મૉરલ સ્ટોરી : સુખ

06 August, 2021 07:53 AM IST  |  Mumbai | Rashmin Shah

‘ના, તારા જેવા દોઢડાહ્યા.’ મમ્મીએ ઢબ્બુના ગાલ પર પ્રેમથી ચીંટિયો ભર્યો અને સૂચના પણ આપી દીધી, ‘પૂછ-પૂછ કરવાનું બંધ કરીને ચૂપચાપ સ્ટોરી સાંભળ...’

સુખ

‘હા, પણ એક રૂમ તો જોઈએને...’ મમ્મીએ ડાઇનિંગ ટેબલ સાફ કરતાં-કરતાં વાત કન્ટિન્યુ રાખી, ‘કોઈ પણ ગેસ્ટ આવે તો આખા ઘરની સિસ્ટમ બદલી નાખવી પડે છે. કાં તો ઢબ્બુને આપણી રૂમમાં લેવો પડે અને કાં આપણે તેની રૂમમાં જવું પડે.’
‘હં...’
પપ્પાની આંખો બુક પર હતી અને ચહેરા પર આછું સરખું સ્માઇલ આવી ગયું હતું. સ્માઇલ સાથે જ તેમણે બુકનું ટાઇટલ ફરી એક વાર જોયું અને વાંચ્યું:
‘હાઉ ટુ બી હૅપી’.
તારે આ બુક વાંચવાની જરૂર છે. 
મનમાં જ આવી ગયેલા વિચાર વચ્ચે પપ્પાએ ફરીથી ધ્યાન મમ્મીની વાત પર આપ્યું. મમ્મીનું બોલવાનું ચાલુ જ હતું. ઘરમાં ગેસ્ટરૂમ ન હોવાને લીધે પડતી તકલીફોની પારાયણ ચાલતી હતી અને એમાં ઢબ્બુએ ડ્રૉઇંગરૂમની બરાબર વચ્ચે જ બેસીને જિગસૉ પઝલ ખોલી એટલે મમ્મીને વધારે ગુસ્સો આવ્યો હતો. જોકે તે બોલી નહોતી શકી કે ઢબ્બુને અટકાવી નહોતી શકી એ પણ હકીકત હતી અને આ હકીકત વધુ એક વાર પુરવાર કરતી હતી કે અકળામણ બહાર ન નીકળે તો ગૂંગળામણ બનવા માંડે છે. 
‘એવું હોય તો આપણે બીજે રેન્ટ પર રહેવા ચાલ્યા જઈએ. આ ફ્લૅટને રેન્ટ પર આપી દઈશું તો વધારે સ્ટ્રેસ પણ નહીં આવે.’
‘હં...’
‘જવાહરનગરમાં આસ્થા હાઇટ્સ છે એ પણ સરસ કહે છે.’ મમ્મીના અવાજમાં ઉત્સાહ આવી ગયો હતો, ‘જવું છે કાલે જોવા?’
‘જોઈએ...’ પપ્પાએ બુકનું ટાઇટલ ફરી એક વાર વાંચ્યું અને ધીમેકથી કહ્યું, ‘સંકડામણ ઘરમાં નહીં, મનમાં હોય છે.’
‘ફિલોસૉફી નહીં, સૉલ્યુશન.’ મમ્મીએ ઢબ્બુ તરફ હાથ કર્યો, 
‘આ જુઓ, કલાકથી બેઠો છે પથારો કરીને. આમાં કેવી રીતે અહીંથી હલનચલન કરવું?’
‘પણ તારે ત્યાંથી હલનચલન 
કરવું છે શું કામ?’ પપ્પાએ ડાઇનિંગ ટેબલની બીજી સાઇડ તરફ ઇશારો કરીને કહ્યું, ‘આ છેને રસ્તો, અહીંથી આવ-જા કર...’
‘અરે, કેટલું ફરવું પડે...’
મમ્મીના જવાબ પર પપ્પાને હસવું આવી ગયું.
ત્રણ સ્ટેપ વધારે ચાલવું પડે 
એમાં મમ્મીને એવું લાગતું હતું કે કેટલું ફરવું પડે!
પપ્પાને હસતા જોઈને મમ્મીએ સહેજ મોઢું ત્રાંસું કર્યું.
‘હસવાનું પૂરું થાય એટલે જવાબ આપજો.’ પ્લેટ લઈને કિચનમાં જતી મમ્મીના છેલ્લા શબ્દો પપ્પાને સંભળાયા, ‘પણ જવાબ આપવાનો છેને, હા જ કહેવાની છે.’
