નૉન-લવસ્ટોરી

29 January, 2023 04:02 PM IST  |  Mumbai | Aashutosh Desai

‘તમે પણ ચર્ચગેટ તમારા પ્રેમીને મળવા... આઇ મીન નોકરી અર્થે?’ પણ મારા પ્રશ્નનો જવાબ મળે એ પહેલાં તો ટ્રેન ચર્ચગેટ સ્ટેશને પ્રવેશી ગઈ

નૉન-લવસ્ટોરી

‘ગઈ કાલે તું આવી નહીં? ખબર છે મેં કેટલી રાહ જોઈ?’ હું તેની સામે જોઈને હસ્યો. સ્માઇલ સામે પ્રતિભાવ તરીકે તે પણ હસી. ઉપર લખ્યા એ શબ્દો જોકે વાસ્તવિક સંવાદમાં પરિવર્તિત નહોતા થયા, કારણ તેની સાથે હજી મારે ઓળખાણ નહોતી. બસ, છેલ્લા એક મહિનાથી તે અમારી રોજિંદી ટ્રેનની સહપ્રવાસી બની હતી એટલું જ. હું બોરીવલીથી સવારની ૬.૫૦ની ચર્ચગેટ ફાસ્ટ પકડું અને તે મલાડ સ્ટેશનથી ચડે. રોજના પ્રવાસીઓને બીજા પ્રવાસીઓ કયા સ્ટેશનથી ચડે છે અને કયા સ્ટેશને ઊતરે છે એ રૂટીનનો ખ્યાલ આવી જતો હોય છે. તેને પણ ત્રણ જ દિવસમાં સમજાઈ ગયું હતું કે મારી સામેની વિન્ડો-સીટ પર બેસતા અંકલ રોજ અંધેરી ઊતરે છે. આથી ચોથા દિવસે તેણે ટ્રેન પકડી ત્યારે બરાબર અમારી સીટની બાજુમાં આવીને ઊભી રહી ગઈ. પેલા અંકલ ઊભા થયા કે તરત તેણે વિન્ડો-સીટ પોતાના નામે કરી લીધી.

તેને સીટ મળવાની ખુશી હતી અને મને સવારમાં નજર સામે રૂપગર્વિતા બેસ્યાની. ગઈ કાલ સુધી બારીમાંથી આવતો જે તડકો મને આકરો લાગતો હતો એ હવે ઠંડી-મીઠી લહેરખી જેવો લાગવા માંડ્યો હતો. સૂર્યકિરણો તેના ભૂખરા વાળને વધુ ચમકાવી મૂકતાં હતાં. ચહેરા પર કોઈ સનસ્ક્રીન લોશન વાપરતી હશે તેથી જ તો વિન્ડો-સીટ પર બેસતાં જ તેનું નાક અને કપાળ ચમકી ઊઠતાં. જાણે કોઈ પુરુષની નજરો માટે ત્યાં લોહચુંબક જડ્યું હોય. હા, તેની આંખો હજીયે કોઈ રહસ્ય જેવી જ અજાણી હતી. કદાચ મનના ભાવ કોઈ પામી નહીં શકે તેથી તેણે આંખો પર ફોટોક્રોનિક ચશ્માં પહેરવાનું પસંદ કર્યું હશે. આથી તે ઊભી હોય ત્યારે તેની નજરોને પામી શકો, પણ જેવી વિન્ડો-સીટની માલિક બને કે બસ, ઉસકી ઐનક ઉસકી નઝરે ચુરા લેતી હૈ! સામાન્ય રીતે હું કાંદિવલી આવતાં સુધીમાં મારું પુસ્તક ખોલીને બેસી ગયો હોઉં, પણ તપોભંગ કરનારી રંભા સામે જ્યારે વિશ્વામિત્ર જેવા ઋષિ પણ હારી ગયા હતા તો મારી શું વિસાત. પુસ્તકમાં લખાયેલા શબ્દો પર ફરતી મારી નજરો હવે સામે બેઠેલા ચહેરાને વાંચવામાં વ્યસ્ત થઈ જતી હતી.

