જે ચિત્તાનો ફોટો પાડવા માટે તમે કૅમેરા ગોઠવ્યો હોય લેન્સમાંથી ખસીને તમારી વૅનની પાછળથી સાવ નજીક આવી જાય તો?

19 May, 2022 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવાજી પાર્કમાં રહેતા અનુજ શાહને આફ્રિકાની વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની ટૂર વખતે અઢળક અનુભવો થયા, દુનિયાના ઘણા દેશોમાં ફરી ચૂકેલા ટ્રાવેલના અનુભવોમાંથી જ અચાનક વાઇલ્ડલાઇફ પ્રત્યે આકર્ષણ જાગ્યું અને આજે હાંજા ગગડાવી નાખતા અનુભવોની દુનિયામાં એક લટાર મારીએ

ચિત્તાનો ફોટો પાડવા માટે તમે કૅમેરા ગોઠવો અને તે પાછળથી તમારી નજીક આવી જાય તો?

શિવાજી પાર્કમાં રહેતા અનુજ શાહને આફ્રિકાની વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફીની ટૂર વખતે અઢળક અનુભવો થયા, દુનિયાના ઘણા દેશોમાં ફરી ચૂકેલા ટ્રાવેલના અનુભવોમાંથી જ અચાનક વાઇલ્ડલાઇફ પ્રત્યે આકર્ષણ જાગ્યું અને આજે હાંજા ગગડાવી નાખતા અનુભવોની દુનિયામાં એક લટાર મારીએ

