28 December, 2025 04:53 PM IST | Mumbai | Dr. Nimit Oza
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
કલ્પના કરો કે તમે ૨૩ વર્ષના યુવક છો અને તમારી જ ઉંમરની કોઈ સુંદર અને આકર્ષક યુવતી સાથે રિલેશનશિપમાં છો. તમારી વચ્ચે ધીમે-ધીમે આત્મીયતા વધતી જાય છે. પાંચ—છ મહિના સુધી બધું જ બરાબર ચાલે છે. પેલી યુવતી પોતાનું સમગ્ર અટેન્શન ફક્ત તમને જ આપે છે, તમારા મેસેજિસ અને ફોનકૉલ્સની રાહ જુએ છે, તમને મિસ કરે છે. તેના ભાવવિશ્વ અને વિચારોમાં આવતો એકમાત્ર પુરુષ ફક્ત તમે જ છો. પણ ધીમે-ધીમે એ અવસ્થા બદલાય છે. એ યુવતી તમને અટેન્શન આપવાનું ઓછું કરી દે છે. તેના મેસેજિસ ઘટતા જાય છે. વાતો ટૂંકી થતી જાય છે. તમારામાં તેનો ઇન્ટરેસ્ટ ઓછો થતો જાય છે. તે અન્ય પુરુષ તરફ આકર્ષાય છે અને ધીમે-ધીમે તમારી સાથેનો સંબંધ તૂટતો જાય છે. તમે સ્તબ્ધ બનીને તમારી જિંદગીમાંથી વિદાય લઈ રહેલી ગર્લફ્રેન્ડને જોયા કરો છો અને વિચાર્યા કરો છો કે મારી ભૂલ ક્યાં થઈ.
તેના આ વર્તન પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ જવાબદાર છે જેને ‘Red Pill’ ફિલોસૉફી કહી શકાય. કોઈ યુવતી જ્યારે તમારી સાથે એક સંબંધમાં પ્રવેશે છે ત્યારે તે તમને એક લીડર તરીકે જુએ છે. તમારો કૉન્ફિડન્સ, જીવનને જોવા અને સમજવાની દૃષ્ટિ, તમારો અભિગમ અને તેજસ્વી વ્યક્તિત્વથી અંજાઈને તે તમારી નજીક આવે છે. સમસ્યા ત્યારે સર્જાય છે જ્યારે તેની સાથેની રિલેશનશિપ દરમિયાન તમારી આ બધી લાક્ષણિકતાઓ ધીમે-ધીમે ધોવાતી અને ખોવાતી જાય છે. તેને ખુશ રાખવા, જાળવી રાખવા કે કોઈ સેક્સ્યુઅલ ફેવર મેળવવા માટે તમે સ્વમાન નેવે મૂકીને તેની આગળ-પાછળ ફર્યા કરો છો. જિમમાં જવાનું અને મિત્રોને મળવાનું બંધ કરી દો છો. તેની દરેક વાત માનો છો. વધારે પડતી માફી માગવા લાગો છો. વધુ સમય ગાળવા માટે વિનંતીઓ કરવા લાગો છો. અને બહુ જ જલદી તેને રિયલાઇઝ થઈ જાય છે કે આ રિલેશનશિપમાં તમે હવે લીડ નથી કરી રહ્યા.
ક્યારેક એવું બને છે કે તમારી ગર્લફ્રેન્ડ સિવાય તમારા જીવનમાં બીજું કોઈ લક્ષ્ય જ બાકી નથી રહેતું. તેના સ્વીકાર, અટેન્શન કે સેક્સ્યુઅલ ફેવર મેળવવા સિવાય બીજું કશું જ પામવાની તમને ઇચ્છા નથી થતી. તમે તેના પર ઇમોશનલી ડિપેન્ડન્ટ બની જાઓ છો. ઇન ફૅક્ટ, તમે એ યુવતીની ઇમોશનલ લાયેબિલિટી એટલે કે ભાવનાત્મક જવાબદારી બની જાઓ છો. અને આ વાત તેનામાં અણગમો જન્માવે છે. બસ, ત્યાંથી જ તમારા પ્રેમસંબંધના અંતની શરૂઆત થાય છે.
પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોની આવી ગૂંચવણભરી અને જટિલ વાતો કાશ, મને એ સમયે સમજાઈ હોત જ્યારે હું મારા ટ્વેન્ટીઝમાં હતો. કાશ, એ સમયે મારું ધ્યાન કોઈ એવા પુસ્તક પર પડ્યું હોત જે વાંચ્યા પછી દરેક સ્ત્રી સાથેના પુરુષના વ્યવહાર અને વર્તનમાં ધરખમ સુધારા આવી શકે. બટ ઍની વે, પુસ્તક વાંચવા માટે આપણે ક્યારેય મોડા નથી હોતા. દરેક પિતાએ પોતાના દીકરાને તેના પંદરમા કે અઢારમા જન્મદિવસે ભેટમાં આપવા જેવું પુસ્તક એટલે ‘The Rational Male’.
