કેમ બની ગયો આ મેકૅનિકલ એન્જિનિયર હાઉસ-હસબન્ડ?

08 March, 2026 02:42 PM IST  |  Mumbai | Aashutosh Desai

આજના ઇન્ટરનૅશનલ વિમેન્સ ડે પર મળો દરેક મહિલાના આદર્શ પુરુષને

અમિત દુબે

ભારતના એક મજાના ટૅલન્ટેડ ફિલ્મમેકર છે. નામ છે, આર. બાલ્કી. જેમણે ‘ચીની કમ’, ‘પા’, ‘શમિતાભ’, ‘પૅડમૅન’, ‘ચુપ’, ‘ઘૂમર’ જેવી અનેક મસ્ત મજાની અને હટકે ફિલ્મો બનાવી છે. બાલ્કીસાહેબની ૨૦૧૬ની સાલમાં એક ફિલ્મ આવી હતી. ‘કિ ઍન્ડ કા’. યાદ છે? અર્જુન કપૂર અને કરીના કપૂરને લીડ રોલમાં ચમકાવતી આ ફિલ્મે એ સમયે બન્ને પ્રકારના પ્રતિભાવો મેળવ્યા હતા. કેટલાકે કહ્યું હતું કે આ સમાજમાં એક નવો ચીલો ચીતરનારી ફિલ્મ છે, તો કેટલાકે કહ્યું હતું કે સમાજને બગાડનારી આ ફિલ્મે શું પુરુષોને સ્ત્રૈણ અને સ્ત્રીઓને મર્દાના (ભાયડાછાપ) બનાવી મૂકવાં છે?

ખેર, એ ફિલ્મને તો જોકે હવે ૧૦ વર્ષ થઈ ચૂક્યાં છે પણ આજે અહીં આપણી વાતમાં એ ખાસ યાદ આવવાનું કારણ એટલું જ કે ફિક્શન ફિલ્મ ‘કિ ઍન્ડ કા’ને જાણે એનાં સાચકલાં પાત્રો મળી ગયાં છે. આપણા એ સાચકલા ‘કા’નું નામ અમિતકુમાર દુબે. અર્જુન કપૂરના પાત્રની જેમ જ આ કા પણ ભણેલો-ગણેલો હાઉસ-હસબન્ડ છે. મેકૅનિકલ એન્જિનિયર થયેલા અમિત વિશે આટલું જાણીને નક્કી આપણને એવો વિચાર આવે કે ‘અલા, ગાંડો થઈ ગયો છે આ માણસ? આમ કંઈ કામધંધા કે નોકરી છોડીને ઘરમાં બેસી જવાય? ઘરે રહીને કરી-કરીને શું કરે હેં? રસોઈ બનાવે, કપડાં ધોઈ નાખે અને કચરા-પોતું. પણ અલા આટલાને માટે એન્જિનિયર થયેલા ભાયડાએ કંઈ નોકરી છોડીને ઘરે બેસી જવાય?’

પ્રશ્ન જેવો તમને થાય છે એવો જ અનેકોને થાય છે એટલે જ થયું કે આજે અમિત દુબેની જરા વિગતે વાત કરીએ. જાણીએ તો ખરા ભાઈના જીવનમાં ચાલે છે શું અને થયું હતું શું.                                

મેકૅનિકલ એન્જિનિયર અમિત દુબે

સામાન્ય રીતે આપણા સમાજની વ્યવસ્થા કંઈક એ રીતે ગોઠવાયેલી છે કે પરિણીત યુગલમાં મહદ અંશે સ્ત્રી ઘરની જવાબદારી સંભાળે અને પુરુષ આર્થિક ઉપાર્જનની. પણ સમાજવ્યવસ્થાની સહુલિયત ખાતર ઊભી કરાયેલી આ વ્યવસ્થામાં બીજી અનેક વ્યવસ્થાઓની જેમ જ ધીરે-ધીરે કેટલીક એવી બદીઓ પ્રવેશી કે શું કહેવું. કેટલાંક ઘરોમાં તમે જાઓ તો પતિ મહાશય ડ્રૉઇંગ રૂમમાં આડા પડીને  ટીવી જોતા હોય, ચણા-મમરા ચગળતા બેઠા હોય. અને ધારો કે દરવાજે ડોરબેલ રણકે તો પત્ની રસોઈ કરતી-કરતી પરસેવો લૂછતી દરવાજો ખોલવા આવશે પણ પતિદેવ પોતાનો જમણો પગ ડાબા પગ પર પડ્યો હોય એ હલાવવાની સુધ્ધાં તસ્દી ન લે. આવી કથળેલી વ્યવસ્થા વચ્ચે મૂળ બિહારના વતની અમિત દુબેએ એક નવો ચીલો ચાતર્યો છે. હાઉસ-હસબન્ડ તરીકે ઘરની જવાબદારી સંભાળવાનો.

