29 April, 2026 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિન્નરી શાહ KES સંચાલિત શ્રી વિઠ્ઠલદાસ સંઘવી જુનિયર કૉલેજમાં અસિસ્ટન્ટ ટીચર તરીકે કાર્યરત છે
આજના સમયમાં જ્યારે આપણી સવાર ઇન્સ્ટાગ્રામના નોટિફિકેશન કે વૉટ્સઍપના મેસેજથી પડે છે ત્યારે મને મારા બાળપણના એ દિવસો યાદ આવે છે જ્યારે મારી સવાર કોઈ પુસ્તકનાં પાનાંની સુગંધ સાથે પડતી હતી. પુસ્તકો સાથેનો મારો પહેલો પરિચય મમ્મીએ કરાવ્યો હતો. કહેવાય છેને કે મમ્મી જે આંગળી પકડાવે એ આખી જિંદગીનો રસ્તો બની જાય છે. એ પરિચય ક્યારે પ્રેમમાં અને પછી ગાઢ આદતમાં બદલાઈ ગયો એની ખબર જ ન પડી.
શરૂઆતમાં મારું વિશ્વ અંગ્રેજી સાહિત્યની આસપાસ હતું. નૅન્સી ડ્રુની રહસ્યકથાઓની એ મિસ્ટરી સૉલ્વ કરવી, ચંપકનાં પ્રાણીઓની વાતોમાં ખોવાઈ જવું કે પછી ચાચા ચૌધરી અને સાબુની જોડી સાથે મગજ દોડાવવું આ બધું મારી લાઇફસ્ટાઇલનો હિસ્સો હતું. પંચતંત્ર અને અકબર-બીરબલની વાતોએ મને જીવનનાં નાનાં-નાનાં લેસન્સ શીખવ્યાં. ખરો વળાંક ત્યારે આવ્યો જ્યારે હું પાંચમા ધોરણમાં પહોંચી. અમારી સ્કૂલમાં ગુજરાતી વિષય દાખલ થયો અને જાણે મારા માટે માતૃભાષાના રૂપે એક નવું જ કનેક્શન મળી ગયું. બકોર પટેલના નિર્દોષ હાસ્યમાંથી નીકળીને હું નવનીત સમર્પણ, અખંડ આનંદ અને જનકલ્યાણ જેવાં સામયિકો તરફ વળી. આ વાંચને જ મને જીવનની ફિલોસૉફી સમજવા તૈયાર કરી જેના કારણે હું રામાયણ, મહાભારત અને ભગવદ્ગીતા જેવા મહાન ગ્રંથો સાથે કનેક્ટ થઈ શકી. આજે સમજાય છે કે પુસ્તક માત્ર માહિતી નથી, એક સાથી છે.
પુસ્તકો એવાં મિત્રો છે જે ક્યારેય જજમેન્ટલ નથી હોતાં. એમને તમારી પાસેથી કોઈ અપેક્ષા નથી હોતી. બસ, તેઓ તમારી રાહ જોતાં હોય છે. જ્યારે તમે ખુશ હો ત્યારે એ તમારા ઉત્સાહને ડબલ કરે છે અને જ્યારે લો-ફીલ કરતા હો ત્યારે એ હિંમતનું કામ કરે છે. એ એક પ્રકારનું મેન્ટલ ડીટૉક્સ છે.
આજના વાલીઓને મારે એક ખાસ વાત કહેવી છે. બાળકોને ગૅજેટ્સ કે મોબાઇલ આપતાં પહેલાં તેમના હાથમાં એક સરસ પુસ્તક આપો. આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ એ સાચું, પણ જે સંસ્કાર અને શાંતિ એક પુસ્તક આપી શકે છે એ કોઈ રીલ્સ કે ગેમ્સ ન આપી શકે. જો આપણે ઘરમાં વાંચનનું વાતાવરણ બનાવીશું તો જ આવનારી પેઢી લાઇબ્રેરી તરફ વળશે.
પુસ્તકો માનસિક સ્વાસ્થ્ય માટે સુપરફૂડ સમાન છે. એ તમારી કલ્પનાશક્તિને પાંખો આપે છે અને નિર્ણય લેવાની ક્ષમતા વધારે છે. ચાલો, આ સ્ક્રીન્સની દુનિયામાંથી થોડો બ્રેક લઈએ અને ફરી એક વાર પુસ્તકોનાં પાનાંઓમાં ખોવાઈ જઈએ. પુસ્તકોને પ્રેમ કરો, કારણ કે એ પ્રેમ તમને ક્યારેય નિરાશ નહીં કરે.