ ફૂડ આઇટમોમાં એકથી પાંચ નંબરમાં ઇન્ડિયન ફૂડ આવે એ પછી બીજું બધું. 

ઇન્ડિયન ક્વિઝીન પછી ધારો કે મારે કંઈક ચૂઝ કરવાનું હોય તો હું મેક્સિકન અને થાઈ પસંદ કરું. મને સ્વાદની ખબર પડે એનું બેઝિક કારણ એ કે હું ખૂબ સારી કુક છું અને હું બહુ સારી કુક છું એનું કારણ મારા ફૂડી હસબન્ડ છે. મારા હાથની અમુક ડિશીસ તો તેમને એટલી ભાવે કે તેઓ વર્લ્ડના બેસ્ટ શેફને મારી પાસે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છે. ભલે ટાઇમ ઓછો મળે પણ જ્યારે ઘરે હોઉં ત્યારે મારું ફેવરિટ કામ એક જ હોય, હસબન્ડને ભાવતી આઇટમ બનાવવી. 

મેં રાંધવાનું ખૂબ મોડું શરૂ કર્યું. મને યાદ છે કે જ્યારે મુંબઈ આવી ત્યારે પીજીમાં મારી સાથે રહેતી અને મારી બીજી રૂમ-મેટ્સ સાથે મળીને અનેક અખતરા કરતાં. એમાં એક વાર મારા હાથે દૂધીવાળી ખાટી-દાળ બહુ જ ટેસ્ટી બની ગઈ અને લાઇફમાં પહેલી વાર બનાવેલી એ આઇટમ સુપરહિટ થઈ ગઈ. આજે પણ અનેક લોકો એવા છે જે મારી આ દાળ ખાવાનો પ્રોગ્રામ બનાવીને જ આવે છે. મારા પક્ષે પણ એટલું ખરું કે જો મારે કોઈને ઇમ્પ્રેસ કરવા હોય તો હું એને જમવા બોલાવીને આ દાળ પીરસું.

બાપ રે બાપ, હદ છે... | કોવિડ સમયની વાત છે. આજે પણ એ વાત યાદ કરું ત્યારે અમે આખો પરિવાર ખડખડાટ હસી પડીએ છીએ. 

બન્યું એવું કે પહેલી વાર મેં ઈડલીનું ખીરું ઘરે બનાવ્યું. જનરલી તો રેડીમેઇડ જ લાવતા હોઈએ, પણ કોવિડમાં બહાર મળતું નહોતું અને મનમાં હતું કે વાઇરલ ઇન્ફેક્શનવાળા આ પિરિયડમાં ઘરે જ હાઇજેનિક ખાઈએ. એ દિવસોમાં શક્ય હોય ત્યાં સુધી હોમ પ્રીપેર્ડ આઇટમો જ બધા પસંદ કરતા. તમને ખબર હશે કે ઈડલીનું ખીરું ઢોસા કરતાં સહેજ જાડું હોય અને લોટ પણ કરકરો હોય. મને ખબર નહીં એટલે મેં તો એટલું પાણી નાખી દીધું કે ન પૂછો વાત. જ્યારે ઈડલીના મોલ્ડમાં ખીરું નાખ્યું તો ચારેય બાજુ એના રેલા ઊતરે. જાણે લોટનો લોંદો હોય એમ ઈડલી બની. બહુ ટ્રાય કરી પણ ઈડલી બની જ નહીં એટલે છેલ્લે એમાંથી ઢોસા બનાવવાનું નક્કી કર્યું પણ કેટલા ઢોસા ખાઈએ અમે. 

ક્વૉન્ટિટી એટલી વધી ગઈ, પણ ખાવાની ચીજ જવા થોડી દેવાની હોય એટલે નવો રસ્તો વાપર્યો અને એ ખીરુંમાંથી ઢોકળાં બનાવ્યાં. 

ખરેખર ટ્રાય કરજો એક વાર | દૂધી ઘણા લોકોને નથી ભાવતી, પણ મારાં મમ્મી એક યુનિક ડિશ બનાવે છે. લોકીવાલી ખટ્ટી-દાલ. દૂધીવાળી ખાટી દાળ બનાવવામાં મારી મમ્મીની દુનિયાભરમાં કોઈ કૉમ્પિટિશન નથી. બીજી એવી જ ડિશ છે, જેનું નામ છે મુરુક્કુ. સાઉથ ઇન્ડિયન સેવ તમે કહી શકો. મારાં મમ્મીના હાથની આ બન્ને આઇટમ હું જ નહીં, મારા ફ્રેન્ડ્સ પણ ડિમાન્ડ કરીને મગાવતા હોય છે. 

મારા હસબન્ડ ગુજરાતી લોકાલિટીમાં મોટા થયા છે. તેમને ગુજરાતી આઇટમો ખૂબ ભાવે. અમારો રવિવારનો નાસ્તો નક્કી જ હોય. ખમણ, ફાફડા અને પપૈયાનો સંભારો. મને પર્સનલી ખાંડવી અને ઢોકળાં ખૂબ ભાવે અને હા, હમણાં મેં પહેલી વાર દાળઢોકળીનો સ્વાદ માણ્યો અને મને એ બહુ ભાવી પણ ખરા. ગુજરાતીઓની આ વરાઇટી બહુ ટેસ્ટી હોય છે.
સ્વાદની સાથે સ્વાસ્થ્ય જળવાઈ એનું ધ્યાન દરેકે રાખવું જ જોઈએ. હું તો ભારતીય ખાવાનું ખાઈને મોટી થઈ છું, જેમાં સહેજ તેલ વધારે હોય પણ હું ટ્રાય કરું છું કે એવી ડિશ ખાઉં જેમાં વેજિટેબલ્સ યુઝ થતાં હોય અને ઑઇલનું પ્રમાણ ઓછું હોય.

columnists Rashmin Shah