આજે વિમેન્સ ડે છે ત્યારે આપણે એ અમિત દુબેની કહાણી જાણીને ઊજવીએ. ગર્વથી પોતાને હાઉસ- હસબન્ડ ગણાવતાં અમિત કહે છે, ‘હું એક ફુલટાઇમ હાઉસ-હસબન્ડ છું. હું રસોઈ બનાવું છું, રોજિંદી સાફસફાઈ કરું છું અને સાથે જ અમારી દીકરીનું પણ ધ્યાન રાખું છું.’

બિહારના ચંપારણનું મોતીહારી ગામ અને એ ગામમાં રહેતા અમિત મેકૅનિકલ એન્જિનિયર થયેલા છે અને તેમને પોતાના રોલ માટે કોઈ પૂછે છે ત્યારે તેઓ કહે છે, ‘મેં એમાં નવું શું કર્યું છે? પતિ-પત્નીમાંથી કોઈ એકે ઘરની જવાબદારી સંભાળવી જોઈએ અને એ હું કરી રહ્યો છું. નોકરી કરતી મારી પત્ની માટે ખાવાનું બનાવવામાં કે તેનાં કપડાં ધોઈ, સૂકવી, ગડી કરી દેવામાં મને કોઈ શરમ નથી. અમે લગ્ન કર્યાં ત્યારે એમાં ક્યાંય કોઈ એવી શરત તો હતી નહીં કે ઘરકામ પત્ની જ કરશે અને નોકરી કરવા પતિ જ જશે.’

વાત કંઈક એવી છે કે એન્જિનિયરિંગનું ભણતા અમિતને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો. છોકરીને પણ અમિત ગમતો હતો અને બન્ને વચ્ચે ઇઝહાર-એ-મહોબ્બત પણ થઈ ગયો. અહીં સુધીની કહાણી બધી સામાન્ય જેવી જ ચાલી પણ પ્રેમિકાએ તેના પ્રેમીના પ્રેમપ્રસ્તાવની હામી ભરતાં પહેલાં એક શરત મૂકી. કહ્યું કે આપણે બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ પરંતુ હું તારી સાથે લગ્ન તો જ કરીશ જો મારા ઘરવાળા હા પાડે, જો તેમની મરજી નહીં હોય તો હું તારી સાથે લગ્ન નહીં કરું.

‘જમતો પરોણો ભેંસ કબૂલે!’ એ કહેવતને સાચી પાડતાં યુવાન પ્રેમીએ પ્રેમિકાની આ શરત માની લીધી. અને નસીબ સંજોગે ખાસ કશું લડવા જેવું આવ્યું પણ નહીં. અમિત દુબેનો પ્રેમ પ્રેમિકાના ઘરે સ્વીકારાઈ ગયો અને બન્નેનાં લવ-મૅરેજ પલટાઈ ગયાં અરેન્જ્ડ મૅરેજમાં. ચંપારણના એન્જિનિયર અમિતને એક ફાર્મસ્યુટિકલ કંપનીમાં નોકરી પણ મળી ગઈ. આ વાત છે ૨૦૧૫ની. કંપનીનો પ્લાન્ટ હિમાચલ પ્રદેશના બદ્દી ગામમાં હતો. આથી અમિતભાઈ નોકરી અર્થે પોતાનું ઘર છોડી ચાલ્યા ગયા હિમાચલ. આ સુખરૂપ ચાલતી પારિવારિક કહાણીને માંડ હજી એકાદ વર્ષ થયું હશે ત્યાં એક દિવસ અમિતને ફોન આવે છે, ‘ઘરમાં મેડિકલ ઇમર્જન્સી આવી પડી છે, તરત આવો.’ નોકરીમાં રજાની અરજી મૂકી એન્જિનિયર સાહેબ ફરી બિહાર, ઘરે આવી ગયા. પણ ઘરે આવી તેમણે જોયું કે મેસેજમાં જેટલી ગંભીરતા જણાતી હતી એના કરતાં પરિસ્થિતિ વાસ્તવમાં ક્યાંય વધુ ખરાબ હતી. અને પત્ની એકલે હાથે બધી લડાઈઓ લડી રહી હતી. પત્નીને મદદની જરૂર હતી અને પરિવારમાં આર્થિક અને મેડિકલ ઇમર્જન્સી પણ હતી. સંજોગો કંઈક એવા સર્જાયા કે અમિત જે નોકરીમાં રજા મૂકીને ઘરે આવ્યા હતા એ ફરી પોતાની નોકરી પર જઈ જ ન શક્યા.

