જઘન્ય અપરાધ

02 October, 2022 12:34 AM IST  |  Mumbai | Aashutosh Desai

‘જેલમાં રહેતા બીજા કેદીઓ મારા દીકરાને હેરાન તો નહીં કરતા હોયને દીવાનસાહેબ?’ સૂર્યકાંતભાઈ વકીલ વિશ્વાસ દીવાનને આટલું પૂછતાં રડી પડતા

જઘન્ય અપરાધ

‘અઠવાડિયા પછીની ડેટ્સ મળી છે; પણ તમે ચિંતા ન કરો, જામીન તો મળી જ જશે. હા, આપણે બધાએ એક વાતની ખાસ કાળજી લેવાની છે. મીડિયા ટ્રાયલ! આ અઠવાડિયા દરમિયાન કોઈ પણ જાતની મીડિયા ટ્રાયલથી આપણે દૂર રહેવાનું છે. સૂર્યકાંતભાઈ, મને ખબર છે કે તમારા અને સુશીલાબહેન માટે આ દિવસો કપરા છે. મને એ પણ ખબર છે કે સલાહો આપવી સહેલી છે. આ ઉંમરે હમણાં તમે જે પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યાં છો એ જીરવવી દુષ્કર છે એ પણ હું સમજું છું. આમ છતાં પરિસ્થિતિઓ સામે આપણે ત્યારે જ જીતી શકીશું જ્યારે સંયમ અને હિંમતનો સાથ નહીં છોડીએ. જો તમે જ ઢીલા પડશો તો સાહિલને આપણે કઈ રીતે હિંમત બંધાવી શકીશું? આ દિવસો દરમિયાન મીડિયા તમને અનેક પ્રશ્નો પૂછશે, અનેક રીતે ઉશ્કેરશે જેથી તમે આવેગમાં આવીને કંઈક બોલી દો. જોકે ખાસ ધ્યાન રાખજો કે તમારા કયા નિવેદનનો ક્યારે આપણી વિરુદ્ધમાં ઉપયોગ થઈ શકે એ આપણે નથી જાણતા. આથી બહેતર છે આપણે ચૂપ રહીએ, શાંત રહીએ અને બને ત્યાં સુધી આ બાબત વિશે કોઈ પણ સાથે વાતચીત કરવાનું પણ ટાળીએ. ભૂલમાં પણ આપણને નુકસાન થાય એવો કોઈ બફાટ મીડિયા સામે કરતા નહીં. આમ પણ મામલો હમણાં ગરમ છે અને જજ પણ ટીવી જોતા હોય છે.’ વકીલે કહ્યું. 
સૂર્યકાન્તભાઈ પાસે નીચું મોઢું રાખીને સાંભળી લેવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. કારમાં બેસીને કોર્ટના પ્રાંગણની બહાર નીકળતાં તેમણે વકીલ વિશ્વાસ દીવાન સામે હાથ જોડ્યા અને ચૂપચાપ કારની પાછલી સીટ પર બેસીને નીકળી ગયા. 
કોર્ટ નજીક ઊભેલા કેટલાક મીડિયાકર્મીઓ તેમની કાર પાછળ થોડે દૂર સુધી દોડ્યા, પરંતુ કારે સ્પીડ પકડી અને વિન્ડોગ્લાસ બંધ હોવાને કારણે તેમને સૂર્યકાંતભાઈની ઝલક સુધ્ધાં મળવા નહોતી પામી. બધાએ હવે વકીલ વિશ્વાસ દીવાન તરફ ડગ ભર્યાં. ‘કોર્ટ સર્વોપરી છે અને ન્યાયવ્યવસ્થા પર અમને પૂર્ણ વિશ્વાસ છે.’ બસ, આટલું એક વાક્ય કહીને દીવાન ફરી કોર્ટરૂમ તરફ આગળ વધી ગયા.
‘શું થયું? જામીન મળ્યા કે નહીં? તમે જોયો તેને? કોર્ટરૂમમાં લાવ્યા હતા કે નહીં?’ સૂર્યકાન્તભાઈ પાછળ પડેલા મીડિયાના રિપોર્ટર્સના ટોળાથી જેમ-તેમ બચતા મહાપ્રયત્ને ઘરે પહોંચ્યા કે તરત સુશીલાબહેને સવાલો કરવા માંડ્યા. 