‍એ દિવસથી મારા માટે નહીં તો મારી આંખો માટે મલાડ સ્ટેશન અતિમહત્ત્વનો પડાવ બની ગયો હતો. હું પોતાની જાત સાથે જ જુગાર રમતો થઈ ગયો હતો. આજે તે પહેલા દરવાજેથી ચડશે કે પાછળના દરવાજેથી? આજે કયા કલરનો ડ્રેસ પહેર્યો હશે? હાથમાં પેલું ગ્રે કલરનું પર્સ હશે કે નહીં? સૅન્ડલ પહેર્યાં હશે કે હીલ્સ? જોકે આ બધી ગણતરીઓ વચ્ચે અટવાતું મારું મન ચર્ની રોડ આવતાં જ ઉદાસ થઈ જતું. ચર્ની રોડ આવતાં જ તે રૂપગર્વિતા પોતાની સીટ પરથી ઊભી થઈ જતી અને ચર્ચગેટ આવતાં તો ઊતરીને એટલી ઝડપથી ચાલી જતી જાણે કે હમણાં તો અહીં હતી અને પળવારમાં ક્યાં ગાયબ થઈ ગઈ?

‘પણ બસ, હવે બસ!’ માણસને બ્રહ્મજ્ઞાન થાય ત્યારે ભીતરથી જે પોકાર થાય એવો ગેબી અવાજ મારી ભીતરથી આવી રહ્યો હતો. આખરે એક મહિનો થઈ ગયો હતો. ક્યારેક, કોઈક લેવલ પર તો માણસની ધીરજનો અંત આવે કે નહીં? એમાં ગઈ કાલે તે આવી નહોતી. પ્રેમ, આકર્ષણ કે જે કહો એ, મને ખબર નથી; પણ ‘આદત’ માણસને મજબૂર બનાવી મૂકે છે. મલાડ આવ્યું, અંધેરી ગયું અને હવે તો દાદર પણ. ભીતરનો પેલો ગેબી અવાજ મને પિન્ચિંગ કરવા માંડ્યો હતો. દાદર સ્ટેશન પસાર થયું પછી તો એણે અલ્ટિમેટમ જ આપી દીધું હતું. મને કહે, ‘જો હવે તેં નથી પૂછ્યું તો હું અવળચંડાઈ પર ઊતરી જઈશ!’ 
મરતા ક્યા ન કરતા. આખરે મેં હિંમત કરી. ‘ગઈ કાલે તમે દેખાયાં નહીં?’ મેં પૂછ્યું. થોડું કંઈક અણગમા જેવું તેના ચહેરા પર વર્તાયું, પણ છેલ્લા એક મહિનાની મારી શરીફાઈ કામમાં આવી.
‘ગઈ કાલે બાય રોડ ગઈ હતી!’ તેણે કહ્યું. તેનો સુમધુર અવાજ મારા કાન હજી પૂરેપૂરો ગ્રહણ કરે એ પહેલાં તે આગળ બોલી, ‘વાય યુ આર સો કન્સર્ન?’ 
બાપ રે, હવે શું કહું? સવાલ અણધાર્યો હતો અને એમાં વળી કોઈ રૂપગર્વિતાને જ શોભે એવો ગુસ્સો.
 ‘ના, આ તો જસ્ટ આમ જ! તમે રોજ આ ટ્રેનમાં આવો છો એટલે તમને ખરાબ લાગ્યું હોય તો સૉરી!’ મેં કહ્યું. 
પણ આ છોકરી તો સરપ્રાઇઝ પૅકેજ નીકળી. મારી વાત સાંભળીને તે હસી પડી. ‘રિલૅક્સ, હું મજાક કરું છું! હું પણ તમને પહેલે દિવસથી જોઉં છું. ઇન ફૅક્ટ વેરી સેકન્ડ ડે, જ્યારે તમારા હાથમાં સત્ય વ્યાસની બુક જોઈ ત્યારે જ મન થયેલું કે તમારી સાથે વાત કરું; ણે કોઈ ધૂંઆધાર વહેતા જળપ્રપાતમાંથી જેમ-તેમ બહાર આવ્યો હોઉં એવી મારી હાલત થઈ ગઈ. ‘પણ?’ મારી હિંમત હવે થોડી ખૂલી ચૂકી હતી. ‘પણ, કોઈ અજાણી વ્યક્તિ સાથે વાતની પહેલ છોકરી કરે તો ઘણીબધી પૂર્વધારણાઓ બંધાઈ જતી હોય છે. અને આખરે...’ તે ફરી અટકી.