ઘરમાં મોટો દીકરો અને મંજૂરી સાથે થયેલાં પ્રેમલગ્ન. દીકરો અને તેની પરણેતર બન્ને પોતાની જવાબદારીઓ ભલીભાંતિ સમજતાં હતાં. આથી જ મૂંગા મોઢે સાસરિયાંની સેવા કરી રહેલી પત્નીને જોઈ અમિતને થયું કે હમણાં મારી જરૂર હિમાચલના પ્લાન્ટમાં નહીં પરંતુ ઘરમાં છે, જો હું ઘરમાં રહી મદદ કરું તો પત્ની નોકરીએ પણ જઈ શકે અને મારો પરિવાર પણ સંભાળાઈ જાય.

પરિસ્થિતિ ધીરે-ધીરે ફરી પાટે ચડવા માંડી અને બધું ઠરીઠામ થયું ત્યાં અમિતનાં પત્નીની સરકારી બૅન્કની નોકરીમાં ટ્રાન્સફર આવી. નવી કર્મભૂમિ હતી કલકત્તા. પત્ની સાથે અમિત ફરી એક વાર પોતાનું મોતીહારીનું ઘર છોડીને કલકત્તા માટે રવાના થયા. પત્નીએ કલકત્તામાં બૅન્કમાં જઈ નોકરી શરૂ કરી દીધી અને અમિતે પણ પોતાના ભણતર અનુસાર નવી નોકરી શોધી લીધી. અહીં સુધીની કહાણી ફરી એક વાર બીજી સામાન્ય કહાણીઓની જેમ જ ગોઠવાઈ ગઈ.

પણ ત્યાં જ વળી એક નવો વળાંક આવ્યો. કલકત્તામાં વસવાટ શરૂ થયે હજી થોડા મહિના જ થયા હતા ત્યાં અમિતની પત્નીને મિસકૅરેજ થઈ ગયું. શરીરમાં નબળાઈ અને મનથી ભાંગી પડ્યા હોવાની પરિસ્થિતિ. એવામાં વળી એકલું રહેતું યુવાન યુગલ અને મૂળ વતન છોડી કલકત્તા જેવા નવા શહેરમાં વસવાટ. ફરી એક વાર પરિસ્થિતિ એવી સર્જાઈ કે અમિતે નોકરી છોડી પત્ની સાથે ઘરમાં રહેવું પડે એમ હતું. આ નિર્ણય એટલા માટે પણ જરૂરી હતો કે પત્નીની સરકારી નોકરી હતી અને અમિતની પ્રાઇવેટ જૉબ. આપણે બધા જાણીએ છીએ કે ખાનગી કંપનીની નોકરીમાં ચાહો ત્યારે અને ચાહો એટલી રજા નથી મળતી, જ્યારે અમિતનાં પત્ની પાસે તો પ્રેગ્નન્સી અને મિસકૅરેજને કારણે કથળેલું સ્વાસ્થ્ય બન્ને કારણો હતાં નોકરીમાંથી લાંબી રજા લેવાનાં. પત્નીની તબિયતની કાળજી લીધી. ફરી તે નોકરી જવા યોગ્ય થઈ ત્યારે ફરી અમિતે પોતાના માટે નોકરી શોધવાનું આરંભ કર્યું. ફરી એક વાર બીજી સામાન્ય કહાણીઓની જેમ જ આ કહાણી પણ ગોઠવાઈ રહી હતી.