‘શ્વાસ તો લેવા દેશે કે નહીં?’ સૂર્યકાંતભાઈ ગુસ્સા અને નિ:સહાયતાને કારણે બરાડી ઊઠ્યા, ‘ઘરની બહાર પેલા રિપોર્ટર્સ કૂતરાની જેમ પાછળ પડ્યા છે અને ઘરમાં તું!’ 
માનસિક અને શારીરિક રીતે થાકી ગયેલા સૂર્યકાન્તભાઈ સામે હમણાં એકમાત્ર પત્ની જ હતી જેના પર ગુસ્સો, ગભરાટ, ઉદ્વેગ બધું જ બેઝિઝક ઠાલવી શકાય એમ હતું. આંખમાં આંસુ સાથે સુશીલાબહેન ચૂપચાપ રસોડા તરફ ચાલી ગયાં. બે પળ જેટલો સમય વીત્યો હશે ત્યાં સૂર્યકાંતભાઈને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે રસોડામાં રડી રહેલાં સુશીલાબહેન નજીક જઈને ખભે હાથ મૂકતાં કહ્યું, ‘માફ કરજે સુશીલા, મારાથી તારા પર ગુસ્સે થઈ જવાયું. મને ખબર છે કે તારી હાલત મારા કરતાં વધુ ખરાબ છે, પણ શું કરું? આજે ત્યાં કોર્ટરૂમમાં બધા મને એ રીતે જોઈ રહ્યા હતા જાણે મેં પણ કોઈ મોટો ગુનો કરી નાખ્યો હોય. કોર્ટની બહાર નીકળ્યો તો આ ન્યુઝ-ચૅનલ્સવાળા કાગડાની જેમ મંડી પડ્યા. ત્યાંથી જેમ-તેમ બચ્યો તો અહીં ઘરની બહાર બધા ધામો નાખીને બેઠા છે. હું શું કરું સુશી? મારાથી...’ આટલું બોલતાંમાં તો સૂર્યકાંતભાઈની આંખો ભીની થઈ ગઈ. 
છેલ્લા કેટલાય કલાકોથી જાળવી રાખેલો સંયમ પત્ની સામે કોઈ બાંધ તૂટે એ રીતે તૂટી પડ્યો. કોઈ મા પોતાના બાળકને બાથ ભારે એ રીતે સુશીલાબહેને સૂર્યકાન્તભાઈને બાથમાં લીધા. આંખોની ભીતર બાંધી રાખેલા બાંધને તેમણે શાંતિથી વહી જવા દીધો. પતિને ધરપત આપતાં તેમણે કહ્યું, ‘સાંભળો, હું શું કહું છું? બીજું કંઈ નહીં તો આપણને આપણી કેળવણી પર ભરોસો હોવો જોઈએ લાલુના પપ્પા. મને ખબર છે કે લાલુ એવું કંઈ જ નહીં કરે જેને કારણે મારી કૂખ લજવાય.’
સુશીલાબહેનને તેમના પ્રશ્નોનો જવાબ નહોતો મળ્યો, પણ સૂર્યકાંતભાઈને આ રીતે ભાંગી પડેલા જોઈને તે સમજી ગયાં હતાં કે સાહિલે હજી થોડો સમય જેલના સળિયાની ભીતર જ રહેવું પડશે.
સુશીલાબહેને પાણીનો ગ્લાસ ધર્યો. ચિંતાતુર માની આંખમાંથી નીકળતાં આંસુઓનું એક ટીપું એ ગ્લાસમાં પડ્યું. પાણીની સાથે-સાથે સૂર્યકાન્તભાઈ પત્નીના આંસુની ખારાશ પણ પી ગયા. ટેબલ પર ગ્લાસ મૂકવા ગયા ત્યાં જ તેમની નજર સામે પડેલા બે દિવસ પહેલાંના અખબારની હેડલાઇન પર ગઈ. ‘યુવાન બિઝનેસમૅન સાહિલ રાયચૂરાનું શેતાની રૂપ આવ્યું બહાર! પોતાની જ ઑફિસમાં કામ કરતી એક છોકરી પર બળાત્કારનો પ્રયત્ન!’ 