‘બાય ધ વે, હું આયુષ. રોજ ચર્ચગેટ નોકરી નામની મારી પ્રિયતમાને મળવા જાઉં છું. તમે?’ મેં ઓળખાણના પગથિયે પહેલું પગલું માંડ્યું. 
‘વામ્યા, વામ્યા આઠવલે!’ તેણે કહ્યું. 
મને બૉન્ડ, જેમ્સ બૉન્ડ! જેવી તેણે આપેલી આ ઓળખાણ ગમી. ‘અરે, તમે મહારાષ્ટ્રિયન છો, એમ? મને થયું કે’ 
મારી વાત વચમાં જ કાપતાં તે બોલી, ‘ગુજરાતી હોઈશ, ખરુંને? હા, માત્ર જન્મે જ મરાઠી છું. આ બોરીવલી-કાંદિવલી-મલાડ બધું માત્ર કહેવા માટે જ મહારાષ્ટ્રમાં છે. બાકી તો ગુજરાત જ નથી?’ તેણે કહ્યું અને અમે બંને હસી પડ્યાં.
‘તમે પણ ચર્ચગેટ તમારા પ્રેમીને મળવા... આઇ મીન નોકરી અર્થે?’ પણ મારા પ્રશ્નનો જવાબ મળે એ પહેલાં તો ટ્રેન ચર્ચગેટ સ્ટેશને પ્રવેશી ગઈ. 
‘બાય!’ કહેતાં તે ઝડપથી ઊભી થઈને ઉતાવળે બહારની તરફ ભાગી. 
એ આખો દિવસ આવતી કાલની સવારની રાહ જોવામાં વીત્યો. સવાર થઈ અને આજે પહેલી વાર બોરીવલીથી મલાડનું અંતર મને જોજનો દૂર જણાઈ રહ્યું હતું. સંવાદો વિચારાઈ ગયા હતા, પ્રશ્નો ગોઠવાઈ ગયા હતા. આખરે મલાડ આવ્યું. મારી નજરો તેને સોંપાયેલા કામે લાગી ગઈ. ‘વેર ઇઝ શી?’ આજે ફરી તે સ્ટેશન પર નહોતી. ચાર વર્ષથી બોરીવલીથી ચર્ચગેટ જાઉં છું, પણ આજ પહેલાં આ સફર મને આટલી બોરિંગ અને લાંબી ક્યારેય નથી લાગી. ફરી મન સાથે જુગારની રમત શરૂ થઈ. ‘કેમ નહીં આવી હોય? બાય રોડ ગઈ હશે? હું લંપટ લાગ્યો હોઈશ? ટ્રેન બદલી નાખી હશે?’ ધારણાઓ અનેક હતી અને મોટા ભાગની ડરામણી હતી. એ દિવસે કેમેય કરીને ઑફિસમાં મન લાગે એમ નહોતું. બીમારીનું બહાનું દેખાડીને હું જલદી રવાના થઈ ગયો. ચર્ચગેટ સ્ટેશને આવ્યો અને ફરી તે યાદ આવી ગઈ. શા માટે આજે નહીં આવી હોય? ખબર નથી પડતી. કોઈ રાહ જોતું હશે? દલીલો પણ મારી હતી અને એની સામેના જવાબો પણ મારા જ હતા. એકના એક વિચારને કારણે હું કંટાળ્યો હતો. બોરીવલી સ્લો પકડીને ટ્રેનમાં સૂઈ જવું છે એવા વિચાર સાથે મેં પ્લૅટફૉર્મ પર ઊભેલી સ્લો ટ્રેનનો પહેલો ફર્સ્ટ ક્લાસ પકડ્યો.