એટલામાં ફરી એક નવો વળાંક આવ્યો. આ વખતે આ વળાંક આનંદ અને સુખાકારી લઈને આવ્યો હતો. અમિતના ઘરે લક્ષ્મીનું અવતરણ થયું. આ પહેલાં એક બાળક જન્મ પહેલાં જ ગુમાવ્યાનો અનુભવ જીરવી ચૂક્યાં હતાં બન્ને. અમિત હવે દીકરીના અવતરણ બાદ કંઈક એવું નક્કી કરવાના હતા જેની કલ્પના તેની પત્નીએ પણ કરી નહોતી. અમિતે કહ્યું, ‘સરકારી નોકરી સાથે બાળકીની જવાબદારી પણ નભાવવાની. બન્ને જવાબદારીઓમાં એકસાથે પગ રાખી સુપેરે ચાલતા રહેવું શક્ય નહીં બને. એક કામ કરીએ, તું તારી નોકરી ચાલુ રાખ, હું ઘરમાં રહી ઘરની જવાબદારીઓ સંભાળીશ અને દીકરીનો ખ્યાલ પણ રાખીશ.’

ક્યારેય અફસોસ નથી થતો?

અમિત કહે છે, ‘ના કહીશ તો ચોક્કસ હું જુઠ્ઠું બોલી રહ્યો છું એમ કહેવાશે. થાય છે, ક્યારેક એકલો હોઉં ત્યારે અફસોસ થાય છે. એમાંય ખાસ ત્યારે જ્યારે પરિવારનો વિચાર મને ઘેરી વળે છે. મારાં માતા-પિતા, મારા નાના ભાઈઓ આ બધામાંથી કોઈએ પણ ક્યારેય મારા આ નિર્ણય પર પ્રશ્ન નથી ઉઠાવ્યો. ઊલટાનો મને સાથ આપ્યો છે. છતાં ઘરમાં સૌથી મોટો દીકરો હોવાને કારણે ઘણી વાર એવું થાય કે મારી મારા ઘર અને મારા પરિવાર પ્રત્યે પણ કંઈક જવાબદારી છે અને એ હું નોકરી નહીં કરીને પૂર્ણ નથી કરી રહ્યો. આ વિચાર ક્યારેક મને અકળાવે છે.’         

તો શું અમિતની પત્નીને ક્યારેય એવું નહીં થતું હોય કે પુરુષ થઈને ઘરકામ કરતો રહે છે એના કરતાં કોઈ નોકરી કરતો હોય તો? સહજીવન શું છે, સમજણ અને સ્વીકારનો સમન્વય ખરુંને? બસ, અમિત અને તેની પત્ની વચ્ચે આ બન્ને ભરપૂર છે. અમિત અને તેની પત્ની બન્નેએ સમજણપૂર્વક એ સ્વીકારી લીધું છે કે આર્થિક ઉપાર્જન માટે હું નોકરી કરીશ અને ઘરની અને દીકરીની જવાબદારીઓ અમિત સંભાળશે.

અમિત કહે છે, ‘પણ આ અફસોસની સાથે જ એક ખુશી પણ છે. મારા પરિવારમાં હું સૌથી મોટો દીકરો છું અને અમારે કોઈ બહેન નથી. આથી નાનો હતો ત્યારથી જ હું મારી માને ઘરકામમાં મદદ કરતો હતો. તો એમ કહી શકું કે એ સમયે જે હું મારી મા માટે કરતો હતો એ આજે હવે પત્ની માટે કરું છું.’  

અમિત અને તેની દિનચર્યા

સવારથી પોતાના કામમાં લાગી જતા અમિત વહેલી સવારે પત્ની અને પોતાના માટે નાસ્તો બનાવે છે. ત્યાર બાદ પત્નીના ટિફિન માટે ખાવાનું પણ રાંધી દે છે. ત્યાર બાદ શરૂ થાય છે ઘરની રોજિંદી સાફસફાઈનું કામ. કચરા-પોતું, વાસણ અને કપડાં વગેરે થઈ ગયા બાદ તે દીકરીને હોમવર્ક કરાવવામાં મદદ કરે છે.