મમ્મીને નવો ફ્લૅટ જોઈતો હતો - થ્રી બીએચકે. કારણ માત્ર એટલું કે ઘરમાં ગેસ્ટરૂમ નહોતો. માણસના 
ઘરમાં બચ્ચાંઓ માટે રૂમ નથી હોતી એવા સમયે ઢબ્બુ માટે સૅપરેટ રૂમ હતો એ વાતની ખુશી માણવાને બદલે મમ્મીને ત્રણ રૂમ ન હોવાનો અફસોસ થતો હતો.
‘પપ્પા, હેલ્પ મી...’ ઢબ્બુએ પપ્પા સામે જોયા વિના જ તેમને બોલાવ્યા, ‘આ તો બહુ હાર્ડ છે...’
એક હજાર પીસની જિગસૉ પઝલ વધારે હાર્ડ એટલે થતી હતી કે એમાં આઇફલ ટાવર આપ્યો હતો અને આઇફલ ટાવરની પાછળ ખુલ્લું આકાશ આપ્યું હતું. આકાશના લાઇટ બ્લુ કલરમાં આછું સરખું વેરિયેશન હતું તો આઇફલ ટાવરના મોટા ભાગના પાર્ટ એકસરખા દેખાતા હતા.
પપ્પા ઢબ્બુની પાસે બેઠા, પઝલના પાર્ટ જુદા કરવાનું શરૂ કર્યું અને પહેલાં કૉર્નરના પાર્ટ્સ હાથમાં લીધા.
‘હંમેશાં યાદ રાખવાનું કે શરૂઆત સાચી થવી જોઈએ.’ પપ્પાએ જમીન પર જિગસૉ પઝલના પાર્ટ્સ ગોઠવવાનું શરૂ કર્યું, ‘જો એમાં ભૂલ કરીએ તો એ ભૂલ તમને ક્યાંય આગળ વધવા ન દે.’
 ‘આ મારા માટે હતું કે મમ્મી માટે?’ ઢબ્બુએ પપ્પાની સામે જોયું, ‘મમ્મી માટે હોય તો વાંધો નહીં, બાકી મને સમજાયું નથી...’
‘તેને પણ સમજાય એવું લાગતું નથી મને...’
‘તો સ્ટોરી કરોને, મને તો સ્ટોરીમાં સમજાવો છો તમે.’
‘રાઇટ...’ પપ્પાએ ઢબ્બુને તેડી લીધો, ‘બોલાવ ચાલ તેને...’
ઢબ્બુએ રાડ પાડી મમ્મીને. પહેલી બૂમે જવાબ ન દેનારી મમ્મીએ ત્રીજી બૂમે જવાબ આપ્યો અને પાંચમી બૂમે કિચનમાંથી બહાર આવી.
‘પપ્પા, મસ્ત સ્ટોરી કહે છે...’
‘મારે કંઈ નથી સાંભળવું, હું 
થાકી છું...’
ઢબ્બુ સોફા પરથી ઊતરીને મમ્મી પાસે પહોંચી ગયો.
‘અરે, સાંભળવી પડે... મસ્ત છે. થાક ઊતરી જશે. એકદમ ફ્રેશ થઈ જઈએ એવી...’ હાથ પકડીને પરાણે મમ્મીને લઈને આવેલા ઢબ્બુએ પપ્પાને પણ કહી દીધું, ‘નાઓ ફાસ્ટ...’
‘એક...’
ઢબ્બુએ હાથની સાઇન કરીને પપ્પાને રોક્યા.
‘મને મારી જગ્યાએ તો આવી જવા દો...’ મમ્મીના ખોળામાં બેસીને ઢબ્બુએ પગ લાંબા કર્યા, ‘નાઓ સ્ટાર્ટ...’
‘હં...’ પપ્પાએ સ્ટોરી શરૂ કરતાં પહેલાં એક વાર ઢબ્બુ સામે જોયું, ‘ફાઇનલને, સ્ટાર્ટ કરુંને?’
ઢબ્બુએ આજુબાજુમાં જોયું અને પછી સહેજ વિચાર્યું...
‘હા, કંઈ બાકી નથી. સ્ટાર્ટ...’
‘એક મોટું નગર હતું.’
‘નગર એટલે સિટી?’
‘હં...’
‘ને નગરી એટલે ટાઉન, રાઇટ?’
‘એકદમ રાઇટ...’
‘ઓકે, કન્ટિન્યુ...’ 
‘એક મોટું નગર હતું... નગરમાં એક મોટો રાજા રહે.’
‘રાજાનું નામ શું હતું?’
‘હં... નામ તેનું હતું વીરભદ્રસિંહ...’
‘ઓકે... પછી?’
