03 May, 2026 01:55 PM IST | Mumbai | Sairam Dave
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મેં મારા ફાધર પાસેથી એક વાત વારંવાર સાંભળી છે, ‘વ્યાજને રવિવાર નથી હોતો.’
જો વ્યાજને રવિવાર ન હોય તો સ્વાભાવિક છે કે વ્યાજે મળતી લોનને પણ રવિવાર ન હોય અને એમ છતાં માણસને લોન લેવાની કુટેવ લાગુ પડી ગઈ છે. જો લોન પર હાથી મળે તો આપણો ભાયડો હાથી લઈ આવીને ઘરની બહાર બાંધી દે. ગુજરાતીમાં બહુ સરસ કહેવતો છે. મને ગમતી એક કહેવત મારે અત્યારે અહીં ટાંકવી છે : પછેડી એવડી સોડ કરાય. હું તો એવું કરું જ, પણ મારી સાથે મારા મિત્રો પાસે પણ એવું કરાવું. મારો જિગરિયો અમિત પણ આ વાતને પાળે. પણ ભાઈ, બૈરા પાસે ક્યાં કોઈનું ચાલ્યું છે.
‘ગોંડલનું મકાન વેચીને હવે આપણે રાજકોટ ભેગું ન થઈ જવું જોઈએ?’
ભાભીએ મીઠી જીભે ઝેરી જીદ આચરી. અતુલે ઠંડે કલેજે દલીલનો ઉત્તર વાળ્યો...
‘ગાંડી, આ મંદીમાં કેટલાય ખેરખાંઓ રાજકોટ મૂકીને ગામડા ભેગા થયા અને આપણને રાજકોટ કેવી રીતે પોસાય?’
‘મારી બધી બેનપણીઓ રાજકોટ શિફ્ટ થઈ ગઈ, પણ તમારું મન માનતું નથી...’
‘જાનુ, મન તો મારું માને છે પણ મારું ખિસ્સું માનતું નથી. ગોંડલનું મકાન વેચીને રાજકોટના કાલાવડ રોડ પર એક વૉશરૂમ માંડ આવશે.’
અતુલે વાસ્તવિકતાનો ઘટસ્ફોટ કર્યો, પણ ભાભી એકનાં બે ન થયાં. ૨૦૦ વારના મકાનમાંથી હવે અતુલે પ૦ સ્ક્વેરફુટના બાથરૂમમાં ડોલ ખોળામાં લઈને નહાવું પડશે ને ૪ જણથી વધારે લોકો ઘરે પધારે તો એકાદાએ ઊભા રહેવું પડશે. આ બધા વિચાર સાથે અતુલે રાજકોટની વાટ પકડી.
રાજકોટના ધોરીમાર્ગ પર અલગ-અલગ બિલ્ડર ગ્રુપની લોભામણી જાહેરાતો અતુલ વાંચતો ગયો. એક બોર્ડ પર ‘રેડી પઝેશન’ લખેલું હતું, પરંતુ આ વાંચીને અતુલ મનમાં બબડ્યો, ‘મારી પોઝિશન ક્યાં રેડી છે?’ ‘ચાવી તૈયાર છે!’ આવું જાહેરાતનું બોર્ડ વાંચીને અતુલે વિચાર્યું, ‘હા, પણ ચેક ક્યાં તૈયાર છે?’ ‘સપનાનું ઘર’નું બોર્ડ વાંચીને અતુલ બબડ્યો, ‘આટલો ખર્ચો કરીને સપનાના ઘરમાં શું કામ રહેવું? આપણે આપણા ઘરમાં ન રહીએ!’
કેટલીક જાહેરાતોમાં સાઇટનું સરનામું રાજકોટનું હતું, પરંતુ ફોટો ફૉરેનરના હતા. અતુલ બે ઘડી ગોટે ચડ્યો કે આટલી સુંદર વિદેશી મહિલા આપણા પાડોશમાં રહેતી હોય તો સોસાયટીમાં કોઈ નોકરીએ જાય જ નહીં. વળી આવી મહિલા આપણા ઘરે ખાંડ માગવા આવે તો-તો આપણે વાટકાને બદલે ખાંડની ગૂણ આપી દઈએ. જોકે ત્યાર બાદ ફૉરેનના ફોટોવાળી સાઇટની અતુલે જાતતપાસ કરતાં માલૂમ પડ્યુ કે ત્યાં ભોજ્યો ભાઈ પણ વિદેશનો નથી, ગોધરાની મહિલાઓ તગારાં ચડાવે છે. આ રીતે અતુલનો પ્રથમ મોહભંગ થયો.
સાચાં બિલ બતાવવાથી જે કાયમ ડરે તેને ‘બિલ્ડર’ કહે છે. એક એવા બિલ્ડરે અતુલને ટૂ બેડ-હૉલ-કિચનનો ફ્લૅટ બતાવ્યો જે અતુલને ‘ટૂ બૅડ’ લાગ્યો. પરિસ્થિતિ ઝૂકી જાય એટલી નાજુક લાગતાં તે બિલ્ડર ફ્લૅટવાંછુક અતુલને પોતાના સાઢુભાઈની બીજી સાઇટ પર લઈ ગયો.