અમિતની દિનચર્યા ભલે આમ ત્રણ જ લીટીમાં લખાઈ ગઈ હોય પણ જેટલી સ્ત્રીઓ આ લેખ વાંચી રહી હશે તેમને ખબર હશે કે આ ત્રણ લીટી વાસ્તવમાં માત્ર ત્રણ લીટી જેટલી જ નથી. આટલામાં પણ ક્યારે આખો દિવસ પસાર થઈ જાય એ ખબર નથી પડતી અને છતાં કોઈ ને કોઈ કામ તો હજી બાકી કે અધૂરું જ હોય છે, ખરું કે નહીં?

પણ હવે ૧૦ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવાને કારણે આપણે એમ કહી શકીએ કે અમિત ખરેખર એક સુપર હોમ મૅનેજર બની ચૂક્યો છે. ઘરકામની સાથે-સાથે ભાઈસાહેબ સોશ્યલ મીડિયા પણ મસ્ત મજાનું મૅનેજ કરી લે છે. ‘હાઉસ-હસબન્ડ અમિત’ તરીકે તેણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર અસંખ્ય ફૉલોઅર્સ બનાવી લીધા છે. આવું જ્યારે તમે કહોને ત્યારે અમિત તરત બોલી ઊઠે છે, ‘ના ના, એવું નથી. આમ તો મેં મારા ખાલી સમયમાં એક ફૂડ-બિઝનેસ શરૂ કરવાનો પ્લાન લગભગ ફાઇનલ જ કરી નાખ્યો હતો. (છેને આ પણ ‘કિ ઍન્ડ કા’ના હીરો જેવો જ ‘કા’?) પણ ત્યાં જ મને થયું કે એક ઇન્સ્ટાગ્રામ પેજ શરૂ કરું તો? અને ત્યાર બાદ લોકોએ મને પ્રેમ આપ્યો એ જોઈ હું ખૂબ ખુશ છું. સોશ્યલ મીડિયામાં એવા ઘણા લોકો છે જે મારા કામને વૅલિડેટ કરે છે. સાચું કહું તો એ જાણી સારું લાગે છે. પોતાને માટે ગર્વ અનુભવાય છે.’

સમાજ અને એમાં બનાવાયેલી વ્યવસ્થા વાસ્તવમાં તો સાનુકૂળતા અને એકબીજાને મદદરૂપ થઈ શકવાના આશયથી જ બનાવાઈ હોય છેને? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો અમિત આ ‘હા’ માટેનો પ્રેરણાસ્રોત છે, જેણે પતિ તરીકેના અહંકારી અભિમાનની જગ્યાએ પાર્ટનરશિપ પસંદ કરી, જેણે સમાજની ખોખલી માન્યતાઓની જગ્યાએ જવાબદારીનું ચયન કર્યું. પોતે મેકૅનિકલ એન્જિનિયર થયેલો હોવા છતાં ઘરે રહી તેણે પોતાની પત્નીને સપોર્ટ કરવાનું અને દીકરીની કાળજી લેવાનું પસંદ કર્યું. અને આ બધી જ પસંદગી પછી પણ તેને ક્યારેય ઇન્સિક્યૉરિટી કે નિમ્ન ભાવ મહેસૂસ નથી થતો. હું પુરુષ થઈને કે હું પતિ થઈને ઘરકામ કરું? આવો બેહૂદગીભર્યો પ્રશ્ન તેને ઘરકામ કરતાં રોકતો નથી એ મહત્ત્વની બાબત છે.

આજે વિમેન્સ ડે છે. તમે તો પત્નીને સોના, ચાંદી કે હીરાજડિત હાર લઈ આપીને બહાર હોટેલમાં ખાવા લઈ જઈને, લૉન્ગ ડ્રાઇવ પર લઈ જઈને કે બુકે અથવા ચૉકલેટ્સ આપીને ઊજવશોને? એક વાત કહું? આજે આવું કશું પણ કર્યા વિના માત્ર એટલું કહી જોજો કે ‘આજે આખો દિવસ તું બેસ, આરામ કર. ઘરનું બધું કામ હું કરી નાખું છું.’ તેના ચહેરા પર જે ખુશી કે પ્રેમ કે આનંદના ભાવ આવશેને... જોઈને ખરેખર જલસો પડી જશે...

womens day columnists gujarati mid day lifestyle news life and style