ઇટલી, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝરલૅન્ડ, ફ્રાન્સ, હંગેરી, ચેક રિપબ્લિક, જર્મની, ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ, હોલૅન્ડ, સ્પેન, પોર્ટુગલ, ગ્રીસ, થાઇલૅન્ડ, સિંગાપોર, હૉન્ગકૉન્ગ જેવા દેશોનાં જાણીતાં અને જરાય ન જાણીતાં હોય એવાં પણ કુદરતનું દોમ-દોમ સૌંદર્ય હોય એવાં અઢળક સ્થળે ફરી ચૂકેલા; મોટા ભાગના ભારતને એક્સપ્લોર કરી ચૂકેલા અને હવે વાઇલ્ડલાઇફ તરફ ઝુકાવ વધતાં આફ્રિકન દેશો તરફ વળેલા અનુજ શાહ ટ્રાવેલિંગને જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાં સ્થાન આપે છે. યસ, રોટી, કપડાં અને મકાનની જેમ ફરવું પણ એટલું જ જરૂરી છે. અને ફરવા માટેનું બજેટ દરેક વ્યક્તિએ પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે અનિવાર્યપણે બનાવવું જ જોઈએ. ટ્રાવેલ તમને જે શીખવે છે એ દુનિયાની કોઈ મોટી યુનિવર્સિટી પણ ન શીખવી શકે. હું ટ્રાવેલિંગમાંથી સતત શીખતો રહ્યો છું. ઘણું શીખ્યો છું અને શીખવાની આ જર્ની સતત ચાલુ જ રહેવાની છે, કારણ કે અંતિમ શ્વાસ સુધી મારી યાત્રાઓ પણ ચાલુ રહેવાની છે એમ જણાવીને અનુજભાઈ કહે છે, ‘છેલ્લાં સાતેક વર્ષથી હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી તરફ વળ્યો છું. અફકોર્સ, બહુ જ મોંઘો શોખ છે પરંતુ એનાં બીજ પણ ટ્રાવેલિંગમાં જ રોપાયાં. હું નેચરલવર છું અને જ્યારે પણ બહાર નીકળું ત્યારે નેચરને એક્સપ્લોર કરવાના ઇન્ટેન્શન સાથે જ. મને મ્યુઝિયમમાં જવા કરતાં ઐતિહાસિક ગામમાં જવું ગમે અને લોકલની જેમ રહેવું ગમે. હું નદીઓ, પહાડો, જંગલો વચ્ચે રહેવા માટે વધુ ઉત્સુક હોઉં છું.’
ધીરજનો સવાલ
અનુજભાઈ વર્ષમાં એક વાર પોતાના પરિવાર સાથે ફરવા જાય અને એક વાર એકલા કોઈ પણ વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીની કે પછી જંગલની મુલાકાત લે. અત્યારે બૅક-ટુ-બૅક બે વખત આફ્રિકામાં કેન્યાની અમુક જગ્યાઓ તેઓ એક્સપ્લોર કરી આવ્યા અને ટ્રાવેલિંગ સાથે ફોટોગ્રાફી પણ તેમનું પૅશન છે એટલે બન્ને શોખ સાથે પૂરા કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘વાઇલ્ડલાઇફ ટૂરો હું એકલો જ કરતો હોઉં છું, કારણ કે એમાં મારી ફૅમિલીને ખાસ રસ નથી પડતો હોતો. એ બહુ જ ટિડિયસ જૉબ પણ છે. તમે સવારે પાંચ વાગ્યે થોડુંક ખાવાનું અને પાણી લઈને નીકળો અને એ પછી દસ-બાર કલાક સતત તમે જંગલમાં જ હો. એમાં જો ફોટોગ્રાફી કરવી હોય તો ઍનિમલની મૂવમેન્ટ જોવા માટે ઘણી વાર ચાર-ચાર પાંચ-પાંચ કલાક તમારે એક જ સ્થળે બેસી રહેવું પડતું હોય છે. મારી વાઇફ અને બાળકો માટે આ બહુ બોરિંગ બાબત છે. એટલી ધીરજ તેમનામાં નથી. જોકે આ ધીરજનાં મીઠાં ફળ મેં ચાખી લીધાં છે એટલે મારા માટે એ બહુ જ નગણ્ય બાબત હોય છે. તમે જંગલમાં છૂટાં જંગલી પ્રાણીઓની વચ્ચે ફરતા હો ત્યારે તમારો જીવ અધ્ધર જ હોય પરંતુ એ થ્રિલની પણ પોતાની મજા છે.’
વાઇલ્ડ વાતો