ઓહ માય ગૉડ. કોઈનું નસીબ આટલું સારું હોઈ શકે? મને મારા જ નસીબ પર ભરોસો નહોતો થઈ રહ્યો. એ ફર્સ્ટ ક્લાસમાં વામ્યા આઠવલે બેઠી હતી. હા, બૉન્ડ, જેમ્સ બૉન્ડવાળી જ વામ્યા આઠવલે! આનંદાશ્ચર્યમાં હું બરાબર તેની સામે જઈને ગોઠવાઈ ગયો. ખુશી નામનું ગાંડપણ એવું હતું કે અમારી ઓળખાણ હજી એક દિવસ પહેલાંની જ છે એ પણ હું ભૂલી ગયો. 
‘અરે, તું અહીં? આઇ મીન તમે અહીં!’
પણ જેટલી ખુશી મને હતી એટલી તેને નહોતી. તે ઉદાસ જણાતી હતી. તેણે મને ‘હાય’ કર્યું. ખાસ વાત કરવાનો જાણે તેનો મૂડ નહોતો.
થોડી વારે ભીતરનો પેલો અવાજ ફરી ચાબુક લઈને મારી પાછળ પડ્યો. ‘ઇઝ એવરીથિંગ ઓકે?’ મેં પૂછ્યું. 
‘યસ, વેરી વેલ, ઓકે!’ તેણે ફૉર્મલ જવાબ આપ્યો અને ફરી મૌન. 
તે કહે કે ન કહે, પણ નક્કી આજે કંઈક તો વાત બની છે. નહીં તો જે છોકરી એકલી બેઠી હોય તો પણ બારી બહાર જોતા મુસ્કુરાતી રહે તે આમ સાવ ઉદાસ? ચહેરો સાવ કરમાઈ ગયેલો શા માટે જણાય છે? આખરે સવાર માટે જે સંવાદ મેં વિચાર્યા હતા એ કામે લગાડ્યા. મારી બૅગમાંથી સત્ય વ્યાસનું એક પુસ્તક કાઢ્યું અને સામે ધરતાં કહ્યું, ‘તમને સત્ય વ્યાસને વાંચવો ગમે છેને? લો, તેમની એક બુક તમારા માટે લાવ્યો છું. આ વંચાઈ જાય એટલે બીજી લઈ આવીશ!’ 
તેણે સત્ય વ્યાસની ‘બાગી બલિયા’ તરફ નજર કરી અને ઉદાસ ચહેરે કહ્યું, ‘ના, મારે નથી જરૂર!’’
‘વૉટ? બટ વાય?’ આ છોકરીને મૅનર્સ જેવું છે કે નહીં? પણ મારા વિચારને મેં હડસેલો માર્યો અને કહ્યું, ‘ધેર મસ્ટ બી સમથિંગ! તમારે ભલે મારી સાથે શૅર ન કરવું હોય, પણ નક્કી તમને કંઈક તો થયું છે.’ 
‘તમે કાલે પૂછતા હતાને કે હું ચર્ચગેટ મારા પ્રેમીને મળવા, આઇ મીન નોકરી અર્થે આવું છું? જી ના આયુષ, ન હું નોકરી અર્થે આવું છું, ન કોઈ પ્રેમીને મળવા. ‘હેવી પ્રેશર ઑન ઑપ્ટિક નર્વ’ જેવું કંઈક સાંભળ્યું છે? આપણે એને ગ્લુકોમા કહીએ છીએ. ખબર છે તમને?’ તેણે ગુસ્સામિશ્રિત નિરાશા સાથે કહ્યું. આખા મુંબઈમાં આ એકની એક બીમારી માટે રખડી-રખડીને છેલ્લા એક મહિનાથી ચર્ચગેટમાં ઇલાજ કરાવી રહી હતી. આશા હતી કે મારી આંખોના રેટિના પર સર્જાતા પ્રેશરને કેમેય કરીને તે લોકો ઓછું કરી શકશે, પણ બધા જ એક્સપર્ટ્સની જેમ આજે તેમણે પણ હાથ ખંખેરી નાખ્યા. હમણાં મારી આંખોને માત્ર ૪૦ ટકા વિઝન છે. ડૉક્ટરો કહે છે કે મહિના - બે મહિનામાં મારી આંખો એ પણ ગુમાવી દેશે. તમે સત્ય વ્યાસની બુક્સની વાત કરતા હતાને? અરે, ઊધઈ કોઈ પુસ્તકનાં પાનાં ચટ કરી જાય એના કરતાં વધુ ઝડપે હું બુક્સ પી જતી હતી. વાંચવાનો કીડો હતી હું, પણ...’ આજે ફરી અધૂરા વાક્યે તે અટકી પડી.