પોતાની આસપાસ રહેલી સ્ત્રીઓ સાથેનો એક પુરુષનો વ્યવહાર તેના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને લવ-ઇન્ટરેસ્ટ, સ્ત્રીમિત્ર કે ગર્લફ્રેન્ડ સાથેના સંબંધોમાં શું કરવું અને શું ન કરવું એની દરેક પુરુષને સ્પષ્ટ સમજણ આપતું પુસ્તક એટલે ‘ધ રૅશનલ મેલ’. આમાં કેટલીક એવી સીક્રેટ વાતો પણ છે જે સ્ત્રીઓ સાથે શૅર કરી શકાય એમ નથી. તો કેટલીક વાતો પુરુષ અને સ્ત્રી બન્નેને કામ લાગે એવી છે. એવી જ થોડીક વાતો તમારી સાથે શૅર કરું છું.
૧. જેની સાથે રિલેશનશિપમાં હો અથવા પ્રવેશવા માગતા હો તેમની સામે ક્યારેય પોતાની જાતનું અવમૂલ્યન કરવું નહીં. પોતાની ક્ષમતાઓ, આવડત કે પ્રતિભા વિશે ઊતરતું બોલવું નહીં. એ યાદ રાખવું કે સ્ત્રીઓને હંમેશાં એક કૉન્ફિડન્ટ અને સ્વમાની સાથી ગમે છે.
૨. તેની સહાનુભૂતિ મેળવવા માટે ક્યારેય પણ દુખી, બિચારા કે લાચાર હોવાનું પાત્ર ભજવવું નહીં. તેને મેળવવા માટે ક્યારેય જાત પર જુલમ કરવો નહીં. તમારી પીડા જોઈને તેને તમારા પર દયા આવી શકે, પ્રેમ નહીં.
૩. તમારા માટે કોઈ એક જ બનેલી છે અથવા તો આ જ શ્રેષ્ઠ છે એવી માન્યતામાંથી બહાર આવી જાઓ. લેખક રોલો તોમાસી આ ઘટનાને ‘One-Itis’ સિન્ડ્રૉમ કહે છે. આપણને લાગે છે કે આખી દુનિયામાં ફક્ત આ એક જ વ્યક્તિ આપણા માટે બનેલી છે અને તે રિજેક્ટ કરશે તો આપણે બરબાદ થઈ જઈશું. આપણને તેનાથી સારું નહીં મળે. અને આપણી આવી જ ગેરમાન્યતાને કારણે આપણે તેની સામે કરગરીએ છીએ. આપણી લાઇફમાં પાછા આવવા માટે વિનંતી કરીએ છીએ. જ્યારે હકીકતમાં આ જગત સુંદર, પ્રતિભાશાળી અને પ્રેમાળ લોકોથી છલોછલ ભરેલું છે.
૪. તૂટેલો કે નિષ્ફળ સંબંધ જોડવામાં વ્યર્થ પ્રયત્ન કરવાને બદલે એક નવો સંબંધ વિકસાવવા તરફ ધ્યાન આપવું. જેઓ જિંદગીમાંથી ઑલરેડી નીકળી ગયા છે તેમને સમજાવી, મનાવી, હાથ જોડીને પાછા બોલાવવા કરતાં એક ફ્રેશ રિલેશનશિપમાં ઇન્વેસ્ટ કરવું.
૫. જેઓ મળવા, વાત કરવા કે ડેટ પર જવા માટે તમને રાહ જોવડાવે છે, તમને જવાબ નથી આપતા, તમારી ધીરજની પરીક્ષા લે છે તેમનો પીછો કરવાને બદલે તેમને ગુડબાય કહીને આગળ વધવું.
હકીકતમાં દરેક વ્યક્તિનો પોતાની જાત સાથેનો સંબંધ કેવો છે એના આધાર પર જ તેના બાકીના સંબંધોની ગુણવત્તા નક્કી થતી હોય છે. જો કોઈ કારણથી તમને તમારી જાત અપૂર્ણ, ખામીયુક્ત કે અયોગ્ય લાગતી હશે, તો એની અસર નક્કી તમારા બાકીના સંબંધો પર પડશે. કોઈ પણ વિજાતીય સાથી આકર્ષવા કે ટકાવી રાખવા માટે એક તંદુરસ્ત સેલ્ફ-ઇમેજ હોવી આવશ્યક છે. તમે કોઈ વ્યક્તિને આકર્ષવાના છો કે તેનો પીછો કરવાના છો એનો આધાર તમારી સ્વ પ્રત્યેની કલ્પનાથી નક્કી થાય છે.