ત્યાં થ્રી બેડ-હૉલ-કિચન અને ઍનિમિટીઝમાં જિમ અને સ્વિમિંગ-પૂલ લટકામાં મળતાં હતાં. ‘બૅન્ક સાથે સેટિંગ છે, તમે બસ વિશ્વાસ રાખીને ટોકન આપી દો.’ પેલા બિલ્ડર સાઢુની વાક્પટુતાથી અતુલ અંજાઈ ગયો. પોતાની નિર્ણયશક્તિ બહુ નબળી છે એ મહેણું ભાંગવા માટે અતુલે તત્કાળ ફ્લૅટ ફાઇનલ કર્યો. અંકે એકાવન હજાર પૂરાનો ચેક લખીને વાઇફને કાલે બર્થ-ડે સરપ્રાઇઝ આપવાનું તેણે નક્કી કર્યું.
‘ધાર્યું ધણીનું થાય’ આ સૂત્ર આપણી ભાષામાં જ્યારે લખાયું હશે ત્યારે આ દેશમાં સ્ત્રીઓ મુખ્ય પ્રધાન, વડા પ્રધાન કે રાજ્યપાલ બનતી કે બદલાવતી ન હોય. બાકી ધાર્યું તો ધણિયાણીનું જ થાય! અથવા જ્યાં ધણીનું ધાર્યું થાય છે ત્યાં ધણીએ શું ધારવું એ ધણિયાણી નક્કી કરે છે.
‘હવે ટોકન દેવાઈ ગયું છે!’ના જયઘોષ સાથે અતુલે ભાભીને બર્થ-ડેના દિવસે સૅમ્પલ ફ્લૅટમાં ‘સૅમ્પલ કંકુપગલાં’ કરાવ્યાં. ‘આટલી જલદી તો તમે મારું ટોકન પણ નહોતું આપ્યું!’ આટલું કહીને ભાભીએ અતુલને યાદ કરાવ્યું કે આપણી સગાઈ ફાઇનલ કરવામાં ૩ મહિના થયા હતા તો આ ફ્લૅટ ૨૪ કલાકમાં કેવી રીતે ફાઇનલ થાશે?
‘તું મારા જીવનમાં આવી છો પછી જ મારી નિર્ણયશક્તિ ફાસ્ટ બની છે.’ કહીને અતુલે વાત ટૂંકાવી. ૪૫ લાખનો રાજકોટનો ફ્લૅટ ફાઇનલ થાતાં તો થઈ ગયો, પરંતુ અતુલના શાંત જીવનમાં આગામી ૪૫ મહિનાઓ સુધીનો ઉત્પાત જગાવતો ગયો.
ગોંડલના મકાનના માંડ બાવીસ લાખ આવશે, ૩ લાખ રોકડા હાથવગા ભાભીએ અતુલનાં જ ખિસ્સાં અને ખર્ચામાંથી બચાવેલા આપ્યા. તોય વીસ લાખ રૂપિયાની લોન લેવી પડશે. લોનને ઊલટાવો એટલે ‘ન લો’ થાય, પણ તોય કોઈને ક્યાં સમજાય?
ટોકન દેવાઈ ગયું’તું એટલે હવે લોન ન લ્યે તો પોતાની દેવાઈ જાશે. આ વિચારે અતુલે SBI બૅન્કમાં લોનાપેક્ષાએ વિજયપ્રવેશ કર્યો. ‘પોતે કલાકાર છે અને સાંઈરામ દવે સાથે દેશવિદેશના પ્રવાસો કરે છે’ આવી રજૂઆતની હિન્દીભાષી બૅન્ક-મૅનેજર પર કશી અસર ન વર્તાઈ. શુષ્ક નજરે તેણે કહ્યું, ‘IT રિટર્ન કિધર હૈ?’
‘આયથી રિટર્ન શું કામ? હમારા ખાતા ઇધર હી હૈ!’ અતુલે રાબેતા મુજબ ઉતાવળો જવાબ આપ્યો
‘સર, આપકા ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ નહીં હૈ!” મૅનેજરે ફોડ પાડીને પૂછ્યું.
‘સર, રિટર્ન ભરવા પડશે.’ બાજુમાં બેઠેલા બૅન્કના ગુજરાતી કૅશિયરે ચોખવટ કરી ત્યારે અતુલે કહ્યું કે તો હવે રિટર્ન ભરવા માટેની લોન ક્યાંથી મળશે એ કહો! એનુંય ટોકન દઈ દઉં, બીજું શું. એકનોય ગોવાળ ને એકવીસનોય ગોવાળ! અતુલના જવાબ પછી બીજા દિવસે બૅન્ક-મૅનેજર રજા પર હતો એવા સમાચાર છે. લોનની પ્રોસીજરમાં પછી આગળ શું થયું એની વાતું હવે આપણે આવતા રવિવારે કરશું હોં...
ન્યાં લગી લોન લેવાનું માંડી વાળજો. અતુલની હાલત જોઈને પછી નક્કી કરજો લોન લેવી કે નો લેવી લોન?