‘રાજા પાસે બહુબધા પૈસા હતા. તેનો આખો મહેલ સોનાનો હતો. મોટી સેના અને બહુબધાં શસ્ત્રો તેની પાસે. રાજાને કોઈની બીક નહીં ને રાજાને કોઈ જાતનું ટેન્શન નહીં... રાજાનાં દીકરા-દીકરી ભણવા માટે ફૉરેન 
ચાલ્યા ગયાં હતાં. રાજકુમાર અને રાજકુમારી બન્ને ડાહ્યા અને હોશિયાર. તેમને કોઈ વ્યસન નહીં ને કોઈ ખરાબ સોબત પણ નહીં.’
‘ફ્રેન્ડ્સ મારા જેવા, તેમને. ડાહ્યા...’
‘ના, તારા જેવા દોઢડાહ્યા.’ મમ્મીએ ઢબ્બુના ગાલ પર પ્રેમથી ચીંટિયો ભર્યો અને સૂચના પણ આપી દીધી, ‘પૂછ-પૂછ કરવાનું બંધ કરીને ચૂપચાપ સ્ટોરી સાંભળ...’
પપ્પાએ સ્ટોરી આગળ વધારી.
‘રાજાને કોઈ પ્રૉબ્લેમ નહીં, કોઈ તકલીફ નહીં અને એ પછી પણ રાજાને મજા આવે નહીં. આખો દિવસ રાજા ઉદાસ રહ્યા કરે. એકદમ સૅડ રહે. બધાને નવાઈ લાગે કે રાજાની પાસે આટલા પૈસા છે, આટલી સંપત્તિ છે તો પણ કેમ આટલો સૅડ છે.’
lll
‘ખબર નહીં, પણ જીવનમાં સુખ નથી.’ રાજાને રાણીએ પૂછ્યું એટલે રાજાએ જવાબ આપ્યો, ‘આ બધી તો સગવડ છે. સુખ, મને સુખ જોઈએ છે. હું સુખી નથી.’
રાજાની વાત સાંભળીને રાણી પણ મૂંઝાઈ અને રાજાના પ્રધાનો પણ ગભરાયા. કરવું શું રાજા સુખી થાય એ માટે? બધાએ પોતપોતાની રીતે મહેનત શરૂ કરી.
બીજા દિવસે રાજાના મહેલનું જે કિચન હતું એ કિચનની બધી જવાબદારી રાણીએ પોતે લઈ લીધી. મસ્ત, રાજાને ભાવે એવું બધું જમવાનું બનાવ્યું. લંચનો ટાઇમ થયો અને રાજા જમવા આવ્યા. 
એ જ સોગિયું મોઢું, એ જ 
ઉદાસ ચહેરો.
રાજા જમવા બેઠા એટલે રાણી પોતે પીરસવા આવી ગયાં. એક પછી એક આઇટમની વાત કરતાં-કરતાં રાણી પીરસતાં જાય.
‘જુઓ, આ શ્રીખંડ. ક્રીમમાંથી બનાવ્યો છે. એમાં અફઘાની અંજીર, આફ્રિકન કાજુ અને કાશ્મીરનું કેસર નાખ્યું છે. સાકર તો છેક દેહરાદૂનથી મગાવી છે.’ રાણીએ શ્રીખંડ રાજાના બોલમાં ભર્યો અને પછી બીજું બોલ હાથમાં લીધું, ‘આ મગની દાળનો શીરો. ખાસ તમારા માટે બનાવ્યો. કિસમિસ ખાસ નાશિકથી મગાવી તમારા માટે. જુઓ તમે, કિસમિસ કેવી ફુલાઈ ગઈ છે અને જુઓ તમે, ઘી કેવું છૂટું પડે છે ને આ સોડમ જુઓ...’
lll
‘બસ...’ ઢબ્બુએ મોઢા પર હાથ મૂકીને મોઢું દબાવીને જ કહ્યું, ‘વધારે નહીં બોલો, ખાવાનું મન થાય છે.’
પપ્પા અને મમ્મી બન્ને હસી પડ્યાં.
‘ખાવું છે કંઈ, બનાવી દઉં?’ 
મમ્મીએ પૂછ્યું એટલે ઢબ્બુએ તરત જ જવાબ આપ્યો.
‘ના, જે માગીશ એ ખાવાની તું ના પાડીશ...’ ઢબ્બુએ પપ્પા સામે જોયું, ‘પછી, પછી શું થયું?’
પપ્પા કંઈ બોલવા જાય એ પહેલાં ઢબ્બુએ કહી દીધું.