સૂર્યકાન્તભાઈને અખબારના આ શબ્દો જાણે અગનજ્વાળા જેવા લાગી રહ્યા હતા. 
ત્રણ દિવસમાં તો જાણે પરિવારની આસપાસનું આખું વિશ્વ બદલાઈ ગયું હતું. બાપના ધમધોકાર ચાલતા બિઝનેસની વારસાઈ છોડીને દીકરા સાહિલે પોતાનો નવો ધંધો શરૂ કરવાનું વિચાર્યું ત્યારે જે લોકો આવું ગાંડપણ ન કરવાની સલાહ આપતા હતા. પછી દીકરાની સફળતા જોઈને એ જ બધા ચાર મોઢે વખાણ કરતા થાકતા નહોતા અને આજે હવે એ જ લોકો મન ફાવે એમ બોલવા મંડ્યા હતા. 
સાહિલ આમ પણ પહેલેથી જ છેલબટાઉ છોકરો હતો. કૉલેજમાં પણ ક્યાં સખણો રહેતો હતો. રોજ સાંજે ઘરના દરવાજે કોઈ નવી છોકરી સાથે ખભે હાથ નાખીને ઊભો રહેતો. અમને તો ત્યારે જ ખબર હતી કે આ રોમિયોનાં લખ્ખણ પાધરાં નથ. મા-બાપ નહીં તો પાડોશીઓ, ઑફિસસ્ટાફ નહીં તો કૉલેજના મિત્રો; મીડિયા ચૅનલ્સવાળાને જે મળે તેમનો ઇન્ટરવ્યુ કરીને સાહિલ અને તેના પરિવારની કરમકહાણી બ્રેકિંગ ન્યુઝ તરીકે સ્ક્રીન પર દેખાડવામાં આવી રહી હતી. 
‘દીકરો એટલો જ શરીફ હોય તો મા-બાપ કૅમેરા સામે કેમ નથી આવતાં? સંતાનો ઘરમાંથી જ તો શીખે છે. મા-બાપને પૈસા કમાવામાં સંતાનો શું કરી રહ્યાં છે એ જોવા કે જાણવાની ફુરસદ જ ક્યાં હોય છે? દીકરાની જેમ જ બાપની નજર પણ એવી હશે?’ માત્ર સાહિલ જ નહીં, સૂર્યકાંતભાઈ અને સુશીલાબહેનનાં કૅરૅક્ટર પણ મીડિયા અને ન્યુઝ-ચૅનલ્સમાં ઊછળવા માંડ્યાં હતાં. 
એક અઠવાડિયાનો આ સમય ૧૪ વર્ષના વનવાસ કરતાંય વધુ કઠોર હોય એ રીતે સૂર્યકાંતભાઈ અને સુશીલાબહેને જીવી તો નાખ્યો, પરંતુ ત્યાં જેલમાં દીકરા સાહિલની શું પરિસ્થિતિ હશે એનો વિચારમાત્ર બંનેનો જીવ કાઢી નાખનારો હતો. વિશ્વના કોઈ પણ ગુના કરતાં બળાત્કારના ગુનાને જેલવાસીઓ પણ સૌથી જઘન્ય અપરાધ ગણતા હોય છે એવું સૂર્યકાંતભાઈએ સાંભળ્યું હતું. 
‘જેલમાં રહેતા બીજા કેદીઓ મારા દીકરાને હેરાન તો નહીં કરતા હોયને દીવાનસાહેબ?’ સૂર્યકાંતભાઈ વકીલ વિશ્વાસ દીવાનને આટલું પૂછતાં રડી પડતા. 