અમારી આ મુલાકાતને આજે આઠ મહિના થવા આવ્યા. તે નથી મારી પ્રેમિકા, નથી પત્ની કે નથી અમારે હવે સહપ્રવાસનો સંબંધ; પણ આ આઠ મહિના દરમિયાન સત્ય વ્યાસની દરેક બુક્સ હું વાંચી ચૂક્યો છું. મારી આંખો જે વાંચે છે વામ્યા એ જ પુસ્તક મારા શબ્દો દ્વારા વાંચે છે. સત્ય વ્યાસથી શરૂ થયેલી અમારી આ સફરમાં હવે દિવ્યપ્રકાશ દુબે જોડાયા છે. ત્યાર બાદ અમૃતા પ્રીતમ, ધર્મવીર ભરતી અને રામધારી દિનકરજી માટે ઑલરેડી બુકિંગ થઈ ચૂક્યું છે. ક્યારેક આ સફરમાં હું વામ્યાને પૂછું છું, ‘હું તારો કોણ છું વામ્યા? પતિ તું બનાવતી નથી, પ્રેમી તારે બનવા દેવો નથી અને મલાડ-ચર્ચગેટનો સહપ્રવાસ પણ હવે બંધ થઈ ચૂક્યો છે. તો પછી હું તારો કોણ છું?’ 
તે મારા ગાલે હળવી પપ્પી કરે અને ઢળી જ પડાય એવી મારકણી સ્માઇલ સાથે કહે, ‘મારી આંખોને મળેલું આયુષ્ય છે તું આયુષ!’ 
અને તેનું આ વાક્ય સાંભળીને હું બસ, સત્ય વ્યાસ કહે છે એ જ શબ્દો બબડી લઉં છું, ‘યે લડકિયાં ઔર કુછ નહીં, બસ લડકો કો નકારા બના દેતી હૈ!’

નવા લેખકોને આમંત્રણ

તમે પણ જો શૉર્ટ સ્ટોરી લખવા માગતા હો તો લગભગ ૧૩૦૦ શબ્દોમાં રોમૅન્ટિક અથવા સંબંધોના તાણાવાણાને સુંદર રીતે રજૂ કરતી નવલિકા ટાઇપ કરીને featuresgmd@gmail.com પર મોકલો. 
સાથે તમારું નામ અને કૉન્ટૅક્ટ નંબર અને ફોટો પણ મોકલશો. 
જો વાર્તા સિલેક્ટ થશે તો જ પબ્લિશ થશે. એ બાબતે પૂછપરછ ન કરવી.

columnists