તાડોબા, રણથંભોર જેવાં ભારતનાં વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીની મુલાકાત લઈ ચૂકેલા અનુજભાઈ આફ્રિકાના કેન્યાના મસાઇમારાના કેટલાક અનુભવો શૅર કરતાં કહે છે, ‘દુનિયામાં ઘણું એવું છે જે પહેલી નજરે તમે સાંભળો તો અનબિલીવેબલ લાગે. નૅશનલ જ્યૉગ્રાફિક ચૅનલનાં દૃશ્યો પણ જો લાઇવ જુઓ તો ભલભલાના ધબકારા વધી જાય એવાં હોય છે. સપ્ટેમ્બર મહિનામાં મસાઇમારામાં એક સ્થળેથી ઝીબ્રા રિવરક્રૉસિંગ કરતા હોય. વરસાદને ફૉલો કરવા માટે તેમનું આખું ઝુંડ એકસાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ રીલોકેટ થઈ રહ્યું હોય. એ નદીમાં મગરમચ્છ પણ ખરા. હવે જ્યારે હજારોની સંખ્યામાં ઝીબ્રા એ નદી પાર કરીને સામેના કિનારે જાય ત્યારે એમાંથી થોડાક કમનસીબ ઝીબ્રા તાકીને છૂપા બેસેલા મગરમચ્છના મોઢામાં ઝડપાઈ જાય. પોતાના સાથીને શિકાર થતો જોઈને એની આગળ-પાછળના ઝીબ્રાનું રીઍક્શન કેવું હોય, સર્વાઇવલ માટેની એ છટપટાહટ વગેરેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એ નજારો જોવા માટે અમે કલાકો સુધી છુપાઈને એક જગ્યાએ બેસી રહેલા, પણ જ્યારે એ બધું જ આંખ સામેથી પસાર થતું હતું ત્યારે વિશ્વાસ નહોતો થતો કે આ વાસ્તવિકતા છે કે કોઈ કલ્પના. કેન્યાના એક જંગલમાં પાંચ ચિત્તાઓનું ગ્રુપ છે. પાંચેય ભાઈઓ છે અને બહુ જ ટૂરિસ્ટ ફ્રેન્ડ્લી છે. આજ સુધી તેમણે ક્યારેય કોઈને હાર્મ નથી કર્યું. જોકે છે તો આખરે વાઇલ્ડ ઍનિમલ જને. હવે એક સ્પૉટ પર હું એમના ફોટો લઈ રહ્યો હતો. મસ્ત મજાનો એક ઝાડ પાસે એ બેઠો હતો. હું લેન્સ સેટ કરીને હજી તો એનો ફોટો લેવા જઈ રહ્યો હતો ત્યાં જોયું તો ચિત્તો ગાયબ હતો. હજી તો હું કંઈ વિચારું એ પહેલાં અચાનક મારી બાજુમાંથી અવાજ આવતો હતો. વૅનની બહાર અને મારી એકદમ નજીક. ધારે તો એક પંજામાં મારી ગરદન પકડી શકે એવો નજીક. નસીબથી કંઈ થયું નહીં. આવા તો ઘણા બનાવો બન્યા છે. જંગલમાં રાતે ટેન્ટમાં સૂતો હતો અને બહાર જંગલી પ્રાણીનો અવાજ અને જાણે ટેન્ટને સ્ક્રૅચ કરતો હોય એવું સંભળાય. ગાઇડને પૂછો તો કહે કે હા, કોઈ ઍનિમલ છે, તું સૂઈ જા એમ કહીને તમારો ગાઇડ સૂઈ જાય પરંતુ તમે આખી રાત ડર અને ફફડાટ સાથે પસાર કરો એવું પણ બન્યું છે.’
જંગલી પ્રાણીઓની સૃષ્ટિને અનુજભાઈએ પોતાની કાયમી યાદો બનાવવા માટે પ્રોફેશનલ કૅમેરા અને લેન્સિસ વગેરે વસાવી લીધા છે. પ્રમાણમાં આ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી ટ્રાવેલ મોંઘી પડતી હોવા છતાં તેઓ વધુમાં વધુ પ્રયાસો જંગલોમાં ફરવા મળે એના કરતા હોય છે. 
શીખાય એટલું શીખો
પ્રવાસ તમને ઘણુંબધું શીખવતા હોય છે. અનુજભાઈ કહે છે, ‘વાઇલ્ડલાઇફ ટૂરમાંથી હું પર્સનલી ઘણું શીખ્યો છું જેમ કે તમે ગ્રુપમાં રહેશો તો સર્વાઇવ થશો. યુનિટીનું વાઇલ્ડ ઍનિમલની દુનિયામાં પોતાનું મહત્ત્વ હોય છે. ગમે તેવા કપરા સંજોગોમાં સર્વાઇવલ માટે જો દૃઢ ઇચ્છાશક્તિ અને સ્માર્ટનેસ હોય તો તમે સર્વાઇવ થઈ શકતા હો છો, પણ આ તો વાઇલ્ડ ટૂરની વાત થઈ. તમે અન્ય પ્રવાસોમાં પણ ઍડ્જસ્ટમેન્ટ, અચાનક આવી પડેલી પરિસ્થિતિમાં કેમ ટકવું વગેરે શીખતા જ હો છો. ગુજરાતી મિત્રોને મારે ખાસ કહેવું છે કે ફરવા જાઓ ત્યારે ખાવાપીવાના આગ્રહો છોડી દો. પેટ ભરવા માટે તમારી ડાયટને અનુકૂળ જે પણ મળી જાય એ ખાઈને ફોકસ પ્લેસ પર કરો. વેજિટેરિયન હો તો લોકલ જે પણ શાકાહારી મળે એ ખાવાની પદ્ધતિને અપનાવો. બીજા દેશમાં પણ તમે ઘર જેવાં રસપૂરીનો આગ્રહ રાખતા હો તો એ યોગ્ય નથી. જે સ્થળે જાઓ છો એ સ્થળ પ્રમાણેનું પ્લાનિંગ કરો. ત્યાંના નિયમોને સમજો. કેન્યા જેવા દેશમાં જાઓ તો તમને ખબર હોવી જોઈએ કે ત્યાં સેફ્ટીનો પ્રશ્ન એટલો વિકટ છે કે રસ્તા પર એકલા ચાલવાનું પણ ત્યાં અલાઉડ નથી.’

columnists ruchita shah