અઠવાડિયા બાદ ફરી બેઇલ ઍપ્લિકેશનના હિયરિંગની તારીખ આવી ગઈ. જાતને પરાણે ધક્કો મારીને સૂર્યકાંતભાઈ કોર્ટના પરિસર સુધી પહોંચ્યા. ત્યાં પબ્લિકમાંથી કોઈકે કાળી શાહીથી લથબથ એવો વાવટો સૂર્યકાંતભાઈ તરફ ફેંક્યો. સૂર્યકાંતભાઈના શર્ટ પર નહીં પણ વર્ષોની મહેનત બાદ કમાયેલી શાખ પર જાણે એ કાળી શાહી ફેંકાઈ હોય એમ તેમને લાગ્યું. રડતા ચહેરે કોર્ટરૂમમાં તેઓ પ્રવેશ્યા. દીકરાની એક ઝલક તો તેઓ જેમ-તેમ જોઈ શક્યા. આંખમાં આવી ગયેલાં પાણી નજર સામેનું દૃશ્ય ધૂંધળું કરી રહ્યા હતા. પબ્લિક પ્રોસિક્યુટરની જબરદસ્ત દલીલો ફરી સાહિલના ભાગ્ય પર બેઠેલા રાહુ જેવી સાબિત થઈ. આ વખતે પણ જામીન નહીં મળ્યા. હા, એટલું જરૂર થયું કે કોર્ટે પોલીસને તાકીદે ચાર્જશીટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો. આ વખતે તો સૂર્યકાંતભાઈ વકીલ વિશ્વાસ દીવાનની સાંત્વના સાંભળવા પણ ન રોકાયા.
ઘરમાં પ્રવેશતાં જ ફરી અઠવાડિયા પહેલાંનું દૃશ્ય રચાયું. સુશીલાબહેનની આંખ છેલ્લા નવ દિવસથી રડી-રડીને જાણે હવે આંસુઓ સૂકવી ચૂકી હતી. સૂર્યકાંતભાઈને ખાવાનું તો શું પાણી પણ ગળે નહોતું ઊતરી રહ્યું. ચારે તરફથી નિરાશાઓ એ રીતે ઘેરી વળી હતી કે જાણે ક્યાંય કોઈ પ્રકાશનું કિરણ દેખાતું નહોતું. બીજા દિવસની સવારના અખબારમાં ફરી એક નવી હેડલાઇન છપાઈ હતી, ‘દીકરાના જઘન્ય અપરાધને કારણે થઈ રહેલી બદનામી સહન ન થતાં મા-બાપે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી!’
આવી અણધારી ઘટનાને કારણે આખા શહેરમાં સનસનાટી પ્રસરી ગઈ. કોઈએ સ્વપ્નેય ધાર્યું નહોતું કે સૂર્યકાન્ત રાયચૂરા જેવા અદના માણસ આટલું મોટું પગલું ભરી બેસશે. એક તરફ ન્યુઝ-ચૅનલ્સ હજીયે સાહિલના જઘન્ય અપરાધની કરમકહાણી કહેવામાં હરીફાઈએ ચડી હતી તો બીજી તરફ સમાજના લોકો થોડો સૂર બદલીને બંને તરફ બોલવા માંડ્યા હતા. ‘સૂર્યકાન્તભાઈ જેવા સજ્જનને ત્યાં કેવો નરાધમ પાક્યો. જુઓને, પોતે તો આવું ઘૃણાસ્પદ કુકર્મ કરીને જેલમાં બેસી ગયો અને અહીં મા-બાપનો પણ જીવ લઈ લીધો. સમાજમાં જેટલાં મોઢાં એટલી વાતો થવા માંડી.
ત્યાં બીજી તરફ એ જ અખબાર હાથમાં લઈને ફાટી આંખે હેડલાઇન વાંચી રહેલી સાક્ષી બોલી, ‘શિટ્! નાઓ વૉટ વી વિલ ડૂ તન્વી? આપણે તો સાહિલ પાસે પૈસા ઓકાવી લેવાની ફિરાકમાં આખો પ્લાન કર્યો હતો અને આ તો નવી જ ઉપાધિ ઊભી થઈ! આ ફરિયાદ સાવ ખોટી, સાવ ધડ-માથા વિનાની હતી એવું કોર્ટમાં સાબિત થઈ ગયું તો?’ અખબાર પકડેલો સાક્ષીનો હાથ ધ્રૂજી રહ્યો હતો. સાક્ષી સામે ફાટી નજરે જોઈ રહેલી તન્વીને સમજાતું નહોતું કે હવે શું કરવું?

columnists