‘રાજાએ જમી લીધું, પછી... પછી શું થયું?’
lll
મહારાણીએ રાજાને ખુશ કરવાની બહુ કોશિશ કરી, પણ રાજા ખુશ થયા નહીં. પ્રધાનોએ પણ એ જ ટ્રાય કરી કે રાજા ખુશ થાય. એવાં-એવાં કામો તેમણે કર્યાં, પણ નહીં, રાજા જરા પણ ખુશ નહીં. તેમનો ચહેરો હજી પણ એવો જ સોગિયો હતો. રાજાના ખાસ માણસોએ રાજા માટે ડાન્સરને પણ બોલાવી જેથી રાજાને મજા આવે, રાજા મૂડમાં આવે અને રાજા ખુશ થાય.
‘મહારાજ, આજે રાજ્યની બેસ્ટ ડાન્સર તમારી સામે નૃત્ય કરશે...’
lll
‘મીન્સ, સની લીઓની?’
ઢબ્બુની ક્યુરિયૉસિટી જોઈને પપ્પા-મમ્મી બન્ને હેબતાઈ ગયાં.
મમ્મીએ તો ઢબ્બુને માથામાં ટપલી પણ મારી દીધી.
‘ક્યાં-ક્યાંથી આવું બધું સાંભળી આવે છે?’
‘અરે, એ તો બાજુવાળા અંકલ છેને સમીરઅંકલ...’ ઢબ્બુએ મમ્મી સામે જોઈને કહ્યું, ‘એ તેનાં સૉન્ગ્સ જોતા હતા એટલે ખબર પડી.’
‘લીવ ઇટ, સ્ટોરી આગળ કરીએ...’
બધા માટે ઊભી થયેલી ક્ષોભજનક અવસ્થા પપ્પાએ દૂર કરતાં કહ્યું.
‘રાજા માટે ડાન્સર આવી, બરાબર...’
‘હા, સની લીઓની આવી... પછી...’
lll
રાજાએ આખી રાત તેનો ડાન્સ જોયો અને એ પછી પણ રાજાનો મૂડ આવ્યો નહીં. તે મૂડલેસ જ રહ્યા. પ્રધાનોએ રાજા માટે નગરમાં જાતજાતની અરેન્જમેન્ટ કરી. મેળો કર્યો અને નાનકડી ઑલિમ્પિક્સ પણ રાખી. રાજા બધી જગ્યાએ જાય, હાજર રહે, બધાને ચિયર કરે પણ મૂડ રાજાનો આવે નહીં. જેવા તે એકલા પડે કે રાજાને થાય કે તેની લાઇફમાં કંઈક ઘટે છે, કંઈક ઓછું છે. એવું ઓછું જેને લીધે રાજાને ખુશ રહેવું ગમતું નથી.
મહારાણીએ તો બિચારાંએ 
રસ્તો એવો પણ કાઢ્યો કે આપણે રાજકુમાર અને રાજકુમારીને પાછાં બોલાવી લઈએ.
‘બાળકો હશે ઘરમાં તો રાજાને મજા આવશે, આખો દિવસ બધા સાથે રહેશે તો એ મૂડમાં પણ આવી જશે.’
પ્રધાનોને એ સ્ટેપ ખોટું લાગ્યું, પરંતુ રાજાની ખુશી માટે એ કરવાની પણ તેમણે હા પાડી અને એ લોકોને પાછાં બોલાવી લેવામાં આવ્યાં. બાળકોને જોઈને રાજા ખુશ થયો. તે બધાને મળ્યો, પણ થોડી વાર પછી ફરીથી રાજાના ચહેરા પર ઉદાસી આવી ગઈ, રાજા ફરી સૅડ થઈ ગયો. રાજાની એક જ ફરિયાદ હતી, એક જ આર્ગ્યુમેન્ટ હતી કે હું સુખી નથી, મારે સુખી થવું છે. 
રાજાને સુખી કેમ કરવા, કેવી રીતે રાજાને સુખ આપવું?
સૌકોઈના મનમાં મૂંઝવણ આવી ગઈ. જવાબ શોધવામાં હવે નગરનો એકેએક માણસ લાગી ગયો, પણ 
કોઈને જવાબ મળે નહીં. એવામાં એક દિવસ રાજાના નગરમાં એક સાધુમહારાજ આવ્યા. ચમત્કારી 
કહેવાય એવા મહારાજ હતા. લોકો 
દૂર-દૂરથી તેમનાં દર્શન માટે જાય. રાણીને પણ ખબર પડી એટલે તે તો મહારાજને લઈને સાધુમહારાજનાં દર્શન કરવા માટે પહોંચી.
‘મહાત્મા, મારા પતિને, આ રાજના રાજાને સુખ જોઈએ છે. તમે તેમને સુખ આપો... તે સુખી થાય એવું કંઈક કરો તમે.’

વધુ આવતા શુક્રવારે

columnists Rashmin Shah